નીરખ ને/પ્રતિબદ્ધ સાહિત્ય કોને કહેવાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

એ બેશક સાચું છે કે કળાની આવશ્યકતા આર્થિક પરિસ્થિતિમાંથી ઊભી નથી થતી. પણ એમ તો અન્નની આવશ્યકતા પણ અર્થશાસ્ત્ર નથી ઊભી કરતું. બલ્કે અન્ન અને ઉષ્માની આવશ્યકતા જ અર્થશાસ્ત્ર નિર્માણ કરે છે. એ બિલકુલ સાચું છે કે કોઈ એક કૃતિને કળાકૃતિ તરીકે સ્વીકારવી કે નહીં એનો નિર્ણય હમેશાં માર્ક્સવાદી સિદ્ધાંતોથી લઈ શકાય નહીં. સૌપ્રથમ તો કળાકૃતિને એના પોતીકા નિયમ વડે જ – કળાના નિયમ વડે જ – મૂલવવી જોઈએ. છતાંય કળાનું વલણ ઇતિહાસના અમુક તબક્કે શા માટે અને કેવી રીતે ઉદ્ભવ્યું, અર્થાત્ અમુક જ કળારૂપ અને બીજું નહીં, એ કોની માંગ હતી અને શા માટે એ કેવળ માર્ક્સવાદ જ સમજાવી શકે... કળા તરફનો અભિગમ રાજકારણ તરફના અભિગમ જેવો ન હોઈ શકે. એટલા માટે નહીં – હમણાં કોઈકે કટાક્ષમાં કહ્યું છે તેમ – કે કળાત્મક સર્જન કોઈ ધર્મવિધિ કે ગૂઢ રહસ્ય છે, પણ એટલા માટે કે એને પોતાના વિકાસના નિયમો છે. અને સૌથી વધુ તો એટલા માટે કે કળાત્મક સર્જનમાં અવચેતન-પ્રક્રિયાઓ – વધુ ધીમી, વધુ એદી અને વ્યવસ્થા કે માર્ગદર્શનને ઓછી વશ થનારી – ખૂબ મોટો ભાગ ભજવતી હોય છે. ઉદારમતવાદીઓ અને પોપ્યુલિસ્ટો વચ્ચે શુદ્ધ કલા અને પ્રતિબદ્ધ કલા વિશે ઝઘડા થયા. આ આપણને શોભતું નથી. Materialistic Dialectics આથી પર છે; વસ્તુલક્ષી ઐતિહાસિક પ્રક્રિયાના દૃષ્ટિકોણથી કલા હમેશાં સામાજિક અનુચર અને ઐતિહાસિક રીતે ઉપયોગિતાવાદી રહી છે. કલા ગૂઢ-રહસ્યમય મૂડ માટેનો જરૂરી લય શોધી લે છે; એ વિચાર અને લાગણીને નજીક લાવે છે અથવા બન્નેને વિરોધાવે છે; એ વ્યક્તિ અને કોમના આધ્યાત્મિક અનુભવને સમૃદ્ધ કરે છે; એ લાગણીને પરિશુદ્ધ કરે છે, વધારે લવચિક બનાવે છે, રિસ્પોન્સિવ બનાવે છે. એ સંચિત અનુભવની વ્યક્તિગત પદ્ધતિ મારફત નહીં, પણ વિચારોની ક્ષિતિજને અગાઉથી જ વિસ્તારે છે; એ વ્યક્તિ, સામાજિક જૂથ, વર્ગ અને રાષ્ટ્રને કેળવે છે. અને કલા આ કાર્ય તદ્દન સ્વતંત્ર રીતે કરે છે – પછી ભલે અમુક કલાપદાર્થે શુદ્ધ કે પ્રતિબદ્ધ કલાના નેજા હેઠળ દેખા દીધી હોય.

લિયો ટ્રૉટ્સ્કી



પ્રતિબદ્ધ સાહિત્ય કોને કહેવાય?

પ્રતિબદ્ધ સાહિત્ય કોને કહેવાય? ઠીક ઠીક ગૂંચવાડો છે આ બાબતમાં. હું માનું છું કે કોઈ વાદ કે વિચારસરણી કે કોઈક સામાજિક-ધાર્મિક કે પછી કોઈ પણ ઉદ્દેશનો સભાનતાપૂર્વક પ્રચાર કરવા માટે જ્યારે સર્જન કરવામાં આવે ત્યારે વિશાળ અર્થમાં એને પ્રતિબદ્ધ સાહિત્ય કહી શકાય. મીરાં કે નરસિંહના સર્જનને એ રીતે પ્રતિબદ્ધ ન કહી શકાય. ભક્તિના ઉદ્રેકમાં એ લોકોએ ગાયું અને એમની સર્જકપ્રતિભાને કારણે બહુધા એમનું સર્જન કાવ્યાત્મકતાની ટોચ ઉપર પહોંચ્યું. એમના સર્જન પાછળ પ્રતિબદ્ધતાની કોઈ સભાનતા નહોતી. મુંબઈમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સ્ટડીઝના ઉપક્રમે પ્રો. નગીનદાસ સંઘવી-યોજિત ‘કંઠીબદ્ધ સાહિત્ય અને લોકશાહી’ ઉપર પરિસંવાદ ગોઠવાયો હતો. કેટલીક વાર પરિસંવાદો કૃતક પ્રશ્ન ઊભો કરી ગૂંચવાડો ઊભો કરવા અને નર્યા બુદ્ધિવિલાસ માટે જ ગોઠવાતા હોય છે. પ્રો. સંઘવી કંઠીબદ્ધ સાહિત્યની વ્યાખ્યા આપતાં પહેલાં કંઠીબદ્ધ લોકો કોને કહેવાય એની વ્યાખ્યા આપે છે. એમનું કહેવું છે કે કોઈ માણસની માન્યતાઓને સમર્થન મળતું જ રહે એટલે એ માન્યતાઓનો નક્કર પિંડ બંધાય છે. આ મત ધીમે ધીમે શ્રદ્ધામાં ફેરવાઈ જાય છે અને સતત સાવધાન રહેવામાં સહેજ પણ ગફલત થાય તો શ્રદ્ધા જડ, આંધળીભીંત થતી જાય છે. આ શ્રદ્ધાથી માણસ કંઠીબદ્ધ છે. એ સિવાયનું બીજું કંઈ જોતો-સમજતો નથી. બુદ્ધિને આંધળી કરી મૂકે તે માન્યતા કંઠી છે. પ્રો. સંઘવીના મતે શબર જેવો તપસ્વી માત્ર શૂદ્ર હોવાને કારણે તેની હત્યાનું સમર્થન કરનાર વાલ્મીકિ કંઠીબદ્ધ છે; શૂદ્ર અને સ્ત્રી બંનેને ફાવે ત્યારે ઢીબી નાંખવા યોગ્ય છે તેવું શીખવનાર તુલસીદાસજી કંઠીબદ્ધ છે; મહાત્મા ગાંધી બ્રહ્મચર્ય અંગેની એમની કંઠીબદ્ધતાથી અંતેવાસીઓને ત્રાસરૂપ થઈ પડ્યા હતા. બ્રહ્મચર્ય વિરુદ્ધનો નિષ્ણાતોનો મત તેમણે કદી ગણતરીમાં લીધો નહોતો. (સંઘવીસાહેબ, ગાંધીજી નિષ્ણાતોની સલાહ માની ચાલ્યા હોત તો પ્રો. સંઘવી હોત, મહાત્મા ગાંધી ન બન્યા હોત.) યાદી લાંબી છે જેમાં નાઝીઓ, ચર્ચ, સાથીઓને હણી નાખનાર માર્ક્સવાદીઓ વગેરે આવી જાય છે. આવા માનસમાંથી પ્રગટેલું સાહિત્ય કંઠીબદ્ધ છે અને લોકશાહી માટે ઘાતક છે એમ પ્રો. સંઘવી બીનખચકાટ જણાવે છે. આમાંથી સૂર શો નીકળે છે? પ્રતિબદ્ધ સાહિત્ય એટલે જાણે પ્રત્યાઘાતી વલણ ધરાવતું સાહિત્ય! પણ પછી પ્રો. સંઘવીને પ્રશ્ન થાય છે કે આવી કંઠી સમાજસુધારણાની, નૈતિક ઉત્થાનની કે ખુદ લોકશાહી સંબંધની હોય તો શું થાય? એટલે પછી કહે છે, ‘તેનો જ જવાબ ખોળવો તે આ સમસ્યાનો છેલ્લો અને છાણનો કોઠો છે’ – આમ કહી તેઓ જવાબદારીમાંથી મોકળા થઈ જાય છે. કેવો તો મારીમચડીને આખો ઘટાટોપ ઊભો કર્યો છે! વાલ્મીકિ, તુલસીદાસ, મહાત્મા ગાંધી, નાઝીઓ, માર્ક્સવાદીઓ બધાને એક ચોકઠામાં બેસાડી તો દીધા, પણ પછી પ્રો. સંઘવીના મનમાં ગૂંચવાડો ઊભો થયો. સાદીસીધી વાત હતી એ સમસ્યા બની ગઈ. દલિત હોય કે નિગ્રો હોય કે સ્ત્રીઓ હોય કે બીજો શોષિત વર્ગ હોય કે કોઈ પ્રત્યાઘાતી કે સનાતની વ્યક્તિ હોય, એ જ્યારે પોતાના હેતુ માટે પ્રતિબદ્ધ બને છે ત્યારે દરેક માધ્યમનો પોતાની ધ્યેયસિદ્ધિ માટે ઉપયોગ કરવાનું પ્રલોભન ટાળી શકતો નથી. કલા અને સાહિત્યની એવી જબરદસ્ત પકડ માનવીનાં મન અને હૃદય ઉપર હોય છે કે એવું હાથવગું સાધન તો પ્રતિબદ્ધતાને લલચાવ્યા વગર રહે જ નહીં, પણ કલાનો મોટામાં મોટો ભય એ હોય છે કે કલા જો કલા રહેતી નથી તો એમાંથી મળતો અલૌકિક આનંદ ગેબ થઈ જાય છે, એનો જાદુ નષ્ટ થઈ જાય છે અને કલા દ્વારા તમે જે સિદ્ધ કરવા માંગો છો એ સિદ્ધ થતું નથી. ઉત્કૃષ્ટ સર્જનમાં પ્રગટતું કલાકીય સત્ય એક અનોખું વિશ્વ સર્જે છે. એટલે કોઈ પણ સારા સર્જકની સૌથી પહેલી વફાદારી એના સર્જન પ્રત્યે હોય. તો બીજી બાજુ શુદ્ધ સાહિત્યવાદીઓ હંમેશ કહેતા આવ્યા છે કે વિષય ગમે તે હોય, પણ કૃતિ કલાકૃતિ બની છે કે નહીં એ મહત્ત્વનું છે. છતાં વ્યવહારમાં ઘણી વાર વિષયથી સુગાતા હોય એવું લાગ્યું છે. કોઈ રાજકીય વિષય ધરાવતી કૃતિ માટે એમનો તત્કાળ પ્રતિભાવ તો ઉપેક્ષાવૃત્તિનો હોય એવું જોયું છે. તોલ્સ્તોય કે શૉ શુદ્ધ સાહિત્યના યુગમાં અવગણાયા છે કે થવું જોઈએ એટલું મૂલ્યાંકન નથી થયું એ સ્વીકારવું ઘટે. પ્રતિબદ્ધતાવાદીઓની બીજી એક આગ્રહી ભૂમિકા હોય છે. પોતે શોષિત-દલિત સ્ત્રી ઉપર સાહિત્ય રચે એ એમને પૂરતું નથી લાગતું. આધુનિકતાવાદીઓ સામે એમની ફરિયાદ એ છે કે એ લોકો કચડાયેલી – શોષિત પ્રજાને પોતાનો સર્જન-વિષય નથી બનાવતા. રાવજી પટેલ પાસે મૃત્યુ ઉપર નહીં, પણ શોષિત સમાજ ઉપર કાવ્યો લખવાની અપેક્ષા રાખવાની હોય તો એ કેવુંક કહેવાય? દરેક સર્જકનું નિજી અનુભવવિશ્વ હોય છે. ડૉ. અક્ષયકુમાર દેસાઈ પ્રશ્ન કરે છે (‘પરબ’, ફેબ્રુ.-માર્ચ, ૧૯૮૩) કે શોષિત સમુદાયની પરિસ્થિતિ, યાતનાઓ અને સંઘર્ષોનો સાહિત્ય-સર્જનમાં ગહરાઈથી પ્રતિભાવ નહીં પડે અને અમૂર્ત નૈરાશ્યનું માનસ અને મૂર્ત પ્રમાણમાં સગવડભરી જીવનશૈલી વચ્ચે જીવન જીવતા સાહિત્યસર્જકો સ્થાપિત હિતોનાં મૂલ્યોના સંરક્ષકો અને પ્રચારકો તરીકે વાસ્તવમાં ઊપસી તો નહીં આવે? જીવનશૈલીની વાત આપણે આ સંદર્ભમાં જવા દઈએ. કારણ કે ઘણાં કહેવાતા માર્ક્સવાદીઓ અને ગાંધીવાદીઓ ખાસ્સું ઉચ્ચ ધોરણીય જીવન જીવતા હોય છે, પણ આ વાત અહીં પ્રસ્તુત નથી. અહીં સર્જન-વિષયની બાબતમાં ટ્રૉટ્સ્કીને સંભારીએ : ‘It is not true that we regard only that art as new and revolutionary which speaks of the worker, and it is nonsense to say that we demand that the poets should describe inevitably a factory chimney, or the Uprising against capital !... No one is going to prescribe themes to a poet or intends to prescribe them! Please write about anything you can think of!’ ટૂંકમાં, જાદવપુર યુનિવર્સિટીના પ્રતિબદ્ધતા તરફી પ્રો. માનવેન્દ્ર બંદોપાધ્યાય સાથે બિલકુલ સમ્મત થવાય કે ‘સર્જકે પહેલાં પોતાના vision અને craftને વફાદાર રહેવાનું છે, પછી બીજું બધું આવે.

[ફેબ્રુ. ૧૯૮૩