નારીસંપદાઃ વિવેચન/પ્રેમનાં બે ભિન્ન રૂપઃ ચંડાલિકા અને શ્યામા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૧

પ્રેમનાં બે ભિન્નરૂપ: 'ચંડાલિકા' અને ‘શ્યામા’
અનિલા દલાલ

‘ચિત્રાંગદા'(1936) ‘શ્યામા’(1939) અને 'ચંડાલિકા’(1938) થોડા સમયને અંતરે લખાયેલાં ત્રણ નૃત્યનાટ્યોમાં રવીન્દ્રનાથે પ્રેમનાં જુદાં જુદાં રૂપ પ્રકટ કર્યાં છે. ‘ચિત્રાંગદા' અને ‘શ્યામા’માં બંને નાયિકાઓ- ચિત્રાંગદા અને શ્યામા- દ્વારા રવીન્દ્રનાથે રોમાન્ટિક પ્રેમના ઉન્મેષને પ્રકટ કર્યો છે. ચિત્રાંગદાએ કામદેવ પાસેથી મેળવેલા વરદાનથી રૂપ પ્રાપ્ત કર્યું અને અર્જુનને પોતાના રૂપથી મોહિત કર્યો. પણ ચિત્રાંગદાને બહારનું રૂપ મિથ્યા ભાસે છે, સ્વરૂપ તે જ સાચું એમ એ સાર્થક કરવા માગે છે; અને એટલે પ્રેમમાં ધીરે ધીરે પોતે અને અર્જુન ઊંચે જાય છે. પરિણામ રૂપે આદર્શ દામ્પત્યજીવન અને શુભ કાર્યોમાં બંને સહધર્મી થઈ રહેશે. શ્યામા 'દેવકાંતિ’ ધરાવતા વજ્રસેનને જોઈ પ્રથમ દૃષ્ટિએ પ્રેમમાં દેહમનથી એકાકાર બને છે, અહીં પણ રોમાન્ટિક પ્રેમની પરાકાષ્ઠા છે. પછીથી ‘કલંકિની’ કહી જે વજસેને તેની ઘૃણા કરી હતી તે જ્યારે એને બોલાવે છે ત્યારે શ્યામા માત્ર ક્ષમા માગે છે, એને બીજું કશું કહેવાનું કે માગવાનું નથી. તેનો એકાંતિક પ્રેમ સહૃદયોમાં વેદનાસહ સ્વીકાર પામે છે. 'ચંડાલિકા'માં ચંડાળકન્યા પ્રકૃતિનો ભિક્ષુ આનંદ માટેનો પ્રેમ પણ આરંભમાં તો રૂપમુગ્ધ રોમાન્ટિક લાગે તેવો જ છે, પણ પ્રકૃતિ સમજી કે આનંદના અને પોતાના - વિશેષે ભિક્ષુ આનંદના ઉદ્ધારનો માર્ગ આ નથી; વ્યક્તિવિશેષની સીમામાંથી બહાર નીકળી સમષ્ટિ પ્રત્યેના પ્રેમમાં જ એ સંભવિત છે. આ હૃદયધર્મના અતિ વિકટ માર્ગે જઈ પ્રકૃતિ સમત્વ પામે છે. ભિક્ષુ આનંદનો તો એ જ સાધનામાર્ગ છે. અહીં આમ પ્રેમનું ઊર્ધ્વીકરણ થાય છે. અહીં નાટક (1933) 'ચંડાલિકા’ અને ‘શ્યામા' (નૃત્યનાટિકા)ની વાત કરીશું. રાજેન્દ્રલાલ મિત્ર દ્વારા સંપાદિત નેપાળી બૌદ્ધ સાહિત્યમાં શાર્દૂલકર્ણાવદાનનું જે વિવરણ આપ્યું છે તેમાંથી રવીન્દ્રનાથે ‘ચંડાલિકા’ ગીતિનાટ્યની વાર્તા લીધી છે. ઘટનાનું સ્થળ શ્રાવસ્તીનગરી છે. પ્રભુ બુદ્ધ તે વખતે અનાથપિંડના ઉદ્યાનમાં વિહરી રહ્યા છે. તેમના પ્રિય શિષ્ય આનંદને એકવાર કર્યા પછીના વિહાર દરમિયાન તરસ લાગે છે. તેમણે એક ચંડાળની કન્યા પ્રકૃતિને કૂવામાંથી પાણી ખેંચતી જોઈ. તેમણે તેની પાસે જઈ પાણી માગ્યું; અને તેણે પાણી આપ્યું. ભિક્ષુ આનંદનું રૂપ જોઈ પેલી કન્યા મુગ્ધ થઈ ગઈ. પણ તેમને મેળવવા માટેનો કોઈ ઉપાય ન જણાતાં તેણે પોતાની માની સહાય લીધી. માને આના માટે જાદુવિદ્યા આવડતી હતી. તેની માએ આંગણામાં છાણ લીંપી એક વેદી તૈયાર કરી, ત્યાં અગ્નિ સળગાવ્યો અને મંત્રોચ્ચાર કરતાં કરતાં એક પછી એક એમ 108 અર્કફૂલ તે અગ્નિમાં હોમ્યાં. આનંદ આ જાદુઈ-શક્તિનો અવરોધ કરી શક્યા નહિ અને રાત્રે પ્રકૃતિના ઘેર આવી હાજર થયા. તેઓ વેદી પાસે બેઠક કરે તે માટે પ્રકૃતિ તેમને માટે આસન પાથરવા લાગી. આનંદના મનમાં તે વખતે અત્યંત પરિતાપ થવા લાગ્યો. પોતાના રક્ષણ માટે ભગવાન પાસે પ્રાર્થના કરી રુદન કરવા લાગ્યા. ભગવાન બુદ્ધે તેમની અલૌકિક શક્તિથી શિષ્યની અવસ્થા જાણીને એક બૌદ્ધમંત્રનું પઠન કર્યું. એ મંત્રના પ્રભાવથી ચંડાલિનીની વશીકરણવિદ્યા નબળી પડી અને આનંદ મઠમાં પાછા આવ્યા. રવીન્દ્રનાથે પોતાના નાટકમાં વાર્તા તો આ લીધી, પણ તેને કેવો ઘાટ અને દૃષ્ટિકોણ આપ્યા છે! અહીં ભિક્ષુ આનંદ પીળા વસ્ત્રોમાં ચંડાળકન્યા પ્રકૃતિ પાસે આવીને ઊભા રહે છે અને તે કહે છે: “મને પાણી આપ.” પ્રકૃતિ કહે છે કે હું તો ચંડાળની દીકરી છું; કૂવાનું પાણી અપવિત્ર છે. ત્યારે બોલાયેલા આનંદના શબ્દોમાં મહાન સંદેશ વણાયેલો જોવા મળે છે: “હું જેમ માણસ છું તેમ તું ય માણસ છે; તેમ બધાં પાણી તીર્થજળ જ છે.” આમ આ 'એક ચાંગળું પાણી’ પછીથી તે બંનેના જીવનમાં- જે બંને શિક્ષણ અને સાધનામાં તદ્દન ભિન્ન છે- હલચલ મચાવી જાય છે. આ ઘટના બન્યા પછી પ્રકૃતિ કૂવાકાંઠે જ બેસી રહે છે ભિક્ષુ આનંદની રાહ જોતી. તેની માને દીકરીનો વ્યવહાર કંઈ જુદા પ્રકારનો લાગે છે. માના ઘણા પ્રશ્નો થતાં દીકરી તેને બનેલી વાત કહે છે - એટલે નાટકના પહેલાં દૃશ્યમાં આપણને ઉપરની આરંભની વાત retrospective narration પૂર્વવર્તી કથનથી કહેવામાં આવે છે- દીકરી માને જણાવે છે, આપણે ભિક્ષુ આનંદને જોતા નથી. પણ તે દિવસ પછી પ્રકૃતિ દિનરાત ઘેરો અવાજ સાંભળ્યા કરે છે - 'જલ દાઓ, જલ દાઓ - “પાણી આપ, મને પાણી આપ” અને કૂવાકાંઠે એ પથિકની રાહ જોતી બેસી રહે છે. એને તો ‘તેઓ જોઈએ.’ માએ તો જગતને ઘણું જોયું હતું; લોકોની વાતો કાને સાંભળવા માટે જ હોય, વ્યવહારમાં ઉતારવા માટે નહીં. દીકરીને કહે છે કે તું જે કુળમાં જન્મી છું તેની વાડને તોડવા માટે લોખંડની કોદાળી ક્યાંય નથી! અહીં આમ હિંદુ સમાજના અસ્પૃશ્યતાના કલંકની વાત આવે છે. બુદ્ધે એ કલંકને ધોઈ નાખવાના પ્રયત્નો આદર્યા તે આલેખવામાં આવે છે. ચંડાલિની - પ્રકૃતિ–પોતે આજ સુધી કશાકથી વંચિત રહી છે, અપમાનિત થતી આવી છે તે પ્રશ્ન ઉઠાવે છે. નાટકના રચયિતાના મનમાં પણ એ પ્રશ્ન - અસ્પૃશ્યતાનો, અસમાનતાનો, વર્ણભેદનો – ઊઠ્યો છે. પ્રકૃતિને મનમાં થાય છે કે જાણે પોતે પેલા નીચ - અપમાનિત કરવામાં આવતા સમાજના દરજ્જામાંથી આ ભિક્ષુના શબ્દોથી અને વ્યવહારથી મુક્ત થઈ છે. અલબત્ત, એની મા જીવનના વ્યવહારને જાણે છે. નાટકમાં હિંદુસમાજની અસ્પૃશ્યતાની, વર્ણભેદની વાતની આ ભૂમિકા આવે છે. પણ પછીથી રવીન્દ્રનાથ એક જુદી જ દિશામાં કથાને લઈ જાય છે. પેલી અસ્પૃશ્યતાવાળી વાત તો ગૌણ બની જાય છે. મહત્ત્વની વાત તો પ્રકૃતિ અને આનંદના માનસપરિવર્તનની છે. રવીન્દ્રનાથ નાટ્યોચિત કૌશલની પ્રયુક્તિઓ યોજે છે, અને તે છે પ્રકૃતિની માના જાદુઈ મંત્રની. આપણે આ મંત્રથી યંત્રણાવિદ્ધ થયેલા એવા આનંદના સંઘર્ષને જોઈએ છીએ. પ્રકૃતિના માયા-દર્પણમાં. નાટક એક જુદું જ પરિમાણ અને ગહનતા પામે છે. કૂવાકાંઠે રસ્તાની ધારે તડકામાં બેસી પ્રકૃતિ તપસ્યા આદરે છે આનંદને પામવા. તે કહે છે કે મારે તેઓ જોઈએ છે જીવનભર માટે, થોડી ક્ષણો માટે નહીં. એને જે આત્મસન્માનરૂપ નવું જીવન મળ્યું હતું તેની સાથે શારીરિક આકર્ષણ હતું. પણ તે તો થોડી વાર માટે. એ તો તપના આસને બેઠી રહી છે. થોડા વખત પછી ભિક્ષુ આનંદ ત્યાંથી થોડે દૂરથી પસાર થાય છે, અને આગળ નીકળી જાય છે, પાછું ફરીને જોતા પણ નથી ત્યારે પ્રકૃતિનું હૈયું હતાશાથી બળી જાય છેઃ જો આનંદના અંતરમાં ઊંડો ભાવ હોય તો તે તેની પાસે આવે અને બધાંને જાહેર કરી પોતાને લાંછનમુક્ત કરે, પોતાને સેવિકા તરીકે ઓળખાવે. જોકે આ બધી તો બહારની વાતો છે. ખરેખર તો આ દ્વારા પ્રકૃતિના મનમાં એક નવી જ, કદી અંતરમાં નહીં ઊઠેલી એવી અનુભૂતિ ઊઠે છે. આજ સુધી પ્રેમ કોને કહે છે તેની તેને ખબર નહોતી. આજે એક ખોબો પાણી આપતાં તે અતલ સાગરમાં ડૂબી ગઈ છે. ‘પાણી આપ’ શબ્દો એના મર્મને સ્પર્શી ગયા છે, એ શબ્દોનો અર્થ દૂર સુધી વિસ્તાર પામે છે. પાણી હવે પાણી ન રહેતાં પ્રેમરસધારામાં રૂપાંતરિત થયું છે. આનંદ અણજાણપણે જે અદમ્ય પ્રેમઝંખના જગાવી ગયા છે તે તેને ઊંચે સ્તરે લઈ જાય છેઃ

નહીં રે નહીં, નહીં બોલાવું, નહીં બોલાવું
બહારથી એમને આમ;
બનશે તો તો એમને ઉરે સાદ દઈને
લાવીશ તેડી ભીતરને મુજ ધામ...

માએ જ્યારે પ્રશ્ન કર્યો કે એ છે કોણ? ત્યારે કશી દ્વિધા કે લજ્જા અનુભવ્યા વિના તે બોલી શકી કે ‘એ તો મારો પથિક, હૃદયપથનો મારો પથિક.’ મા મંત્રવિદ્યા તો જાણે છે, પણ પ્રેમનો મંત્ર શીખી નહોતી. તે તો પેલો રાજકુંવર એક વાર પ્રકૃતિ પર મોહ્યો હતો તેની યાદ દેવડાવે છે. પ્રકૃતિ જણાવી દે છે કે એ તો પશુને મારવા શિકારે નીકળ્યો હતો, હું માનવી છું, નારી છું. માને “ભાષા” સમજાતી નથી, અને પ્રકૃતિ તો હવે કવિતાની વ્યંજનાયુક્ત ભાષામાં વાત કરે છે. રવીન્દ્રનાથે અનંત ઐશ્વર્ય અને રહસ્યથી ભરપૂર એવી પ્રેમની ભાષા તેમનાં સર્જનોમાં પ્રયોજી છે, એનું આછું નિદર્શન અહીં પણ મળે છે. પ્રકૃતિ છેવટે તેની માને મંત્ર ભણવા આગ્રહ કરે છે- માનવજાતિનો આદિમ મંત્ર–દેહના આકર્ષણનો મંત્ર… પ્રકૃતિ દેહની સાથે પોતાનું પ્રેમથી છલોછલ ભરેલું હૃદય ધરશે; એક વાર રૂપના આકર્ષણથી તે આવે, પછી પ્રેમના બંધનથી બાંધશે. એ પોતાનું સર્વસ્વ આપવા તેમનો માર્ગ જોતી બેઠી છે. રવીન્દ્રનાથ ‘ચંડાલિકા’ નાટકમાં પ્રકૃતિનો પ્રેમ એક સ્તર પરથી ઊંચા સ્તર પર જઈ રહેલો છે તેનો વિકાસ નિરૂપિત કરે છે. નાટકને અંતે આપણે જોઈએ છીએ કે લગભગ આધ્યાત્મિકતાના સ્તરે એ પ્રેમ પહોંચે છે અને એ પ્રેમની સાધના દરમિયાન તે ઊંડી વેદના અનુભવતી રહે છે. માના મંત્રથી ખેંચાઈને જ્યારે ભિક્ષુ આનંદ પાસે આવતા ગયા અને પેલા માયાના/મનના દર્પણમાં પ્રકૃતિ તેને જોતી ગઈ તેમ તેમ તેની વ્યાકુળતા અને દ્વિધા પ્રકટ થઈ ગઈ. ભિક્ષુ આનંદ પણ એવું જ માનસિક દ્વંદ્વ એ વખતે અનુભવી રહ્યા છે તે તેણે જોયું-તેમની ‘અસીમ દુ:ખની મૂર્તિ' જોઈ. છેલ્લે તો એણે દર્પણ પણ ફેંકી દીધું–માને કહે છે, “રહેવા દે તારો મંત્ર… પાછો લઈ લે… મેં શું જોયું ક્યાં મારો પેલો દેદીપ્યમાન ઉજ્જવળ, પેલો શુભનિર્મળ, પેલો સુ-દૂર સ્વર્ગનો પ્રકાશ!” આનંદનું માથું નીચું નમેલું છે, તે મ્લાન, ક્લાન્ત દેખાય છે. ધર્મથી ચ્યુત આનંદ લોહીલુહાણ બનીને આવ્યા ત્યારે તે આત્મ-પરાજયથી ફિક્કા પડી ગયા છે. પ્રકૃતિ તે સહી શકતી નથી. શું એમની મહત્તા ધૂળમાં રોળાશે? અભ્રભેદી ગૌરવ ભાંગી પડશે? પોતે સ્વર્ગનાશ નોતર્યો છે. તેને પ્રતીતિ થાય છે કે રોમાન્ટિક પ્રેમમાં - વ્યક્તિવિશેષમાં મર્યાદિત પ્રેમમાં - સંક્રમણ થાય તેમાં આનંદના ઉદ્ધારની અને એટલે પોતાના ઉદ્ધારની કોઈ સંભવિતતા નથી. તેથી તેણે બીજે માર્ગે, તીવ્ર દુઃસહ વેદનાને માર્ગે પગ મૂક્યો. દારુણ આઘાતથી ક્ષણમાં હૃદયના રાગનું રૂપ ફરી ગયું. તેણે મંત્રની બધી સામગ્રી ફગાવી દીધી - એ પ્રેમની પરાકાષ્ઠા સર્વ પ્રાણીઓ માટેની મૈત્રીભાવનામાં પરિણત થવી જોઈએ. અંતે તે કહે છે, “જય હો, તમારો જ સજય થાઓ.” તેના અંતરની સચ્ચાઈનો રણકો આ શબ્દોમાં સંભળાય છે. આનંદને તેની દીપ્તિ, સમાહિતી પાછી મળે છે. તે કહેતા ગયા - ‘બુદ્ધો સુસૂદ્ધો…’ શ્લોક દ્વારા-‘કલ્યાણ હો, તારું કલ્યાણી, અને પોતે પણ ઊર્ધ્વ આત્મશુદ્ધિમાં ઉદ્ધાર પામ્યા. રવીન્દ્રસાહિત્યના વિવેચક અબુસઈદ ઐયુબ કહે છે : “ચંડાલિકાને ટ્રેજેડિની ભારતીય આવૃત્તિ ગણી શકાય. એની પરિસમાપ્તિ આત્યંતિક વિચ્છેદમાં છે, પરંતુ આત્યંતિક દુ:ખમાં નથી. આનંદ જ્યાંથી ઊતરી આવ્યો હતો તે ઊર્ધ્વલોકમાં પાછો ચાલ્યો ગયો; આત્મસમાહિત પ્રકૃતિ પોતાની કુટિરના આંગણામાં સ્થિર ઊભી રહી, પરંતુ મનમાં ને મનમાં જેનો તેણે પોતે જ ઉદ્ધાર કર્યો હતો તેનું અનુસરણ કરતી રહી.” ઐયુબ 'ચંડાલિકા' અને ‘ચિત્રાંગદા' નાટકોની તુલના કરતાં કરતાં જે થોડા મુદ્દાઓ ‘ચંડાલિકા' સંદર્ભે ઉપસાવે છે તેની અહીં નોંધ લેવાનું યોગ્ય ગણાશે. ‘ચંડાલિકા’ નાટકમાં પ્રકૃતિનું દુઃખ પહેલેથી છેલ્લે સુધી ભરેલું છે. પણ જ્યારે અંતે તે એ દુ:ખ પર વિજય મેળવે છે ત્યારે ખૂબ મર્મભેદક હોય છે. બુદ્ધનો મૂળ ઉપદેશ કે દુ:ખની વચ્ચે રહીને દુ:ખથી ઉપર રહેવાનું છે એ અહીં પ્રકટ થાય છે. માયાદર્પણમાં જોતી પ્રકૃતિ આનંદના જીવનસટોસટના સંઘર્ષને તો નિહાળે છે પણ સાથે એ સ્થિતિ એટલી જ વ્યથાભરી પ્રકૃતિ માટે છે– ‘પ્રેમપાત્રને પામવાની ઇચ્છા અને ન-પામવાના શુભધ્યાન’ વચ્ચે એવું જ તીવ્ર દ્વંદ્વ ચાલે છે. અને એટલે જ પ્રકૃતિનો પ્રશ્ન છે “મા, એ મિલનમાં ઉપેક્ષા કરી વિચ્છેદને વધાવે છે. પ્રેમ કેટલો ગંભીર, કેટલો દિગંતવ્યાપી! અંતિમ દૃશ્યમાં આમ આપણે સ્તબ્ધ બની વિસ્મયપૂર્વક જોઈ રહીએ છીએ. આત્મકેન્દ્રી - વ્યક્તિવિશેષ પ્રત્યેની રોમાન્ટિક - પ્રેમલાલસાને બુઝાવી દઈ સકળ વિશ્વના જીવો પ્રત્યેનો મૈત્રીભાવ કેળવવાનો માર્ગ બુદ્ધનો છે – આનંદનો છે. શિષ્ય આનંદ આ હૃદયધર્મથી પેલા મંત્રના બળે ચ્યુત થયો હતો એ પ્રકૃતિ સહી શકી નહીં અને એ આઘાતથી તેનાં હૃદયરાગનું રૂપ પરિવર્તિત થઈ ગયું - મંત્રની સામગ્રી ફગાવી દીધી-પ્રેમ વ્યક્તિવિશેષની મર્યાદામાંથી નીકળી સાગરની વિશાળતા પ્રાપ્ત કરે છે. રવીન્દ્રનાથે ‘પરિશોધ’ કથાકાવ્ય 1899માં લખ્યું હતું, અને એને આધારે ‘પરિશોધ' નામે નાટટ્યગીતિ 1936માં પ્રગટ કરી હતી. 1939માં એને નૃત્યનાટિકાનું (ગીતિનાટયનું) રૂપ આપ્યું હતું. મૂળ કથા બૌદ્ધસાહિત્યમાં આવતી જાતકકથા “મહાવસ્તુ અવદાન”માંથી લીધેલી છે. એ કથામાં શ્યામા એક અપૂર્વ સુંદરી, છળ-કૌશલ ધરાવતી ગણિકા છે. એક વાર એક બંદી વજ્રસેનના રૂપથી તે મોહિત થાય છે. રાજપુરુષોને કહેવડાવી, પુષ્કળ સોનું આપી વજ્રસેનને છોડાવવાની વાત મૂકે છે; આમ તો વજ્રસેનનો અંત જ હતો. પોતાના નિવાસમાં રહેતા શ્રેષ્ઠીપુત્ર યુવાન ઉત્તીયને બદલામાં છળપૂર્વક મોકલી વજ્રસેનને છોડાવે છે, પણ ઉત્તીયનો વદ્ય કરવામાં આવે છે. રવીન્દ્રનાથની શ્યામા રાજનટી છે. એનું વ્યક્તિત્વ નિરાળું છે. સુંદર નારી નૃત્યગીતમાં અસાધારણ કૌશલ ધરાવે છે. એનામાં એક પ્રેમી હૃદયની અભિજાત રુચિ છે, શ્રેષ્ઠીઓ કે રાજા એની નજરમાં તુચ્છ છે. બધી સખીઓ તેથી તો તેને ગર્વિણી કહે છે : યૌવન તો ચાલી જશે, તારો ‘મનનો માનુષ’ તો છુપાઈને પાસે જ ઊભો છે – (એના જ ઘરમાં રહેતા શ્રેષ્ઠીપુત્ર યુવાન ઉત્તીયનો સંકેત કરે છે.)

ફાગુન જખન જાબે ગો નિયે
ફૂલેર ડાલા
  કી દિયે તખન ર્ગાથિબે તોમાર
વરણમાલા ?

ફૂલોની છાબડી ફાગણ જતાં જતી રહેશે, પછી તારી વરણમાળા શેનાથી ગૂંથીશ? પણ પેલી પ્રેમની અભિજાત રુચિને લીધે શ્યામાની તૃષા તૃપ્ત થતી નથી, મન વિષાદથી ભરેલું છે:

પિપાસિત જીવનેર ક્ષુબ્ધ આશા
આંધારે આંધારે ખોંજે ભાષા.

એને એવા પ્રેમની શોધ છે જેને તે પોતાને સમર્પિત કરે, અને એ વેદનાથી તે સૂનાં સૂનાં માર્ગ તરફ જોતી પ્રતીક્ષા કરે છે. રવીન્દ્રનાથના ‘માયાર ખેલા’ નાટકની નાયિકા પ્રમદા આત્મરતિયુક્ત છે, આત્મતુષ્ટ છે. પ્રેમમાં હૃદય-મનથી તે આતિથ્યશૂન્ય છે અને જ્યાં આત્મ-અભિમાન હોય ત્યાં આત્મસમર્પણ કેવી રીતે શક્ય બને? શ્યામાની પ્રકૃતિ ભિન્ન છે તે અહીં આપણને સમજાય છે. સખીઓ સાથેના સંવાદ સમયે રસ્તા પરથી કોટવાળ પરદેશી વજ્રસેનને ‘ચોર’ છે કહી એની પાછળ દોડે છે. શ્યામા વજ્રસેનને જોતાં જ તેની ‘મહેન્દ્રનિન્દિતકાન્તિ'ના ઉન્નત દર્શનથી તન્મય બને છે. કોટવાળ વજ્રસેનને બંદી બનાવી જેવો લઈ જાય છે કે શ્યામા તેને છોડી દેવા વિનવણીઓ કરે છે, સુવર્ણ આપી શૃંખલા તોડી દેવા જણાવે છે; વિદેશી પુરુષના અપમાનથી તેને આટલી દુ:ખી જોઈ વજ્રસેનને પણ આશ્ચર્ય થાય છે. પણ શ્યામા માટે તો આ ‘દેવકાન્તિ' ધરાવતી વ્યક્તિનું અપમાન તે પોતાના અપમાન જેવું છે. વજ્રસેનને થયેલું વિસ્મય એના પોતાના ચારિત્ર્યનાં આભિજાત્યને પ્રકટ કરે છે; તે ન્યાય નીતિપરાયણ છે એમ શ્યામા પ્રથમદર્શને જ પામી જાય છે અને સમજે છે કે આ પુરુષ જ એના શુષ્ક યૌવનને ભરપૂરતાથી સુંદર બનાવશે. ઉત્તીયને શ્યામા બાલક-કિશોર તરીકે ઓળખાવે છે, પણ એવું નથી. સખીઓ જાણે છે કે ઉત્તીય હૃદયમાં 'એક વિફલ વાસના' લઈને જીવે છે; એની વણકહેલી વેદના-

વિરહપ્રદીપે શિખાર મતો
નયને તોમાર ઉઠે છે જ્વલિયા
નીરવ કિ સમ્ભાષણા ।

આમ નયનોમાં પ્રજ્વળી રહી છે. શ્યામા પ્રત્યેનો નિબિડ પ્રેમ શ્યામાએ જગાડયો હતો, પણ માત્ર રૂપથી નહીં. રવીન્દ્રનાથની શ્યામાના વ્યક્તિત્વે એ જગાડ્યો છે. એ દ્વારા આપણે શ્યામાના ચરિત્રની વિશેષતા પણ પામીએ છીએ. અલબત્ત, એ સુંદરી એને સામાન્ય ઉત્તેજન જ આપે છે, એને માટે પ્રેમ ધરાવતી નથી. ઉત્તીય નક્કી કરે છે કે

દૂર હતે આમિ તારે સાઘિબો
ગોપને વિરહડોરે બાંધિબો
બાંધનવિહીન સેઈ જે બાંધન
અકારણ ।

એટલે વજ્રસેનને અન્યાયના ફંદામાંથી બચાવવા માટે જ્યારે શ્યામા ચારે તરફ ચિત્કાર કરે છે કે ‘કોઈ વીર છે?’ જે એને બચાવે, ત્યારે ઉત્તીયનો પ્રત્યુત્તર વિચાર માગી લે છે : એ એમ નથી કહેતો કે હું વજ્રસેનને અન્યાયમાંથી બચાવીશ, પણ કહે છે :

ન્યાય અન્યાય જાનિ ને, જાનિ ને,
શુધુ તોમારે જાનિ, ઓગો સુન્દરી
ચાઓ કિ પ્રેમેર ચરમ મૂલ્ય - દેબો આનિ..…

એક પ્રેમીનું આત્મબલિદાન છે - પ્રેમી તરીકેનો સ્વાર્થ પણ છે. તેને પ્રેમથી નહીં તો મરણથી જીવનની પરિપૂર્ણતા થયેલી ગણવી છે. ઉત્તીયને મન મૃત્યુ અને શ્યામા એકાકાર થયાં હતાં. આમાં વ્યર્થ હતાશ પ્રેમીની આત્મહત્યાનો અંશ જોઈ શકાય ખરો? ઉત્તીય ‘અકાળે મધુર યૌવનધન વ્યર્થ' કરે છે, પણ શ્યામા સાથે મરણદોરછી અને એટલે શ્યામાના મનમાં વ્યાપ્ત એક પીડાના દોરથી, તે બંધાયેલો તો રહેશે, ભલે ઉત્તીયનો ઉદાર પ્રેમ એના મનમાં ન રહે. આ સાંભળી શ્યામા પોતાની દૃષ્ટિમાં પોતે ક્ષુદ્ર બની ગઈ : ઉત્તીયને એણે તો કશું જ આપ્યું નહોતું ! આ ક્ષણે તે ઉત્તીયને પ્રણામ કરે છે. ઉત્તીયનું પછીનું ગીત હૃદયસ્પર્શી બની જાય છે: “આમાર જીવનપાત્ર ઉચ્છલિયા માધુરી કરે છો દાન”, પણ છેલ્લી પંક્તિમાં હતાશા પ્રકટ કરતાં કહે છે: “જારે જાનો નાઈ, તાર ગોપન વ્યથાર નીરવ રાત્રિ હોક આજિ અવસાન” –વ્યથાની નીરવ રાત્રિનો આજે અંત આવો ! પણ પેલી શ્યામાની સખીઓને – સાધારણ માનવીને - ઉત્તીયનું આત્મબલિદાન ‘નિષ્કારણ’ લાગ્યું છે – અને 'યૌવનધન’ને અકાળે વ્યર્થ કર્યું ભાસે છે. પણ પછી ઉત્તીયનો વધ કરીને પ્રહરી વજ્રસેનને કેદમાંથી મુક્ત કરે છે ત્યારે સખીઓ એકદમ ગાઈ ઊઠે છે એમાં જુદો જ ધ્વનિ છે :

કોન્ અપરૂપ સ્વર્ગેર આલો
દેખા દિલો રે પ્રલયરાત્રિ ભેદી...
મરણમહિમા ભીષણેર બાજાલો બાંશિ
એકરુણ નિર્મમ ભુવને...
દેખિનુ.. મુખે નિર્ભય હાસિ...

રવીન્દ્રનાથ અ-કરુણ નિર્મમ જગતની વાત તો કરે છે, પણ સમર્પણના મુખ પર નિર્ભય હાસ્ય છે. મર્મભેદી મૃત્યુમાં પણ એક અપૂર્વ પ્રકાશ જોઈ શકાય છે; તે માનવમાં દુ:ખથી પરિશુદ્ધ થઈ જાણે વિતરાગતાની સ્નિગ્ધતા પ્રકટાવે છે - તેથી તો આ નાટક ટ્રેજેડિની ખૂબ નજીક જવા છતાં ટ્રેજેડિ બનતું નથી. ત્રીજા દૃશ્યમાં નાટકકાર બે paradoxical સ્થિતિઓને પાસે પાસે મૂકી એક પ્રકારની દ્વંદ્વભરી વ્યાકુળતા જન્માવે છે, અને એમાં dramatic irony– નાટ્યોચિત વક્રતા સમાયેલી છે. નાટકમાં જે કરુણની છાયા આરંભથી છવાયેલી છે તે જુદી સ્થિતિમાં જુદી રીતે ઊઘડતી જાય છે. વજસેનને મુક્તિ મળી ગઈ છે; શ્યામા રાજસમ્માન છોડી પેલા પ્રેમી વિદેશી વજ્રસેન સાથે જવા આવી છે. બંને જણાં પૂર્વજીવનને પાછળ મૂકી પ્રેમની ભરતીમાં ભરપૂર આનંદ સાથે વહી જવા નીકળી પડે છે : શ્યામા કહે છે : ‘તોમા સાથે એક સોતે ભાસિલામ (તરીશ) આમિ' અને ‘પ્રેમેર જોયારે (ભરતીમાં) ભાસાબે દોંહારે’ (બંને)… પણ એ જ સમયે સખીઓના ગાનમાં જુદો જ અવાજ પડઘાય છે. શ્યામાના ‘દુર્લભ પ્રેમ’ને વિધાતા રૂપી વ્યાધ વીંધી નાખવાનો છે. આપણને અહીં શેક્સપિયરનો સૂર સંભળાય છે : ‘They kill us for their sport.... અલબત્ત, આપણે જોઈશું કે રાવીન્દ્રિક સુષમા અંતે નવીન સ્વરૂપે પ્રકટવાની છે. ગાનના શબ્દો છે :

ઓ રે નિર્મમ વ્યાદ્ય જે ર્ગાથે
મરણેર ર્ફાસિ...
વિધાતાર દારુણ વિદ્રુપવજ્રે
સંચિત નીરવ અટ્ટહાસિ...

સખીઓ સાંભળે છેઃ ‘શુનિતિ બાતાસે સર્વનાશાર બાંશિ.’ પ્રેમની નૌકા ખંડખંડમાં તૂટી જવાની છે. પ્રેમના મૃત્યુની વાત અત્યંત ટ્રેજિક છે. આ વિષાદની છાયા રવીન્દ્રનાથનાં ઘણાં કાવ્યો - ગીતોમાં જોવા મળે છે - તેમાંયે, અવિસ્મરણીય પંક્તિઓ છે :

તબુ મને રેખો, યદિ દૂરે જાઈ ચલિ
સેઈ પુરાતન પ્રેમ..…

નાટકના ચોથા અને છેલ્લા દૃશ્યમાં વળાંક પછીનો અંત હૃદયદ્રાવક છે, અવાક્ કરી દે તેવો છે. ઉત્તીયનું આદર્શ પ્રેમી તરીકે- જે આપે જ છે,- આલેખન થયું છે; એનું બલિદાન છે : શ્યામાના પ્રેમમાં સ્વાર્થ રહેલો છે, તેમ છતાં એણેય ઘણો મોટો ત્યાગ કર્યો છે. આ પ્રેમિકા રાજભવનનાં આદર-સન્માન, 'રાજનટી'પદ ક્ષણમાં છોડી દઈ ‘તોમા સાથે એક સ્ત્રોતે ભાસિલામ આમિ’ કહી પ્રેમી વજ્રસેન સાથે ચાલી નીકળી છે સમર્પિત થવા. આપણે પણ એના નિષ્ઠુરભાવે કલંકિત થયેલા પ્રેમ આગળ નમી પડીએ છીએ, ન્યાય કરવા નથી બેસતા. એક બીજી રીતે પણ ઉત્તીયની હત્યામાં તે પૂરેપૂરી જવાબદાર નથી. શ્યામા છેલ્લી ઘડીએ કોટવાલ પાસે દોડી જઈને ઉત્તીયને ‘તે ગુનેગાર નથી’ એમ જણાવી છોડાવવા ગઈ હતી. જો કે કોટવાલનો રસ તો ‘ચોર જોઈએ’ એમાં જ છે, તેથી શ્યામાને ધ્યાનમાં લેતો નથી. વજ્રસેન આ ‘મિલન વિભાવરી'ને મધુર બનાવી પ્રેમની પૂજાનું વરણ કરે છે. પણ વજ્રસેન અધીર બની તે વખતે જ કુતૂહલવશ શ્યામાને પૂછે છે : 'આમારે કરેછ મુક્ત કી સંપદ દિયે/અયિ વિદેશિની?' શ્યામા એ વાત તે વખતે કરવા ઇચ્છતી નથી અને પશ્ચાતભૂમિકામાં સહચરી પણ તેને એ મધુરતામાં વિષ ભેળવવાની મના કરે છે. પણ વજ્રસેનના આગ્રહને વશ થઈ શ્યામા જણાવે છે: ‘બાલક-કિશોર ઉત્તીયે’ મારા પ્રેમમાં મત્ત અધીર બની મારા અનુનયથી તારી ચોરીનો અપવાદ પોતા પર લઈ પોતાનો પ્રાણ આપ્યો છે. વજસેન તો નિષ્કરુણ કંઠે શ્યામાને ‘કલંકિની’ ‘પાપિષ્ઠા' કહી તેને ભારે આઘાત આપે છે. શ્યામા વજ્રસેન પાસે ‘ક્ષમા’ની માગણી કરી, વિધાતાને તેના પાપની શિક્ષા આપવા દો એવી વિનવણી કરે છે : મર્મભેદી વિનંતી છે આ:

ક્ષમા કરો નાથ, ક્ષમા કરો
એ પાપેર જે અભિસંપાત
હોક વિધાતાર હાતે નિદારુણતર...

પોતે વિધાતા સમક્ષ દોષી છે, વજ્રસેન પાસે તો દોષ કર્યો નથી. વિધાતાના આક્રોશને પોતે સહી શકશે, પણ જો વજ્રસેન દયા નહીં કરે તો તે જીવનને સહી શકશે નહીં. વજ્રસેનને પોતે પણ આ પાપમાં મહાભાગી થવાથી પોતાં પર ધિક્કાર આવે છે, રોષ થાય છે. નિષ્ઠુરતાથી વજ્રસેન ક્ષમા તો કરતો નથી, પણ તે શ્યામાને એક મરણતોલ આઘાત આપે છે - શ્યામા ભોંય પર પડી જાય છે. પણ એને મરેલી ધારી વજ્રસેન ત્યાંથી પ્રસ્થાન કરે છે. ‘એ દુર્લભ પ્રેમ મૂલ્ય હારાલો/કલંકે, અસમ્માને, નેપથ્યમાંથી સંભળાય છે. વજ્રસેન પણ હૃદયમાં બળતી જવાળાથી શાંતિ પામતો નથી. અહીંતહીં ભટક્યા કરે છે. ન્યાય તોળવા ગયેલો આ વ્યથિત પ્રેમી ચિત્કાર કરી ઊઠે છે અને પ્રિયાને પરલોકમાંથી ‘નૂતન પ્રાણ નિયે’ (લઈને) પાછી બોલાવે છે. એનો નિષ્ઠુર પ્રાણ પોતા પ્રત્યેના ધિક્કારથી અને પ્રિયતમાના વિરહથી રડી ઊઠે છે-નેપથ્યમાંથી અહીં સૂર આવે છે :

ક્ષમાર દીપ્તિ દેય સ્વર્ગેર આલો
પ્રેમેર આનન્દરે
ભાલો આર મન્દેરે....

આ ભાવમાં કવિનો અવાજ ભળ્યો છે અને આપણો પણ. પ્રેમે સારું ને નરસું બધું જ કેમ ના લીધું? પ્રેમના આનંદને ક્ષમાની દીપ્તિ સ્વર્ગનો પ્રકાશ આપે છે - પ્રેમનો આનંદઃ સારો અને નરસો પણ. વજ્રસેનનો આવ, આવ કરતો સાદ ઘવાયેલી પડેલી શ્યામાએ સાંભળ્યો અને તે તો જૂના જ પ્રાણ સાથે સામે આવી ક્ષમા માગતી ઊભી રહે છે, પણ સદેહે શ્યામાને જોતાં ફરી કઠોર બનેલું વજ્રસેનનું હૈયું ઘૃણા પ્રકટ કરે છે અને શ્યામાને 'ચાલી જા', 'ચાલી જા' કહે છે. જતાં જતાં શ્યામા જરા ઊભી રહી તો વધુ આક્રોશથી તેને જાકારો દે છે. શ્યામા વજ્રસેનને પ્રણામ કરી અંધકારમાં ધીરે ધીરે ચાલી જાય છે. કથાકાવ્ય 'પરિશોધ'માં અહીં કાવ્યનો અંત આવે છે. નાટકમાં ભયાનક શાંતિની થોડી ક્ષણો પસાર થાય છે અને તે પછી છેલ્લું ગીત સંભળાય છે. આ ગીત વજ્રસેનના મુખે ગવાય છે – વજ્રસેનના હૃદયમાં પ્રેમિકાને ખોઈ દેવાનું દર્દ છે, પણ તેથી વધારે ઊંડી વેદના પોતે 'પાપિષ્ઠા'ને ક્ષમા ન કરી શક્યો તેની છે; પ્રભુ પાપિષ્ઠાને માફ કરશે. પણ ક્ષમાહીન પોતાને માફ નહીં કરે :

ક્ષમિતે પારિલામ ના જે
ક્ષમો હે મમ દીનતા
પાપીજનશરણ પ્રભુ.
.......
જાનિ ગો તુમિ ક્ષમિબે તારે
જે અભાગિની પાપેર ભારે
ચરણે તવ વિનતા.
ક્ષમિબે ના, ક્ષમિબે ના
આમાર ક્ષમાહીનતા,
પાપીજનશરણ પ્રભુ...

રવીન્દ્રનાથના પ્રસિદ્ધ વિવેચક અબુસઈદ ઐયુબે ‘પાન્થજનતા સખા’ પુસ્તકમાં આ નાટક સંદર્ભે પ્રેમ અને નીતિ વચ્ચેના સંઘર્ષ વિશે જે વિમર્શ કર્યો છે તેનો ઉલ્લેખ કરવો યથાર્થ લાગે છે. ઐયુબને અહીં રવીન્દ્રનાથના મનની વાત હોવાનો, આ ગીત સાથે તેમનું હૃદય એક થયું હોવાનો બહુ સંભવ લાગે છે. ગીત એ રીતે પૂરું થાય છે કે પાપીષ્ઠા શ્યામાને ભગવાન ક્ષમા કરશે, પણ ક્ષમાહીન વજ્રસેન ક્ષમાપાત્ર રહેશે નહીં. કદાચ દાર્શનિક, સમાજસભાન રવીન્દ્રનાથની પ્રેમના આત્યંતિક જયમાં સંમતિ ન હોય, છતાં આ ગીતમાં કવિની નજરે તો પ્રેમ કરતાં મોટું સત્ય બીજું નથી એમ પ્રકટ થાય છે. ધર્મ, નીતિ એ સૌની ઉપર પ્રેમરૂપી સત્ય રહેલું છે એ સૂર સંભળાય છે. શ્યામાની નૈતિક નિર્બળતા તેની મર્મવેદનાનું કારણ બની, તો પ્રેમની નિર્બળતા વજ્રસેનની લજ્જાનું કારણ બનશે. વજ્રસેને પ્રેમનું બલિદાન આપીને પોતાના ધર્મનું રક્ષણ કર્યું છે, તેમ છતાં તે પોતાને પાપી માને છે; મર્મભેદક સજા કરવાનો નિર્ણય વજ્રસેને જ લીધો છે, પરિણામે એ દુર્લભ પ્રેમ સાર્થકતા તો ખોઈ બેઠો, અને નીતિ જળવાઈ શકી ખરી? અનેક પ્રશ્નો મુંઝવે તેવા છે. શું નિરપવાદપણે નીતિને પસંદગી આપી શકાય? કલાકારે નીતિથી પર ન થવું પડે? અંતમાં આમ મૂલ્યોનો સંઘર્ષ નિરૂપાયો છે, અને આ અસ્પષ્ટ પ્રકાશ જ કલારૂપથી શોભી ઊઠે છે. તેમ છતાં છેલ્લા ગીતમાં રવીન્દ્રનાથ સંકેત કરે છે કે આવું મોટું પાપ પણ વિધાતાની નજરમાં ક્ષમાને પાત્ર છે.

સંદર્ભગ્રંથનું નામ ?