નવલકથાપરિચયકોશ/નીંભાડો
‘નીંભાડો’ : અશોકપુરી ગોસ્વામી
જીવનરસ અને રંગની કથાઃ ‘નીંભાડો’
‘નીંભાડો’(લઘુનવલ), અશોકપુરી ગોસ્વામી, પ્ર. આ. જાન્યુઆરી-૧૯૯૫, પ્ર. આર. આર. શેઠની કંપની, મુંબઈ-૪૦૦૦૦૨, અમદાવાદ-૩૮૦૦૦૧, પ્રત- ૧૨૫૦, કિં. ૫૦.૦૦ રૂ. પાકું પૂંઠું, ડેમી અર્પણ નોંધ : જેની અંદરના નીંભાડાનો હું સદાયનો સાક્ષી રહ્યો છું એવા મારા જન્મદાતાને. નવલકથાકારનો પરિચય : અશોકપુરી ગોસ્વામી (જન્મ-૧૯૪૭) અશોકપુરી ગોસ્વામીનો જન્મ ૧૭ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે મધ્ય ગુજરાતના બોરસદ ખાતે પિતા કૈલાસભારતી અને કમલાબેનને ઘરે થયો હતો. આણંદ પાસેના નાવલી ગામમાં પ્રાથમિક શિક્ષણથી માંડી એસ.એસ.સી. સુધીનું શિક્ષણ લીધું. સ્નાતક થવા માટે સરદાર પટેલ યુનિવર્સિટીની વી.પી. કૉલેજમાંથી બી.એસ.સી.નો અભ્યાસ શરૂ કર્યો પણ આર્થિક સ્થિતિ બહુ સારી ન હોવાથી અધૂરા વર્ષે અભ્યાસ છોડવો પડ્યો અને ખેતીમાં સંકળાયા. ૧૯૬૫ના વર્ષમાં અનસૂયા સાથે લગ્ન કર્યાં હતાં. સાહિત્યસર્જનનો આરંભ એમણે કવિતાથી કરેલો. બહુ નાની વયે એટલે કે, એસ.એસ.સી.ના અભ્યાસ વખતે પહેલી વાર કવિતા લખી. પછી તો ‘અર્થાત્’ (૧૯૯૦) અને ‘કલિંગ’ (૨૦૦૫) ગઝલ સંગ્રહો આપ્યા. ‘મૂળ’ નામની એક નવલકથા ૧૯૯૦માં પ્રકાશિત થઈ હતી પણ ખ્યાતિ મળી ‘કૂવો’ (૧૯૯૪)થી. અનેક વિવેચકો દ્વારા આ રચનાને પોંખવામાં આવી, પુરસ્કારો પ્રાપ્ત થયા અને અનુવાદો પણ થયા. આ પછી ‘નીંભાડો’ (૧૯૯૫), ‘વેધ’(૧૯૯૯) ‘અમે’ (૨૦૧૫), અને ‘ગજરા’ નામે નવલકથાઓ આપી. ‘રવરવાટ’ (૧૯૯૪) નામે આત્મકથા આપી. ‘વીણેલાં મોતી’(૧૯૯૫) નામનું વાર્તાસંગ્રહનું સંપાદન કર્યું. બિન નિવાસી ભારતીયો માટેનું સાહિત્યિક સામયિક ‘સેતુ’ (૨૦૦૩)ના સંપાદનમાં જોડાયા અને આણંદમાં યોજાયેલ ૨૦૦૫ના અધિવેશન વેળાએ ‘રૂપલબ્ધિ’નું સંપાદન પણ કર્યું. થોડાં ભાષાંતર કરવાના પ્રયત્નો પણ કર્યા છે. જીવનરસ અને રંગોની કથા : ‘નીંભાડો’ અશોકપુરી ગોસ્વામીની નવલકથા ‘કૂવો’ને બહુ પ્રસિદ્ધિ અને પુરસ્કારો મળ્યા તે કારણે ઢંકાઈ ગયેલીને ઓછી ચર્ચાયેલી પણ અત્યંત મહત્ત્વની અને વેગવાન પ્રવાહ ધરાવતી રચના તરીકે ‘નીંભાડો’ લઘુનવલ મહત્ત્વની છે. ‘કૂવો’ પર મેં લખ્યું છે તેમ અનેક કૃતિઓનો સીધો કે પરોક્ષ પ્રભાવ કળાય. પણ એની સામે ચુસ્ત રચનાબંધ, મજબૂત કથાનક, ધસમસતો વેગવાન કથાપ્રવાહ અને માંસલ અનુભૂતિ કરાવે એવાં પાત્રોથી બળવાન બનેલી કૃતિ એટલે ‘નીંભાડો’. એમાં સર્જક ખીલ્યા છે. બરાબરનો કસબ હાથવગો થયો હોવાનું સ્પષ્ટ જણાય છે. આ કૃતિનું કથાનક ભલે નવું ન લાગે, ભલે આછુંપાતળુંય લાગે પણ માવજત કરાઈ છે તે અ-પૂર્વ છે. નિવેદનમાં લેખકે જણાવ્યું છે તેમ ‘નજર સામે જ ભજવાતી વાસ્તવિક ઘટનાને જોઈ છે’ એવી સ્ત્રીનો વલવલાટ એમણે આલેખવાની નેમ રાખી છે – પણ થયું છે ઊંધું. અહીં નાયિકા મણિને મુકાબલે ઊપસી આવેલાં પાત્રો હોય તો નાયક એવો મેલ્યો કે મેલસંગ. એનાં ભાઈ ભાભી છગન અને ઉજમ. સાથે બળકટ આલેખાઈ છે જીવનને હકારાત્મક રીતે જીવતી અને જોતી સૂયાણી બાઈ ઝવર. આ પાત્રો નવલકથાને ઊંચકી લે છે. કથાનો આરંભ સાંકેતિક છે. વણિકને તબેલે નોકરી કરતો મેલસંગ ભેંસને ગર્ભાધાનનું ઇન્જેકશન અપાવવા માટે બાજુના શહેર આણંદ લઈ જાય છે ત્યાંથી કથા આરંભાય છે. એમાં ઘર છોડીને અજાણી જગ્યાએ ન જવા ધમપછાડા કરતી ભેંસને યુક્તિઓ વાપરીને મેલ્યો બળપૂર્વક ચાલતો-ચાલતો આણંદ લઈ જાય છે ને ત્યાં બીજા દિવસે ઇન્જેક્શન આપવાનું હોવાથી રાત કાઢવાની આવે છે. એ દરમિયાન એના ચિત્તમાં પત્ની મણિ અને એની મા કાશીનું અડબંગપણું, અડિયલપણું પ્રગટે છે એ સરસ આલેખન પામ્યું છે. મણિ પણ ડોબાથી વિશેષ નથી. સાસુ કાશીની સતત ચાલતી ડખલ મેલસંગના દાંપત્યને ઠરવા દેતું નથી. સતત ઝઘડા, રીસામણાં, વગોવણી અને પિયરગમન ચાલ્યા જ કરતું રહે, જ્યારે પત્ની સાસરીમાં હોય ત્યારે એની મા એકાંતરા દિવસે આવીને અડિંગો જમાવે – એ સ્થિતિમાં મેલ્યો અકળાયો છે. આણંદમાં ક્યાંક ઓટલે રાત કાઢવી ન પડે અને પત્નીને દેખાડી દેવાના ભાવ સાથે ભજિયાં ને જલેબી લઈને અંધારી રાતે ઘરે પહોંચતો મેલસંગ પહેલીવાર દૃઢ નિર્ધાર સાથે પતિપણું- ધણીપણું ભોગવે છે ને મણિને પ્રતિકારનો અવકાશ જ નથી આપતો. શરીર સંબંધ બાંધીને, અધિકારપૂર્વક પ્રેમસંબંધ બાંધીને એ મોડી રાતે જ પાછો આણંદ જવા ચાલતો નીકળી પડે છે. – આ ઘટના નવલકથામાં નીંભાડો સર્જે છે. આગ બરાબરની જામતી જાય એવા સંજોગો સર્જે છે. બે વર્ષના દાંપત્યજીવનમાં જે ચમત્કાર નહોતો થયો એ ચમત્કાર આ અડધી રાતની ઘટનામાં સર્જાય છે. મણિએ પતિને નવતરરૂપે અનુભવ્યો ને કશાંક અજીબ તાંતણાં રચાયા બંને વચ્ચે. કાશીએ દીકરીને ઊભા ઘોડા જેમ તૈયાર કરી છે બાળપણથી જ. અતિશય ‘પ્રોટેક્ટિવ ચાઈલ્ડ’ રહેવાના કારણે મણિમાં જે સમજનો વિકાસ થવો જોઈએ એ થયો નથી. મા કાશી જ બધા નિર્ણયો લે છે ને મણિ એ મુજબ જીવે છે પણ કાશીડોશીની સમજ કાચી પડી, પુત્રીપ્રેમમાં અને પોતાની યુવાનીમાં અધૂરા રહી ગયેલા ઓરતાંઓના પડછાયામાં એ જોઈ ન શકી કે પોતાની દીકરીને પ્રેમલીલા વેળાએ થયેલ નખક્ષત, દંતક્ષતના નિશાનોને એ ઝઘડાના નિશાનો સમજી બેઠીને કશોય વિચાર કર્યા વિના કે મણિનું મન જાણ્યા વિના સાસરેથી ઉઠાવી લાવી એટલું જ નહીં, જાહેરમાં મોટો ભવાડો કરીને ઉઠાવી લાવી. હવે મડાગાંઠ પડી ગઈ. તાયફો ધાર્યા કરતાં મોટો થઈ ગયો. ટણીએ ચડી ગયેલી કાશીએ નિર્ધાર કરી લીધો કે હવે તો મણિને છૂટું કરાવીને બીજે ન વળાવું તો ફટ્. પ્રયત્નો પણ એવા જ. સામે મેલસંગ, એના મોટાભાઈ છગન અને ભાભી ઉજમ પ્રમાણમાં ઘણાં ટાઢા અને સીધા-સાદા વિચારો ધરાવનારાં છે. કાશી, મંગુડોશી જેવીઓની ચાલ ન સમજે એવા. લેખક શબ્દફેરે કહે છે એમ – દરેક ગામડામાં આવા ચૌદશિયાઓ હોય જ. જેમને સતત ડખાપંચમમાં જ રસ હોય. કોઈનું મંડાવવું, ભંગાવવું, જીવનને રફેદફે કરવું ને એવું બધું કરવામાં કોઈ દેખીતો ફાયદો ન હોય તો ય બસ પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા જ આમ કરતા હોય. આ બાજુ અબૂધ લાગતી, ડોબા જેવી મણિમાં દેહમાં જીવ જેમ જેમ પાંગરતો જાય છે તેમ તેમ એનામાં આવતું ચૈતસિક પરિવર્તન સઘન રીતે આલેખાયું છે. આ લઘુનવલના કેન્દ્રમાં સ્ત્રીપાત્રો મુખ્ય છે. એમની માન્યતાઓ, વિચારો, એમનું મંથન લેખકે બોલીનો ઉપયોગ કરીને બળૂકી રીતે પ્રગટ કર્યું છે. ચૈતસિક સંચલનો, ભાવો અને બદલાતા આઘાત-પ્રત્યાઘાતો બ-ખૂબી ઉપસાવવામાં લેખક સફળ થયા છે. નેરેટરની ભાષા મિશ્ર છે, એટલે કે ક્યારેક બોલી તો ક્યારેક માન્ય ભાષાની સેળભેળ થતી રહે છે. ગામડાનાં પાત્રો, એમની ખટપટો, પારકે તાપણે તાપી લેવાની વૃત્તિ, એકબીજાના જીવનમાં, ઘટનાઓમાં ઘૂંસીને નિંદારસ લેવાની વૃત્તિ તો એની સામે છગન, ઝવેર, ઉજમ, પ્રજાપતિ ડોસા જેવા આછા લસરકે આલેખાયેલાં પાત્રો માનવમૂલ્યો, ઉદારતા અને સકારાત્મક સોચ ધરાવતાં સામાન્ય ગામડિયા છે. નાયક મેલ્યો પણ સીધો-સરળ ક્યારેક ભોટ લાગે તેવો હોવા છતાં ભાવકચિત્તની સહાનુભૂતિ જીતી લે છે. મણિ અને એની ભાભી પૂંજી આપણને ગભરુ, સમજણી થતી જતી વહુઆરુ તરીકે ગુજરાતી નારીનું ગૌરવભર્યું રૂપ પ્રગટાવે છે. લેખક આ કથા દ્વારા જીવતરનો નીંભાડો કેવો તો બળબળતો હોય છે ને એમાં તૈયાર થતાં જાત-ભાતનાં માનવપાત્રોનું ઘડતર એમ જ નથી થતું. તાપ સહે, સહનશીલતા અને ધીરજ રાખીને સમયને વિતાવવાનું ડહાપણ દાખવે એ કઈ રીતે જીવનજંગમાં સફળ થાય છે તેનું રચનાત્મક આલેખન કર્યું છે. કથાના અંતે આ પાત્રો કુદરતની કઠપૂતળી તરીકે કેવી કેવી લીલાનો ભોગ બને, બનાવે અને જીવનસંઘર્ષ અને જીવન આનંદ ભોગવે તેનું સબળ આલેખન કરતી આ કથા ખરેખર ભાવકચિત્ત પર કબજો જમાવે એવી છે. બોલીનો ઉપયોગ ક્યાંક જરૂર કઠે એ રીતે પ્રાદેશિક બની રહે પણ એના પ્રવાહમાં તણાયા પછી એ જ બોલીમાં આવું સબળ, સઘન વિશ્વ તરીકે ઊપસી રહે છે. લોકનું જીવન અમૃત આ રીતે બોલીમાં ઝીલાયું છે – ‘આ કજિયા, કંકાહ ધોલ-ધાપોટ અનં મેણાં-ટોણાં તો આપડું જીવતર સે. એ બધું તો જૉંણ હદી ગ્યું સે. હોવ્વ, જીવતરમાં ખાધા વના જેમ ના ચાલે એમ વઢયાઝઘડ્યા વના ના ચાલે. હવામાનમાં સેજ વરણ થાય અને શેકેલો પાપડ આપમેળે હવાઈ જાય અને મીઠું વગર વરહાદે પડ્યું પડ્યું એહરે, એવું મણિના મનનું થયું.’ (પૃ. ૫૬-૫૭) મેલ્યાની આંતર મૂંઝવણ, એનો દબાયેલો ધૂંધવાટ પ્રગટ કરતો ખેતરમાં રાવળીયા સાથેનો પ્રસંગ, છેલ્લે એકવાર મણિને મળવા અચાનક એના ગામની સીમમાં પહોંચી જવું – જેવી ઘટનાઓ મેલ્યાના માંહ્યલાને પ્રગટાવે છે તો ઝવર જેવી સામાન્ય પણ અસામાન્ય વ્યક્તિત્વ ધરાવતી દાયણનું ચરિત્ર આ રચનાનાં મુખ્ય ઘરેણાં બની રહે. છગનનું સાધુચરિત વ્યક્તિત્વ પણ ચિત્તને સ્પર્શી જાય એવું છે. અંત સાંકેતિક રીતે ખુલ્લો મૂકી દેવાયો છે. એ ઉચિત અને ચિત્તમાં વમળો જન્માવનારો બની રહે છે.
નરેશ શુક્લ
પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,
ઉધના-મગદલ્લા રોડ, સુરત-૩૯૫૦૦૭,
મો. ૯૪૨૮૦૪૯૨૩૫, Email: shuklanrs@yahoo.co.in