ધીરેન્દ્ર મહેતાની કવિતા/પવનના વેશમાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૫.
પવનના વેશમાં

ધીમેધીમે એ વાત વહી ત્યાં દેશ ને પરદેશમાંઃ
ફરકે અહીંયા રોજ કૈં આવી પવનના વેશમાં.

પછી જુઓ તો પાળિયે ઘોડે ચઢ્યા અસવારને,
તબક્યા કરે શું એમની આ આંખ બે અનિમેષમાં!

પાદર કને છે બાતમી છેલ્લી-પહેલી આટલીઃ
લટિયેલટિયે કોઈ ઝોલા ખાય વડના કેશમાં.

તમરાં અને આ આગિયાની એકધારી ફૂદડી,
શાની મચે છે ધૂમ આ અવકાશ કાળા મેશમાં!

કૈં વાયકાઓ સાથ ભેળી થાય દંતકથા અહીં,
ગઠરી બધી છોડે, ન ઓછું થાય કૈં લવલેશમાં.

ત્યાં જાય છે જે સાદ એ પડઘો બની પાછો વળે,
શું પૂછવું બોલો, અને શું સમજવું નિર્દેશમાં!
૧૫-૬-’૮૦