ધ્વનિ/ભરી સુધા દે

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ભરી સુધા દે

ભર્યું હતું એક નિમેષ માત્રમાં
જે હાર્દને અમૃતથી છલોછલ,
સંગોપને તો સરી એ જ પાત્રમાં
શાને અવજ્ઞાનું દીધું હલાહલ?

સારોય દી તાહરી ખોજ કાજ
જને, વને, નિર્જન માર્ગપે અને
નવાણ ઘાટે ભમતાં, અવાજ
વ્યાકુળ કંઠે દીધ કૈં ક્ષણે ક્ષણે.

ને સંધિકાએ નભની હિરણ્મય
ગલી ગલીને વીંધી છે ત્વદર્થ,
‘રે આમ શોધું’ કહી ગર્વથી જય
માન્યો, હું લાજું અવ, શો અનર્થ!

અપૂર્ણશ્યામા નમી છે વિભાવરી,
આશ્લેષી એને સૂતું છે ચરાચર;
છાતી અજંપે ધડકંત માહરી
અકેલની, આંખ અનિદ્ર—વિહ્વલ.

ઝીણી ઝીણી તારલ ઝુમ્મરોની
સોહે છ આભા નભને વિતાન :
દુર્વાતણી શીતલ આ ધરાની
સજ્જા, તને ઝંખત આર્ત પ્રાણ.

આ ઝંખતા હાર્દ મહીં વિમુક્ત
જ્વાલામુખીના દવ ઊભરાય,
જલ્યું ‘હું’નું અંચલ, ભસ્મપૂત
કને હવે હે શિવ! આવ, આવ.

હલાહલોનો લઈ ઘૂંટ, પાત્રમાં
ભરી સુધા દે ફરી મીટ માત્રમાં
૬-૧૨-૪૩