નીરખ ને/સર્જક અને પ્રતિબદ્ધતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

હું માનું છું કે માનવીએ એને પરવશ અને પંગુ બનાવતી બધી ભ્રમણાઓમાંથી મુક્ત થઈ જવું જોઈએ. આંતર વાસ્તવ અને બાહ્ય વાસ્તવથી એણે સંપ્રજ્ઞ બનવું જોઈએ જેથી એ એવું વિશ્વ રચી શકે જેમાં ભ્રાંતિઓની જરૂર ન રહે. જ્યારે ભ્રાંતિની સાંકળો તૂટે ત્યારે જ સ્વતંત્રતા અને મુક્તિ પ્રાપ્ત થાય. આજે સૌથી મહત્ત્વનો પ્રશ્ન યુદ્ધ અને શાંતિનો છે. એવી પૂરી સંભાવના છે કે માણસ આ ધરતી ઉપરનું તમામ જીવન ખતમ કરી નાખે. કમમાં કમ સંસ્કૃતિ અને મૂલ્યોનો તો હ્રાસ થાય અને જે કંઈ માનવજાતિ બચવા પામે એ ઉપર અસભ્ય સર્વસત્તાક રાજ્ય આરૂઢ થઈ જાય. આ ભયથી જાગ્રત થવું, માણસ કેવી ઊંડી ખાઈમાં ધકેલાઈ રહ્યો છે એ હકીકતને દાબી દેતી બે મોઢાંની વાતોની આરપાર જોવું એ એકમાત્ર કર્તવ્ય, નૈતિક અને બૌદ્ધિક તકાજો છે જેનો પૂર્ણપણે આદર થવો ઘટે. નહીં તો આપણા બધાનો વિનાશ છે. આપણો આણ્વિક સર્વનાશ થાય તો એટલા માટે નહીં કે આપણે માણસ બનવા માટે અશક્ત હતા કે આપણામાં મૂળથી જ શેતાનનો વાસ હતો. પણ એટલા માટે કે સર્વસંમત જડતાએ આપણને વાસ્તવને પહેચાનવા અને સત્યાધારિત કાર્ય કરતા રોક્યા.

એરિક ફ્રૉમ



સર્જક અને પ્રતિબદ્ધતા

પ્રતિબદ્ધતા સાહિત્યમાં કે જીવન તરફ જોવાના એક અભિગમરૂપે કોઈ ને કોઈ સ્વરૂપે અવારનવાર ચર્ચાતો પ્રશ્ન રહ્યો છે. શ્રી રાધેશ્યામ શર્માએ ‘નિરીક્ષક’, ૨૫-૨-૭૩ અને ૨૧-૯-૮૦ના અંકોમાં પ્રતિબદ્ધતાનો પ્રશ્ન લઈ ‘પ્રતિબદ્ધતા એટલે પરતંત્રતા’ અને ‘પ્રતિબદ્ધ સાહિત્ય વિશે’ એમ બે લેખો લખ્યા છે. પ્રતિબદ્ધતા વિશેનાં એમનાં મંતવ્યો સ્પષ્ટ છે : ‘મારી એવી પ્રતીતિ છે કે પ્રતિબદ્ધ સાહિત્ય રચના કરનાર માટે સર્જન દ્વારા આત્મવિકાસની તક સવિશેષ નથી... પ્રતિબદ્ધ – કમિટેડ નવલકથા – લેખક માટે આત્મવિકાસ તો ઠીક આત્માનુભવની ઝાંખીયે બહુ સંભવિત નથી. પ્રતીતિની તો લેખક વાત જ ક્યાં? જ્યાં પ્રયોજનપ્રધાનતા હોય – ભલે પછી સામાજિક યા સાહિત્યિક, દાર્શનિક યા રાજકીય હેતુ કે ઉદ્દેશ સંગાથે દૂર પણ છેડો ગાંઠેલો હોય ત્યાં નિરાલંબ સ્વાધીન સહજસ્ફૂર્ત કળાકુસુમ ખીલી શકતું નથી.’ એ વાત સાચી છે કે કોઈ પણ વાદ, વિચારસરણી કે સિદ્ધાંતની ચુસ્તતા વાસ્તવને એની પૂર્ણ સંકુલતામાં અને સમગ્રતામાં પામવામાં ઊણાં જ ઊતરે અને એ સરલીકરણો જેટલાં લોભાવનારાં હોય એટલાં સત્યને પામવામાં બાધારૂપ પણ બને. છતાં સર્જન કરવામાં આ અનિવાર્ય શરત ખરી? વિચાર થાય. મૂળ તો સારા સર્જનનો આધાર સર્જક-પ્રતિભા છે. કલ્પનાશીલતા વધે એ આપણને રસકીય વાસ્તવ સમક્ષ લાવી મૂકે. એટલે કે સાચો સર્જક સર્જન કરતી વેળા આપોઆપ પોતાની પ્રતિબદ્ધતાને ઓળંગી જાય. અમુક સારા સર્જકોમાં આ દ્વૈત અસંભવિત નથી કે સામાજિક સ્તરે એ પ્રતિબદ્ધ હોય છતાં સર્જન કરતી વેળા એની નિસ્બત માત્ર પોતાની કળા પ્રત્યે હોય. પ્રતિબદ્ધ સાહિત્ય એટલે શું? રાધેશ્યામ શર્મા સ્પષ્ટતા કરતાં લખે છે : ‘રીતિની, શૈલીની, વિચારની, વાદની, મઠની કંઠીની પૂર્વપરંપરા સંગાથે જે અનુલગ્ન છે, અનુસંધિત છે અને સોદ્દેશ સહેતુક લખે છે એવાં તમામ લખાણોને હું પ્રતિબદ્ધ સાહિત્ય કહીશ.’ એમની આ વ્યાખ્યા સાથે ઝઘડો નથી. બૃહદ્ પરિપ્રેક્ષ્યમાં આ વ્યાખ્યા સાચું ચિત્ર રજૂ કરે છે એમ કહેવું જોઈએ. પણ છતાં આ પ્રતિબદ્ધતાની અનેક છાયાઓ છે અને એ તરફ ધ્યાન દોરાવું જોઈએ એમ મને ખસૂસ લાગે છે, નહીં તો એનું પણ સરલીકરણ થઈ જાય. શ્રી ભોળાભાઈ પટેલ એમના ‘કલા ખાતર કલા’ ઉપરના લેખમાં લખે છે, ‘માર્ક્સવાદી અથવા પ્રગતિશીલ વિચારધારામાં સાહિત્યને કે કલામાત્રને પ્રચારના માધ્યમથી વિશેષ ગૌરવ મળતું નથી.’ માર્ક્સવાદી વિચારધારાથી પ્રભાવિત સર્વ સાહિત્યને કે એના ચિંતનને એક પ્રચારની કક્ષાએ મૂકી દેવું એ હકીકતથી વેગળું છે અને ઉચિત નથી. અહીં પ્રતિભાશાળી માર્ક્સવાદી ચિંતક લિયો ટ્રૉટેસ્કીનું એક વિધાન પ્રસ્તુત ઠરશે. ‘It is very true that one cannot always go by the principles of Marxism in deciding whether to reject or accept a work of art. A work of art should in the first place be judged by its own law, that is by the law of art. But Marxism alone can explain why and how a given tendency in art has originated in a given period of history; in other words who made a demand for such an artistic form and not another and why.’ ‘માર્ક્સવાદી ચિંતકોના સાહિત્યવિવેચનના પાયામાં માર્ક્સવાદી દર્શન રહ્યું છે એ વાત સાચી, પણ કલા અને સાહિત્ય તરફના આ ચિંતકોનાં વલણો એકસરખાં નથી, દૃષ્ટિભેદ છે એ નોંધવું રહ્યું. વળી પ્રચારલક્ષી નહીં એવી એક બીજી જાતની પણ પ્રતિબદ્ધતા છે. કોઈ દલિત, કોઈ નિગ્રો એની પરિસ્થિતિ – સામાજિક પરિવેશથી જ એટલો obsessed હોય કે ભાગ્યે જ એના સર્જનમાં એ પ્રતિધ્વનિત થયા વગર રહે. શુદ્ધ સાહિત્યના સંદર્ભમાં પણ એવું બન્યું છે કે એકાદ તદ્દન અંગત અન્યાયને કારણે નાટકકારમાં તત્કાળ પૂરતી આવેલી સામાજિક સજગતા નાટકમાં રૂપાંતરિત પામી હોય. રાધેશ્યામભાઈની સાથે એમ જરૂર કહી શકાય કે ‘વિદ્રોહ ઊંડી પ્રતીતિમાંથી ફૂટવાને બદલે કેવળ પ્રત્યાઘાતક વૃત્તિમાંથી જ સ્ફૂર્યો હોઈ એને તત્ત્વશુદ્ધ અભિગમ ભાગ્યે જ કહી શકાય.’ પણ તેથી શું, જો એ ઉત્તમ કળાકૃતિ બનતી હોય તો? – આ પ્રશ્ન રહે છે. આ બધા પ્રશ્નો ઘણા જટિલ છે અને સ્વસ્થતાથી અને પૂરી નિષ્ઠાથી એની ચર્ચા થાય એ જરૂરી છે. પ્રચારથી માંડીને અમૂર્ત પ્રયોજન સુધીની પ્રતિબદ્ધતાની અનેક છાયાઓ છે. અમુક વળગણોમાંથી કે મનોરુગ્ણતામાંથી પણ સત્યના ઝબકારા ન જ થાય એવું નથી. છતાં રાધેશ્યામભાઈની મનવૃત્તિ, સારી મથામણ વાસ્તવની (આંતરવાસ્તવ અને બાહ્ય વાસ્તવ) મુખોમુખ આવવાની છે અને વાદ, વિચારસરણી, સિદ્ધાંત, સીમિત અર્થમાં તર્ક, પરંપરા, પરંપરાવિરોધ અંતરાયરૂપ ન બને એ સાવધતા બંને લેખોમાં સુપેરે છતી થઈ છે એ સ્વીકારવું જોઈએ. અપ્રતિબદ્ધતાને પણ એ ઝુંબેશરૂપે સ્વીકારવાને તૈયાર નથી. પરંપરાનું જન્મની સાથે જડાઈને આવેલ જન્મનાળ જેટલું મૂલ્ય અને મહિમા એમને જરૂર છે, પણ આખો જન્મારો એ નાળને ગળે વીંટાળી ઘૂમવાથી નાગપાશ જ પુરવાર થાય એ એમની વાતની સચોટતા નકારી શકાય એમ નથી. એક લાલબત્તી ધરવાનું મન થાય છે. પ્રતિબદ્ધતાના વિરોધનો અર્થ એમ ન થાય કે માર્ક્સ-ગાંધીનું અધ્યયન પણ વર્જ્ય બની જાય. માર્ક્સવાદ આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ સામાજિક પ્રક્રિયાઓ સમજવા માટે માર્ક્સની સૂક્ષ્મ વૈજ્ઞાનિક દૃષ્ટિ આપણને અમુક રીતે ઉપકારક થઈ શકે. આપણે જેમ ફ્રોઇડને માનવીનાં મનનાં ઊંડાણને પામવા માટે વાંચીએ છીએ, છતાં એનું ચુસ્ત મનોવિશ્લેષણશાસ્ત્ર સ્વીકારવું જરૂરી નથી એમ માર્ક્સ કે ગાંધીનું અધ્યયન થઈ શકે. એરિક ફ્રૉમે યથાર્થ કહ્યું છે, “If a person in a given society is not able to see the social reality and instead fills his mind with fictions, his capacity to see the individual reality with regard to himself, his family, his friends, is also limited. He lives in a state of half-awakedness, ready to receive suggestions from all sides, and to believe that the fictions suggested to him are the truth."

[ઑગસ્ટ, ૧૯૮૦