ધ્વનિ/સુધામય રાગિણી
૧
કલ- મધુર વાણીનો વ્રીડા-ઝીણો સ્વર રેલતી
ઉર ઉમળકે ધીમે ધીમે વહી જતી વાત્રક.
પુલિન પર તે સાંજે તું હું પ્રિયે બની યાત્રિક,
કરથી કર ગૂંથી બેઠાં જ્યાં હવા હતી ખેલતી.
અચર તરુનાં પાણી માંહી વસ્યાં પ્રતિબિંબ તે
તરલિત હતાં, જાણે માણી રહ્યાં સ્થિતિ સ્વપ્નની
પલક વિસર્યાં નેત્રે-એવી પ્રશાન્તિ મહીં ત્યહીં
મનની મનષાને ચાંચલ્યે તરંગિત આપણે.
પટ પર પછી કોનું યે તે પગેરું રહ્યું નહીં
ગત સમયની આળી મીઠી ભુલાઈ સહુ સ્મૃતિઃ
બહુવિધ રૂપે રંગાયેલું શમ્યું જગ, ત્યાં શ્રુતિ
ઉર દડકની અંધારાને પ્રસન્ન કરી રહી.
અયુત દ્યુતિની આભા જાગી અનંતન વ્યોમમાં
વનવિહગની વેણુ વાગી અહીં વ્રજ ભોમમાં.
૨
અયુત દ્યુતિની આભા જાગી અનંતન વ્યોમમાં,
વનવિહગની વેણુ વાગી અહીં વ્રજ ભોમમાં.
હૃદય સરમાં કોઈ મીને કરી સહસા ગતિ,
અકળ સુખનો વ્યાપો આનંદ રોમ વિલોમમાં.
અધિક સરક્યાં પાસે, ને જ્યાંપ્રિયે! મુજ બાહુથી
તવ કટિ ગ્રહી ને તું મારે ઉછંગ જરા ઢળી;
સ્પરશમહિં તે જાદૂ એવું નિગૂઢ હતું કશું?—
ડયન કરતાં બન્ને શ્વેતાંગ હંસ રહ્યાં બની.
ઉછળી ઉછળી નીચે ગર્જંત ક્ષીર સમુદ્ર ને
વિધુ નહિ છતાં યે શી જ્યોત્સના છવાઈ રહી બધે.
શિકર વિલસે, તે તો મોતી જ મધ્ય વિતાનમાં,
ઉભય ચુગવા જાતાં—જોયા મળ્યા જીવ ચુંબને.
મિલન તણી તે પ્હેલી માણી પિયે! શુભ યામિની
ચિર સ્મરણને વાદ્યે રેલે સુધામય રાગિણી
૨૮-૧૧-૫૦