દલપત પઢિયારની કવિતા/અંચળો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અંચળો

કોઈ રે ઉતારો મારો અંચળો,
અમે અમારા ઓઢેલા અંધાર રે!
          કોઈ રે...
ઢાંકેલી માટીનાં બીજ બધાં બાવરાં,
એનાં મૂળ રે ભીતર મોજાં બા’ર રે!
          કોઈ રે...
નિત રે સંજુ ને નિત નિત સંચરું,
અમને આઘે વાગે અમારા ભણકાર રે!
          કોઈ રે...
કેમ રે સંકેલું કેમ કરી ઊકલું,
અમે અમારા ભીડેલા ભોગળ દ્વાર રે!
          કોઈ રે...
ભીતર છેદો ને છેદો મારો છાંયડો,
અમને અમારા ઓળખાવો અપરંપરા રે!
          કોઈ રે...