નારીસંપદાઃ વિવેચન/વિક્ષિપ્તાઃ ગુજરાતી નવલકથાનું આરોહણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૬

‘'વિક્ષિપ્તા’ ગુજરાતી નવલકથાનું આરોહણ
પ્રજ્ઞા આ. પટેલ

આ વર્ષની જ નહિ પણ છેલ્લાં દસ વર્ષની યાદગાર અને ઉત્તમ કૃતિઓમાં માનભર્યું સ્થાન મેળવે તેવી....માનવજીવનના અકળ ઊંડાણોનો તાગ મેળવવાનો જે સમર્થ પ્રયત્ન છે તે ગુજરાતી નવલકથાને એક વેંત ઊંચે લઈ જાય છે..... એ અસાધારણ, અપૂર્વ નવલકથા... ‘વિક્ષિપ્તા' વિશેનો આ સૌ પ્રથમ પ્રતિભાવ (જન્મભૂમિ પ્રવાસી : તા. ૧૩-૬-૯૩) જોઈને તરત જ એ વાંચવાની તાલાવેલી લાગેલી. પ્રારંભમાં તો એનું વિશાળ કદ જોતાં ગભરામણ થઈ. પણ વાચકને સાદ્યંત જકડી રાખતી આ કૃતિ એટલી રસાવહ છે કે જેટલી વાર વાંચીએ તેટલી વાર ભીતરમાંથી વધુ ને વધુ રસ ફૂટતો જાય. એને પહેલી ઉપમા આપવી હોય તો ‘રસ-મહાસાગર' આપી શકાય. કથાઘટકોનો વિન્યાસ કે વસ્તુવિકાસ એવી રીતે થયો છે કે સંક્ષેપમાં કહેવા જઈએ તો તેના હાર્દને નુકસાન પહોંચાડી બેસીએ અથવા પરિચયને બદલે અપરિચય ઊભો કરી બેસીએ. તેથી એ લોભ છોડી. આ નવલકથામાં એવું શું શું છે ને કઈ રીતે છે - જેથી વાચકના રૂધિરાભિસરણમાં ફરતું થઈ જઈ એને અક્ષત રીતે ‘ઈન્વોલ્વ’ કરી દે છે તે પામવા અને પમાડવા પ્રયાસ કરીશ. સૌથી પહેલું તો એ કે આ નવલકથાનો અંશેઅંશ જાણે અનુભવાઈને પ્રગટ્યો હોય, આર્કિટેકચરને બદલે ઘટાટોપ વટવૃક્ષ ઊગી નીકળ્યું હોય તેવી નૈસર્ગિકતા, જીવંતતા, ઈન્દ્રિયગમ્યતા, સ્વાભાવિકતા, રમણીયતા ને સચ્ચાઈનો સ્પર્શ થાય છે. અનુભૂતિની સીમાઓ (Range ) એટલી વિસ્તૃત ને ગહન છે કે ઘણું બધું પામ્યાનો અહેસાસ થાય છે. ‘મદનોપાખ્યાન' એક સ્વતંત્ર વાર્તા જેવું પ્રકરણ (અને ખુદ લેખક, 'ઉપાખ્યાન' શબ્દપ્રયોગ દ્વારા એને ગૌણ કથાઘટક યા 'મહાભારત'ના ફોર્મેટના સ્વીકારનો આભાસ ઊભો કરી, એની અનિવાર્યના અંગે અનાગ્રહી હોવાનો ઢોંગ કરતા) હોવા છતાં, એ શોખ ખાતર વળગાડેલું લાગતું નથી. કારણ કે જો હૃષીકેશ ગુણવંતીને આટલી નિકટથી ન જોઈ હોત, એ ભારતીય સ્ત્રીના જાતીય આદર્શો પરત્વે નિભ્રાંતિ ન થયો હોત તો છેલ્લે વેદ સરસ્વતીને નકારી શક્યો હોત? એ તો ઊલટો પોતાને વેદનો અપરાધી સમજતો હતો. ને પહેલાંનો આઝાદીવિરોધી, આઝાદી માટે એટલો મુગ્ધ નહોતો. જેને કારણે એણે પ્રતિજ્ઞાને આગળ કરવી પડે. કંઈ નહિ તો છેવટે લગ્નની ઔપચારિકતાની મંજૂરી તો એ મેળવી જ શક્યો હોત, પોસ્ટ-માસ્તરની નિષ્ઠા હૃષીકેશમાં હોવાનું ઉપસાવવા માટે આવશ્યક હતો એમ લાગે છે. ‘મળેલા જીવ' અને 'માનવીની ભવાઈ’માં મંડાતી કથાનિરપેક્ષ વાર્તાઓ અત્રે યાદ કરવા જેવી છે. ‘શેષમાત્ર’માં જેમ દસ્તાવેજીકરણની દેખાતી વિગતો, ખરેખર તો નાયકની ગૂઢ અંતર્હિત વેદનાના મુખવટા છે તેમ અહીં પણ નાયકના દુર્વહ અજંપાને સૂચિત કરતી વિગત પ્રચુરતાઓ છે. ઐતિહાસિક તથ્યો ફંફોસવામાં એનું ખૂંપી જવું અપરાધજન્ય પીડામાંથી પલાયન શોકસંતપ્ત માનવીનો સંકેત કરે છે ને સાથે સાથે એક દુ:ખી દેશપ્રેમી-પ્રજાપ્રેમી વ્યક્તિ પણ ઉપસાવી આપે છે. ત્રીજા પ્રકરણમાંનું સંન્યસ્તવિધિનું વિગતવાર નિરૂપણ, વિધ્નો પાર કરીને આવેલી આતુર દીક્ષાર્થિનીના કોણથી જોઇએ તો એની અર્થપૂર્ણતા પ્રતીત થયા વગર રહેતી નથી. એ જ રીતે સ્વામીજી દ્વારા વેદ સરસ્વતી આગળ ચિત્ત-અવસ્થાઓના પારિભાષિક વિવરણની શુષ્કતા સાભિપ્રાય છે. કારણ કે ત્યાં શુષ્કતા જ અભિપ્રેત છે. ચરિત્રચિત્રણ આ કથાનું જ નહિ. ભાનુપ્રસાદની બધી જ નવલકથાઓનું ઊંડો અભ્યાસ માગી લેતું અંગ છે. પૃષ્ઠમર્યાદાની શિસ્તમાં રહી ટૂંકમાં જ કહું તો : વેદ સરસ્વતી, હ્યષીકેશ, સ્વામી ચિંદાનંદ, યદુનંદિની, શિવાનંદ, શ્યામ દુલારી, શ્રદ્ધાગિરિ, વૈદહીશરણ, બાલકૃષ્ણ, સરયૂ મા, નકલંક નાથ, આભા માસી, ઊજી જેવાં સર્જિત, ડૉ. હરિપ્રસાદ દેસાઈ, રામાનંદ તિવારી, રાજનારાયણ મિશ્ર, બાબા રાઘવદાસ, નંદાલાલ જોશી, નરહરિ રાવળ, ચિતુ પાંડે જેવાં ઐતિહાસિક, મીઠાખળી ફાટક સામે રહેતા કેશવલાલ શેઠ, વરસોડાવાળાં કાનપુરનિવાસી ડાહીબહેન ભાઈશંકર જેવાં વાસ્તવિક અનેક મુખ્ય-ગૌણ પાત્રો તો ખરાં, પણ અલપઝલપ આવી જતાં જેદેવ, શૈલજા, તળશી ભગત, ગોવો, ભલો કે માંડ બે-ત્રણ વાક્યો બોલી ગયેલી હાલુડી જેવાં ગૌણતમ પાત્રોય લોહી-માંસથી ધબકતાં જીવંત પાત્રો બની રહ્યાં છે. હજી સબ કૉન્શ્યસ સુધી પહોંચેલા મનોવિજ્ઞાને, સાતમા પાતાળ સુધી ઊંડે ઊતરતી આ ઐતિહાસિક સૃષ્ટિનો, એની તમામ સંકુલતાઓ સહિત અભ્યાસ કરવા જેવો છે. પોતાને ખાતર ભોગ આપી રહેલી, પ્રેમમાં ઝબકોળી દેતી ભાભી યદુનંદિની, નિષ્પાપ - સરળ - પ્રેમાળ - વિદ્વાન એવા ભાઈ વૈદેહીશરણ અને પોતે - એમ ત્રણ વ્યક્તિના સુસંસ્કૃત - મધુર-નિષ્કલેશ પરિવાર જીવનનો હૈમવતીએ ત્યાગ કેમ કર્યો ? શા માટે એણે સંન્યસ્ત ગ્રહણ કર્યું? કિશોર વયની મુગ્ધ સાહસવૃત્તિને કારણે ? શૈશવમાં, આખા હિન્દમાં આદરણીય ગણાતા વિદ્વાન પિતાને શંકરાચાર્યોના ચરણસ્પર્શ કરતાં જોયેલા... હાથી પર અંબાડીમાં મઠાધીશોની નગરયાત્રાઓ જોયેલી... એમાંથી જાગેલી ગુપ્ત મહત્ત્વાકાંક્ષાને કારણે? મોટા વિદ્યાર્થીઓ સાથે ચર્ચાઓમાં વ્યસ્ત એને ભાભીએ ટોકેલી ત્યારે જ ગાંઠ વાળી દીધી હશે એટલા માટે ? વૈધવ્યથી સભાન થતાં જીવનના વધુ અર્થપૂર્ણ વિકલ્પ તરીકે ? દાર્શનિક જ્ઞાનજનિત મોક્ષ માટેની લગનીને લીધે? એટલું ખરું કે આટલી વિદુષી, મેધાવી, મર્મજ્ઞ આ વેદ સરસ્વતી પોતાના જ હૈયાને ઓળખી શકી નહિ. પરિણામે એનામાં પ્રચ્છન્ન રૂપે જીવતી રહેલી હૈમવતી સામેની પીડાપૂર્ણ લડાઈનો લાંબો વિકટ સંઘર્ષ શરૂ થયો - જેમાં અંતે વેદ સરસ્વતીનો કરુણ પરાજય થયો. વારંવાર અવશપણે પ્રેમમાર્ગે ખેંચાઈ જતા એના મનને શ્રેય માર્ગે વાળનાર છે એનામાં રહેલું એક લોકોત્તર તત્ત્વ. અવધૂતાની કુટિયાના વર્ષાન્તે 'પક્કી દીક્ષા'ના નિર્ણયમાં કે માનવસહજ લાગણીના ઉપવનમાંથી કર્તવ્યની કઠોર સ્વમાનબોધ અને મનનના કોઈ ત્રીજા સ્તરમાં પડેલી મહત્ત્વકાંક્ષા તથા પ્રતિકાર કરવાની (ને જવલ્લે જ વૈર લેવાની) અદમ્ય વૃત્તિ સાથે આ લોકોત્તર તત્ત્વ ભળી જાય છે. બૂટ સહિત ઘરમાં પ્રવેશેલા અંગ્રેજને, ટ્રેનમાં હિંદુ ધર્મની હાંસી ઉડાવતા ગોરા પાદરીને, થપ્પડ મારતી માતંગીને, શ્યામ દુલારીને થર્ડ ડિગ્રી આપતી લાછી મૈયાને, પ્રતિ સ્પર્ધક શિવાનંદને, કાળઝાળ નકલંક નાથને મહાત કરી શકતી ક્ષમતામાં; શૈશવમાં, પિતાને ઘાયલ કરનાર હુલ્લડખોરો સામે સ્વપ્નમાં છૂરો ઉગામવામાં; લંપટ દિવ્યાનંદને શિક્ષા કરવા જવામાં; સ્ત્રીઓ પર અશ્લીલ અત્યાચાર ગુજારતી સરકાર સામે પિસ્તોલ પકડવામાં કે ખુદ પોતાના શરીરની Urge ને કચડી નાખવાના ઉપયોગ કરવામાં આ માટેય વૃત્તિઓએ ભાગ ભજવ્યો છે. આમ છતાં હ્રષીકેશ દ્વારા સધાતા શરીરસુખનો પ્રતિકાર એણે કેમ ન કર્યો? ચિદાનંદ સ્વામીએ એક વાર કહેલું: 'ગમે તેવા ઝંઝાવાતો વચ્ચે પણ 'ઈશ્વર છે' એવી પ્રતીતિ ટકી રહે એનું નામ ઈશ્વરને જાત આગળ પુરવાર કરવો....' પણ ભાગવત મંદિરમાં ઈશ્વરે ખંધી મજાક કરી હોવાનો અનુભવ; હુલ્લડખોરો વચ્ચે ઈશ્વરે જ ધકેલી હોવાની અવચેતનમાં જાગેલી લાગણીએ કદાચ એની આત્મશ્રદ્ધાનો પાયો હચમચાવી મૂક્યો હશે; એ અણચિંતવ્યા ભયાનક આતંકથી મન નબળું પડી ગયું હશે; ટેન્શનમાંથી એસ્કેપ શોધતું માનવમન શરીરસુખ અને બીજી એવી વૃત્તિઓનો આશરો ઝંખતું થઈ જાય છે એવી કોઈ વાસ્તવિકતાનો શિકાર એ પણ થઈ હશે; આમેય હુલ્લડખોરો વચ્ચે એની સલામતી તો જોખમાયેલી હતી જ તો... આવો કોઈ અવ્યકત વિચાર મનમાં જાગ્યો હશે; આવી આવી ધારણા સહજ જ વાચક માંડી બેસે. આ અગાઉ, હ્રષીકેશ પરત્વે એના સહૃદયના ગહન સ્તરમાં અવ્યકત એવો અનુરાગ તો નહિ જાગ્યો હોય? પોતાનાથી તદ્દન સામા છેડાનું વિરોધી વ્યક્તિત્વ ઘણી વાર આકર્ષણનું કારણ બને છે. હ્યષીકેશ એવો હતો. વળી એનાથી મહાત થાય તેવો નહોતો. એ સ્ત્રી જાતિથી ભડકી ગયો હોવાની વાત થતાં એના હોઠ પર સ્મિત આવી જાય છે. '…પણ તમારા જેવી વ્યકિતનો આધાર બને તેવું પાત્ર સામાન્ય સંજોગોમાં દુર્લભ ગણાય' એમ ગુરુજી એને કહેતા હતા ત્યારે એ હૃષીકેશ તરફ એક નજર કરી લે છે. આર્દ્ર બની ગયેલો આ પછી, નિસર્ગની રમણીયતાઓ એનું ધ્યાન ખેંચવા લાગે છે. પોતે (કે ઈશ્વર) પોતાની જાતને, ભાભીને, ભાઈને.... બધાંને અન્યાય કર્યો હોવાની લાગણી જન્મે છે. (પૃ. ૩૨૬ થી ૩૨૯) એને રૂપ-યૌવનથી તથા સ્ત્રી તરીકે શ્રીમતી સુતરિયા, ધીમે સ્વરે આશ્રમને કણ્વાશ્રમ ગણાવી એને 'શકુંતલા ' કવિ હસ, હરેન દેરાસરી ને લંપટ દિવ્યાનંદે એને અંદરથી જાણ્યે-જાણ્યે ઘણી બદલી નાખી છે. હૃષીકેશની ગુરુજી સાથેની બ્રહ્મચર્ય-અશક્યતા, કામની અપરિણર્યતા અંગેની ચર્ચાએ પણ આમાં ઉમેરો કર્યો હશે. પોસ્ટ માસ્તરની વહુનું નિર્વસન પણ જેની સમાનનિષ્ઠા ચલાવી ન શક્યું એ હૃષીકેશ વેદ સરસ્વતીના રક્ષકનો પાઠ ભૂલી શરીરસુખમાં કેમ લપસી પડ્યો ? વેદ સરસ્વતી માટે આગળ ગણાવાયેલાં કારણોમાંનાં ત્રણેક કારણો તો હૃષીકેશનેય લાગુ પડે છે. ઉપરાંત, સાધુજનને વિશેષ આદરણીય ન ગણાતી માનસિકતા વેદ સરસ્વતીને માત્ર એક સ્ત્રી તરીકે નિહાળતી દૃષ્ટિમાં પરિણામી હોય; વ્યાખ્યાનમાં પ્રથમ વાર ગયો ત્યારે પોતાના અનાવશ્યક વ્યંગને એના પ્રતિભાવ રૂપે અકળરૂપે અનુરાગ જાગ્યો હોય (જેને લીધે તો આઝાદી-વિરોધી, ગાંધીનીતિ વિરોધી હોવા છતાં એ કોંગ્રેસ હાઉસમાં ગયેલો, પ્રો.- ઈન્ડિપેન્ડેન્સ બનેલી!) : પોતના અક્ષત ચરિત્રશીલ નારીના આદર્શ તરીકે એને જોઈ હોય, એના સૌન્દર્યથી છૂપું આકર્ષણ જાગ્યું હોય (ભાગવત મંદિરમાં હાથમાં કટર આવતાં, ડ્રામેટિકલી ઈમોશનલ બની જઈ, 'હું વેદ સરસ્વતીનું જાનના જોખમે રક્ષણ કરીશ.’ એનો જ્ઞાપનજવર, વેદ સરસ્વતી પ્રત્યેના એના ગોપનીય અનુરાગની ચાડી ખાઈ બેસે તેવી એકસ્પ્રેશન્સ સામે ઢાલ ધરી દેતો કળાય છે.) એની અરૂઢ વિચારપ્રક્રિયાઓ એની અત્યંત ઊર્જસ્વી પ્રતિભાને કારણે તો છે જ, પણ કિશોર વધુના લગ્નની પરણેતર વંઠી ગયેલી એનો પ્રત્યાઘાત પણ હોઈ શકે. સીતાના સુવણ-મૃગ-વર્તનનું એ જે રસચોટ તર્કથી પૃથક્કરણ કરી આપે છે તેની પાછળ એ પ્રત્યાઘાત ડોકિયાં કરતો જણાય. ગુજરાતી કથાસાહિત્યનાં એસેટ રૂપ જે પાત્રો ‘વિક્ષિતા’માં છે તેમાં ચિદાનંદ સ્વામીનું નામ તરત હોઠે આવી જાય. મલિકજી (ગુરુ દયાળ મલિક?) પ્રો. દેસાઈ જેવા પ્રખર નાસ્તિકોનેય વશ કરી દે, પ્રતિભાશાળી વિદુષી વેદ સરસ્વતીનાય ગુરુ બને, હ્રષિકેશ જેવા અસાધારણ કોટિના વિદ્રોહી, બૌદ્ધિકનેય નમાવી શકે તેવા સ્વામીજીનાં વિચાર-વાણી એટલાં ગહન, માર્મિક, ઉચ્ચ સ્તરનાં છે, ને એમાં જીવનનાં ગહન સત્યો એવાં સહજ રીતે પ્રગટ થતાં રહે છે કે એમના વ્યક્તિત્વનું સામર્થ્ય તરત પ્રતીત થઈ જાય છે. આમ છતાં એ વ્યકિતત્વ પૂરેપૂરું સજીવ ને માનવીય છે. રિસાઈને જતા શિવાનંદ તરફ એમનો આક્રોશ (પૃ.૧૭૦) જાણે પોતાની જાત સામેલ છે ! વેદ સરસ્વતીની વચન સાંભળતાં ગળે ડૂમો બાઝી જવો (પૃ. ૧૭૨ ), વૈરાગ્ય છતાં દેવ પરત્વેનો પુત્રી રાગ (આંખોમાં આંસુ ભરાઇ જવાં - પૃ. ૫૧૬).... અને એ બહુ મોટા મનના છે. ગમે તેવા ઉદ્ધત કે હંફાવતા પૃચ્છક સાથે પણ ધૈર્યથી રજૂ થાય છે. પુનરાગમન વખતે વેદને 'ઍમ્બૅરેસ' કરે તેવો એક પણ પ્રશ્ન પૂછતા નથી. હા, આશ્રમવાસીઓની દુનિયાનો સામનો કરવાનો આવશે એ બતાવવા સૂક્ષ્મ વ્યવહારુ, બુદ્ધિ પણ છે. પુનરાગમિત વેદને એકલી ન રાખતાં એની સાથે કોઈક સાધ્વીને રાખવાની એમની યોજના આનું સૂચન કરે છે. સમાધિ દ્વારા વ્યક્તિગત મોક્ષસિદ્ધિ પાછળ વત્સલ હ્રદય પ્રગટ થાય છે. આ કથાની એક વિશેષતા એ છે કે એમાં કોઈ પાત્ર કે સમાજ 'વિલન' નથી. (પરિણામે ઘણી વાર સદ્દ અસદ્ વચ્ચે નથી પણ સદ્ સદ્ વચ્ચે સંઘર્ષ જામે છે !) દિવ્યાનંદ લંપટ જરૂર છે; પણ વિલન નથી. આથી લગભગ દરેક પાત્ર માટે કોઈ એકાદ પ્રસંગ પૂરતીય વાચકની લાગણી ખેંચાય છે. એના દુઃખે દુઃખી થાય છે. પ્રતિસ્પર્ધી જેવા શિવાનંદ માટે તો વારંવાર આપણો જીવ બળે છે ! અને યદુનંદિની? એ તો કારુણ્યમૂર્તિ જ છે ! એક બાજુ કલંકથી ભડકી ઊઠતાં ને બીજી બાજુ એ કલંકના તારણહાર તરીકેનો ભાગ ભજવવાની તક છીનવાઈ જતાં વેદ સરસ્વતી પર શાબ્દિક અત્યાચાર ગુજારતાં આભા માસી, કે (જો કૂવામાં પડીશ તો) ‘ધોકેણે નૂ ધોકેણે હાહ કાઢી નાંખે !' એવી ધમકી આપતી, છતાં લોકચર્ચાથી વેદને બચાવતી, બરછટ-કઠોર વાણી-વ્યવહાર છતાં વાત્સલ્યથી પરિપૂર્ણ, સચ્ચાઈવાળી ભલભલા દાર્શનિકોનેય શરમાવે તેવી કોઠાસૂઝમાંથી આવતાં પરમ સત્યો સાવ ગામઠી બોલીમાં સાહજિક રીતે ઉચ્ચારતી ઊજી જેવાં સંકુલ-જીવંત ચરિત્રચિત્રણોનું સામર્થ્ય ઊડીને આંખે વળગે એવું છે. વિગતે વાત કરવામાં સ્થળસંકોચ અવરોધે છે. (લેખકનો પાત્રનિરૂપણો-ચરિત્રચિત્રણો વિશે વાત કરવી હોય તો, ચારેય નવલકથા સંદર્ભે, એક રવતંત્ર પુસ્તક જ કરવું પડે.) ભાષા, સંવાદો, ઉપમાઓ, રસ, મૌલિક વિચાર-દ્રવ્ય, ચિંતન ઈત્યાદી માટે પણ અલગ લેખ જોઇએ. શ્રી ભાનુપ્રસાદની અન્ય નવલકથાઓની જેમ અહીં પણ વિવિધ ભાષા-છટાઓ- બોલીઓનો સ્વાદ મળે છે. : નાગરિક ગુજરાતી, હિંદી, અંગ્રેજી, બંગાળી, જાનપદી, ગુજરાતી, અવધિ, મારવાડી (આ ઉપરાંત મરાઠી, મલયાલમ્ પણ ખરી) ઈત્યાદી. એનો પાત્રોચિત વિનિયોગ એકાદ શબ્દમાંય પાત્રને સજીવ બનાવી મૂકે તેવો, સમયોચિત, કયારેક સામા પાત્રનુંય વ્યક્તિત્વ ઉપસાવી દે કે એની પાછળની પાત્રની મનોદશા યા કથા સૂચવી દે તેવો હોય છે. સામાન્ય રીતે હિંદીમાં ‘ક્યોં બોલતાં વેદ મૈયા’ જ્યારે બોલે છે ત્યારે એમાં સ્ત્રી ભાવ પ્રગટી જાય છે. બાલકૃષ્ણે જેદેવ માટે વાપરેલો શબ્દ 'બુઝારા!' (પૃ. ૩૪૫) બાલકૃષ્ણની મનોદશા ઉપરાંત જેદેવનું વ્યક્તિત્વ પણ ઉપસાવી આપે છે. મહાદેવને પ્રણામ કરતાં વેદ 'હે ઉમાનાથ’ (પૃ. ૫૬૩) સંબોધન કરે છે. 'ઉમાનાથ'માં એની દાંપત્યએષણા પ્રગટ થઈ જાય છે. આ સાથે દાર્શનિક-વૈચારિક ઊંચાઈઓ સિદ્ધ કરતું ભાષાસામર્થ્ય પણ છે. ઉપમાઓની (ઉત્પ્રેક્ષા આદિ અલંકારોની) વ્યંજકતા / સાર્થકતા પહેલા જ વાક્યથી પ્રતીત થઈ જાય છે. : 'માણસોનું અડાબીડ જંગલ ... વિશાળ સૂંડલામાં ઘનેડાં ખદબદતાં હોય’ તેવાં ઊભરાતાં માણસો (અંગ્રેજોની ગુલામ હિંદી પ્રજા માટે)... ‘પોતાની ટેરિટરીમાં ઘૂસી આવેલા નવા કૂતરાને કોર્નર કરીને’ ભસાભસ કરી મૂકતા સ્થાનિક કૂતરાઓની જેમ હૃષીકેશને ઘેરો ઘાલતા ગાંધીપ્રેમીઓ ( પૃ. ૨૧૬ )... અનુરાઘાને જોઈને હૃષીકેશનો હૃદયમાં ચઢેલી ‘અમાસની ભરતી’ (પૃ. ૪૯૩)... 'સાપબાજીની જેમ' ફરી પાછું પૂંછડે જતું રહેતું લોકજાગૃતિનું જટિલ કાર્ય (પૃ. ૪૯૭).... વીરસદ જવાના અવિચારી સાહસની નિષ્ફળતા પછી પાછા ફરતાં, ‘આકાશના મોં પર ખેંચાઈ રહેલી’ પાતળી ધારદાર ચંદ્રરેખા (પૃ. ૫૪૫)... ‘રેશમી મધ જેવો ભય’ (પૃ. ૫૫૭).... પ્રતીકો પણ કથામાં શક્તિશાળી બન્યાં છે. જેમ કે શિયાળામાં ઊંટનું તાપડવું અહીં ભાવિના ઓળા સંકેતાય છે. હૃષીકેશની ચિઠ્ઠીનું 'પ્રિય વેદ’ સંબોધન વાંચતાં ભરતી ચઢેલી આંખે વેદને દૂર અગાશીમાં કોઈક માણસ છાપરા પર વાસ નાખતો દેખાય છે. (મૃત્યુનું તર્પણ ) વિધિના ક્રૂર કટાક્ષો - વ્યંગ - ડ્રામેટિક આયર્ની, પતાકાસ્થાનો ઉપસાવતી અનેક સંજોગવશસ્થિતિઓ આ કથામાં સાહજિક રીતે આવી મળે છે. જેમ કે હૃષીકેશનું ગુપ્ત સરનામું બતાવતાં ભલાનું 'તમને સાધવીઓને બતાયામાં શો ભોં છે?' કહેવું; હષીકેશની ચિઠ્ઠીવાળો ડબ્બો ખોલતાં વેદને, 'શું હશે? મંગલસૂત્ર?' એમ થવું... ચર્ચાઓ, ચિંતન, ચિકિત્સા આદિ સામગ્રી ‘રસ પડે' તેવી લાગ્યા પછી સપાટીગત શંકાઓનું સ્થાન રહેતું નથી. શ્રદ્ધાને વળગવું જેટલું જરૂરી છે, તેટલું શ્રદ્ધાથી છૂટવું પણ જરૂરી છે. શ્રદ્ધાના અવલંબન અને અતિક્રમણની યોગ્ય ફ્રિકવન્સી દ્વારા શક્તિ પ્રવહમાન બને છે. -વી આર ધી વિકિટ્મ્સ ઑફ એ બાયોલોજિકલ એકિસડેન્ટ ? -ઈશ્વરનો સ્વીકાર કરવામાં સાહસ અને હિંમત જોઈએ છે! (નહિ કે ઈન્કાર કરવામાં!) -ફિયર ઈઝ એ નિગેટિવ ઍનર્જી. -પ્રકૃતિદત્ત સ્થિતિને અતિક્રમી જવી એ જ મનુષ્યની નિયતિ છે. -મિથ્યા કા કેવલ ચુના હુઆ પહેલુ સ્વીકારના ઔર દૂસરે પહલુ કા ઈન્કાર કરના - ઉસી કા નામ હૈ બન્ધન ! જેવાં અનેક વિચાર-પ્રેરક મૌક્તિકો ઉપરાંત હૃષીકેશનું ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે'નું અર્થઘટન, વેદ સરસ્વતીનાં વ્યાખ્યાનો, ઉત્તરો ને સ્વામીજીનાં લગભગ બધાં જ સંભાષણો ચિંતનસમૃદ્ધ છે. અધ્યાત્મ, સાધુજગત, ધર્મ, સમાજ, ઇતિહાસ, રાજકારણ, દેશની સમસ્યાઓ, મનુષ્યનાં દુઃખોનું મૂળ, ઈશ્વર, સૃષ્ટિ ઈત્યાદિ અનેક વિષયોને આશ્લેષતી; જીવનનાં રહસ્યો, મર્મો, સત્યોને આકારતી આ કથાની રેઈન્જ ઘણી બૃહદ્ છે. આટલી સશકત અને સત્ત્વશીલ કૃતિમાંથી પણ ક્ષતિઓ શોધવી જ હોય તો મળી આવે. મુદ્રણદોષો કદના પ્રમાણમાં ઓછા; પણ ક્યારેક અનર્થકારી બની જાય ('દિવ્યાનંદ'નું 'વિદ્યાનંદ’) તેવા છે. આભા માસીનું તળપદું ગુજરાતી કોઈને વાંધો ઉઠાવવા પ્રેરે ! ઊજી બ્રાહ્મણ હોવાથી. ‘એક સાધ્વી સાથે વાત કરું છું' એવી સભાનતા પ્રગટતાં ‘ચ્યાં' ને બદલે ક્યાં વાપરી બેસે એમ બને. પણ હરેન દેરાસરી ટાગોરને નોબેલ પ્રાઈઝ મળ્યાની સાલ ૧૯૩૬ આપે છે તે વિગતદોષ છે. (પછી કોણ જાણે, હરેનની વેદ સરસ્વતીની પરત્વેની મોહાંધિતાએ જન્માવેલી ક્ષુભિત મનોદશાનો સંકેત કરવા આ ભૂલ કરાવાઈ હોય!) 'ઝંપલાવવું' ને બદલે ' જંપલાવવું' મુદ્રણક્ષતિને બદલે જોડણી-વિભ્રમ જણાય છે...આ સિવાય ‘એન્ટી-પ્રાકૃત-વૃત્તિ ', 'કૃતકતા-ફેકટરી' જેવા વર્ણસંકર સમાસ ખૂબ કઠે તેવા છે. શ્રી ભાનુપ્રસાદની નવલકથાઓમાં માત્ર પાત્રોનાં જ નહિ, ગામોનાં, સ્થળોનાં, સંસ્થાઓનાં નામ પણ સાચુકલા લાગે તેવાં કલ્પ્યાં હોય છે. આ વાસ્તવદર્શિતા સાથે કથાસમયને વફાદાર રહેવાની લેખકની ચીવટ અભ્યાસવિષય બની શકે તેમ છે. અહીં ગાંધીયુગને જીવંત કરવાના તમામ કળાપ્રપંચોનો એમણે કસ કાઢ્યો છે. પ્રકરણોને ગાંધીયુગી લેખકોનું સ્મરણ કરાવે તેવાં શીર્ષકો (દા.ત. ‘જેમાં ગાદીવારસ કોણ થશે એનો અંદાજ આવે છે.'), વાચકોને સીધાં સંબોધનો, ઐતિહાસિક ઘટનાઓ, સ્થળો, પાત્રો, પ્રવૃત્તિઓ, વાતાવરણ (૧૯૪૨માં કઈ ફિલ્મનું પોસ્ટર નજરે પડે તેનો પણ લેખકે ચોક્કસ ખ્યાલ રાખ્યો છે!), તે સમયની માનસિકતા, ભાવનાઓનો સેટ-અપ, પ્રજાકીય એષણાઓ, લોકમાનસ, મૂલ્યો, ચરિત્રાત્મક લાક્ષણિકતાઓ સહિત ભાષા દ્વારા પણ કરાવાતો સમયબોધ અનન્ય છે. જોકે ગાંધીયુગમાં ‘સેટ’ થઈ હોવા છતાં, આ કથામાં મનુષ્ય, સમાજ, ધર્મ, પ્રજા, ઇતિહાસ ઈત્યાદિ વિષયક જે પૃથક્કરણો, નિદાનો સહજ રીતે નીપજી આવ્યાં છે તેને લીધે એ સાંપ્રતની કથા બની રહે છે - ભાવિની પણ ! પ્રકૃતિવર્ણનો સાચા અર્થમાં આસ્વાદ્ય છે. એ ચોંટાડેલાં નહિ, પણ અંગભૂત પ્રતીત થાય છે. તિથિ, વાર, નક્ષત્ર, ચંદ્ર, ઋતુ. વર્ષ, ખેતરનો પાક, પંખીઓ - બધું સમયની ચોકસાઇપૂર્વક આવે છે. ઉપરાંત એ સૂચક પણ હોય છે. ચૈતસિક સૃષ્ટિમંથનો, મનોવ્યાપારો, સ્વપ્નો, સાઇકોલોજીની ગુલામીમાંથી નહિ, અનુભૂતિમાંથી નીપજેલાં લાગે છે. લેખક ઘણું બધું પરિસ્થિતિઓ સહોપસ્થિત કરીને સૂચિત કરી દે છે. લેખકને વચ્ચે લાવ્યા વગર માનવમનનાં, નારીમનનાં કેટકેટલાં ઊંડાણો એમણે તાગ્યાં છે! દા.ત. ઊજીની મા વેદને ‘પૈણેલી’ જાણી એના બૂચા હાથ ને કોરા કપાળ વિશે પૂછે છે ત્યારે વેદ પોતાના બે હાથ સામે તાકી રહે છે... વેદની ચિઠ્ઠી વાંચતાં તુમુલ ખળભળાટ અનુભવતા હૃષીકેશ વિશે લેખક લખે છે : 'બહુ મોડું થઈ ગયું વૈદ!' આવું કંઇક એ બોલ્યો અથવા ન પણ બોલ્યો હોય...’.... હૃષીકેશની ચિઠ્ઠી કેમ ડબ્બામાં જ આવે છે? ત્યાં બૉમ્બ સામગ્રી હતી એ સૂચિત થઈ જાય છે. પાત્ર કે પાત્રના વર્તન વિશે લેખક અર્થઘટનમાં પડતા નથી યા ‘કમિટ' થતા નથી. આમ, ભાનુપ્રસાદની નવલકથાઓના વાચકે સંવેદન તથા વિચારપ્રક્રિયાઓ પરત્વે સ્વાયત્ત બનવું પડે છે. વેદ સરસ્વતી જેવી અસાધારણ વિભૂતિનું પતન દર્શાવતી આ કથા એક વજનદાર ટ્રેજેડી છે. ઓછેવત્તે અંશે હૃષીકેશ માટેય આ જ સ્થિતિ સર્જાય છે. સ્વામીજીએ વેદ સરસ્વતીમાં આકારેલી મૂર્તિનું ખંડન થતાં કે યદુનંદિનીનું પરિપૂર્ણ પ્રેમપાત્ર ઢોળાઈ જતાં કરુણનો તીવ્ર અનુભવ થાય છે. 'એક હતું અમદાવાદ'ની જેમ લેખક જાણે આપણા સૌની આગળ પ્રશ્ન મૂકે છે: “ઈશ્વર 'વિલન' તો નથી ને?” જેન્યુઈન હાસ્યરસ ભાનુપ્રસાદની નવલકથાઓનો બહુ આસ્વાદ્ય અંશ છે. બીભત્સ, રૌદ્ર, ભયાનક, શૃંગાર પણ એટલા જ આસ્વાદ્ય છે. પણ આ કથાનો મુખ્ય રસ તો છે બારેય મેઘ ખાંગા થયા હોય તેવો કરુણ. દુઃખ કોને છે ? જેને મૂલ્યોને અક્ષત જાળવવાં છે તેને ! વેદ અને હૃષીકેશ હાથવગા સુખના રસ્તા બંધ કરી આપત્તિ-પીડાજનક માર્ગ સ્વીકારી લે છે. વેદ જીવિત નહિ હોય તેવા અનુમાન પર આવતાં આમ તો અનુરાધા જેવી સ્પૃહણીય કન્યાને સ્વીકારવાનો માર્ગ મોકળો હતો. (અને નહિતરેય મોકળો જ હતો! વેદ એની સાથે લગ્ન તો બાજુએ રહ્યું, શત્રુભાવ રાખતી એણે છેલ્લે જોઈ હતી. ) છતાં એ અનુરાધાનો હાથ પાછો ઠેલે છે. પછી એને થાય છે : ‘મને સુખી કરવી કેટલી સહેલી છે ! બસ, એક જ અક્ષર 'હા!' જન્મદાત્રી મા જ નહિ, બહેન, મિત્ર, કન્યા, કન્યાપક્ષ ને પોતાની જાતનેય સુખી કરવાનો રસ્તો આ એક જ અક્ષરમાં હતો. પણ જેનો અપરાધ પોતે કર્યો હોવાનું માને છે તેને આત્મહત્યા તરફ ધકેલી, પોતાને સુખી થવાનો શો અધિકાર છે ? આ લાગણીમાં જાતને દંડ દેવા, પાપનું પ્રાયશ્ચિત્ત કરવા ને પોતાના દેશબાંધવો માટેના પ્રેમથી પ્રેરાઈને એ અજ્ઞાન, ગરીબ, કચડાયેલી પ્રજાની પીડાઓ માથે વહોરી લે છે. થકવી નાખતી કર્મઠતા પછીય હૃદયનું શલ્ય દૂર થતું નથી - બાબાઓનાં ઉપદેશસૂત્રોથી પણ નહિ ! ‘જેઓએ મારા સુખની ચિંતા કરી છે, તેઓના જ દુઃખનું કારણ હું થઈ પડ્યો છું. પણ હું શું કરું બાલુ ?’ સાંભળતાં, સુહૃદના મર્મસ્થાનમાં ઊંડે સુધી ખૂંપી ગયેલું શૂળ કળાયું નહિ હોવા છતાં બાલકૃષ્ણ પૂછે છે : 'તને આ શું થયું છે હ્રષી?' ત્યારે રૂંઘાતા અવાજે ઘીમું રડતા હૃષીકેશ સાથે વાચકનું હૃદય પણ રડવા લાગે છે. વેદ સરસ્વતી માટે સુખી રહેવું, પોતાનાં પદ ગૌરવ અકબંધ રાખવાં જરાય મુશ્કેલ નહોતાં. પેલી જાતીય દુર્ઘટનાની કોને ખબર પડવાની હતી ? એ આશ્રમ સુધી પહોંચીને પોતાના રૂમમાં ડોકિયું કરે છે. (બધું એમનું એમ જ હતું!) દ્વિધાને અંતે ત્યાંથી ભાગી છૂટે છે. ને પીડાઓના ક્ષારાબ્ધિમાં ફંગોળાઈ જાય છે. પુનઃસ્થાપન પછીય એ આત્મવંચનાને માર્ગે સુખી થવાની ગોઠવણ કરવાને બદલે સચ્ચાઇના કંટકભર્યા રસ્તે નીકળી પડે છે. અરે, સંન્યસ્ત જીવનની કપરી જળોજથામાં પડવાનીય એને કહ્યાં જરૂર હતી? ભાઈ-ભાભીના પ્રેમસાગરમાં (કદાચ વિદુષી અધ્યાપિકા તરીકે પણ) કાળ નિર્ગમન કરી શકી હોત. પણ નૈતિક સ્ખલનની એક પણ તક ઊભી ન થવા દેવા ખાતર એ કર્તવ્યની કઠોર કેડીએ ચાલી નીકળે છે. પોતાના વિના એક દિવસ પણ કાઢી નહિ શકે એવો વિશ્વાસ ધરાવતી ભાભી યદુનંદિની નણંદની અકલ્પ્ય આગમન પછી ભગવાને જ જાણે પોતાની વિરહવ્યથાનો ખયાલ કરી એને પાછી મોકલી હોવાનું, શેષ જીવન સાથે સાથે જીવવાનું, ભાવિ સુખ માણતી, 'અબ તો તૂ હમેં છોડકર કહીં નહીં જાયગી ના ?’ પૂછતી, 'ઓ મેરી લાડલી !' કહેતાં પોતાના ખોળામાં ખેંચી લેવા જતી યદુનંદિનીને ભાન થાય છે કે હૈમવતી તો સાચે જ યુવતી બની ગઈ છે ! (કેટલી વ્યંજકતા ભરી છે આ એક જ ચેષ્ટામાં !) પણ આ સુખદ ચિત્ર અલ્પજીવી નીવડે છે. લોકાપવાદભીરુ યદુનંદિની, નણંદના હિત ખાતર જ નણંદને ઘરથી દૂર ખસેડે છે. વેદ સરસ્વતીના ચાલ્યા ગયાની વાન સાંભળતાં જ પોતાને દોષીત સમજતી એ ‘નમણી વાત્સલ્યદેવી' ના હૃદય પર જે વીતે છે તે સમસંવેદક ભાવકને પણ પિગળાવી દે તેવું છે. અપક્વ વયે બાળવૈધત્યને ઈશ્વરેચ્છા ગણી, સમજપૂર્વક સ્વીકારી લેનારી વેદ, પુખ્ત વયે દિવ્યાનંદને શિક્ષા કરવાનું ઈશ્વર પર છોડી દેવા જેટલી સ્થિતપ્રજ્ઞ રહી શકતી નથી. એ પોતાના હાથમાં લઈ લે છે રાઇ જેવડી આ ચૂક ! ને ક્રૂર ઈશ્વર એની કેવી પહાડ જેવડી સજા કરે છે! દરભંગામાં એ સ્વામીજીને વેદનાથી વલોવાતા સ્વરે કહે છે : '... સમયને મેરી ઐસી દારુણ પરીક્ષા લી, જિસ મેં મેં ઉત્તીર્ણ ન હો સકી....’ છેલ્લે એકરાર સમેત, પોતાનો પ્રિય આશ્રમ અને પિતાતુલ્ય ગુરુજીને છોડવાનો નિર્ણય જણાવતો પત્ર સ્વામીજીને લખતાં લખતાં એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડે છે. અંતે અભિસારે નીકળેલી એ હ્રષીકેશને સ્વ-મેધ કરતો અટકાવવા; પોતે વાસ્તવિકતાને સ્વીકારી લીધી છે. એટલું જ નહિ, એ વાસ્તવિકતા પ્રણયમાં પરિવર્તિત થઈ છે. હવે પરસ્પર છેતરવાની ને છેતરાવાની રમત બંધ કરી, પ્રણયને પરિણયમાં ફેરવી, માનતતાના યજ્ઞમાં પોતાને સહધર્મચારિણી બનાવવાનું ઈજન આપતો હું હવે હું રહી નથી. પત્ર હૃષીકેશના હાથમાં મૂકે છે. પણ-- ‘મંગલસૂત્ર હશે' એવા સ્વપ્નમાં ખોવાયેલી એ ડબ્બો ખોલે છે તો હૃષીકેશની ચિઠ્ઠી મળે છે. શબ્દો મગજ સુધી પહોંચતા નથી ને જ્યારે પહોંચે છે ત્યારે એનો વજ્રપ્રહાર એને પાગલ કરી નાખે છે. પ્રત્યાખ્યાનના વૈરથી સળગતી એ, જેને બચાવવા નીકળી હતી તેના પર જ એવું વૈર લે છે (ને પોતે જેને ઝંખતી હતી તે આઝાદીના હેતુને એવું નુકસાન પહોંચાડી બેસે છે.) કે જે એણે કે કોઈએ કદી વિચાર્યું નહિ હોય! ને પછી મૂર્છા ખાઈ ઢળી પડે છે. કથાને અંતે પ્રશ્નાર્થ શી એ આશ્રમના પ્રવેશ દ્વારે ઊભી હોય છે. ‘મોગરાના ફૂલ જેવા મુખવાળી, ચંદન જેવી ત્વચાવાળી, એ શુભ્રવસ્ત્રાવૃતા, ચાંદનીમાં આરસની મૂર્તિ જેવી દેખાતી હતી.' લીમડા પરથી બલાકાનો અવાજ આવે છે. 'બાળ્ળ હખ’ (બળ્યું સુખ !); ને વીરસદની (પ્રિયતમના ગામની) દિશામાં એના પ્રેમ અને શ્રદ્ધાના વિનાશનું તર્પણ કરતો હોય તેવો, ભાદરવા સુદ પૂનમ ( શ્રાદ્ધ પક્ષનો પહેલો દિવસ )નો ચંદ્ર ઊગ્યો. હોય છે. અંદરથી દેવી-અપરાધ-ક્ષમાપન સ્તોત્રનું હૃદયસ્પર્શી ગાન વહી. આવતું હોય છે. પારિજાતનાં ફૂલ જેવી એની આંખોમાં ન સમાતી અશ્રુધારાઓ ચંદ્રના અજવાળામાં ભાગીરથીનાં નીર જેવી ચળકતી હોય છે. આટલે આવતાં આવતાં તો ભાવકનું હ્રદય વિદીર્ણ થઈ જાય છે. આવી બહુઆયામી અનન્ય નવલકથાને - ગણતરીઓમાં પડ્યા સિવાય, હાથવગા સમીકરણોમાં અટવાયા સિવાય, એનાં તમામ સામર્થ્યોને ઓળખવાનો પુરુષાર્થ કરી સહૃદયતાથી માણવા, વધાવવા સહુને નિમંત્રણ છે.

તાદર્થ્ય, જુલાઈ, ૧૯૯૫, પૃ.૩૫થી ૪૩