ધીરેન્દ્ર મહેતાની કવિતા/ડૉરસેટ (યુ.કે.)માં શીતકાલીન સૂર્યોદય
Jump to navigation
Jump to search
૫૧.
ડોરસેટ (યુ.કે.)માં શીતકાલીન સૂર્યોદય
ડોરસેટ (યુ.કે.)માં શીતકાલીન સૂર્યોદય
ઓચિંતા આ ગહન નભથી છૂટતો તેજપૂંજ
પૃથ્વીને એ સહજ અડકે તેની પ્હેલાં જુઓને,
ઝીલી લીધો તરત તરુએ મસ્તકે આમ કેવો
પાને પાને સરક સરકતો જો ત્વરાપૂર્ણ ચાલે!
આ તો પેલો તરુવર ખડો શિર છત્રી ધરીને!
ત્યાં તો જોઉં વિટપ સઘળા ચાલતા થાય આગે
ખેચી લે છે પીત વસન એ તો શિરેથી અચિંતું
ને પેલું તો અવશ થઈ ખોવાઈ ગ્યું ક્યાં ખગોલે?
ખાલી થ્યું એ નભપટલ ત્યાં ઊતરી આવતું ઓ
વીંટી લેતું ધૂમસ ઘન ત્યાં તો બધુંયે સમાવી.
દેખાતું ત્યાં દ્રુમ વિરલ ના ના વળી અન્ય દેખું
ડૂબે છે ને ક્ષણભર તરે છે ફરી સૃષ્ટિ સારી.
ચાલ્યો જાઉં કચડકચ વિચ્છિન્ન થાતા અવાજે
નીચે મારો પગરવ છૂપો લૈ સૂતાં સોનપર્ણે!
૨૧-૧૦-૨૦૨૩