તખુની વાર્તા/કરેણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬. કરેણ

ખરવાહાવાળા ધૂમમામા ફળિયાને નાકે દેખાયા એટલે ઉં દોઈડો. મામા બચી કરવા નીચા વઈળા તાં તો મેં થેલી આ’થમાં લેઈ લીધી. ગેમલો પગથિયે બેઠો બેઠો ગિલ્લીની અણી કાઢે છે. હંઅઅ હવારે જ કરેણ કાપી છે. છાનોમાનો દંડૂકો લી આઈવો ઓહે - લાગ જોઈને બાને કે’ઈ દેમ છું. બરાબરની પડહે.

મામા ને ઉં ઓટલે ચઈડા એટલે ભાઈશાબે ખમ્મીસની બાંયમાં ગિલ્લી હંતાળી દીધી. કંઈ બઈનુ ની ઓ’ય એમ પૂંઠ ફેરવી ભીંતનો પોપડો ઉખેડવા માંઈડો. મામા પાહે ગિયા કે’ : ભાણાભાઈ તો કંઈ બોલતાય નથી ને. લો, આ બુઢ્ઢીના બાલ ગુલાબી ગોટો દેઈખો ને ગેમલાનો રંગ ફરી ગિયો. અહતા અહતા બુઢ્ઢીના બાલ આંખ હામે ધરીને જોવા માંઈડો. પછી દાંતથી પલાસટીકની કોથળી તોડતો તોડતો હામેના ઓટલે નીચું ગૂણું ઘાલી રમતા ખુમલા પાહે ગેઈ આંખ હામે કોથળી અ’લાવવા માંઈડો. ખુમલો ‘મને ની આલી, મને ની આલી’નો ભેંકડો તાણતો મામા પાહે આઈવો. ઉં મારી કોથળી આપું. એ બીજો આ’થ ધરી રડવા માંઈડો. જોમ તો ગેમલો ભીંત ગમી મોંઢુ કરી બુઢ્ઢીના બાલ ચૂહે.

ખુમલાની રોકકળ હાંભળી બા હડફડ બા’ર આવી. ઉતાવળમાં પગની ઠેહે ઉંબરા પરના કરેણના ફૂલ ઉછળી પઈડા. આ ફૂલ આજના છેલવારકા ફૂલ!

મામાને જોઈ બા ખિસિયાણી પડી ગેઈ : આ-આ-વો, ઘેર પોયરાતોયરા તો હારા છે ને? હામા આઈવા? મામા કે’ : દશની બસમાં. લેટ પડી. તેજુબેને બધાને યાદ કહેવડાવી છે. આવવા નીકળ્યો ત્યારે તેજુ કે’, ભાણિયા હારુ ભોંયહીંગ લેતા જાવ ને આ ટીનિયાને રમવા હારુ કરેણની બદામ લેતાવજો. મારી બેનને કે’જો પાંચ-હાત તોડી આપહે. મામાએ કોથળો નીચે મૂઈકો.

– બેહો, પાણી લી આઉં, બા ઢીલે પગલે પાણિયારે ગેઈ. મામા વેરછેર પડેલા ફૂલ તાકી રિ’યા. ઉં ઊઈઠો ને ઉંબરા પર અતા એવા ગોઠવવા માંઈડો. બરાબર ગોઠવું ની ગોઠવું તાં’ બા આવી. કે’ : રે’વા દે, કેટલી ફેરા ગોઠવહે? મામા હામુ જોઈ કે’ : બચરવાળ ઘરમાં આવી ટાપટીપ કરવા રી’યે તો કામનો પરોગ કા’રે આવે? મામા બાના ચાંદલા ગમી જોતાં વેંત ઝંખવાણા પડી ગિયા. બાએ ચાંદલામાં ઝીંક પૂરી લાગે છે અ’મણા. બા પાણી આલતા કે’ : ભાઈને કૈં બૉ વખતે ફુરસદ મલીને? કે’તી છે ને આંગળાથી નખ વેગળા તે વેગળા. મામા એક્કી વખતે ગ્લાસ ગટગટાવી ગિયા. પાંપણ લૂંહતા મારે માથે આ’થ મૂકી કે’ : ના બેન, ના. આ ભાણિયાને માથે હાથ રાખીને કહું છું, મારે મન તો જેવી તેજલી તેવાં તમે. ખોટું ભાખતો હોઉં તો મા કાળકા પૂછે! બાએ ઝપટ મારી મામાનો આ’થ મારા માથેથી ખહેડી નાંઈખો. પછી ઓહલુ લાવીને કે’ : વાતેવાતે પોયરાના માથે હુ આ’થ મૂઈકા કરતા છો? મામાનો આ’થ લટકી પઈડો. મને હવારે મઈડાઈ ગેયલી કરેણની વચલી ડાળખી યાદ આવી ગેઈ.

બા કે’ : તખા! મામા હવારના નીકળા છે તે થાઈકા ઓહે. જા, નાવણિયે આ’થ પગ ધોવળાઈ આવ. મામા ઊઈઠા. વલંગણીએથી રૂમાલ ખેંચી ખભે લાખીં ઉં પાછો ગિયો. આ’થ મોઢું ધોઈ લુહતા લુહતા બા’ર નીકળતા નાવણિયાની પાછે જોય તો કરેણ કપાઈ ગેયલી. મામાનું મોંઢુ લેવાઈ ગિયુ : ક્યારે કાપી? મે’ કુ : આજ હવારે! એ આ’થ મહળવા લાઈગા.

ઘરમાં પેંહતા જ બાને પૂઈછું : બેન, કરેણ કપાવી નાંખી? બા કે’ : કરેણમાં કોઈ નબરીએ કંઈ કરી મેલેલુ. જોવોને મઈનાથી માંદીની માંદી જ છું. મને તો પે’લેથી વેમ અતો. કાલ તો માતાજીનો ઉકમ થિયો. મામા મૂંગા થેઈ ગિયા. મને કરેણનું કાપી લાખેલું થડ દેખાયું.

આ કરેણની મને બૉ માયા. પણ બા તો મને એન્થી આઘો ને આઘો રાખે. મેં દાદીમાને એક વાર પૂછેલું : મા, આ કરેણ તમે રોપલી કે? મા ચાંદીની દાબડીમાંથી છીંકણીનો હડાકો મારતા તાડૂકી : મેં ની, પેલી પેટબળી છપ્પરપગી તેજલીએ. અ’જુ તો ખોયડામાં પગલાં પાડેલાં. થાપાનું કંકુ હો નંઈ હુકાયેલું. એ મીંઢળબંધી મને કે’ : બા! ચાલોની બદામ રમિયે. મારો તો જીવ તાળવે. રાજવંછીની વહુવારુઓએ મર્યાદા મેલી એટલે તો આપણા રાજ રસાતાલ થિયા. હાંજે બદામ વાડામાં રોપ્યાવી ને પાછી વધામણી ખાવા આવી. વહુ નવી નવી તે હું કઉં? છતાં કે’યલુ : કરેણ તો અપશકનિયુ ઝાડ કે’વાય, ઘર ભાંગહે. પણ માને તો તેજબા હાના? લખ્ખણ એવા તે છેલ્લે બાપને ઘેર જ બેઠી.

પણ ઉં તો બપ્પોર વેળા થેઈ નથી કે છાનોમાનો કરેણ પર ચઈડો નથી. ચડીને તડકાની પત્તી ડિલ પર પડે એ જોયા કરું. એના ફૂલ આંખે અડાળુ. ગાલે ઘહું. એવું તો લીહુ ટાઢુ ટાઢુ હું લાગે કે વાત ની કરવાની! એમાં ટચલી આંગળી પરોઈને સોનરૂપેરી છતરી બનાઉં. પત્તી તોડી પટપટી વગાડું. પત્તી ડૂંખેથી તોડું તા’રે દૂધ ઝરે-પરપોટો થાય. મને એ ચાખવાનું બૉ મન થાય. પણ બા કે’ : જો જે ચાખતો બાખતો, એ દૂધથી તો ઝેર ચડે, ઝેર! ઉં હામી દલીલ કરું : બા એ હો એક રીતે તો દૂધ જ કે’વાય ને? બા હમજાવતી : દૂધ દૂધમાં હો ફેર ઓ’ય ને? એટલે ચાખતા ધાક લાગે, પણ ઘૂંટણ પર ગૂમડે ચોપડું.

એક ફેરા ધોળું ધોળું જોઈને બા પૂછે : આ હુ લગાઈડુ?

કરેણનું દૂધ

– પાકી પડહે, ઊંટવૈદુ ના કર બાપલા!

પછી નિહાહો લાખી કે’ : આ મારી બૈ સત્યાના વાળી દેહે કોઈ દા’ડો. પણ બંદા તો કોઈ ની ઓ’ય તા’રે ડાળીની ડોકે વળગી ટીંગાય, ઈંચકા ખાય ને લાગ આવે તો ટાંટિયા ભેરવી ઊંધે માથે વાગરાની જેમ ઝોલા હો ખાય.

એક ફેરા બા જોઈ ગેયલી. મને હાંખલો પાડી નીચે ઉતાઈરો. કાનપટિયા પકડી ઘરમાં તાણી લાઈવી. કે’ : કરેણ તો બૈડ ઝાડ કે’વાય, બૈડ. ડાળખું તૂઈટુ બૂઈટુ તો આ’ડકા-પાહરા ભાંગહે!

એક ફેરા દેવપૂજા હારુ ફૂલ જ ની મઈલા. બધા હોધી હોધીને થાઈકા. મને ચાનક ચડી તે ગબેડી મેલી હીધ્ધી વાડામાં, કરેણ પાહે. ખોબો ફૂલ લેઈ વધામણી ખાવા દોઈડો. બા તો જોઈને જ ભડકી : હાવ ઘનચક્કર છે, આવા નિગંધા ફૂલ ઉંબરે પૂજાય, દેવલે ના ચડે. મેં’ કુ : બીજે તો ચડાવે છે! બા કે’ : બાપદાદાના વખતની કે’તી છે કે નિગંધા ફૂલ દેવને ના ચડાવાય! જા તુલસીકા’રે પધરાયાવ.

ખાવાની હાક પડી. મામા નામદાખલ ખાઈ ઊઠી ગિયા. પરહાળે ખાટલા પર બેહી આ’થ લૂહતા લૂહતા પૂછે : તારી બા શું કહેતી હતી? કરેણ કેમ કાપી નાંખી? મને અમૂઝણ થેઈ. ઉં તાકી રિયો એટલે કંઈ બબડતા બબડતા ભીંત ગમી પડખું ફરી હૂઈ ગિયા.

મામાને ક’ઈને હો હું ક’ઉં? કાલ હવારની જ વાત છે. બા મઈનાકથી હાજીમાંદી રિયા કરતી છે. એનું ઊજળું મોઢું હો ચીમળાઈલી કેરી જેવું થેઈ ગિયુ છે. તે બાનો મંદવાડ જાણી કાલે વાંકાનેડાથી ભીખુમામા ખબર કાઢવા આવેલા. બા કાયમ ટોકે : ભીખુમામો ભીખુમામો ના કે’, તારો હગ્ગો મામો છે તે વ્હાલા મામા કે’. પણ હારુ એ નામ જ મોઢે ની ચડે તાં’. હું અ, તે બાને કે’ : ગલાબ! માન કે ના માન, વાડાવાળી કરેણમાં જ કંઈ છે. આજે આઠેમનું નોરતું છે તે અભેસીંને પૂછી લેતી હોય તો! મને કંઈ હમજણ ની પડી. પણ બાની આંખમાં જોમ તો ચમકારો.

બપોરે કાકા માતાજીને ભોગ ધરાઈ રહોળામાં આઈવા. કાકા માતાજીના સાધક. નક્કોરડા નોરતા કરે. બા કે’ : દેઅરજી, દેઅરજી, માની આગળ મારા મંદવાડનો સવાલ ના લાખો? કોઈએ કંઈ કરી ની મેઈલું ઓ’ય? મામા કે’ : અભેસીં, માન ની માન પણ વાડાવાળી કરેણમાં કંઈ છે! કાકા દાઢીના ભૂખરા ભૂખરા ખૂંપરા પર અંગૂઠો ઘહતા હઈસા : ભાભજી, એ તો શંકા ડાકણ ને મંછા ભૂત. બા કે’ : ગમ્મે એ ઓ’ય, મા આગળ સવાલ લાખવામાં હું જાય? કાકા દાઢીનો ખૂંપરો નખથી ખેંચતા કે’ : માતાને માથે ભાર ની નાંખો તો સારુ! બાનું મોંઢુ પડી ગિયુ. ઊઠતા ઊઠતા કે’ : સારુ, આજે આઠમ છે, માનાં દરબારમાં તમારો સવાલ નાંખી જોઉં.

ધધરી વેળા થેઈ ની થેઈ ને માતાના થાનકે કૂકડો, પિયોર મવડાનો દારૂ, નારિએલ, ઘી, લોબાન ને હુખડીનો પરસાદ આ’જર. કાકા નાહીને પંચિયાભેર થાનકે બેઠા. દેવતા પર ચપટી ભરી લોબાન લાઈખો. તડતડતો ધુમાડો થિયો. બધા ઘેરાઈ ગિયા. જાણે ભૂખરાં ભૂખરાં ભૂતડાં! બળતાં અડાયા પર ઘી રેઈડું, ભૂરા ભડકા હા’થે નાકમાં તણખલાની જેમ ગંધ પેંહી ગેઈ. બાટલી પરથી બૂચ ખોલી દારૂ રેઈડો, પીળોપચ ભડકો. દેવલામાં ઓમકારની વચમાં કમળ પર મા કાળકા, ડાબા આ’થમાં મુંડ, જમણા આ’થમાં ખડગ, ગળે મુંડમાળ, રાતીચોળ જીભ લબકારા લે, ભૂરું ડિલ, જોમ તો કૂકડાને ડોકથી પકઈડો, કટાર ચમકી, જોત થરકી, બે ઘૂંટણ વચ્ચે માથું ઘાલી દેમ, કો-ક-કો-ઓ-કૂકડાની ડોક તડફડ–પાંખ ફડફડ. બાના કપાળે લોયનો છાંટો. ચાંદલો ચમકે જાણે. કાકા અડાયે કૂકડાની ડોક ધરી લોયના છાંટણા કરે : ખમ્મા ખમ્મા! મા, ખમ્મા! મા, અમે તારા છોરુ, અમારો વાંકગનો દરગુજર કરજે. તારા પરતાપે અમે રમતા જમતા. ઓમ કલીં હ્રીં, ગલાબબાને ઓવારેલા દાણા મૂકો! એમના ઓ’ઠ ફફડવા માંઈડા. એમનું ડિલ ધરુજવા માંઈડું. માથું ધૂઈણું. કિકિયારી પઈડી. ભખ્ ભખ્ અવાજ નીકયળો : ઉં આ’જરાઅ’જૂર મા કાળકા! બોલ મને કેમ બોલાવી? બા થડકતા કે’ : મા! મને કંઈ કરી મેઈલુ છે? ઉં તારે માથે છવ. તને વિશ્વા નથી?

– મા! અમે તો તમારા પગે રમતા, તમારા છાંયે જમતા. પણ મા -

– દાણા લાવ!

દાણાની ઢગલી થેઈ. એના પર આ’થ ફેરવી, અ’થેળીમાં લેઈ તણ ફૂંક માઈરી. દાણા ભૂખરા થેઈ ગિયા કે હુ?

– તને કોઈ પર વે’મ?

– મા! તું તો અંતરજામી, એક જગા પર વાડામાં–મામા બોલી પઈડા.

– ઓ’ય તો એકી નકર બેકી, કાકાએ આ’થમાં દાણા ફરકાવી જમણી મુઠ્ઠી નીચે મેલી. ગઈણા તો આંઠ, બધા જોઈ રિયા. ચાલો હારુ થિયું.

– મા, બરાબર જવાબ આલ. કાકાએ ફૂંક મારી દાણા ફરકાઈવા.

ફરી ગઈણા તો આંઠના આંઠ.

– મા, છેલ્લો બોલ તારાં દરબારમાં, કાકાએ ફૂંક મારી દાણા ફરકાઈવા તો બરાબર હાત. બાનો હાંહ એ’ઠો બેઠો.

કાકા કે’ : નાવણિયા પાછળ કરેણ. કરેણ પર દખણાદી ડાળે રાતી ચૂંદડીવાળી બેઠી બેઠી પગ હલાવે. ઊંધા માથે હીંચકા ખાય. ખીલખીલ હસે, કરેણની બદામે ચોપાટ રમે, ખીલીમાં એનો ખૂંટો, ખાતરી જોઈતી હોય તો કોઈ જાવ.

મામા ઊઈઠા : આવતી ફેરા પૂંઠ ફરીને ની જોતા! ઉં હો ઊઈઠો. બાએ પાંખડુ પકડી બેહાડી દીધો. મામા આવીને ચૂપ બેઠા, માથું ઊપરનીચે અ’લાઈવું. કાકા કે : કરેણને મૂળહોતી કાઢવી પડશે! આ દાણા ચકલે મૂકી આવો. પછી કાળો દોરો ધૂપે ધરી હાત ગાંઠ મારી બાની પોંચીએ બાંઈધો.

ઊંઘમાં કૂકડાનું ડોકું મારી આજુબાજુ ફઈરા કરે. બદામ હમજીને આ’થમાં લેવા જામ પો’રી થેયલી પાંખમાં ભરાવા કરું. ખેંચી ખેંચીને કોણ છે તે બા’ર કાઢે. ડોકમાંથી લોયની હે’ર ઊડી. ઊનુ ભીનુ અડતા ઉં જાગી ગિયો. મારા ટાંટિયા પથારીમાંથી ઊખડી બા’ર લટકે.

ઓઢોમોઢો કરી પાયજામો હુકાવાની રા’ જોતો આંખ મીંચી પડી રિયો. બાની બૂમે જાઈગો. વાડામાં ગિયો તો કરેણ થડિયેથી કપાઈલી. કેહવો ડાળખા કાપી પાંદડા છૂટા પાડે. ઉં છાનો માનો એક બીલુ તોડી લેમ.

હવારે આંઠની એસટીમાં ભીખામામા ગિયા. બાએ બોલાઈવો. ખીસામાંના બીલા પર આ’થ ફેરવતો ફેરવતો ગિયો. બા થેલી આપતા કે’ : જા, ધાણીની જુવાર લેઈને મામાને બસમાં મૂક્યાવ. ગેમલો એં એં કરતો કે’ : બા, આપણે હુ ખાહુ? બાએ આંખ કાઢી અણહારો કઈરો.

ભીખામામા ગિયા ની ગિયા તાં’ આ ધૂમમામા આઈવા.

🞄🞄🞄

ચા પી ધૂમમામા જવા તિયાર થિયા. બા કે’ : જા તખલા, પાંચહાત બદામ લિયાવ.

ચાલહે, : મામાએ નીચું માથું ઘાલી ચાલવા માંઈડુ. ઉં પાછે પાછે જવા જામ તાં’ બાએ હનહારો કઈરો. ઉં હીધ્ધો વાડામાં ગિયો. ધધરી વેળા થેઈ છે. કરેણથી હેવાયેલા ચકલાં ચીં ચીં કરતાં આમથી તેમ ઊડે. કરેણનાં ડાળખાં ડાળખી આમ તેમ વેરછેર. થડની જગાએ ખાડો. ભોંયમાં ગોબો પડી ગિયો છે. એમાં અંધારું ઝરી ઝરીને થીજી ગેયલું. મૂળિયા તૂટીને ઊંચા થેઈ ગેયલાં.

ડાળખી પર નખથી લખું : તખુ – દૂધ નીકઈળુ, ચાઈખુ, તુરુ તુરુ, ખીસામાંના બીલાને ભાંઈગું. લીહી લીહી બદામ. ખાડામાંથી માટી કાઢું. બદામ પર માટી વાળવા જામ તાં બાની બૂમ પઈડી : ધધરી વેળાએ એખલો એખલો હું કરતો છે તાં’?

ગદ્યપર્વ : સપ્ટેમ્બર ૧૯૯૧