દલપત પઢિયારની કવિતા/રામ બોલતાં અશકર ખૂટ્યા
Jump to navigation
Jump to search
રામ બોલતાં અશકર ખૂટ્યા
ડેલીતૂટ્યા દરવાજાનાં ખળખળ વહેતાં પાણી,
‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
ક્યાંથી દીવો છૂટો પડ્યો
ને ક્યાં મૂકી એંધાણી?
ઝળહળ ઝળહળ ઊકલ્યું નહીં કાં રેખા પડી અજાણી?
‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
અલ્લક-દલ્લક પાછું આવે કોણ?
—કૉગળો પાણી?
કોણે છેાડી પાંગથ, કોણે પવનપછેડી તાણી?
‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
માટી જેવી માટી પાસે
તળાવ માગ્યું, તુલસી માગી,
ક્યાં અંગૂઠો ભોંય ખોતરે, કોણ થયું ધૂળધાણી?
‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
વધ્યુંઘટ્યું તે કોણ?
કોણે ક્યાં માંડ્યો સરવાળો
અહીં તો –
કમાડ-ઑથે કેટકેટલા દરિયા લેતા ટાળો
કેટકેટલાં તોરણ વચ્ચે સમય બાંધતો માળો
રેતભરેલાં મોજાં વીખર્યાં વહાણ, વાવટો વાળો
તરતી ડેલી, તરતા દીવા, તળિયે બેઠું પાણી,
‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.