નારીસંપદાઃ નાટક/ભવની ભવાઈ — એક અંશ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ભવની ભવાઈ — એક અંશ

(જીવો અને ઉજમ આનંદમાં ફરે છે. બંને સિપાઈઓ જેલમાં છે.)
મોટો સિપાઈ : જોયું? ધરમ કરતાં ધાડ પડી ને!
દાદા : આ તો ભવની ભવાઈ
જરા લાગે જો નવાઈ
તોયે જોતા જાજો ભાઈ
તમે જોતા જાજો ભાઈ!
સલામતી જ્યાં સળિયા પાછળ
એ તે કેવું શહેર?
રખેવાળથી રહેવું બીને
જીવવાની શી લહેર?

આ તો ભવની ભવાઈ
જરા લાગે જો નવાઈ
તોયે જોતા જાજો ભાઈ!
તમે જોતા જાજો ભાઈ!
હૂંફાળી ને કાજળકાળી
વીતી જશે આ રાત
ગજબ ગૂંચો લઈ ગજા બહારની
ઊગવાનું પરભાત!
તા થૈયા... થૈયા તા થૈ!
ખળખળ વહેતી... સઘળું સહેતી
નદી વહેતી જાય... સહેતી જાય!
પળપળ કહેતી જાય!..
બાળકનો બાપ : વાર્તા! વાર્તા! વાર્તા! ક્યાં સુધી? ક્યાં સુધી?

**

(રાજાના મહેલમાં રાજા, જ્યોતિષી આવે છે)
જ્યોતિષી : મળી ગયો! મળી ગયો!
રાજા : (નવાઈ પામીને) કોણ મળી ગયો?
જ્યોતિષી : ઉપાય! ગ્રહોને રીઝવવાનો અજોડ અને અફર ઉપાય!
રાજા : તો ભસી નાખો ને! વાવમાં પાણી આવે તો મારા જીવમાં જીવ આવે.
જ્યોતિષી : ધરતી ભોગ માગે છે.
રાજા : તો આપો ને! વાર કેટલી!
જ્યોતિષી : પણ આમાં તો નરબલિ જોઈએ.
રાજા : અં? તો કોઈને પણ પકડીને વધેરી નાખો ને! રાજાને શું પ્રજા પર આટલોય અધિકાર નથી?
જ્યોતિષી : ના, આમાં ગમે તે માણસનો ભોગ કામ લાગી શકે નહીં મહારાજા! આમાં તો બત્રીસ લક્ષણો પુરુષ મળી આવે અને એનો ભોગ અપાય ત્યારે જ ધરતી રીઝે અને ત્યારે જ વાવમાં પાણી છલકાય અને પછી જ આપને પુત્રરત્નની પ્રાપ્તિ થાય!
રાજા : તો ખોળી લાવોને એવો પુરુષ! બત્રીસ ચોત્રીસ જે જોઈતાં હોય તેવાં લક્ષણવાળો!
જ્યોતિષી : (હસીને) એવા તો માત્ર બે જ છે. એક તો - એક તો આપ પોતે!
રાજા : એ શું, જોષી? અમારા મરવાથી તે કંઈ અમને દીકરો થતો હશે?
જ્યોતિષી : તો પછી બીજો... બીજો માલા ઢેડનો દીકરો જીવો!
રાજા : જીવો?
જ્યોતિષી : હં...
રાજા : જીવો! તો બેસી શું રહ્યા છો? જાઓ! અને એને પકડી મંગાવો.
જ્યોતિષી : હાજી...હાજી...હાજી!

**

(જીવો ને ઉજમ દોડતાં દેખાય છે. રસ્તે દાંડી પિટાય છે.)
ઉજમ : ચાલ ને!
જીવો : હા!
દાંડી પીટનારો : સાંભળજો રે સાંભળજો! સાંભળજો રે સાંભળજો! રાજાનું મન ઉદાસ છે સખત ત્રાસ ત્રાસ છે...
જીવો : રાજાનો રોગ ખાસ છે;
દાંડી પીટનારો : પડતું નથી ચેન – ચડતું નથી ઘેન!
નીંદર હરામ છે જરી ના આરામ છે.
રાજાને રીઝવવાનું કરવા જેવું કામ છે!
સાંભળજો રે સાંભળજો...

**

(ઉજમ ને જીવાની પાછળ સૈનિકો પડ્યા છે. હરિજન વસ્તીમાં સૈનિકો માલાને પકડે છે અને મારે છે.)
સૈનિકો : બોલ! બોલ!
માલો : મારશો નહીં બાપલા.
સૈનિકો : બોલ! જીવાને ક્યાં સંતાડ્યો છે?
માલો : ના મારા બાપલા! ના મારા બાપલા! જીવલો જડતો જ નથી.
સૈનિક : જડતો કેમ નથી? બોલ! બોલ!
માલો : નહીં બાપલા!

**

 (રાજદરબારમાં ભંગીઓ રાજાને મળવા આવે છે.)
રાજા : અમને—
ભંગીઓ : મહારાજાને ઘણી ખમ્મા!
રાજા : અમને— અમને... તમારું કામ પડ્યું છે!
માલો : બાપજી! ધનભાગ્ય ને ધનઘડી કે અમે રાજ્યના ખપમાં આવીએ!
રાજા : વાત જાણે એમ છે કે—વાવમાં પાણી આવતું નથી ને અમારું વાંઝિયામહેણું ટળતું નથી.
માલો : અમે ખોદવા તૈયાર છીએ બાપલા. અં... કામ શીદને બંધ કરાવ્યું?
બીજો ભંગી : આપ હુકમ કરો એટલી વાર! રોટલો ખાવાયે ઊંચું નહીં જોઈએ.
ત્રીજો ભંગી : હાં હવે તો પાણી નીકળશે ત્યારે જ જંપીશું.
રાજા : અરે મૂર્ખાઓ! પાણી એમ નીકળતું હશે? બત્રીસલક્ષણાનો ભોગ આપ્યા વિના આ વાવ કોરીધાકોર જ રહેવાની. સમજ્યા?
એક ભંગી : પણ- પણ- બત્રીલખ્ખણો ચ્યોંથી લાવવો?
રાજા : આ છે ને! માલાનો દીકરો— જીવો!
માલો : મારો? મારો જીવલો ?
પ્રધાન : જીવો બત્રીસલક્ષણો છે… અને વાવમાં ભોગ આપવા માટે એની પસંદગી કરવામાં આવી છે. એટલે ઝટપટ જીવાને હાજર કરો!
માલો : પણ જીવલો તો જડતો જ નથી.
પ્રધાન : જુઠ્ઠા, મહારાજ! આ બધા રાજદ્રોહીઓ છે. એમણે જીવાને સંતાડી દીધો છે.
રાજા : હં... એને જ્યાં સંતાડ્યો હોય ત્યાંથી હાજર કરો. નહીંતર તમને એક એકને રહેંસી નાખીશ. કાલ સવાર સુધીમાં જો રાજાના ચોરને હાજર નહીં કરો તો ભૂંડે મોતે મરશો.