નવલકથાપરિચયકોશ/વનવનનાં પારેવાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૨૫

‘વન વનનાં પારેવાં’ : કેશુભાઈ દેસાઈ

– આરતી સોલંકી
વનવનનાં પારેવાં.jpg

લેખકનો પરિચય નામ : કેશુભાઈ નાથુભાઈ દેસાઈ જન્મ : ૩ મે ૧૯૪૯ વતન : મહેસાણા જિલ્લાનું ખેરાલુ ગામ અભ્યાસ : એમ.બી.બી.એસ. વ્યવસાય : તબીબીસેવા સાહિત્યિક પ્રદાન : ૨૨ જેટલી નવલકથાઓ, ૫ નવલિકાસંગ્રહો, ૩ નિબંધસંગ્રહો, ૬ રેખાચિત્રોના સંગ્રહો, ૪ એકાંકીસંગ્રહો અને ૫ જેટલા અનુવાદના પુસ્તકો ઇનામ : સામયિકો, વિવિધ વાર્તાસ્પર્ધાઓ અને નિબંધસ્પર્ધાઓના વિવિધ ઇનામો. કેશુભાઈ દેસાઈકૃત ‘વન વનનાં પારેવાં’ નવલકથા પ્રથમ પુનર્મુદ્રણ : ૧૯૯૬ પ્રકાશન વર્ષ : ૧૯૯૬ નકલની સંખ્યા : ૭૫૦ પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર વનવાસી સમાજને આલેખતી કૃતિ ‘વન વનનાં પારેવાં’ ડૉ. કેશુભાઈ દેસાઈની નવલકથાઓમાં વિષયવૈવિધ્યની આગવી લાક્ષણિકતાઓ જોવા મળે છે. ‘વન વનનાં પારેવાં’ એ સર્જકની જાનપદી નવલકથા છે. તેમની જાનપદી નવલકથાઓમાં સ્વાતંત્ર્યોત્તર સંક્રાંતિકાળના ગ્રામસમાજનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ગામડામાં વસતા વિવિધ જ્ઞાતિ કોમનાં પાત્રો, જ્ઞાતિગત રિવાજો, વાણી-વર્તન, બોલી વગેરેનું યથાર્થ રીતે નિરૂપણ થયેલું જોવા મળે છે. કથાવસ્તુનો પ્રારંભ નાગધરાનાં પાણી ઓળંગતી નાયિકા હંતીના રૂપવર્ણનથી થાય છે. પહાડી પ્રદેશ અને વરસાદી સંધ્યામાં નદી ઓળંગી ચૂકેલી હંતી અને તેના બાપને આદિવાસી ભીલો લૂંટવા પ્રયાસ કરે છે. ત્યારે ચોકીમાંથી કલજી કટારા નામનો યુવાન ભીલોને પડકારે છે અને બાપ-દીકરીને આશરો આપે છે. નાયિકા હંતી અને કલજી કટારાની એ પ્રથમ મુલાકાત મહત્ત્વની બની રહે છે. પછીથી આદિવાસી કલજી કટારા હંતી પ્રત્યે અભિમુખ થતો જણાય છે. સાધુના આશ્રમમાં ને સાધુ સાથે જીવન ગુજારતાં કલજીમાં પરિવર્તન આવે છે. અને બાળપણની એક યાદરૂપે-સુંદરી સ્વપ્નમાં આવે છે ને સીતા પાંડવ નામની મુગ્ધાના પ્રેમની ઝંખના કરે છે. તેની શોધખોળ આદરે છે, તેની ભાળ મેળવે છે. કલજીની સ્વપ્નસુંદરી ડૉ. દવે દ્વારા લૂંટાયેલી એક બાળકની માતા હોય છે. હવે તે તેની માતા સાથે રહે છે ને તેની માતાની સેવા કરે છે અને પોતાનું સ્વતંત્ર જીવન જીવે છે, બીજી બાજુ હંતી મેળા પછી તેના કેન્સરગ્રસ્ત મામાને ત્યાં ભેટાલી ગામે થોડો સમય રહે છે. ત્યાં મામાની સેવા દરમ્યાન દારૂ પીધેલા મામાના દીકરા માધા સાથે રાત્રે સંભોગાઈ સગર્ભા બને છે. રાત્રે માધા હંતીનું આ દૃશ્ય જોઈ જતાં મામો આપઘાત કરે છે. ક્રિયાકાંડ, પોલીસકેસ, એ અંગેની વિવિધ લોકવાયકા બધું પત્યા પછી હંતી પોતાના ઘરે પાછી આવે છે. તે સગર્ભા હોવાથી સતત બીમાર રહે છે. કલજી તથા હંતીનો બાપ તેને દવાખાને લઈ જાય છે. આદિવાસી નર્સ સીતા પાંડવને ત્યાં હંતીને લઈ જવામાં આવે છે. સીતા પાંડવ હંતીને ગર્ભપાત કરાવે છે. એ જ રાત્રે કલજી-સીતા તળાવ કાંઠે સંબંધથી જોડાય છે. બીજી તરફ પિતા સમાન પાલક સાધુ વિજયદાસ કલજીનું હંતી સાથે સંબંધનું નક્કી કરી નાખે છે. જેની જાણ કલજીને થાય છે ત્યારે તે વ્યથા અનુભવે છે. સીતા પાંડવ અને હંતી બંને વચ્ચે નાયક કલજી કટારા પ્રેમ સંબંધ બાબતે સતત મનોસંઘર્ષ અનુભવે છે. અનેક તર્કવિતર્ક ને મથામણ પછી કલજી મેશ્વો નદીમાં આપઘાત કરે છે. કથા આમ કરુણાંત સાથે સમેટાય છે. ‘વન વનનાં પારેવાં’ નવલકથામાં જીવંત અને વાસ્તવપૂર્ણ પાત્રસૃષ્ટિ ચિત્રિત થયેલી છે. આ પાત્રો માનવજીવનના ગુણ ને મર્યાદા સાથે સજીવ નિરૂપાયાં છે. કથાનાયિકા તરીકે હંતી અને સીતા પાંડવ જેવાં નારી પાત્રો ચિત્રિત થયાં છે. હંતીના પાત્રમાં નખશિખ ગ્રામકન્યાનું દર્શન થાય છે. ખેતીનો પહેરવેશ, રહેણી-કરણી, સંસ્કાર, ભાષા-બોલી આદિ દ્વારા ગામડાની ગોરી ને ભોળી કન્યા તરીકેની છાપ ઊપસી આવે છે. બીજી બાજુ સીતા પાંડવનું પાત્ર સમાજમાં અનહદ દુઃખી ને કરુણાસભર સ્ત્રી તરીકે રજૂ થાય છે. કથાનાયક તરીકે કલજી કટારાનું પાત્ર છે. નાનપણથી અનાથ એવા કલજી કટારાનું પાત્ર ભોળું અને સંવેદનશીલ છતાં તેજસ્વી ને નીડર ચિત્રિત થયું છે. આ નવલકથામાં ડૉ. કેશુભાઈ દેસાઈએ સાબરકાંઠા પ્રદેશના આદિવાસી સમાજ અને આંજણા-પટેલ સમાજનું નિરૂપણ કર્યું છે. કથામાં લેખકે આદિવાસી અને પટેલ સમાજના પરિવારો, તેનાં લગ્નો, મરણ અને જ્ઞાતિગત નિયમો, રૂઢિઓ, રીત-રિવાજો, અને આ બંને સમાજમાં ફેલાયેલી કેટલીક માન્યતાઓ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધાઓનું આલેખન કર્યું છે. કથાનાયક કલજી કટારા આદિવાસી જ્ઞાતિનો યુવક છે. નાનપણથી તે પિતાના મૃત્યુ પછી અને માતાના બીજા ઘર પછી સાધુના આશ્રમમાં ઊછરે છે. તે સાધુ દ્વારા સામાજિક સ્થાન ને પ્રતિષ્ઠા પામે છે. તે પટેલ જ્ઞાતિની નાયિકા હંતીને ચાહે છે. જ્ઞાતિગત નિયમો બંધનોને કારણે તેની સાથે લગ્ન કરી શકતો નથી. બીજી બાજુ ડૉ. દવેની વાસનાનો ભોગ બનેલી આદિવાસી સીતા પાંડવ તેની સ્વપ્નસુંદરી છે. સીતા પાંડવ ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરીને ડૉ. દવેથી થયેલા બાળકને અને તેની વૃદ્ધ માને સાચવે છે. જે સમાજમાં નારીની દુર્દશા ને અવદશાનો નમૂનો લેખી શકાય. કલજી સીતા પાંડવ અને હંતી બંનેને ચાહે છે, પરંતુ સમાજના ડરથી તે પોતાની એકપણ સ્વપ્નસુંદરી સાથે લગ્ન કરી શકતો નથી. પરિણામે અનેક મનોમંથનને અંતે આપધાત કરે છે. કથામાં પ્રસંગોપાત્ત અંધશ્રદ્ધાની વિગતો પણ નોંધાઈ છે. જેમાં હંતી મામાના દીકરા માધો દ્વારા સગર્ભા બને છે, ત્યારે તેના પિતા હંતીને ગોવા ભુવા પાસે દોરા-ધાગા કરાવે છે (પ્રકરણ ૨૧, ૨૨, ૨૩) વગે૨ે પ્રસંગ લેખનો દ્વારા અંધશ્રદ્ધાનું દર્શન થાય છે. આ ઉપરાંત સમાજમાં શિક્ષણ અને પોલીસ ખાતાની કેટલીક બદીઓ પણ લેખકે રજૂ કરી છે. શિક્ષિત બેકાર માધાની દુર્દશા, મામાના આપઘાત પછી પોલીસ દ્વારા લાંચરુશ્વત માટે પરિવારના સભ્યોની ઊલટ તપાસ વગેરે ઘટનાઓમાં સમાજમાં પ્રવર્તતી કેટલીક બદીઓનું લેખકે દર્શન કરાવ્યું છે, આમ ‘વન વનનાં પારેવાં’ નવલકથામાં ગ્રામ્યસમાજમાં જોવા મળતી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ઝોલાં ખાતી પ્રજાનું આલેખન થયું છે. ડૉ. કેશુભાઈ દેસાઈ આખા ગ્રામ્ય સમાજનું દર્શન કરાવી અહીં એક નારીની વેદનાને વાચા આપવા ઉપરાંત આપણા સમાજમાં આજે પણ ક્યાંક પીસાતા કે રીબાતા માનવીની દારુણ દુર્દશા આલેખી સચોટ સમાજદર્શન કરાવે છે. ડૉ. કેશુભાઈ દેસાઈની પ્રથમ જાનપદી નવલકથા ‘વન વનનાં પારેવાં’ છે. આ નવલકથામાં સાબરકાંઠાના શામળાજી વિસ્તારનો પરિવેશ સુપેરે નિરૂપાયો છે. જેમાં નાગધરા નદી, મેશ્વો સરોવર એ વિસ્તારનાં વન, ડુંગરો, નદીઓથી ભરપૂર સીમાપ્રદેશ તેમજ ત્યાંના આઠમ વગેરેના લોકમેળાઓનો વિશિષ્ટ પરિવેશ નિરૂપાયો છે તો, “ભટોલીની ઘાટી પછવાડે લપાઈ લપાઈને વસેલાં ગોકુળિયાં ગામોમાં એક તરફ વાંકાનેર, ખુમાપુર કે રિંટોડા વસેલાં છે, તો બીજી તરફ રામનગર, ખેરાડી અને વણઝર ડુંગરોની હારમાળામાં પરોવાયેલાં મોતી જેવાં આ ગામડાં ચોમાસામાં તો એવાં શોભી ઊઠે છે કે જાણે નાનકડું કાશ્મીર જ સાબરકાંઠાની સરહદે ખીલી ઊઠ્યું ન હોય!” આદિ પ્રાકૃતિક ને કથામાં મેઘરજ, માલપુર, ડુંગરપુર, ગામડાં તેમાં વસતી ઉત્સવઘેલી વિવિધ કોમ-જ્ઞાતિ દ્વારા લેખકે સુપેરે પ્રાદેશિક વાતાવરણ કથામાં કંડારી આપ્યું છે. આ કૃતિ લેખકની પહેલી નવલકથા છે તેમ છતાં તે કોઈ નીવડેલી કલમનું સર્જન હોય તેવી ઘટ્ટ અને સુઘડ લાગે છે. તેનું કથાવસ્તુ સંઘર્ષગર્ભ, જિજ્ઞાસાપ્રેરક, આકર્ષક પ્રસંગો-પરિસ્થિતિઓથી યુક્ત છે. “લેખકની બેનમૂન સર્જક શક્તિના દર્શન કથાના રહસ્યગર્ભ, જિજ્ઞાસાપ્રેરક જકડી રાખે તેવા આરંભ અને ઉપાડમાં; – કારુણયમૂર્તિ હંતી, સીતા પાંડવ અને કલજીના મર્મસ્પર્શી પાત્રાલેખનમાં; સાબરકાંઠાની સીમાવર્તી ગ્રામસૃષ્ટિની સાક્ષાત્કાર નિર્મિતિમાં પણ ડગલે ને પગલે થયા કરે છે.” (જશવંત શેખડીવાળા)

આરતી સોલંકી
શોધછાત્ર
ગુજરાતી ભાષાસાહિત્ય ભવન
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી,
મો. ૯૬૩૮૧૮૦૯૯૮
Email: solankiarati૯@gmail.com