દલપત પઢિયારની કવિતા/ઝીલણ ઝીલવાને!

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઝીલણ ઝીલવાને!

સરખી સાહેલીઓ ટોળે મળીને કાંઈ
          ગ્યાંતાં જુમનાજીને તીર, ઝીલણ ઝીલવાને!
વેણુ વાગે ને સૂતી નગરી જાગે,
          મન મથુરાને મારગે અધીર, ઝીલણ ઝીલવાને!
લહેરે લહેરે ચડ્યાં ભર રે જોબન,
          મારી નાડીઓના વેગ નહીં થીર, ઝીલણ ઝીલવાને!
નાવા ઊતરીએ તો નખની મરજાદ,
          અમે કાચી કાયાનાં અમીર, ઝીલણ ઝીલવાને!
આ કાંઠે બેડાં ને સામે કાંઠે તેડાં,
          પછી છૂટાં મેલ્યાં’તાં શરીર, ઝીલણ ઝીલવાને!
ચોગમ ચડ્યાં કંઈ ચંપાના ઘેન,
          અમે નીર જેવાં નીર ધર્યાં ચીર, ઝીલણ ઝીલવાને!
ઘેરી ઘેરી વાંસળીએ ઘેર્યું ગગન,
          અમે અડોઅડ ઊઘડ્યાં મંદિર, ઝીલણ ઝીલવાને!
વાડી ખીલી ને ખીલ્યો મોગરો ને,
          કાંઈ શીતળ વાયા સમીર, ઝીલણ ઝીલવાને!