છિન્નપત્ર/૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુરેશ જોષી

‘સૌ કોઈ પોતાનામાં થોડું થોડું રહસ્ય ઘૂંટતું હોય છે. એની એંધાણી મળે છે કોઈની આંખોમાં, તો કોઈના સ્પર્શમાં. કોઈ વાર બે વ્યક્તિનાં રહસ્ય એક જ કેન્દ્રમાંથી વિસ્તરતાં વર્તુળ જેવાં જણાય છે. ત્યારે એ બે વ્યક્તિ વચ્ચે એક ઊંડા સમ્બન્ધની ભૂમિકા સર્જાય છે. હું કહું છું. ઊંડો સમ્બન્ધ, કારણ કે સપાટી પર તો બીજા અનેક સમ્બન્ધોની જટાજાળ ફેલાતી જ જતી હોય છે. એ બધાંથી નીચે સરી જઈને હૃદય પેલા રહસ્યની ત્રિજ્યાઓ લંબાવ્યા કરે છે. કેટલીક વાર એ રહસ્ય કશીક વેદનામાંથી પોષણ મેળવે છે. એ વેદનાને કશી અતૃપ્તિ સાથે, કશા વિરહ સાથે, કશી વિષમતા સાથે સમ્બન્ધ હોતો નથી. એ વેદના તો વાતાવરણ જેવી હોય છે. એનો શ્વાસ લઈને જ જીવી શકાય છે. કદાચ ‘વેદના’ એ સંજ્ઞાથી એનું સાચું વર્ણન થઈ નહિ શકે, એ હૃદયને વિહ્વળ રાખે છે, આંખમાં થોડા તેજ સાથે થોડો ભેજ રાખે છે, અવાજમાં, કોઈને તો બહુ સ્પષ્ટપણે વરતાય નહીં એવો, આછો કમ્પ રાખે છે. શબ્દોમાં એને કારણે નવું આન્દોલન જન્મે છે. ઘણી વેદના અભાવની દ્યોતક હોય છે. આ વેદના એવી નથી હોતી…’ આ સવારે હું આ બધું લખવા બેઠો હતો એ આશા એ કે તું, મારી પાછળ ઊભી રહીને, મને કશી જાણ કર્યા વિના, આ બધું વાંચે ને પછી હસવું ન ખાળી શકતાં એકાએક છતી થઈ જાય ને તારા હાસ્યની છોળ જેવા જ તારા બે હાથ મને ઘેરી વળે. પણ તારા હાસ્ય માટે મારે હંમેશાં વેદનાનું જ નામ લેવું પડે?

આ ચાર દિવસથી હું બહાર ગયો નથી. આ આંધળી ઓરડીના કૃશ અવકાશને મારી આજુબાજુ વીંટતો રહ્યો છું. આજુબાજુની દુનિયા ગત જન્મના કોઈ સ્પર્શ જેવી દૂર સરી ગઈ છે ને છતાં લોપ પામી નથી. પણ આજે એનું અસ્તિત્વ ભૂગોળના નકશા જેવું છે. મારું પોતાનું નામ પણ એના પર એક ટપકું માત્ર છે, એની પાસેથી થોડી નદીઓ દોડી જાય છે. એમાંથી એક છે તું – કીતિર્નાશા. આપણા સમ્બન્ધની ભરીભરી સમૃદ્ધિને આંસુના એક પ્રચણ્ડ જુવાળમાં તું ધોઈ નાખી શકે છે. આંસુ વરસાવી ચૂક્યા પછીની આંખ કેવી નિર્મળ હોય છે! તું કદાચ એને સ્વચ્છ અને નિર્મળ બનાવવાને જ ફરી ફરી પ્રલય સરજે છે. પણ તને ખબર છે? તું સ્વચ્છ ને નિર્મળ થાય છે ને હું તારી એ સ્વચ્છતા ને નિર્મળતાની અંદર પુરાઈ જાઉં છું. મારું એ વજન તારી વેદના નથી? કદાચ તું વજનને જ આંસુથી વહાવી ઓગાળી દેવા નથી ઇચ્છતી? બીજા જન્મની તો ખબર નથી પણ કોઈક વાર આવો સમ્બન્ધ આ જન્મની પાર પણ વિસ્તરી જાય ખરો!