નવલકથાપરિચયકોશ/લુપ્તવેધ
‘લુપ્તવેધ’ : મોહન પરમાર
જન્મ : ૧૫ માર્ચ ૧૯૪૮, વતન : મહેસાણા (ભાસરિયા) અભ્યાસ : માસ્ટર ઑફ આટર્સ, પીએચ.ડી સાહિત્યિક પ્રદાન : ગુજરાતી સાહિત્યમાં તેઓ વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર અને વિવેચક તરીકે ખ્યાતનામ છે. નવ નવલકથા, પાંચ વાર્તાસંગ્રહ, એક એકાંકીસંગ્રહ, ત્રણ વિવેચન-સંગ્રહ, સંપાદનો અને અન્ય પુસ્તકો મળીને તેમણે આશરે ત્રીસેક પુસ્તકો આપ્યાં છે. નોંધપાત્ર પુરસ્કારો : ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક (૨૦૦૦-૨૦૦૧), પ્રેમાનંદ સુવર્ણચંદ્રક (૨૦૧૧), સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૧૧) મોહન પરમારકૃત ‘લુપ્તવેધ’ નવલકથા પ્રથમ આવૃત્તિ : ૨૦૦૬ નકલની સંખ્યા : ૫૦૦ અર્પણ : વિનેશ અંતાણીને ‘લુપ્તવેધ’ એ મોહન પરમારની નવમી નવલકથા છે. મોહન પરમારનું દલિત સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. લુપ્તવેધ એ તેમની દલિતેતર નવલકથા છે જેવી રીતે મોહન પરમારની વાર્તાસૃષ્ટિમાં નારીનો એક આગવો પરિવેશ જોવા મળે છે, તેવી જ રીતે એમની નવલકથા ‘લુપ્તવેધ’માં પણ નારીચેતનાનું આલેખન જોવા મળે છે. ત્રીજા પુરુષ એકવચનમાં આ નવલકથા લખવામાં આવી છે. લુપ્તવેધ નવલકથાની નાયિકા ‘ભૂમિકા’ જે ૨૧મી સદીની ‘આલ્ફાવુમન’ નારીનું પ્રતિનિધિત્વ કરે છે. જેના માટે ગુજરાતીમાં બળૂકી શબ્દ પણ પ્રયોજી શકાય, જે આર્થિક રીતે વધુ સ્વતંત્ર થયેલી સ્ત્રી માટે બંધ બેસે છે. અહીં નાયિકા ભૂમિકાની વ્યથા જુદા પ્રકારની છે. વિજાતીય સંબંધોના ચીલાચાલુ માપદંડોથી તે ઉફરી ચાલે છે. સ્ત્રીઓ માટે આપણા સમાજમાં જે નિશ્ચિત પ્રકારનું ચોકઠું બનાવેલું છે તેવા ચોકઠામાં ભૂમિકા બંધ બેસવા માગતી નથી. જે નવલકથામાં આવતા તેના સંવાદો પરથી જ જોઈ શકાય છે. નવલકથામાં ભૂમિકા સિવાય નિયત, તુષાર, જયેશ, વિમળા, દીપ્તિ, કરસન, રૂડી, મંગુ, સ્મિતા, ચંપા જેવાં અન્ય પાત્રો પણ આપણને જોવા મળે છે. તેનાં ચરિત્રો નિરાળાં છે. ધંધાકીય માનસ ધરાવતા નિયત અને જયેશ સંવેદનશૂન્ય છે. પુરુષોના આધિપત્યને સ્વીકારી લેવાને બદલે તેનો સામનો કરતી નાયિકા ભૂમિકા અહીં બળૂકી નારીનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રકૃતિપ્રેમી એવો તુષાર યાતનાઓ વેઠતાં દીન-દુઃખિયાઓની સેવામાં રત રહેનાર સમાજસેવક છે. દીપ્તિ એટલે યાતનાઓ વેઠીને પણ હંમેશાં હસતું રહેતું પાત્ર. ઝૂંપડપટ્ટીનાં રૂડી, મંગુ, કરસન વગેરે ચરિત્ર પણ કથામાં અનેરું સ્થાન ધરાવે છે. તમામ પાત્ર કથામાં જે રીતે પ્રસ્તુત થયાં છે તેમાં સર્જકની પાત્રનિરૂપણ સિદ્ધિનો પરિચય પમાય છે. ભૂમિકા જેણે અંગ્રેજી વિષય સાથે બી.એ. કરેલું છે અને તે સરકારી ખાતામાં ઑફિસર છે, જેની સગાઈ મોટા ઉદ્યોગપતિ બિઝનેસમેન એવા નિયત સાથે થઈ છે. ભૂમિકાના ભાઈ જયેશનો નિયત એ મિત્ર છે. જયેશ જ્યારે નિયતની સાથે સગપણની વાત કરે છે ત્યારે નિયત પોતાના માટે અનુકૂળ નથી તેવું જાણતી હોવા છતાં તે હા પાડી બેસે છે. જે ક્રિયાઓ નવલકથામાં જોવા મળે છે, તે ધંધાના ભાગરૂપે જ જોવા મળે છે. એ ક્રિયાઓ ભૂમિકાને પીડા આપે છે. નિયત ભૂમિકાની લાગણીઓને સમજી શકતો નથી. તે પોતાની વાગ્દત્તા ભૂમિકા પર પોતાનું આધિપત્ય સ્થાપવા મથે છે, એટલું જ નહીં, ભૂમિકાને આવકનું સાધન બનાવવાની ખેવના પણ સેવે છે. નિયતની અપેક્ષા મુજબ ભૂમિકાએ વર્તવાનું હતું કેમકે નિયત પુરુષ અને ભૂમિકા સ્ત્રી છે આથી. નવલકથાની શરૂઆતથી જ નિયતના ભાગરૂપે નવલકથામાં પ્રસંગો બને છે તેના જ દ્વારા નિયતનું માનસ કેવું છે તેનો ખ્યાલ આવે છે. પરંપરાગત પુરુષ જેવું વર્તન તે ભૂમિકા સમક્ષ કરે છે જેમ કે ડ્રેસ નહીં માત્ર સાડી જ પહેરવી. લગ્ન પછી ભૂમિકાએ તેનું ઑફિસનું કાર્ય છોડી દેવું. ભૂમિકા જે પણ કાર્ય કરે તેના માટે તેણે નિયતની પરવાનગી લેવી વગેરે વગેરે... પોતાની આ પરિસ્થિતિ પાછળ પોતાનો ભાઈ જયેશ જવાબદાર હોય તેમ તે જયેશને ઉતારી પાડે છે. પોતાની લાગણીઓને ન સમજતા એવા પથ્થર દિલ વ્યક્તિ સાથે ભૂમિકાને ફરવાનું તો ઠીક લાગતું પરંતુ તે તેની સાથે જીવન વિતાવવા તૈયાર નથી. ભૂમિકા : સ્ત્રી એટલે માત્ર પુરુષ કહે, એ ઇચ્છે, એ ધારે -એટલું જ કરવાનું. એવું તો મને ન ફાવે. હું સાડલામાં મોં છુપાવીને લજ્જાને લીધે સંકોચાઈને કોકડું વળી જનારી સ્ત્રી છું? ના, પુરુષોને હોશે હોશે ખવડાવવા માટે રસોડામાં બંધાઈ રહેવા પૂરતું જ મારું મહત્ત્વ છે? ના. સ્ત્રીસહજ ચેષ્ટાઓ કરીને પુરુષને રિઝવનારી એક સાધારણ સ્ત્રી છું હું? ના. હું એમાંની નથી. મારે માત્ર એના છોકરાની મા બનીને અટકી જવાનું નથી. (પૃ. ૧૪૬) ભૂમિકાની આ એક માત્ર સ્વગતોક્તિ દ્વારા જ ભૂમિકાના એક નારી તરીકેના વિચારો કેવા છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. નવલકથામાં એક તરફ નિયત જેવું પાત્ર જોવા મળે છે તો બીજી તરફ તુષારનું પાત્ર જોવા મળે છે જે નિયત કરતાં એકદમ વિરુદ્ધનું પાત્ર છે. તુષાર એ નિયતનો મિત્ર છે અને કૉલેજમાં અંગ્રેજીનો અધ્યાપક છે જેની સાથે પ્રથમ મુલાકાતમાં જ તેની બોલવાની રીતભાત, એનાં રસરુચિ અને શાંત વ્યક્તિત્વએ ભૂમિકાને આકર્ષી હતી. ભૂમિકા જેવી બળૂકી સ્ત્રીની સામે દીપ્તિ અને રૂડી જેવા સ્ત્રી પાત્રો પણ જોવા મળે છે. દીપ્તિ જે ભૂમિકાની બહેનપણી છે. દીપ્તિના નોકરી પરથી ઘરે આવતાં થોડું મોડું થઈ જવાના કારણે તેના પતિ તેના પર શંકા કરે છે અને તેની સાથે ઝઘડો પણ કરે છે. હંમેશાં ખિલખિલાટ હસતી દીપ્તિ જેને ક્યારેય ઉદાસ જોઈ નથી તેનું રહસ્ય પણ નવલકથામાં ઊઘડે છે. તેવી જ રીતે રૂડી જે ભૂમિકાની ઑફિસમાં કામ કરનાર પટ્ટાવાળા કરસનની પત્ની છે જે તેનો પગાર ઘરમાં આપતો નથી, છોકરાઓને ભણાવતો નથી, અને બધા જ પૈસા દારૂમાં નાખી દે છે. તેની સાથે તેની પત્નીને માર પણ મારે છે. રૂડીની પરિસ્થિતિ જાણ્યા બાદ ભૂમિકા રૂડીના આગ્રહને વશ થઈ એક દિવસ ભાંગલપુર ઝૂંપડપટ્ટીની મુલાકાત લે છે. ને તેનું સંવેદનશીલ હૃદય દ્રવી ઊઠે છે. અહીંનાં બાળકોનું ભાવિ ભૂખમરામાં રહેંસાતું જોઈ તે તેમને મદદ કરવાનું નક્કી કરે છે. આવા કપરા કામને પાર પાડવા અનેક પ્રકારની જહેમત ઉઠાવવા તે કટિબદ્ધ થાય છે. પોતાના આ કામને સફળ બનાવવા માટે ‘શત્રુ મિત્ર સમાજ સેવા મંચ’ નામની સંસ્થાની મદદ માગે છે. અગાઉ નિયતે પોતાના એક મિત્ર (તુષાર) સાથે તેની મુલાકાત કરાવી હતી. તે જ આ સંસ્થાનો ચેરમેન હોવાનું જાણી તેને પોતાનું કામ પાર પડશે એવી હૈયાધારણ બંધાય છે. પ્રથમ મુલાકાતમાં જ તુષારના સ્વભાવથી અભિભૂત થયેલી ભૂમિકાને તેના પ્રત્યે માન થાય છે. ક્યારેક તો ભૂમિકા નિયત અને તુષાર બંને વચ્ચે ના ઇચ્છતા હોવા છતાં પણ તુલના કરી બેસે છે. તુષારના સાથસહકારથી ભાગલપુરની ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવવાનું કામ સારી પેઠે ચાલી રહ્યું હતું. ત્યાં જ દિલ્હીથી પરત ફરેલો નિયત ભૂમિકા સાથે ફરવા જવાની વાત કરે છે ત્યારે ભૂમિકા તેને ભાંગલપુર લઈ જઈ ઝૂંપડપટ્ટીના પોતાના કામથી વાકેફ કરે છે. ત્યાંની ગંદકીભરી જગ્યા જોઈ છળી મરતો નિયત ભૂમિકાને કહે છે, ‘આ કામમાં તને કંઈ પૈસા બૈસા મળશે?’ નિયતની આવી પૈસાકેન્દ્રી માનસિકતાથી આઘાત પામેલી ભૂમિકા જાણે અભાનાવસ્થામાં સ્કૂટર ચલાવે છે ને તેને અકસ્માત નડે છે. તે જાણી લગભગ બધાં જ તેનાં ખબરઅંતર પૂછવા હૉસ્પિટલમાં આવે છે, પણ નિયત માત્ર ખબર પૂછવા ખાતર પૂછીને ધંધાના કામે મુંબઈ ચાલ્યો જાય છે ત્યારે તે પડી ભાંગે છે. પરંતુ એ દરમિયાન તુષાર અને હૉસ્પિટલની નર્સ સ્મિતા ભૂમિકાની ખૂબ સંભાળ રાખે છે. દીપ્તિ દ્વારા ભૂમિકા જાણે છે કે, ‘લગ્ન પછી તને એ નોકરી કરાવવાના મતના નથી. કદાચ એ તારો બિઝનેસમાં ઉપયોગ કરવા ધારે છે.’ ‘ને ભૂમિકા તળેઉપર થઈ જાય છે અને નિયત સાથેનો નાતો કાપી નાખવા કટિબદ્ધ થાય છે. રવિવારે નિયતના અંબાજી ફરવા જવાના પ્રોગ્રામને વધાવી લઈ તેની સાથે જાય છે. નિયતને પોતા તરફ નફરત પેદા થાય તેવું કશુંક ક૨વા વિચારતી તે હિંમતનગર રેસ્ટોરંટમાં બધા સામે નિયતની માનહાનિ થાય તેવું વર્તન કરે છે : ‘મેં ના પાડી હતી છતાં... જાવ, નથી ખાવો.’ એમ નિયતને હડધૂત કરે છે. ભૂમિકાના વર્તનથી છોભીલો નિયત દુઃખી થાય છે. અંબાજી પહોંચ્યા પછી ભૂમિકાને માતાની મૂર્તિમાં રૂડી, મંગુ આદિ જેવાં અસંખ્ય ગરીબોનું દર્શન થતાં તેના હાથ અનાયાસ નમન માટે જોડાઈ જાય છે, અને તે એવાં બધાંની સેવામાં પોતાનું જીવન વ્યતીત કરવાનું મનોમન નક્કી કરે છે. આ બાજુ ભૂમિકાને પામવા મથતો નિયત કહે છે, ‘આજે હું હારી ગયો છું ભૂમિ! તારા નિઃસ્પૃહી નિખાલસ સ્વભાવને કારણે હું તને વળગી રહ્યો છું, હવે...’ નવલકથાના અંતે નિયતમાં પરિવર્તન આવે છે અને નિયત તેને બે માર્ગમાંથી એક માર્ગ પસંદ કરી નિયતિને મુક્ત થવાનું કહે છે. એક માર્ગ નિયત સાથેનું ભૌતિક સુખ અને બીજો માર્ગ દુઃખી, પતિત માણસોની સેવા કરવાનું. નવલકથાના અંતે લેખક ભૂમિકા જે દુઃખી, પતિત માણસોની સેવા કરવાનો માર્ગ પસંદ કરે છે. આ રીતે “લુપ્તવેધી બાણ હવામાં છોડ્યું હતું તે હવે ધીમેધીમે અદૃશ્ય થતું થતું લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું હતું. એણે હાથ લાંબો કર્યો. હાથ લંબાતો જ રહ્યો, લંબાતો જ રહ્યો... અનન્ત કાળ સુધી.”
ખુશ્બુ પ્રકાશભાઈ સામાણી
વિદ્યાર્થિની, ગુજરાતી વિભાગ,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા
મો. ૮૧૫૦૪૩૪૬૩૪, Email: khusbusamani૦૮@gmail.com