દક્ષિણાયન/પ્રાસ્તાવિક (પહેલી આવૃત્તિ વેળાએ)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પ્રાસ્તાવિક

(પહેલી આવૃત્તિ વેળાએ)

૧૯૩૫ના નવેમ્બર અને ડિસેમ્બરમાં મેં દક્ષિણ હિંદના કરેલા પ્રવાસનું આ પુસ્તકમાં વર્ણન છે. પ્રવાસનો સંકલ્પ થતાં મેં દક્ષિણ હિંદથી સુપરિચિત એવા શ્રી રત્નમણિરાવની સલાહ લીધી અને તેમણે મને પ્રવાસનો માર્ગ આંકી આપ્યો અને એ આદર્શ રૂપનો હતો. મુંબઈ ઇલાકાની દક્ષિણ સરહદે આવેલા જોગના ધોધથી શરૂ કરી, હિંદના પશ્ચિમ કિનારે કિનારે મૈસૂર, ઉતાકાખંડ, મલબારનાં બૅક વૉટર્સ અને ત્રાવણકોરની ભૂમિમાં થઈ ઠેઠ દક્ષિણતમ બિંદુ કન્યાકુમારીએ પહોંચી ત્યાંથી ઉત્તરાભિમુખ અને ક્યાંક પૂર્વાભિમુખ થતાં થતાં મદુરા, રામેશ્વરમ્, ત્રિચિ, પોંડિચેરી, મદ્રાસ અને ત્યાંથી પશ્ચિમાભિમુખ બની મદ્રાસ ઇલાકાની સરહદ પર વિજયનગરમાં અટકી મેં આ પ્રવાસની સમાપ્તિ કરી. પ્રકૃતિસૌંદર્ય, નગરો તથા તીર્થક્ષેત્રો તેમ જ જનસંપર્ક એ બધાંને લક્ષ્યમાં રાખી બને તેટલો સૌંદર્યાભિમુખ અને સંસ્કૃતિદર્શી બની હું ફર્યો. તીર્થક્ષેત્રોમાં મારું માનસ એક ભગવદ્ભક્ત કરતાં શિલ્પસ્થાપત્યના તથા જનનારાયણના સૌંદર્યભક્ત અને ભાવભક્તનું વિશેષ રહ્યું છે. એ પ્રવાસની મારી છાપ મેં યથાશક્તિ આ પાનાંમાં મૂકી છે. મેં પ્રવાસ શરૂ કર્યો ત્યારે આ દક્ષિણ પ્રાન્ત વિશે થોડીક રસ્તાની માહિતીથી વિશેષ મારી પાસે કશું જ્ઞાન ન હતું. જેમ જેમ ફરતો ગયો તેમ તેમ તેની પ્રજાનાં લક્ષણો, તીર્થધામોની દંતકથાઓ, સ્થળોની કથાઓ વગેરે જે કંઈ સાંભળવા મળતાં ગયાં તેની નોંધ કરી લીધી. આ ભૂમિ ફ ૨ીને આવ્યા પછી દક્ષિણનાં સ્થાપત્ય, પ્રજાજીવન તથા તેનાં ઇતિહાસ તથા ભૂગોળ વિશે થોડુંક વાંચ્યું. એ તિિવધ સામગ્રીમાં મેં શિલ્પ, સ્થાપત્ય કે સમાજશાસ્ત્ર કે પ્રકૃતિજીવનના કશા વિશેષ જ્ઞાન વિનાના મારા પ્રાકૃત માનસનાં સંવેદનો ઉમેર્યાં અને એ ત્રણમાંથી મને રસાવહ લાગી તેટલી સામગ્રી અહીં સંકલિત કરીને મૂકી છે. આ પ્રવાસ લખવો શરૂ કર્યો ત્યારે સીધું ગદ્ય લખવાનો મને ઘણો ઓછો અભ્યાસ હતો. તેમાંય આવા તદ્દન ભૂતાર્થવાળા વસ્તુપ્રધાન વિષયને રસાવહ બનાવી લખવો એ ઘણું વિકટ કાર્ય હતું. વળી લખતાં લખતાં મને ક્ષણે ક્ષણે ભય રહેતો હતો કે રખે આ લખાણ રેલવે-ગાઈડ કે સ્થાપત્યની વિગતપોથી કે અંગત સ્મરણોની હારમાળા કે પછી વસ્તુવિમુખ એવો અધ્ધર કલ્પનાવિહાર બની જાય. મને ખબર નથી કે આ લખાણ એમાંનું શું બન્યું છે યા શું નથી બન્યું. મેં પ્રવાસ કરેલો ત્યારે જે વસ્તુઓ હતી તેમાંની અત્યારે બધી તેવી ને તેવી તથા તેટલી ને તેટલી હશે જ એમ નથી. કાળનો ઘસારો માણસને જ નહિ, પ્રકૃતિને પણ લાગે છે. એટલે આ પ્રવાસવર્ણન ભોમિયાનું કામ તો નહિ જ સારી શકે. મારા અજ્ઞાનને લીધે માહિતીની ચૂકો, વિશેષનામોનાં ઉચ્ચારણોની ભૂલો પણ આમાં આવી ગઈ હોવાનો સંભવ છે. વળી દક્ષિણનાં શિલ્પસ્થાપત્ય, પ્રકૃતિસૌંદર્ય તેમ જ સામાજિક જીવન અંગે મેં અત્રે તારવેલાં કે વ્યક્ત કરેલાં અનુમાનો અને અભિપ્રાયોને એક વિશેષજ્ઞ કે તજ્જ્ઞના પ્રામાણ્ય તરીકે નહિ પણ એક પ્રાકૃત માનસનાં ક્ષણિક, જોકે સહૃદય સંવેદનો તરીકે લેવાં વધારે ઉચિત છે. છેવટે તો આપણી આંખ જુએ છે અને હૃદય અને ચિત્ત અનુભવે છે તથા વિચારે છે. એ ત્રણેને આપણી લાક્ષણિક વિશિષ્ટતા હોય છે તો તેમને આપણી મર્યાદા પણ વળગે છે. આ પ્રવાસના પુસ્તકની સાથે ગુજરાતના પ્રવાસ-સાહિત્યની નોંધ જોડવા ઇચ્છા થાય છે; પરંતુ તે વિષય કોઈ વિશેષ ઊંડા અભ્યાસીને માટે મૂકી આ વિષયના મને પરિચિત એવા કેટલાક પૂર્વસૂરિઓનું નામસ્મરણ કરવાની લાલચ છોડી શકતો નથી. પ્રવાસવર્ણનને નવલકથા જેટલું જ રસાવહ કરી મૂકનાર તથા તેને માત્ર પ્રકૃતિના જ નહિ પણ સાથે સાથે સંસ્કૃતિના પરિક્રમણની ઉન્નત અધિત્યકાએ લઈ જનાર જન્મથી ગુર્જરીભાષી નહિ છતાં ગુજરાતી ગિરાના ગૌરવવંતા આચાર્ય શ્રી કાકા કાલેલકર સૌથી પ્રથમ યાદ આવે છે. એઓ તો આ પ્રવાસમાં ડગલે ડગલે તેમ જ આ લેખનની પંક્તિએ પંક્તિએ મને સ્મરણમાં આવ્યા કર્યા છે. એક રીતે કહું તો આ કૃતિ એમના સૌંદર્યદર્શી માનસની ઉપાસના કરી રહેલા એક બાલમાનસની જ કૃતિ છે. તેમનીયે પહેલાં કાશ્મીરનું વર્ણન લખી આ વિષયને રસાવહતાની કક્ષાએ મૂકનાર કલાપીને યાદ કરવા જોઈએ. એ કિશોર પ્રવાસીની પ્રૌઢ વાક્છટાને મેં અન્યત્ર અંજિલ આપી છે. એથીયે પૂર્વે પોતાના ‘ઇંગ્લેંડના પ્રવાસ’ને શબ્દબદ્ધ કરનાર કરસનદાસ મૂળજીનું નામ સ્મરણીય છે. કદાચ એ ગુજરાતનો પહેલો પ્રવાસગ્રંથ હશે. તેમની પછી પોતાની ઇંગ્લેંડની યાત્રાને રસિક પત્રો રૂપે લખી મોકલનાર અને ગુજરાતની અને મહારાષ્ટ્રની પ્રકૃતિને તથા વર્તમાન અને ભૂતકાળને સુંદર પદ્યબંધમાં મૂકી અનેરી કાવ્યછટાથી શોભાવનાર કવિ શિવલાલ ધનેશ્વરને પ્રેમપૂર્વક યાદ કરવા જોઈએ. પોતાની યુરોપની યાત્રાને આલ્પ્સનાં શિખરો, સ્વિસ ગાર્ડ્ઝના બલિદાનનું પ્રતીક સિંહ તથા સમુદ્રમાં ઊભેલી દીવાદાંડી જેવી અનેક વસ્તુઓને અનુપમ ગૌરવયુક્ત અર્વાચીન કાવ્યશૈલીમાં રજૂ કરનાર હરિલાલ હ. ધ્રુવનું સ્મરણ તો કરવું જ જોઈએ. વળી આપણા નવલકથાકાર શ્રી મુનશીએ યુરોપની કરેલી યાત્રાનાં ફાઉન્ટન પેનની સવારીએ લખાયેલાં થોડાંક પૃષ્ઠોનાં આછાં અધૂરાં સ્મરણો પણ તાજાં થાય છે. શ્રીમતી હંસાબહેન મહેતાનું ‘અરુણનું અદ્ભુત સ્વપ્ન’ઘડીક મગજમાં ચમકી જાય છે. ધૂમકેતુનું ‘પગદંડી’તથા શ્રી રતિલાલ ત્રિવેદીનું ‘પ્રવાસનાં સંસ્મરણો’ એ પ્રવાસગ્રંથોમાં પણ અત્રે યાદ આવે છે. આફ્રિકા, અમેરિકા આદિ દેશોના પ્રવાસી યુવાન ગુજરાતી લેખકોની નામાવલિ પણ યાદ આવે છે. મનોરમ પઘમાં અજંતાની યાત્રા વર્ણવનાર શ્રી ધીરજલાલ ટોકરશી પણ યાદ કરવા જેવા છે. વળી મારો આ વિષય પણ આ પૂર્વે શબ્દબદ્ધ બની ચૂકેલો છે. દક્ષિણની અનેક યાત્રાઓ કરી પોતાના ઇષ્ટદેવ શ્રીરંગનાં હજારેક પદો જેટલાં સ્તવનો શ્રી અનંતપ્રસાદ ત્રિકમલાલ વૈષ્ણવે લખેલાં છે. શ્રી અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદીએ તો આ મારી યાત્રાને જ આજના શિષ્ટ પઘરૂપમાં મૂકેલી છે. સ્વ. સૌ. સુમતિએ પણ પોતાના દક્ષિણના પ્રવાસને ‘દક્ષિણયાત્રા’ રૂપે લખ્યો છે. જ્યાં જ્યાં હું ફર્યો છું તે બધી જગ્યાએ જાણે મારે માટે જ ફરીને નોંધ તૈયાર કરી હોય તેવા નાનકડા પાંચેક લેખો લખનાર શ્રી કિશનસિંહ ચાવડાને પણ છેલ્લા સ્મરણમાં લાવું છું. હજી આથીયે બીજી સ્મરણીય વ્યક્તિઓ હશે. પણ આ યાદી પ્રવાસ-સાહિત્યના સંપૂર્ણ આકલન રૂપે નથી લખાતી એટલે એની ઊણપો નિર્વાહ્ય બનશે. આમ ગદ્ય અને પદ્ય ઉભય રૂપે આપણે ગુજરાતમાં ભૂમિપરિક્રમણને ઉપાસતા રહ્યા છીએ. ગુજરાતી સાહિત્યના આ ખૂણામાં દૃષ્ટિપાત કરતાં તે સાવ સનો નથી લાગતો. અત્રે બીજી પણ એક ઇચ્છા વ્યક્ત કર્યા વગર રહેવાતું નથી. દક્ષિણ અને ગુજરાત ઉભયની સાથે સુપરિચિત એવા કોઈ વિદ્વાન પાસે બંને વિશે થોડુંક તુલનાત્મક ચિંતન-મનન કરાવી આ પુસ્તક સાથે તેને જોડવાની ઇચ્છા હતી. ખાસ કરીને ગુજરાત અને દક્ષિણનાં શિલ્પસ્થાપત્યના ઐતિહાસિક સંબંધોની તથા તેના કળારૂપની ચર્ચા ઘણી જરૂરી લાગે છે; પરંતુ તેને માટે અત્યારે તો કાંઈ કરી શકાયું નથી. દક્ષિણના પ્રવાસ પછી મને એક દૃષ્ટિલાભ તો થયો જ. તે એ કે ગુજરાતની શિલ્પસમૃદ્ધિ અને પ્રાકૃતિક રમણીયતાનો હું વધારે જ્ઞાનપૂર્ણ ભોક્તા બની શક્યો. ગુજરાતની પાસે ગૌરવ લઈ શકાય તેટલા પ્રમાણમાં આ બેય વસ્તુઓની સમૃદ્ધિ છે એમાં શંકા નથી. માત્ર તેનું ભારતની સંસ્કૃતિમાં જે ગૌરવપૂર્ણ સ્થાન છે તે સમજી આપણે તેનો રસાસ્વાદ વિશેષ વ્યાપક અને ગહન રૂપે લઈ શકીએ તેમ થવાની જરૂર છે. દક્ષિણમાં ફરી આવ્યા પછી ગુજરાતના જીવનની મીઠાશ, તેની ઋતુઓની આહ્લાદકતા, તેના એક એક જિલ્લાની લાક્ષણિક પ્રાકૃતિક સુંદરતા, તેના અનેક વર્ણોની વિવિધ સૌંદર્યછટા, તેના વ્યવહારોની વિલક્ષણતા એ બધું મને વિશેષ રસાવહ બનવા લાગ્યું. આ પુસ્તકને અંગે મારી એક મહત્ત્વાકાંક્ષા હતી તેને સમૃદ્ધ રીતે સચિત્ર કરવાની; પરંતુ તેમ થયું નથી તેનું એક સ્પષ્ટ કારણ તો યુદ્ધને લીધેની મોંઘવારી છે, પણ તે ઉપરાંત બીજાં પણ એકબે કારણ જેમ જેમ આ પુસ્તક અંગે ચિત્રો પસંદ કરવાની શોધમાં લાગતો ગયો તેમ તેમ સ્પષ્ટ થવા લાગ્યાં. તેમાંનું એક તો એ કે દક્ષિણને અંગેનાં ઉત્તમોત્તમ દૃશ્યો ચિત્ર રૂપે અત્યંત વિપુલ રીતે અનેક સ્થળે અપાતાં આવ્યાં છે. તેની આગળ મારો ગમે તેટલો મહાન પ્રયત્ન પણ વિવર્ણ જેવો લાગે એ મેં સ્પષ્ટ જોયું. ગુજરાતની પાસે પણ દક્ષિણનું સૌંદર્ય આ પૂર્વે ઠીક ઠીક રજૂ થયું છે. હિંદની પાસે તેમ જ જગતના લોકો પાસે તો દક્ષિણનાં જ નહિ પણ આખા હિંદનાં બધાં ઉત્તમ સૌંદર્યસંપન્ન તત્ત્વો ચિત્ર રૂપે ક્યારનાં રજૂ થયાં છે અને હજી થતાં આવે છે. એ આખી એક સ્વતંત્ર સ્વપ્રતિષ્ઠિત વિપુલ ચિત્રસૃષ્ટિ જ છે. જેમણે એ સમૃદ્ધ ચિત્રરૂપો જોવાં હોય તેમણે એ વિપુલ ચિત્રગ્રંથો પાસે જવું જોઈએ. એ દૃષ્ટિએ વાચકને સંતોષ આપવાને હામ ભીડવી એ મારે માટે ધૃષ્ટતા જ કહેવાય. આથીયે બીજું ગંભીર કારણ મને એ જણાયું કે આવી રીતનાં લખાણોનો પ્રસ્તાવ પેલાં ચિત્રોથી તદ્દન જુદી રીતનો છે. આ લખાણ ચક્ષુર્ગમ્ય વિષયને પોતાનો કરે છે, છતાં તેનું નિરૂપણ તે માનસિક ચિત્રરચના દ્વારા થાય છે. એમાં જ એની સફળતા કે નિષ્ફળતા રહેલી છે. એનો આસ્વાદ પણં બને તેટલો મનોમય રીતે થવા દેવો જોઈએ. ચિત્રોની એમાં મદદ લેવામાં આવે તોપણ તે ઈંગિત રૂપે જ. એમ માની થોડાંએક ચિત્રો જ અહીં મૂક્યાં છે. આ ચિત્રો મને મેળવી આપવા માટે તથા તેને સુંદર રીતે મુદ્રિત કરવા માટે કુમાર કાર્યાલયના સંચાલકોનો અત્રે આભાર માનું છું. છેવટે જેમની જેમની સહાયથી, દોરવણીથી તથા સહપ્રવાસનથી આ પ્રવાસ શરૂ થયો, પૂરો થયો, લખાયો અને મુદ્રણરૂપ પામ્યો તે સૌનો આભાર માની લઉં છું. એમાં મૂળે શ્રવણબેલગોડાના વતની છતાં આપણા ગુજરાતમાં વસી ગુજરાતી બનેલા ભાઈ શ્રીકાન્ત કણ્ઠીનું નામ અહીં સ્મરણીય ગણું છું. એમની હૂંફથી આ અજાણ્યા પ્રદેશમાં જવાની મેં હામ ભીડી. એમણે મને કર્ણાટકમાં એમના વતનમાં ફેરવ્યો અને ઊટી લગી મારો સાથ રાખ્યો. અમારા પ્રવાસનો આવો મંગલારંભ એમને હાથે અને એમની સાથે ન થયો હોત તો આ પ્રવાસ શક્ય જ ન બનત અને બીજું સ્મરણ દક્ષિણ હિંદમાં વસતા આપણા ગુજરાતી બંધુઓનું થાય છે. જે સ્થળે ગુજરાતીઓ હતા ત્યાં અમારે ધર્મશાળાનો આશ્રય લેવો નથી પડ્યો. તેમના મોકળા આતિથ્યનો લાભ અમને મળતો રહ્યો અને તેને લીધે પ્રવાસ વિશેષ આરામભર્યો બન્યો. આ સાથે. અમારા કર્ણાટકના-શિમોગા અને મૈસૂરના યજમાનોનું સ્મરણ પણ કરું છું. એમને લીધે જ તો દક્ષિણનું ગૃહજીવન મને પ્રત્યક્ષ અને નિકટનું બની શક્યું અને છેવટે શ્રી સયાજી સાહિત્યમાળા તરફ પણ મારું ઋણ વ્યક્ત કરું છું, કે જેની સહાયને લીધે આ લખાણ પુસ્તક રૂપે પ્રસિદ્ધિ પામી શક્યું છે. ભૂમિનું પરિક્રમણ એ માનવનો આદિકાળથી વ્યવસાય રહેલો છે. જીવનની આવશ્યકતાઓએ તેને દૂરદૂરના પ્રદેશોમાં ધકેલ્યો છે; પરંતુ એ આવશ્યકતાઓ સિદ્ધ થયા પછી પણ તેણે તે પરિક્રમણ છોડ્યું નથી. ઊલટું એ પરિક્રમણને સાચું ભૂમિલક્ષી બનાવી તેમાંથી એક અનેરો રસાનુભવ તે મેળવતો થયો છે. હિમાચ્છાદિત ઉત્તુંગ ગિરિશિખરો, ગીચ અરણ્યો, અફાટ અને અતાગ સાગરો, પ્રલંબ સરિતાઓ તેમજ પૃથ્વીના અતિશય હિમશીત તેમ જ લાવાની ઉષ્ણતાવાળાં પેટાળો, ભૂગર્ભો, અંતઃસરિતાઓ – એ પ્રત્યેકના અનેરા રોમાંચ અને અનેરી રસાવહતા તેના પ્રવાસીઓએ આલેખેલાં છે. મારા આ અદના પરિક્રમણમાં એ રોમાંચો કે પગલે પગલે ઔત્સુક્ય અને કુતૂહલની નવનવલ સામગ્રી તો નથી જ; છતાં આ પરિક્રમણની પાછળ પરમાર્થતા અને દૃઢ હૃદયભાવના તો રહેલી જ છે. એના બળે જ આવી સાદીસીધી મુસાફરીને પણ હું શબ્દમાં રજૂ કરવાનું ચાપલ કરી શક્યો છું. એ મુસાફરી પછી... હવે તો મને કોક નાનકડું ગામતરું પણ રસપ્રદ બનવા લાગ્યું છે અને તેમાંથી કંઈ ને કંઈ નવું ભૂમિદર્શન મળતું થયું છે. મારો આ શ્રમ કોઈને પણ ભૂમિભક્તિ તરફ વાળી તેના કોક નાનકડાય પરિક્રમણમાં પ્રેરનારો અને ભૂમિના તથા એ ભૂમિ ૫૨ વસતી માનવતાના અંતરબાહ્ય સૌંદર્ય તરફ અભિમુખ કરનારો બની શકે તો હું મારી જાતને કૃતાર્થ માનીશ.

કાર્તિક સુદ ૧૧, ૧૯૯૮
અમદાવાદ

ત્રિભુવનદાસ પુ. લુહાર


દક્ષિણનો નિવાસ

(બીજી આવૃત્તિનું નિવેદન)

લગભગ ૧૧ વર્ષે આ પુસ્તકની બીજી આવૃત્તિ થાય છે; પણ તેનો કાંઈ અફસોસ નથી થતો. દર વરસે સરેરાશ સો માણસોએ આ પુસ્તક ખરીદ્યું છે અને તેથી પણ વધુ લોકોએ એને વાંચ્યું હશે એ કાંઈ નાની વાત નથી લાગતી. ગુજરાતનાં હજારેકથી ઉપર મનુષ્યો આ મારા પ્રિય પ્રદેશ તરફ અભિમુખ થયાં છે એ હકીકત ઓછી આનંદપ્રેરક નથી બનતી. નવી આવૃત્તિ માટે આ પુસ્તક ફરીથી વાંચતો ગયો તેમ તેમ એક નવો પ્રસન્ન ભાવ અનુભવતો ગયો. મારાં સર્વ પુસ્તકો કરતાં આ મને જાણે વધુ પ્રિય, વધુ પ્રેરક લાગવા માંડ્યું. મારી વાર્તાઓ છે, કવિતા છે, વિવેચન છે તોપણ આ લખાણ તરફ કેમ વિશેષ અભિરુચિ દેખાવા લાગી? પુસ્તકનાં પાનાં પર પાનાં ફરીથી વાંચતો ગયો તેમ તેમ એ આખો પ્રવાસ ફરીથી પાછો જાગૃત થયો, સજીવન થયો. અત્યારે જે ભૂમિનો હું નિવાસી બનીને રહ્યો છું એ ભૂમિનો તે વખતે હું એક મુગ્ધ ચંચલ મુસાફર હતો. એ વખતે આ પ્રદેશમાં ફરી રહેલા મારા પોતાના સ્વરૂપનું સ્મરણ કરું છું ત્યારે મારું જાણે કે એક બાલસ્વરૂપ ખડું થાય છે અને અત્યારે જોઈ શકું છું કે પ્રવાસની એ ક્ષણોનું, એ ત્રીસેક દિવસોનું જીવન કેવું તો ક્ષણે ક્ષણે સંવેદનોના બહુવિધ ઝંકારોથી ભરપૂર હતું. એ ઝંકારો અહીં આ પાનાંમાં સંઘરાયા છે એ વાત અત્યારે બહુ સ્પષ્ટ બની ગઈ. અને મેં જોયું કે અરે, આ તો મારા જીવનનો જ એક ટુકડો બની ગયો છે! મારી અનાયાસે લખાઈ ગયેલી એક નાનકડી સંવેદનકથા છે. વસ્તુ એ સંવેદનાનું શું મૂલ્ય છે તેની તપાસ હું નહિ કરું. માત્ર એક જ અત્યારે નજર આગળ સ્પષ્ટ બને છે કે એ સંવેદનોમાં એક નિર્મળ સચ્ચાઈ હતી, એક સાચી ઝંખના હતી. જીવનનું અને જગતનું સૌંદર્ય જોવું હતું, સત્ય જોવું હતું, જાણવું હતું, રસ પીવો હતો અને અહીંનાં પ્રકૃતિધામોમાં, તીર્થસ્થળોમાં, દેવમંદિરોમાં, જનનિવાસોમાં ફરતાં ફરતાં મારી આ ઝંખનાને તૃપ્ત કરતો જે કંઈ આછો અધૂરો, મુગ્ધગંભીર જવાબ મળ્યો તે મારે મન ધણી મહામૂલી વસ્તુ હતી. એ વખતના એ દર્શનનું મૂલ્ય મારે માટે અંગત રીતે તો એ રીતે વધી જાય છે કે આ ઝંખનાની દિશામાં આગળ ગતિ કરવાની શક્યતા આ દક્ષિણ ભૂમિમાં જ ઊભી થઈ અને જીવનની એક મહાગંભીર ઉપાસનામાં જોડાયેલા એક માનવસંઘની અંદર આવીને હું પણ તેમાં ભળી ગયો. ખરેખર ૧૯૩૫ ના અંત ભાગે આ પ્રદેશમાં ભમતાં ભમતાં એ કલ્પના કદી પણ ન હતી કે અહીંનાં દેવમંદિરોમાં અને તીર્થસ્થળોમાં જતાં જતાં હું જે કઠોર શંકા અને તીક્ષ્ણ ટીકાથી પરમાત્માને પુકારતો હતો, જીવનના લુપ્ત જેવા થઈ ગયેલા જે સત્યને જીવતું જોવા માગતો હતો, પ્રકૃતિનાં રમ્ય મધુર-સ્થળોમાં પણ જે એક અધૂરપ અને ઓછપ અનુભવતો હતો અને પછી પોંડિચેરીના સમુદ્રના હૃદય ઉપર ઊભા રહીને જે એક અતાગ ગહનતાનો ધબકાર હૃદયને અડી ન અડીને ચાલ્યો જતો જોયો હતો, ત્યાંની પરમ નીરવ શેરીમાંથી રિક્ષામાં બેસીને વિદાય લેતાં જ એક અકલ્પ્ય એવો સંકલ્પ મારામાં સાકાર થતો જોયો હતો. તે બધાંનો ઉચિત મેં માંગેલો, તેવો બલકે તેથીયે અતિઘણો સમૃદ્ધ અને બૃહત એવો જવાબ મને આ ભૂમિમાંથી મળશે અને આ ભૂમિ મને આખો ને આખો પોતાની અંદર સમાવી શકશે અને હું છું – તે વખતે હતો – તેના કરતાં મને કેટલોયે વૃદ્ધિમાન અને સમૃદ્ધિમાન બનાવી આપશે. આ ભૂમિમાંથી? એ શબ્દોને થોડા વિસ્તારીને સમજવાના છે. ભૂમિનું તો એવું છે કે સબહી ભૂમિ ગોપાલકી, પણ કૃષ્ણ તો વૃંદાવનમાં જ હતા. આ ભૂમિમાં પણ કંઈક એવું જ બન્યું છે. વિધિનો કોઈ અકળ યોગ આજના એક મહાયોગીને આ ભૂમિમાં લઈ આવ્યો અને માનવ માટે યોગનું એક મહાતીર્થ આ પૃથ્વી ઉપર આ સ્થળે રચાયું. એ તીર્થસ્થળને પાત્ર બનેલી આ દક્ષિણભૂમિ એટલા માટે પણ વંદનીય છે. દક્ષિણાયન – દક્ષિણનો પ્રવાસ પૂરો કરીને તરત જ ઉત્તર હિંદનો પ્રવાસ ક૨વાની યોજના હતી અને દક્ષિણની પેઠે ઉત્તરની પણ પ્રવાસકથા લખવી હતી; પણ દક્ષિણનો આ પ્રવાસ કર્યા પછી કંઈક અકલ્પ્ય રીતે જ બનાવો બનવા લાગ્યા. ૧૯૪૦ માં પોંડિચેરીમાં આવીને શ્રી અરવિંદનાં દર્શન કર્યા. અને મનની દુનિયા જાણે કે પૂરી થઈ ગઈ. હૃદયે પણ જાણે કે પોતાની બધી લીલાને સંકેલી લીધી. જીવનમાં નાનીમોટી જે કાંઈ યોજનાઓ હતી તે સંકેલાઈ ગઈ. નાનાંમોટાં બધાં કામો પૂરાં થઈ ગયેલાં લાગ્યાં. ઉત્તરનો પ્રવાસ તો શું, પણ પ્રવાસ માત્ર, પ્રવૃત્તિ માત્ર હવે પરિસમાપ્ત બની ગયેલી લાગી. નાનકડા ભાવુક બાલિચત્તે, બાલહૃદયે જે કાંઈ ઝંખ્યું હતું, ચાહ્યું હતું તેના કરતાં કોઈ મહા મઘમઘી રહેલો, મહાસમર્થ, મહાવિપુલ, મહાઉત્તુંગ જીવનપ સામે ખુલ્લો થયો. હવે બીજા કશા માટે અવકાશ નહોતો. આ આવૃત્તિમાં મારું ‘જોયો તામિલ દેશ’નું કાવ્ય ઉમેર્યું છે. એ સિવાય પુસ્તકના લખાણમાં કશો ફેર નથી થયો. કેટલાંક સ્થળો અંગે થોડી વધુ ઝીણી વિગતો મળી છે પણ તેનો ઉપયોગ ન કરતાં મૂળ લખાણ હતું તેમ જ રહેવા દીધું છે. દક્ષિણ વિશેનો અદ્યતન ચિતાર મેળવવા માટે તો હવે નવા પ્રવાસી લેખકોએ નવો ગ્રંથ લખવો જોઈએ. એ માટે મારું એમને આમંત્રણ છે અને હું પોતે આ ગ્રંથને જૂના ગ્રંથ તરીકે જાળવી રાખવામાં આનંદ પામું છું.

શ્રી અરવિંદાશ્રમ, પોંડિચેરી
૧૭-૮-૧૯૫૨

સુન્દરમ્



વધુ રૂબરૂમાં

(બીજી આવૃત્તિના પુનર્મુદ્રણનું નિવેદન)

આ પ્રવાસની આ ત્રીજી આવૃત્તિ વખતે કાંઈ ખાસ કહેવાનું નથી. ગઈ આવૃત્તિનું આ પુનર્મુદ્રણ છે. માત્ર ગઈ બે આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ ટૂંકાવી લીધી છે. બીજી આવૃત્તિ વખતે પ્રકાશક નિરાશામાં હતા કે ચોપડી વેચાશે નહિ. પણ પહેલી આવૃત્તિની ગતિએ વરસની સો નકલના હિસાબે એ વેચાતી તો રહી છે. આ નકલોની નોંધ અહીં લઉં છું, તે પુસ્તકના વકરાની રીતે નહિ પણ એમાંથી ગુજરાતના દક્ષિણાભિમુખ માનસની જે એક છબી પ્રગટે છે એ રીતે. વરસો વીતતાં જાય છે અને જીવન વિકસતું અને બદલાતું જાય છે. સ્વાધીન હિંદમાં લોકો વધુ પ્રવાસાભિમુખ બન્યા છે અને સરકાર લોકોને ફરતા કરવાની યોગ્ય પેરવી પણ કરી રહેલી છે અને આમ આખાયે હિંદભરની વસ્તી અહીં દક્ષિણમાં અને પોંડિચેરીમાં ઠલવાતી બની છે, આપમેળે પ્રવાસ આદરતી કે સ્પેશ્યલ ટ્રેનો ભરીભરીને. અહીં આવનારા ગુજરાતી બંધુઓ ‘દક્ષિણાયન’નું સ્મરણ કરે છે ત્યારે આનંદ થાય છે. પહેલી આવૃત્તિ વખતે મારી એક મન: કામના મેં જણાવેલી કે માનવજાતિ અને ખાસ તો આપણી ઘરરખુ હિંદી પ્રજા પોતાની ભૂમિમાં પરિભ્રમણ કરતી થાય તો કેવું સારું! એ અત્યારે હવે બની રહ્યું છે. ગામડાગામના માણસો પણ કાશ્મીર અને ભાકરા-નાંગલથી માંડી, ચિત્તરંજનનાં એંજિન-કારખાનાં અને કન્યાકુમારીનાં ભૂશીર્ષો સુધી ભમવા લાગી ગયા છે અને ભારતમાતાની સરજાતી કાયાને જોઈ રહ્યા છે. એમાં પોંડિચેરી એ પણ હવે એક અનિવાર્ય યાત્રાધામ બની રહ્યું છે. ભારતનાં બીજાં પ્રવૃત્તિધામોની સાથે તેમ જ તીર્થધામોની સાથે પોંડિચેરી પણ એક પ્રવૃત્તિધામ અને તીર્થધામ તરીકે જોવાવા લાગ્યું છે. પણ આ તીર્થમાં જે જલ છે અને આ પ્રવૃત્તિધામમાં જે પ્રવૃત્તિનો ફાલ છે તે જુદી રીતનાં છે. ભાકરા-નાંગલમાં જે જલસાગરો બંધાયા છે, ચિત્તરંજનમાં જે મહાબલ એંજિનો ઘડાઈ રહ્યાં છે એના જેવું, બલ્કે એથીયે કોઈ ગંજાવર અને મહાશક્તિમય તત્ત્વ, મહાસ્થૂલકાય પદાર્થો કરતાં પણ મહાઅતિકાય સૂક્ષ્મ તત્ત્વ અહીં પણ સરજાઈ રહ્યું છે. અહીં જેઓ ચાહીને આવે છે તેમને આ વાતનો અમે કંઈક ઇશારો આપીએ છીએ, પણ એની વાત આ પુસ્તકનાં પાનાંમાં નહિ કરું. એ તો રૂબરૂમાં મળીએ ત્યારે.

શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરી
તા. ૧-૭-૧૯૫૮

સુન્દરમ્



ચોથું પુનર્મુદ્રણ

આ પુનર્મુદ્રણમાં પૃ. ૨૪૪ ઉપરનો પહેલો ફકરો, એની પહેલાંના ફકરાનું છેલ્લું વાક્ય અશ્લીલ શિલ્પવિધાનો વિશેનું કાઢી લઈ તીરુપતિના મંદિરમાંનાં ભોગશિલ્પો વિશેનો નવો ઉમેર્યો છે એ સિવાય પુસ્તકમાં બીજો કોઈ ફેરફાર નથી.

શ્રીઅરવિંદ આશ્રમ,પોંડિચેરી
તા. ૨૧-૧૧-’૬૪

સુન્દરમ્



હમણાંની એક નોંધ

આ છેલ્લા પુનર્મુદ્રણ વખતે મુખપૃષ્ઠ ઉપર મૂકેલી કવિ અરજુનની ચાર લીટીઓ તરફ મારું ધ્યાન ખાસ ગયું, ખાસ તો એમાંનાં વિરામચિહ્નો વિશે. મૂળ સાથે સરખાવી જોતાં (‘અર્વાચીન કવિતા’’, પૃ. ૫૦૩) જણાય છે કે મેં લીટીઓ થોડી આડીઅવળી કરીને ગોઠવી છે. મૂળ કવિની લીટીઓ આ પ્રમાણે છે.

મેં તો મેરે જાતે, મેં તો મેરે જાતે
ચલો કોઈ આતે, મેં તો મેરે જાતે.

મારી ગોઠવેલી લીટીઓમાં ‘મેં તો મેરે જાતે’ પછી મેં ‘ચલો કોઈ આતે’ મૂકી, એ જ પંક્તિ બીજી વાર લીધી છે અને ‘ચલો કોઈ આતે’ની બીજી પંક્તિ પછી પૂર્ણવિરામ મૂક્યું છે. આ મારું કવિકર્મ બન્યું લાગે છે!

૧૬-૪-૮૩
પોંડિચેરી

સુન્દરમ્



બીજી નોંધ

બીજાં ત્રણ વર્ષમાં ‘દક્ષિણાયન’નું પાછું પુનર્મુદ્રણ: કુલ છ મુદ્રણો, સં. ૧૯૯૮ થી ૨૦૪૨ સુધીનાં ૪૪ વર્ષમાં. કૃતાર્થતાનો ભાવ, સરસ્વતીદેવીથી માંડી વાંચી-સમજી શકે તેવાં સર્વ પ્રતિ. આ પુસ્તકના પ્રારંભમાં જે થોડું લખતો રહું છું તે વાંચતાં થયું સમય હોય તો આવું આવું ‘દક્ષિણાયન’ જેવું લખાતું રહે તો ખોટું નહિ; પણ હજી ઉત્તરમાં આવી હિમાલય જોયો નથી અને જોવો હશે ત્યારે કેવો ઉમળકો જન્મશે તેની કલ્પના નથી. કશું અનિવાર્ય રહ્યું નથી. એવું થશે ત્યારે લખીશું. જય સચ્ચિદાનંદ!

અમદાવાદ,‘માતૃભવન’
૩૦-૧૦-૮૬

સુન્દરમ્