તખુની વાર્તા/નખ
ભીખામામાના ઘેર આઈવો છેમ તા’રથી પગના ઢમઢોલ થેઈ ગેયલો અંગૂઠો હાચવા કરુ છેમ. પણ હારુ હાચવું હાચવું ને વાગે. હવારે આજીબાએ મને રહોળામાં હડફડ હડફડ તાણી ચપટીમાં લેયને અળદર ભભરાવેલી. આંગળા હાલ્લાની કોરે વ્હેલા વ્હેલા ઘહી દીધેલા તે કાળા હાલ્લામાં પીળો ઉઝરડો પડી ગેયલો. એવામાં મામીને પરહાળેથી આવતી જોઈ મને અડહેલો મારી રહોળામાંથી બ્હાર કાઢી મેઈલો ને કંઈ બઈનુ ની ઓ’ય એમ ફંફોહવા માંઈડું. મામી ચૂંચી આંખે જોતી જોતી આઈવી. કે’ : શું જોઈએ છે, મને ભસોને?
– કંઈ નંઈ વવ, એ તો ખાલી તમખીની ડબ્બી, કે’તાં આજીબાએ મને હનહારો કઈરો.
– હું જ ઘરમાં એક દૂબળી છું. ફોમ ના રહેતું હોય તો તપખીરના અભરખાં શું કરવા રાખો છો? આજ પાછો શનિવાર છે. મારે નિશાળે જવાનું મોડું થાય છે. નિશાળ વળાવશે’ કહી જવું નહીં ને મામાની છાતી પર આખો દિવસ હિલ્લોળીયા ગાયા કરવાના! : મામી બન્નેવ આ’થ પાછળ અંબોડા ગમી લેઈ ગેઈ. ગુલાબ લાખતા કતરાતા કતરાતા બોઈલી.
ઉં મામીની બાજુમથી હરકુ. ઉતાવળમાં ને ઉતાવળમાં ઉંબરે ઠોકર વાઈગી. અંગૂઠો ઝાલીને બેહી પડું. ઉંબરાના કપાળે રાતોપીળો ચાંદલો ચંપાઈ ગિયો. ઉંહકારો ભરતો નાહુ. પાછેથી મામીનો અવાજ આઈવો : ડોશી બી કંઈ ઓછી બલા નથી. પૂરા પાંચ તોલા ને ઉપર બે વાલની છે. તપખીર શોધતી હતી. તપખીર! પીળી તપખીર! સાચું બોલતી હોય તો બોલતી ને બોલતી મરે! પાછે ફરીને જોમ તો મામીને લમણે લખોટી જેવડી તપખીરિયા રહોળીનો ગબ્બો. એ થરક થરકે. મને થિયું બલીયાની ખાંધ પર મૂતરની દૂદડી પાડીયે તો બરાબ્બર આમ જ થરકે.
ખાખી ચડ્ડીના ખીસામાંની લખોટી લાવ જોસજોસથી દબાઉં. બ્હાર નીકળો તો હામે ફતીયું ભટકાયું. કૂતરું અજાણા માણહને હૂંગતું હૂંગતું આવે એમ એ પાહે આઈવું.
– મન્ન રખોટી આલની ઈ ઈ? એ પૂંછડી પટપટાવતું બોઈલું. એની લખોટી આ’રીને આઈવું લાગે છે. તારી માના લમણેથી તોડી લે ને? મનમાં મોટ્ટેથી બોલું. એવામાં એની માંજરી આંખ ચમકી ઊઠી. ઝાપટ મારી મારી ચડ્ડીના ખિસ્સામાં આ’થ ઘાલી દીધો. મારી પૂંછડી એના આ’થમાં ઝલાઈ ગેઈ. ઉં એકદમ ઊછળીને નાઠો.
વાડાની પાછેટ ખરીમાં ઘાહના કૂંદવાની પાછે ગેઈને બેઠો. પૂપી તો ચચર ચચર. જોમ તો ગીલ્લી પર વચ્ચે ગાંઠ ઓ’ય એમ રાતો રાતો હોજો. ફતિયો સાલો બડો ખેપાની છે. હું થાય? અં’ઈ તો બધા જ એની હટ તાણે છે. ગુલાબબાએ હું કરવા મને અં’ઈ ભણવા ધકેઈલો ઓહે? કાલ હવારે મામા હંગાથે અં’ઈ આવ્યા ઘેરથી નીકળો. બાની છાતીમાં માથું ઘાલી ડૂહકે ચડી ગિયો. બા કે’ : મામાના ઘેર ડાયોડમરો થઈને રહેજે ને ભણીગણીને સુરત શહેરમાં મોટો વકીલ થજે. ગણોતધારામાં બધ્ધી જમીન કરસન કલાણે આપટી લીધી એ વખતે બાપુજી વકીલને મલવાનું કે’યને ઠેઠ હવારના જતા તે હાંજે આવતા. કોરટકચેરીનાં પગથિયાં ચડીચડીને ટાંટિયા ઘહાઈ ગિયા. જમીન તો ગેય તે ગેય પાછી ની મલી. પણ બા કાયમ કે’યા કરતી : તખા બેટા! મોટો થઈને વકીલ થજે ને કોરટકચેરીમાં લડીને બાપદાદા વખતનો ગરાસ સરકાર પાસેથી ખોંચવી લેજે! મને માથામાં ખંજવાળ આવવા માંઈડી. બાપુજીની પાયરજ લેય ઊભો થઉં. બાપુજી આકાશ ગમી જોયને બબડે. બાએ કંકુ-ચોખાનું તિલક કઈરું. શકન કરાઈવા. તે આ વકીલ કેમ કરીને બનાતું અશે? રસ્તે મામાને પૂઈછું તો થૂકીને કે’ : કાળા ઝબ્ભા, કાગડાની ઓલાદ!
રઈવારે ઢોર ચારવા જીએ તા’રે ભૂરેવડ પર આમલી-પીપળી રમ્માની ને વડની મૂળીએ ટીંગાઈ તલાવડીમાં ધુબાકા મારવાની જબ્બર કરતા જબ્બર જામજામજામજા ડેપડે. ટેશન પર ગાડી આઈવી. અદ્દલ કાનખજૂરો જ જોઈ લો! મામાએ બબડતા બબડતા ધક્કો મારી ડબ્બામાં ચડાઈવો. ચઈડો કે ગબરડી મારી બારીવાળી જગા સર કઈરી. પીહોટી વાઈગી ને ટેશન ચાલી ગિયું. દાદાના સાફા જેવા પને પથરાયલું ગામ ચાલી ગિયું. એક્કી નજરે જોયા કરતું તળાવ ચાલી ગિયું. ધજા ફરકાવતી ડેરી ચાલી ગેઈ. બાના પાલવની જેમ ફફડતા ફફડતા ખેતરપાદર ચાલી ગિયા. અ’વે કીમ નદી આવહે. કીમલી તો હડી કાઢતી હામે આઈવી ને કંઈ? અં’ઈથી દપતર તરતું મેઈલું ઓ’ય તો ગામને છેક પાદરે ગેઈને અટકે. મરવા દે, ગામ ગામ કઈરા કરું છેમ તે ગામને મારી કંઈ પઈડી છે?
કીમલી વટી ની વટી ને તાપીમા આઈવી. પુલ પરથી ગાડી ખચાકખચ ચાલવા માંઈડી. તાપીમા તો આડી કપાય ને ઊભી કપાય. કપાય કપાયને ટુકડા થાય. હામે કાંઠે ચિતા બળે. બા કે’તી : અશ્વનીકુમારે બાળે એને સ્વર્ગ મળે એમ શાસ્ત્રોમાં લખ્યું છે. કાંઠે કાંઠે મોટ્ટાદીન ભૂંગળા. ગોજુ ગોજુ પાણી ધૂધવે ને ધૂધવે નીકળે. હુરત તાપીમાના મોઢામાં કોગળા કરે, ગળફા કાઢે. છી! પુલ વઈટો એટલે ઊંચમઊંચા ભૂંગળા. દાદાની વારતામાં તો રાખસ એક શીંગાડો ઓ’ય કે બૉ બૉ તો બે શીંગાડો. પણ આ હુરતના માથામાં તો શીંગડાં જ શીંગડાં. આ આ’થના વેઢા હો ઓછા પઈડા. મરેલા જનાવરના મોઢે માખી ભીમરાય એમ ચોગમ માણહ જ માણહ. મોટા ભમેડા જેવા અકસરે ચીતરેલા રાતાપીળા પાટીયા માદળિયાની જેમ લટકે. એની અંદર લાઈટ પીલીક પીલીક મને જોય. શૂરપણખા રામને ની જોતી ઊતી? એમ. હુરતનું ટેશન આઈવું. ઊતરીને હામ્મે ઊભેલી ટાપ્ટીવેલીમાં બેહી હીધ્ધા ઘેર આઈવા. ખાધું ને રમ્મા નીકળો.
ખરીમાં આઈવો. હૂંણથીયાની ગાડી બનાઈવી. પતલી પતલી હળી લેઈ, નખે કરી કાપા પાડતા પાડતા, ચકેડાની જેમ વાઈળુ, ને એક પાહ અંદર કાંટો ખોહી, બીજી પાહ કાંટાનો બીજો છેડો ઘાલી, પઈંડાં બનાઈવા. પઈંડામાં કાંટા ખોહી એક આરો નાઈખો. પછી હળી લેઈ, હા’લ લાખી બન્નેવ પઈંડાં જોઈડાં. પછી લામ્બા બે હૂણથીયા લેઈ હા’લની બરાબ્બર વચ્ચે કાંટા ઘાલી જોઈડા. બન્નેવ હૂણથીયાના ઉપલા માથે આ’થમાં ફેરવ્વા, હૂંણથીયાનું પઈડું જોડી ગવન્ડર બનાઈવું. આપડો ગુજરાત એકસપરેસ તીયાર!
ગાડી લેઈ વાડામાં આઈવો’તો તાં’તો ફતિયો મરેલો. માઈરા બાપ! ગોળમટોળ બટાકો જાણે. મારા આ’થમાં હૂણથીયાની ગાડી જોઈ એની માંજરી આંખ મીચમીચ થેઈ : મને આલની ઈઈઈ? ઉં બે ડગલાં પાછે ખહી ગાડી પૂઠે હંતાડું.
– મને આલ, મારો ભઈને? એ મને પટાવવા માઈડો. ઉં ભઈ’ હાં’ભળીને વિચાર કરું ની કરું તાં’ તો એણે ઝાપટ માઈરી. હૂણથીયાનો ડાંડો મયડાઈ ગિયો. પઈંડાં છૂટાં થેઈ ગિયાં.
ઉં મુઠ્ઠી વાળી દોઈડો. ઓહરીના ઉંબરામાં ઠોકર વાગતા લાંબો છટ થેઈ ગીયો.
– હું થ્યું? હું થ્યું? કરતાં આજીબા રહોળામથી દોડતા આઈવા. કે’ : હાય હાય! તખલી તો બૉ ઉધમાતિયો. આઈવાને તો વાર થેઈ નથી તાં – આજીબાની નજર મારા પગ પર ગેઈ. આજીબાએ અંગૂઠે હાલ્લો દાઈબો. જોમ તો લોઈનો રેલો. અંગૂઠો ઝણણ ઝણણ.
– ઓ મ્મા! મેં પગ ખેંઈચો. નખ લટકી પઈડો.
– શું થયું? શું થયું? મારા ફતુને કંઈ વાયગું તો નથી ને? કરતી મામી ધમધમ આઈવી. બાયણા પાછે હંતાયેલો ફતીયો હો પાછે પાછે આઈવો. મામી બંને આ’થ કેડે મેલી જોવા લાઈગી. મામીના આ’થ ને કેડ વચ્ચેની બખોલમાંથી ફતીયો ડોકિયાં કરે. મેં’કું : મારી ગાડી ફતીયાએ ભાંગી લાખી. મામીએ ફતીયાને પૂંઠેથી આગળ ખેંચી ધબ્બો માઈરો. ફતીયુ ખાલી ખાલી ભેંકડો તાણવા માંઈડું. આજીબા ફતીયાને કે’ : જા, કરોળિયાનું જાળું લીયાવ મામીનો હનહારો થતા ફતીયો આસ્તે આસ્તે કોઢમાં ગિયો ને આંગળી પર પાવલી જેવડું ચલકતું જાળું લીયાઈવો. આજીબાએ જાળું આંગળી પર લેઈ મારા અંગૂઠે ચાંઈપુ : ઓ મા! જોમ તો મામી ફતીયાનો વાંહો પંપાળે : મારો છોકરો બહુ ડાહ્યો, ગુડ બૉય! ફતિયાને અણખત થેઈ કે હું તે ચાલવા માંઈડો. મામી રહોળી પંપાળતી પંપાળતી રહોળા ગમી ગઈ. ઉં બી ઊભો થીયો. જતા જતા જોમ તો ઉંબરે ઊપસી આવેલી ગાંઠ. એ જ વાગી ઓહે. આજીબા મને જોઈ નીહાહો લાખવા માંઈડી : ભીખલાને કે’ય કે’યને જીભ ઘહાઈ ગેઈ પણ આ અપશકનીયા ઉંબરાને કાઢે એ બીજા.
ગાડી યાદાવતા મને રડવું આઈવું.
વાડામાં જવા માંઈડો. પાછેથી આજીબાનો અવાજ આઈવો : કાં ચાઈલો પાછો? હખણો બેસ્સે જ ની ને! આવે તાં’થી ઉપાધિનાં પોટલાં. મેં ચાલવા માંઈડું એટલે નરમ પડીને કે’ : પાણી તો પીતો જા બેટા! ઉં પનિયારા પાંહે ગીયો. એ બરડે આ’થ ફેરવવા માંઈડા. અંગૂઠે આં’હુનું ટીપું પડતાં ચોંકી ગીયાં : તખા, રડ ના બેટા. રજબૂતનો બચ્ચો થેઈને રડે છે?
વાડામાં ગીયો. ગાડીનાં પઈડાં ને ગવન્ડર વેરછેર. અવાજ આવતાં પાછે જોમ તો વિલાતી આંબલી પર ચીં ચીં થાય. ભૂખરા પંજા ચંપાયેલા. ચાંચ ગરદન ટોચે. પથરો લેઈ માઈરો. કાગડો ઊડી ગીયો. નીચે ઉકેડા પર બચ્ચું તફડે. પોચું પોચું રબ્બર જેવું રાતું, ડીલ ધડકે. આને એખલું મેલીને એની મા કાં’ ગેઈ ઓહે? હાચવીને બખોલમાં મેલી નાવણિયામાં પાણી લેવા ગીયો. ડબલું મઈલું ની. બૉ ફાંફા માઈરા. થાકીને ખોબામાં પાણી લેઈને આઈવો. પણ બચ્ચું કાં’ છે? અંગૂઠો ડળકવા લાઈગો. અંદર બચ્ચું તો પાંખ ની ફફડાવતું ઓ’યને? મેં ચાલવા માંઈડું. તાં’ હો –
ઉં કૂંધવાના ઘાહમાં ઊછળી પઈડો. જોમ તો ફતીયો! એની માંજરી આંખ ચળકે. એ ઘૂંટણે આથ ટેકવી વાંકો વળી વળીને ઓ’હે. મારા કાનમાં રાતાપીળા કૂંડાળા ગાજે. પગ પાહે ફટાકડો ફૂઈટો ઓ’ય એમ મગજ ધધણી ઉઈઠું.
– કેવો બીવાઈડો? નામ તો મોટું ‘તખતસિંહ’ ને માથે ચીંધેડું તો છે ની?
એટલામાં ગપલો આઈવો : કેમ, આ ઘાહનું કૂડવું જ એનો તખત, એટલું હમજતો નથી, લા?
બચ્ચું પાછું કાગડાના પંજામાં હપડાયું અ’શે?
બંનેના ઓ’હવાનો અવાજ હાંભળી ઉં ચોંઈકો. ફતીયાએ આ’થ પાસેથી ગપલા પાહે કંઈ કંઈ લીધું. પછી કે’ : આઈરો એનો તાજ! એણે મારા માથે કંઈ મૂઈકું. ઉં આ’થની ઝાપટ મારતોક ઊભો થેઈ ગીયો. પગ પાહે ઊછળીને કંઈ પઈડું. જોમ તો કાલવાળું બચ્ચું! અ’વા નીહરી ગેયલા ફુગ્ગા જેવું ઢીલુંઢફ. ચાંચ ફાટી પડેલી.
મને કોન્જાણે હું થીયું તે દોઈડો આજીબા પાહે. ઘરમાં પેહતા પગ ઢીલા થેઈ ગીયા. મામા આળહ ખાતા ખાટલામાં પડી રે’યલા. મને જોઈ લાગલા જ કે’વા મંઈડા : બપ્પોર તપ્પોર ક્યાં રખડ્યા કરે છે? લૂ લાગી જશે. પછી તાજ કાઢી ઓઠના ખૂણે દાબતા કે’ : લાયટર લઈ આવ. મામા ભણેલા પણ દાદાએ ‘ઘરની ખેતી કોણ કરશે’ કહી નોકરી ની કરવા દીધેલી. મામા ખાટલા તોડે ને મામી નોકરીએ જાય. બાપુજી બાને બૉ વાર ચીડવે : મામાની મામી મે’તી ને મામાને ઘેર ખેતી.
લાઈટર આપતાં મેં’કું : મા આ મા! મારા પર ફતીયાએ ચકલીનું બચ્ચું લાઈખું. મામાનું બોઈલર ફાઈટું : ક્યાં છે ફતીયો?
મામીની પૂંઠે પૂંઠે દબાતે પગલે ફતીયો આઈવો. પાછર ગપલો. મામી તાડૂઈકા : તમારો ભાણિયો સખણો રહેતો નથી ને પાછો ચોરી પર શિરજોરી કરવા આવે છે? મામીની રહોળી ફાટફાટ થાય. એના પર કાચની કણી જેવા પસીનાનાં ટીપાં ચળકે. રહોળી પર નજર પડતાં જ મામા ડામચિયાની જેમ ઢીલાઢફ થેઈ ગીયા. ડીંગલું અડાડીયે ને હાપનો કણો ઊછળી ઊછળીને જીરી વારમાં ગૂંચળું વળીને બેહી જાય એમ રહોળી શાંત થેઈ ગેઈ.
મામા ડોળા કાઢવા માંઈડા : કેમ લ્યા, શું પરાક્રમ કરીને આવ્યો. બોલ? મામીએ મારા ગમી ફરી ઓ’ઠ પર આંગળી મેલી. પછી ગપલાને કે’ : ગપા, ગભરાયા વગર કહે, શું થયું હતું? ગપલાએ જીભે આંગળી ભીની કરી ગળે લગાડી : આમલી પરનો ચકલીનો માળો તોડી લાઈખો! એની આંગળી મારી છાતીમાં પેહી ગઈ. મામાએ રાડ પાઈડી : આવા વડના વાંદરડા ઉતારવા મોસાળ આવ્યો છે, બોલ? તાં તો મામી ને ફતીયાની નજર મઈલી. ફતીયો પંજો જીભે ઘહી આંખો ચોળતો રડમસ થેઈ બોલ્યો : મને મા હમાણી ગાળ દીધી ઈ.… એં એં એં..…
મામી ધસી આઈવી. કૂંખે ચીમટી ભરાતાં ઉં પંજાભેર થેઈ ગીયો. એનું મોઢું મારા મોં પર. નાકને લીહુ લીહુ અડકે. જોમ તો મામીની રહોળી. ઉં ટોચાઉં. રહોળી નક્કી નાકમાં પેહી ગેઈ. ફૂલતી લાગે ફુગ્ગાની પેઠમ. ફૂલે એ ફૂલે. બૉ ફૂલે નાક ફાટી જહે કે હું?
મારાથી ની રે’વાયું : હાંક છીક્! મામીના મોંએ ચલ્લક ચલ્લક છાંટા ઉઈડા. રહોળી તો ચંદણે લીંપાય જ ગેઈ. મામી અડહેલો મારી આઘી ખહી ગેઈ : ગંદો ગોબરો, ડર્ટી! લૂગડાની કોરથી લૂહતા લૂહતા એ હડફડ કરતી નાવણિયા ગમી ભાઈગી.
જોમ તો મામાને લમણે નહ ફૂલીને ડેબ્બો થેઈ ગેયલી. જરી વાર તો લાઈગું મામાને હો રહોળી થેઈ ગેઈ કે હું? મામા બબડા : બોળિયો બળદ ને ડોડિયો સગો બેઉનો ભરોસો નૈ. ક્યારે ધૂંસરી કાઢી નાંખે એ કહેવાય નૈ! મામા લમણાને પંજાથી ઘહતા ઘહતા બોઈલા : બેસી જા, બહાર ગયોબયો તો, પગ દબાવ!
મામાના પાયજામાનું નાડુ લટકે. લાવ નાડાને બે આ’થે પકડી લટકી પડું. છુ રુ રુ ર છટ્ એ... પાયજામાં હાથે હીધ્ધો એ’ઠે.
પાંગઠ પર બેહી પગ દબાઉં. મામાને તે હું કઉં? ડોડિયા, ડોડિયા હું કરો છો? મારા બાપુજી કે’તા : આપણે તો દિલ્લીના રાજા પૃથ્વીરાજ ચૌહાણના વંશજ. ડોડગઢ જીતેલો એટલે ડોડિયા કહેવાયા. સોંસક, બરકસ ને સેગવા એ તણ ગામનાં ધણી ઉતા અમે. દાદા ફેંટો બાંધી સાલિયાણા લેવા જતા. બાપુજી કે’તા : જવાહરલાલની છોકરી ઇંદિરાએ દગો દઈ સાલિયાણાં બંધ કર્યાં ને આ ફતલી? માથે મોટી ચીંધેડાવાળી જોય ની ઓ’ય તો! રાજવંછી રજબૂત છીએ, રાજવંછી, હમજી?
મામાનું પેટ ઊંચુંનીચું થવા લાઈગું. નહકોરાં ઉઘાડબીડ થવા લાઈગાં. ખીસામાંની લખોટી મામાના પેટ પર મેલી ઓ’ય તો જબરી મજા આવે. ની ની એના કરતાં મામીના કથ્થાઈ નખપૉલીસવાળા અંગૂઠા પર મેલી હાંબેલું ઝીઈકું ઓ’ય તો…
બાએ મને ભણવા હું કરવા મોકઈલો ઓહે? ભણીભણીને બૉ તો મામા જેવા બનાય કે બૉ તો મામી જેવા બનાય. છટ્!
મને હું થ્યુ હું ની તે આંખ મીંચીને વાડા ગમી દોડું. ચૂલાના રાખોડામાંથી કોલસો કાઠું. ઘરના પાછલા કઢાના પ્લાસ્ટર પર મામીની મોટ્ટી દીન રહોળી ચીતરું. પા’હે મામાનું ખુલ્લું મોં દોરું. ઉપ્પર ગમી લખું : મિલનું ભૂંગળું. નીચે ગમી લખું : ગટરનું ભૂંગળું. મામાની નીરકીબીરકી જોઈબોઈ જહે. ભાગો લા... ખરીના કૂંધવામાં જ ગેઈને બેહુ. આ હું? બાજુમાં કે ગુછપુછ ગુછપુછ થાય છે ને? ફતીયાનો અવાજ હંભળાય : ઉં કેવેન્ડર લાઈવો, તું માચીસ લીયાવ. ગપલો ઓ’હવા માંઈડો. ઉં બીલ્લીપગે ગીયો. નક્કી તમ્માકુ!
– કેવો ટેશ પડે છંઅ, આ ફતેછીં દરબાર છંઅ, કોઈ આંગળુપાંગળું ની મલે.
– પણ તું લાઈવો કા’થી પૈહા?
– મારી બાએ આઈપા, ગુલફી ખાવા.
મને કોન્જાણે કેમ તે હૂર ચડી ગીયું. હામે ગેયને બરાઈડો : બીડયો પીવ છો? અ’મણાં મામાને કે’ય દેમ. મને જોઈને બેવના મોતિયા મરી ગીયા. ગપલો કે : દોસ ની કે’તો ની! આપણે બેવ તો પાક્કા ભાઈબંદ!
મને પોરહ ચઈડો : ના, અ’મણાંને અ’મણાં ગેયને કે’ય દેમ છું. મેં ચાલવા માંઈડું. મને એમ કે બોલાવહે એટલે પાછે જોયું.
– છો જતો. અં... આમ. ફતીયો ગપલાનો કાન કઈડે.
ઉં ઊભો રે’ય ગીયો.
– જા, જા, વા’લો થા! ગપલો ઓ’હવા માંઈડો.
ઉં પાછો આઈવો : તમને લોકને ધાક નથી લાગતો?
– કેવેન્ડર તો તેં પીધી છે પછી અમે હું કા બીયે? એણે આંખ મીચકાઈરી.
– મેં એં એં? મારો અવાજ ફાટી ગીયો. આંખે રાતાપીળા આવવા લાઈગા : મેં કા’રે પીધી?
– આ પડી છે તે ખોટી? કેમ લા ગપલા?
ગપલાએ ઓ’હતા ઓ’હતા માથું ધુણાઈવું.
મે’કુ : ની ક’ઉં બસ? ફતીયાએ કેવેન્ડરનો કહ ખેંચી મારી હામે ધઈરી : એક દમ માર! ઉં ધરૂજી ગીયો : પણ પણ ઉં તો
– અ’મણાં કે’ય દેમ છું!
મેં જોરથી કહ ખેંઈચો : ખૂં... ખ્ખૂં... ખૂં...
– હું થ્યું? હું થ્યું? કરતી નીરકી કોન્જાણે કાં’થી દોડી આઈવી.
– કેવેન્ડર! પા’હે પડેલું ઠૂંઠું દેખાડતાં ગપલો બોયલો. નીરકી ઊછળતી ને કૂદતી ઘર ગમી દોઈડી. ગેય એવી જ બોલાવવા આઈવી : બાપુ બોલાવે. હું નીચુ ગુણુ ઘાલી ચાલવા માંઈડો.
મામા રાતાપીળા થતા અતા : સાલા કમજાત! બીડયો ફૂંકવા આવ્યો છે? કાલે ને કાલે એને ઘરભેગો કરી દો! આજીબા ફતીયાને અણહેલતીક મારા ખભે આથ મૂકી કે’ : મારો તખલો કોઈ દા’ડો એવું ની કરે! હેં તખા, મારા હમ, હાચું કે’ તેં’ બીડી પીધી?
મેં માથું અલાઇવું.
– પીટ્યો અં’ઈ આવીને બગડી ગીયો! આજીબાએ કપાળ કૂઈટું.
મામી લૂંગડાનો માથા પરનો છેડો ઊંચો ચડાવતાં વચમાં ટપકી : અહીં આવીને બગડ્યો છે એમ? ચાલો કઢા પાછળ એનું બીજું પરાક્રમ જોવું હોય તો! નીરકી તારા બાપુને બતાવ તો. પાછલા કઢે ચીતરામણ જોઈને મામાએ બરાડો પાઈડો : તારા માબાપે આવા સંસ્કાર આપ્યા છે. બોલ? મામીનો અવાજ હંભળાયો : એ આપણા ફતુને પણ બગાડશે. મામા કાનપટ્ટી ઝાલી ઘર ગમી ખેંચવા માંઈડા ધડ... ધડ... કાન ઝઝણે… ઘરમાં જતે જતે પગની આંટી ભેરવાઈ કે હું તે ઉં ગબડું : ઓ મા રે!
ઝણઝણ અંધારાં ઓહરે. ઉંબરાની પેલી પા’ અગિયારહના ચાંદામામા જેવડો નખ પડેલો જણાય.
ગદ્યપર્વ : સપ્ટેમ્બર ૧૯૯૩