ધૂળમાંની પગલીઓ/૧
આજે સવારે એક સામયિક જોતો હતો. એ સામયિકમાં એક વ્યક્તિની વિવિધ ઉંમરે લીધેલી તસવીરો હતી. મને એ તસવીર જોવામાં ભારે રસ પડયો. બાળપણનો ચહેરો ને ઘડપણનો ચહેરો! હું એ બેય ચહેરાઓમાં રહેલાં સામ્ય-વૈષમ્યોની ખોજમાં લાગી ગયો. ઉંમરની સાથે ચહેરો કઈ રીતે ને કેવો બદલાય છે તેનું રહસ્ય પામવાને હું મથી રહ્યો; પણ એ રહસ્યનો સાક્ષાત્કાર કંઈ સહેલો છે? સમયના સ્વાદ વિના સમયનું રહસ્ય પામી શકાય? ને સમયના સ્વાદની પ્રતીતિ શી રીતે થાય? હું ફરી એકવાર મારી જાતને ખોલવા બેસી ગયો. મારી જીવનમંજૂષામાંથી એક પછી એક નમૂના કાઢતો ગયો… મને ખબર નહોતી કે મારી આ મંજૂષા પણ આટલી જાદુઈ હશે. એક પછી એક જાતભાતની વસ્તુઓ નીકળતી ગઈ. છેવટે સ્મૃતિ થાકીને જ્યાં વિરમે એ અટકસ્થાન આવી ગયું. મને થયું, ઠીક છે. અહીંથી શરૂ કરીએ સમયની સાથે સ્નેહાલાપ. વાતચીત હું મારા સમય સાથે, મારી સાથે કરીશ; પણ એમાં તમનેય સંડોવીશ. હું મને લાગે છે તે કહીશ. આજે લાગે છે તેય કહીશ ને ત્યારે લાગતું હતું તેય કહીશ. મારો રસ મારા નિમિત્તે સમયને બોલતો કરવાનો છે; જીવનની મંજૂષાને મારી આગળ ખુલ્લી કરી દેવાનો છે. જોઈએ તો ખરાં, એમાં શું સચવાયું છે? કેમ સચવાયું છે? પેલું કાલોલ – પંચમહાલ જિલ્લાનું એક તાલુકા-ગામ, ૧૯૩૮ની સાલનું. એનો ચહેરો મને છેક જ ધૂંધળો દેખાય છે. ગર્ભની આસપાસ જેવું પડળ હોય એવું કંઈક આ ગામની આસપાસ વીંટાયેલું દેખાય છે. હું સ્મૃતિને ખેંચીને કંઈક હાથ કરવા મથું છું પણ નિષ્ફળ. અંધકારની નાનીમોટી અનેક ઢગલીઓ જાણે દેખાય છે. એવી એકાદ ઢગલીમાંથી હું પ્રગટ્યો હોઈશ. મારા વડીલો કહે છે : ‘તારા જન્મ્યા પછીથી એક ધરતીકંપ થયેલો. ત્યારે તું ઘોડિયામાં હતો. તને છોડીને સૌ બહાર નીકળી ગયેલાં... મા સુધ્ધાં. પછી એકાએક તું યાદ આવ્યો ને તને ઘરમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો.’ બરોબર છે. આજેય અનેક કંપ મારા પગ તળે થાય જ છે પણ મને બહાર કાઢી લેનાર તે જ જાણે ગાયબ છે. કાલોલની ધ્રૂજતી ધરામાંથી હું ખાસ કંઈ રળી શક્યો નથી. માત્ર એક ફોટોગ્રાફમાં માના હાથમાં મારું શિશુક રૂપ જોઉં છું. એમાંથી કયા હાથના કસબે આજનું રૂપ નીપજી આવ્યું એ તો આપણા કૌતુકનો વિષય છે. હાલ તો આપણે કાલોલ છોડી દાહોદ પહોંચવું પડશે. દાહોદ અને ભીલ – મારામાં એક થઈ ગયા છે. કાળું બદન, કાળું પહેરણ ને એનાં ચાંદીનાં બોરિયાં, ખુલ્લા પગ, હાથમાં કડું, તીરકામઠું ખરું જ. આમ તે લંગોટી ૫ણ વસ્તીના આદર માટે લપેટેલું સફેદ વસ્ત્ર, માથે લુખ્ખા ઊડતા વાળને શિસ્તમાં રાખવા મથતો સફેદ કકડો. ક્યારેય આવો ભીલવેશ જોઉં છું ત્યારે એમાં મને દાહોદની પાણીદાર ધરતીની ધાર ઊપસી આવેલી વરતાય છે. દાહોદની ધરતીમાં કઠિનાઈ છે ને એટલી જ છે લીલી મકાઈની મીઠાશ. એમાં પરિશ્રમની સાથે છે આદિવાસીઓનો ઉલ્લાસ. ડુંગર ને જંગલ એકબીજામાં ભળી ગયાં છે. પથ્થર ને પાણી એકબીજાને સતત ભેદતાં રહ્યાં છે. મકાઈદોડાનાં પાંદડાં ને રેસા ઉતારતો હોઉં એમ સમયનાં પડ એક પછી એક ખસેડું છું. દૂધિયા મકાઈદાણાની ચમકશું એક દાહોદનું મોહક બાળરૂપ મારી નજર સમક્ષ આજે છતું થાય છે. એની આંખમાં કૌતુક ને ક્રીડા છે. એના મુખે સ્નેહનો સ્વાદ ને શ્રદ્ધાનો ઉજાસ છે. સમય જાણે સવારે ધૂળમાં અંકાયેલી કાગડાની નર્તનરેખા સાથે પોતાનાં ચરણ મિલાવે છે. ઘેરૈયાના ડણકતા ઘૂઘરા ને પનિહારીનાં ઝાંઝરના ઝણકાર એકસાથે સંભળાય છે. હું આંખ મીંચી મારી જાતને કોઈ પહાડી ઝરણાના હાથમાં મૂકી દઉં છું ને હું શિયાળાની સવારના મીઠા તડકામાં એક ફળિયાના નાકે કંતાનના પાથરણા પર મને બેઠેલો જોઉં છું. મારા પોશાકનું મને સ્પષ્ટ સ્મરણ નથી. કદાચ રૂની ડગલી પહેરી હશે. બાજુમાં પિતાજી છે. રૂનો મોરપીંછ રંગનો ડગલો માથે રાતા મંગળીયાનું બાંધણું. એમની પાસે માળા ને વૈષ્ણવધર્મની નિત્યનિયમની ચોપડી છે. આ સાથે ફળિયાના બીજા ત્રણ-ચાર છોકરડાંઓ આવી ગયા છે. મારા પિતાજી બુલંદ અવાજે તાલી પાડતાં ગવડાવે છે :
રાધેશ્યામ કહો, ઘનશ્યામ કહો;
એ નામ વિના બેડો પાર ન હો.
અમે છોકરડાંઓ ગળાની નસો તંગ કરીને મોટેથી એ ધૂન ઝીલીએ છીએ ને સાથે તાળી પાડીએ છીએ. શિયાળાની સવારની ઠંડી અમારી નજીક છતાં અમને અડતી નથી. અમે અમારા મોઢામાંથી નીકળતી બાષ્પ જોવામાં ને ધૂન ગાવામાં લીન છીએ. ત્યાં જ વસાણાની ગોટીઓ આવે છે. અમારા રાધેશ્યામને થોડી વાર ઊભા રહેવું પડે છે. ગોટીઓ ગળામાં ઊતરીને ગરમાવો કરે છે કે તુરત જ પાછા રાધેશ્યામ ઠેક મારતાકને ખડા થઈ જાય છે. અમારી ધૂન ફરી શરૂ થાય છે : ‘રાધેશ્યામ કહો..’ ને તે વખતે અમારી નજર સામે જે ચલચિત્ર ચાલતું એમાં ગાયોના ધણ સાથે પનિહારીએાનાં વૃંદ ખાસ આવતાં. પેલી રાતી ગોમતી ગાય, અમારે ત્યાં દૂધ દેવા આવે છે એ છગનની. કેવી ડોકની ઝાલર ઝુલાવતી ને ઘંટડી રણકાવતી છટાથી ચાલી જાય છે! ને પેલી પનિહારીઓ! કદાચ તે વખતે મને દેખાતી હતી તેથી વધુ સારી રીતે આજે એમને હું જોઈ શકું છું. પેલાં નર્મદાકાકી. પડછંદ, જાજરમાન. પૂરાં ભગવાનમાં સમર્પિત. સૌથી બચતાં આઘાં આઘાં પણ સ્ફૂર્તિથી ચાલે. એમની સાથે પેલી રાધા રમતુડી. ભારે ટીખળી. હસતી જાય ને મોતીના સાથિયા જાણે પૂરતી જાય. એની આંખોમાં તળાવની માછલીઓ જાણે સળવળતી ચમકતી ન હોય! ને પેલી શારદુડી. હું ન બોલું તો મને ગલીપચી કરીનેય બોલાવે. ને પેલી હમણાં જ પરણીને આવેલી રેવલી. ઘૂમટો કાઢતી જાય ને બાપુજીનેય ટીખળમાં લપેટતી જાય. એની નમણી આંખ નચાવતી, ગાલનાં લાલ ગુલાબ ખિલાવતી જરા લળીને મારા બાપુજીને કહે : ‘ભગતકાકા, તમે તો ઠીક જમાવટ કરી છે ને કંઈ...આ બચુડાનેય ભજનમાં ભેળવી દીધો!’ ‘તે સારું ને!’ ‘હા સ્તો; આખા ગામને ભગતનું ગામ કરી દેજો.’ ‘ભગવાનની મરજી હશે તો તેય થશે.’ રેવલી પછી હસતી હસતી ઠાવકાઈથી ચાલી જતી. ક્યારેક એ થોભીને એકાદબે કોઠાં કે એવું કંઈક લાવી હોય તો એય અમારા કંતાનના પાથરણા પર છોડી જતી. એ રેવલીની ચાલમાં કંઈક અનોખી લચક હતી. વગર ઝાંઝરે એનાથી ત્યારે રસ્તો ઝણકતો હશે એમ આજે હું અનુમાન કરું છું. એનું સહિયરવૃંદ વિશાળ હતું અને એમની ખટમીઠી મજાકનો લાભ અમારી ભક્તમંડળીને યથાવકાશ રોજેરોજ મળતો રહેતો. એ કાળે ગામનું તળાવ, ઓલમ્પિકના મેદાનથીયે અમારે મન વધારે મહત્વનું હતું. તળાવને કાંઠે એક વિશાળ વડ. અમારા ભાઈજી પટાવાળાનો દીકરો વેચાત ભારેનો તરવૈયો. વડનાં ઝાડ પર સપાટાભર ચડી જતો, છેક ટોચે પહોંચી ત્યાંથી તળાવમાં પડતું મેલતો. ધુબાક અવાજ ને પાણીનો મસમોટો ઉછાળ. વેચાત પાણીને તળિયે જઈને આંખના પલકારામાં બહાર આવતો. આ વેચાત અમારે મન મંદિરના ઠાકોરજી જેટલો જ મહિમાવાન હતો. અમે એની પાછળ પાછળ ફરતા. એનો પડ્યો બોલ ઝીલી લેતા ને એ પણ અત્યંત ઉદારતાથી પોતાના પરાક્રમની પ્રસાદીરૂપ કમળકાકડીનો ગરાસ અમને સૌને વહેંચી આપતો. એ વેચાતને બીડી પીવી હેાય તો અમે એના માટે ગમે ત્યાંથી સળગતું છાણું એના માટે શોધી લાવતા. મંદિરમાંથી એના માટે પ્રસાદનો મૂઠો ભરી લાવતા. એને તરસ લાગે ત્યારે એકસાથે ત્રણચાર સાગરીતો ઘેર પાણી લેવા દોડતા ને બદલામાં એ અમને રક્ષણ આપતો. એ અમારી ક્ષેમકુશળતા સચવાય એની તકેદારી રાખતો. સાંજે શંકરના મંદિરે જતા ત્યારે ત્યાં આરતીટાણે નગારું ને ઘંટ કોણ વગાડે એની ભારે હુંસાતુંસી થતી. આવે ટાણે અમારો સરદાર વેચાત ગૌરવભર્યા ડગે પધારતો. નગારું ને ઘંટ વગાડવા માગતા સૌ એના આવતાં જ જાણે એને માન આપવા બે ભાગમાં વહેંચાઈ જતાં. વેચાત ચારે બાજુ નજર કરતો. સૌ એની કૃપાનજર આકર્ષવા મથતું. ક્યારેક મારી ટીકી લાગી જતી. વેચાત મને બાવડેથી ઝાલી, નગારા આગળ બેસાડી દેતો; ને પછી તો હું છે ને નગારું છે. આરતીટાણું બને તેટલું બુલંદ બને એ માટે અમે સૌ સહિયારો પ્રયત્ન કરતા. જેને નગારું કે ઘંટ હાથમાં ન આવતા તેમની પાસે તાળી પાડવા માટે હાથ તો હતા જ. તેઓ જોશથી તાળી પાડીને આનંદને સ્ફોટક બનાવવાનો આનંદ લેતા. આ આરતીટાણાના ઉજાસમાં આખું ગામ જાણે કોઈ જુદું જ રૂપ લેતું હતું. આરતીના મધુર ઘંટારવમાં ગામ સમસ્તનો પ્રવૃત્તિમય કોલાહલ ડૂબી જતો. આધ્યાત્મિકતાની એક સોનરેખા કાળી ધૂસરતાની ઉપર ઝબકી જતી. કોપરાના પ્રસાદનો ઉજાસ, સંધ્યાકાળે લઘુ હથેળીઓમાં કેવું રમણીય રૂપ ધારતો હતો! અમે મંદિરના પૂજારીની આરતીની રમણીયતાના ભારે આશક હતા. એ જે રીતે આરતીને અવકાશમાં ઊંચે સ્થિર કરી, તેને નમણો મરોડ આપતો તે પર અમે સૌ વારી જતા અને એટલા જ અમે વારી જતા ચતુરાઈથી પ્રસાદ વહેંચવાની અમારા વેચાતની કળા પર. એ ઈચ્છે તે રીતે પ્રસાદ વહેંચવાનું ગોઠવાતું. ક્યારેક અમે જ સામે ચાલીને વેચાતને પ્રસાદ વહેંચવાનું કહેતા ને ત્યારે વેચાત મોટા ભાગે તો અમને જ એ જવાબદારી સોંપતો. અમે વેચાત માટે પ્રસાદનો માનભર્યો હિસ્સો અનામત રાખીને પછી જ સમાજવાદી રીતે પ્રસાદ રાય અને રંક સૌને વહેંચતા. આ આરતીના લયમાં જાણે અમારી સાથે આખું ગામ ઝૂમતું. સૌનો દિવસભરનો થાક આરતી પછી જાણે વિસરાઈ જતો. સૌ મંદિરને ઓટલે અહીંતહીં બેઠક જમાવી જાતભાતનાં ટોળટપ્પાં ને રમતો જમાવતા. હું તો પિતાજીની ધાકથી વહેલો વહેલો ઘેર પહોંચી જતો; પણ પછી લાગતું કે ઘેર તો શરીર જ પહોંચ્યું છે; મન તો હજી ફૂદાની જેમ મંદિરની આરતીની આસપાસ ઘૂમ્યા કરે છે.
❖
મારા પિતાજી પુષ્ટિમાર્ગીય ચુસ્ત વૈષ્ણવ. ઘરમાં ઠાકોરજીની પૂજા પૂરા ઠાઠમાઠથી થાય. મંદિર ને ઘરમાં ભક્તિનું એકસરખું વાતાવરણ. અમારી રમતોમાંયે ઠાકોરજી ખરા જ. મને યાદ છે એક પ્રસંગ – હિંડોળાનો. મોટાભાઈએ બાપુજીની ગેરહાજરીમાં વળગણી પરથી ધોતિયું કાઢી આવડ્યું એ રીતે પહેર્યું. તે પછી સાડલા ને ચણિયા પણ વળગણી પરથી ઉતારી તેનાથી હીંચકાને સજાવ્યો. ચણિયાની ઝૂલ કરી. સાડલાની પિછવાઈઓ. દીવાલ પરથી ફોટા ઇત્યાદિ ઉતારી તેય હીંચકા પર ગોઠવ્યા. એક તબક્કે એમને કંઈક સૂઝી આવ્યું એટલે મને બોલાવીને કહે : તારે ઠાકોરજી થવાનું છે ને હીંચકે બેસવાનું છે. હું મોટાભાઈની હીંચકા ખાવા-ખવડાવવાની રીતથી પૂરો વાકેફ. એટલે મેં પડવાની બીકે ના પાડી દીધી હતી. એમનું ચાલત તો હીંચકે મને બેસાડીને જ રહેત; પરંતુ હું ભેંકડો તાણું તો બધીયે રમતમાં અકાળે ભંગ પડે એનો એમને ભય. એટલે મને ઉદારતાથી એમની કસ્ટડીમાંથી છોડી દીધો; પણ પછી બહેનને પકડી. બહેનને કહે : ‘તારે યશોદા થઈને આ હિંડોળો ઝુલાવવાને છે.’ બહેન કહે: ‘જા, જા, હું યશોદા શા માટે થાઉં? હું તો ઠાકોરજી થઈ હીંચકે ઝૂલીશ. તું મુખિયાજી બની મને ઝુલાવજે.’ આ રમણીય વિચાર તો મોટાભાઈને વધારે માફક આવી ગયો. એ કહે : ‘ઠાકોરજી, તું થાય એ સારું ન કહેવાય. છોકરીઓથી ઠાકોરજી ન થવાય. હું થઈશ.’ ને એ એક રમકડાની વાંસળી શોધી લાવી હીંચકા પર બેસી ગયા. પણ બહેનમાં સત્યાગ્રહનો આવેશ ભરાઈ આવ્યો. એ હીંચકો ઝુલાવે જ નહીં. મોટાભાઈ તો ઠાકોરજી, જાતે ઓછો જ હીંચકો ઝુલાવાય?! ભારેની ખેંચતાણ ચાલી. મોટાભાઈ ઉશ્કેરાયા; કલહનું જે અનિવાર્યતયા પરિણામ આવે છે તે આવ્યું. બહેનના રુદનના બારે મેઘ છૂટી પડયા ને પરિણામે એકાએક આવી ચઢેલા પિતાશ્રીનો કરપ્રસાદ ઠાકોરજી થયેલા મોટાભાઈને આરોગવો પડેલો. તે દિવસે પિતાશ્રીએ મારી શાંતિપૂર્વક રમતા રહેવાની વિનીત ચેષ્ટાની પ્રશંસા કરેલી એવું યાદ છે.
❖
મને નાનપણમાં જે અનેક રમકડાં મળ્યાં તેમાં લાલજી માટે ખાસ પક્ષપાત. લાલજીને લંગોટી પહેરાવવાના અનેક પ્રયત્નો કર્યા છે પણ ખાસ ફાવ્યો હોઉં એવું યાદ નથી. આ લાલજી મહારાજને પહેલીવાર પ્રસાદ ધરાવવાની વાત આવેલી ત્યારે મેં સરુદન ઉગ્ર વિરોધ બહેન આગળ કરેલો એવું યાદ છે; પણ પછી અનેક અનુભવોએ પ્રતીત થયું કે લાલજી મહારાજને જે કંઈ ધરાવીએ છીએ તે જરાય ઘટ વિના જેમનું તેમ પાછું મળે છે ત્યારે મારો એમને નિયમિત પ્રસાદ ધરવાનો ઉત્સાહ વધતો ગયો. આ લાલજી મહારાજ પોતાના હાથમાંનો લાડુયે ખાતા નથી એ મને એકવાર ખૂબ અયોગ્ય લાગેલું ને મેં એમનો હાથ વાળવા રાક્ષસી ઉપાયો કરેલા તે યાદ છે. સારું થયું કે મોટાભાઈએ સમયસર પ્રવેશ કર્યો અને લાલજી મહારાજનો લાડુવાળો હાથ સલામત રહ્યો. આ લાલજી મહારાજ મારા ખાસ સાથી. મારી અનેક વાતો એમણે સાંભળી હશે. એમણે બોલવાનું હોય તે પણ હું જ બોલી દેતો. એમણે તો માત્ર હું નવડાવું ત્યારે નાહવાનું ને હું સુવાડું ત્યારે સૂવાનું. આ લાલજી સાથે બીજાયે મિત્રો મારે હતા. પોપટ હતો, આગગાડી હતી ને એક ગોપગોપીની જોડીયે હતી. વળી ભીંત પણ મારી જિગરજાન દોસ્ત. આજેય એ ભીંત કાયમ છે; અલબત્ત, હવે એ મારી મૂક વેદનાની સાક્ષી થાય છે. એની સાથે વાત કરવાની ફાવટ મેં ગુમાવી છે. પોપટ તો ક્યારનોય મારા રમકડાંના દરબારમાંથી ઊડી ગયો છે. આગગાડીયે મને અહીંની અડાબીડતામાં અધવચ્ચે સૂના સ્ટેશનની જેમ ઝૂરતો છોડીને વિદાય થઈ ગઈ છે. બીજી આગગાડી આવશે કે નહીં તે કહેનાર અહીં કોઈ નથી. દશેરાની દબદબાભરી આખીયે સવારી ક્યારની ચાલી ગઈ છે; રહી ધૂછે એની ળમાં અંકિત નિશાનીઓ. એ નિશાનીઓના આધારે ચાલી ગયેલી સવારીને ફરીથી હું અહીં ખડી કરી શકીશ? આજે તો આ ધૂળ મને ખૂબ ગમે છે. જાણે નાતમાં ઘી-સાકરથી લચપચ હૂંફાળા કંસારની કથરોટમાં હું મારો હાથ નાખતો હોઉં તેમ આ ધૂળમાં હાથ નાખું છું. કશુંક મીઠું મીઠું હાથને અડે છે ને મનને એનો સ્વાદ લાગે છે. મન કોઈની નજરમાં લાપસીમાંથી ઘીની ધાર જેમ છૂટે એમ છૂટવા તરવરે છે.
૧૩-૮-૮૨