તારાપણાના શહેરમાં/જતી વેળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જતી વેળા

બરફનો પ્હાડ થઈ મારા પર વહી જાજે
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે

જો મૌન થઈને તું મારા હૃદયમાં રહી ન શકે
તો આવ હોઠ સુધી … શબ્દ થઈ ઊડી જાજે

હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતોય નથી
હું ગૂંગળાઉં નહીં એ રીત વહી જાજે

તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે

જવું જ હોય તો રોકી શકે છે કોણ તને?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે