જનપદ/ઢંકાયો ડુંગર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઢંકાયો ડુંગર

પાતાળમાં
એક સુવર્ણરેખ
ટીમરુલાકડા પેઠે તતડ્યા કરે.
ખનીજવાટ પરથી એ વહી આવે.

કડવા લીમડાનો ઢોલ
નખથી શિખ એનો ગોરંભ.

રાત રેડે ચન્દ્ર
તો ત્રાજવાંમાં ભાર.
પડીકું થાય દોરડા પર નટ
જળાશયની હથેળીમાં પરપોટો
અડું અડુંમાં નંદવાય એવો,
વાયરે ઠેલાતો જાય.

તડકાનો લેપ
ડુંગર પર મંડરાય ગીધ
પાંખે પાંખ દોઢવાય.
હવે પાંખો છત્ર થઈ
ઢંકાયો ડુંગર.