બે હજાર ચોવીસ સમક્ષ/ઊઘડતી દિશા – સંજય ચૌધરી

From Ekatra Foundation
Jump to navigation Jump to search

ટૂંકી વાર્તા

‘ઊઘડતી દિશા’ : સંજય ચૌધરી

મહેન્દ્રસિંહ પરમાર

વાર્તાઓની ‘ઊઘડતી દિશા’

અમદાવાદ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ ઍન્ડ એપ્લાઈડ સાયન્સમાં એસોસિયેટ ડીન તરીકે કાર્યરત સંજય ચૌધરી ક્લાઉડ કમ્પ્યૂટરિંગ, બ્લોકચેઇન ટેક્‌નોલૉજી, બિગ ડેટા એનાલિટિક્સ જેવા સંશોધનવિષયોમાં અધિકૃત યાત્રા કરતાં-કરતાં વાર્તાલેખનની ઊઘડતી દિશા તરફ પણ પ્રયાણ કરે છે. સુરેશ જોષી સાહિત્ય ફોરમની લેખનશિબિરો તથા રમેશ. ર. દવે જેવા માર્ગદર્શકો અને ઘરનું સાહિત્યિક વાતાવરણ એમને આ દિશામાં લઈ જનારાં પ્રેરકબળો છે. પંદર વાર્તાઓના આ સંચયની પ્રસ્તાવના કિરીટ દૂધાતે લખી છે અને ‘સહેજ નોખો અવાજ’ કહીને એમણે આ વાર્તાઓના સ્થાયી કથાવસ્તુ તરીકે એના નાયક-કથકમાં દેખાતી અન્યો તરફની સંવેદનાયુક્ત જીવનદૃષ્ટિને અધોરેખિત કરી છે. વાર્તાકારે પોતે ભૂમિકારૂપે કળાસ્વરૂપોમાં માનવ અને પ્રકૃતિના સંઘર્ષોને કલાત્મક રીતે ગૂંથીને ભાવકના મન પર અસર ઊભી કરવાની કસોટીનો નિર્દેશ કર્યો છે. ‘ઊઘડતી દિશા’ વાર્તામાં પેલી સહાનુકંપાનું રૂપ, પતિ-પત્નીનું પોતપોતાની રીતે નોખું છે. એ.સી.ની ઠંડકમાં ઉનાળો કાઢતા નાયકને શાકભાજીની લારી ચલાવતાં ત્રણ બાળકો માટે અનુકંપા જાગે છે અને એમને મદદ કરવા તત્પર થાય એ પહેલા પેલાં બાળકો બીજે અજાણી જગ્યાએ ચાલ્યા ગયાં છે. એમને માટે ઊઘડેલી એ દિશા કેટલી સલામત હશે તે ચાર્લી ચેપ્લિનની ‘મૉડર્ન ટાઇમ્સ’ ફિલ્મના અંત જેવું ખુલ્લું રાખ્યું છે. ‘અબોલ’ના નાયક માટે પણ અનેક શારીરિક આપત્તિઓ વેઠ્યા પછી વાડીમાં પડ્યાંપડ્યાં મુક્ત ગગનની ઝંખના કરવાનું આવ્યું છે. એ વાર્તામાં નાયકની માતા અને ખેતીનું વાતાવરણ સારી રીતે વ્યક્ત થયાં છે. ‘ત્રીજો ભવ’નું કથાનક ચોંકાવનારું છે. દૈવસંજોગે બીજે પરણેલાં એક ગામનાં બે પ્રેમીઓનો પોતપોતાનો સંસાર છે, બાળકો છે અને એક દિવસ અચાનક વારંવાર પિયર આવી જતી ભીખી(અંબા)નું દુઃખ જાણીને બંને પ્રેમીઓ કુટુંબ-સંસારની પરવા કર્યા વગર ભાગીને કોઈની વાડીએ નામ બદલીને જીવે છે. ભીખીની દીકરીનો કે એના પતિનો શો વાંક? બળદેવ(દશરથ)ની વહુ કે એના દીકરાનો અને બાપાનો શો વાંક? વાર્તા પ્રેમતત્ત્વની સામે એક પ્રશ્નાર્થ છોડી જાય છે, એમના દોસ્તારના સવાલ દ્વારા : ‘બોલો તમીં હું મેળવ્યું?’ ફરી એ ઘરે કે ગામમાં જવાની ત્રેવડ નથી રહી એટલે ‘ત્રીજો ભવ’ ન કરવા ભીખી નાયકને સમજાવી શકી છે. ‘સરકતી ક્ષણો’માં પણ કૉલેજકાળનો પ્રણય લગ્નમાં નહીં પરિણમતાં પરદેશ જતી રહેલી નાયિકા(શિલ્પા)ને, પોતે જે પાર્ટીપ્લોટની દેખરેખ રાખે છે એમાં જ નવવધૂ તરીકે મંડપનાં પગથિયાં ઊતરતી જોતો નાયક(જયેશ) પછી જે નિષ્કર્ષ પર પહોંચે છે ત્યાં વાર્તાનું કામ હજી બાકી રહ્યું હોય એવું લાગે છે. ‘એક હાથે કાંઈ તાળી પડે?’ વાર્તામાં કૉર્પોરેટ સેક્ટરની વ્યાવસાયિક આંટીઘૂંટી અને માયા-વિકાસની અધૂરી પ્રેમકથા ગૂંથવાનો પ્રયાસ થયો છે. ‘ટ્રાન્સફર’માં એ દુનિયા સુરેશ અને નીલાનાં દામ્પત્ય સાથે વણાતી, વધુ અસરકારક રીતે આવી છે. બંને વાર્તાઓ મુખ્ય પાત્રનાં નિર્ણય-રૂપાંતર સાથે પૂરી થાય છે. ‘એક હાથે ..’ની માયા બદલી સાથે દિલ્હી જવા તૈયાર થઈ જાય છે તો ‘ટ્રાન્સફર’નો સુરેશ બદલીની સૂચના મળતાં રાજીનામું આપી દે છે. ‘ઓસરતી ઉષ્મા’ પ્રણયમાંથી રચાયેલાં દામ્પત્ય અને ગૃહભંગનાં તેમ પાત્રોનાં માનસ-મરમોને રજૂ કરતી વાર્તા છે. પ્રેમપદારથ ખરેખર છે શું – તે પ્રશ્ન લેખક વધુ એક વાર્તામાં ઉપસાવે છે. ‘ખેંચાણ’ વાર્તાને પણ આ ધારામાં સમાવી શકાય. રોજગાર-ધંધા, નોકરી અને ખેતી જાળવી રાખવા મથતાં પાત્રો-કુટુંબોની વાતો અને બહેતર ભવિષ્ય માટે અમેરિકા જેવા દેશોમાં કોઈ પણ રીતે ઘૂસી જવાની, સફળ-નિષ્ફળ રહેવાની કથાઓ અહીં ‘વેલ્યૂ’, ‘ડૉન્કી’ અને ‘બબૂ, તારી યાદ આવે છે, પણ...’ વાર્તાઓમાં આવી છે. ભાંગતા જતા ગ્રામજગતનાં અને નહીં-શહેર-નહીં-ગામનાં રહી જતાં માણસોની વાતો ‘નાળું’ વાર્તામાં સરસ રીતે ઝિલાઈ છે. આ વાર્તામાં કોઈ એક પાત્રનો ગામડેથી શહેરમાં કે શહેરમાંથી ગામડે થતો આવરો-જાવરો કથાનું ધારકબળ બને છે. ‘વેલ્યૂ’ જેવી વાર્તામાં દૂધડેરીના વ્યવસાયમાં આધુનિક ઉપકરણોના પગરણના નિર્દેશો છે. પરદેશગમન કરીને ઉપાર્જનના આંધળા લોભમાં હોમાઈ જતાં મનુષ્યો અહીં હાજર છે. ‘અંતર’માં પરદેશી ટૅક્સી ડ્રાઇવર સાથે આમ ઓછાબોલો નાયક વાતે વળગ્યો છે ને સહોપસ્થિતિમાં બંનેનાં મા-બાપ અને ઘર-વતનની વાર્તાઓ એકમેકને છેદતી ચાલે છે. આ પંદરે વાર્તાઓનાં ભાવવિશ્વ પર નજર કરીએ તો વતન, વ્યવસાય અને સંબંધોની ગૂંચોની ત્રણ ધરી ઓળખાવી શકાય. કથાનકોની દૃષ્ટિએ ‘ત્રીજો ભવ’, ‘વેલ્યૂ’, ‘ડૉન્કી’, ‘નાળું’, ‘ટ્રાન્સફર’ વાર્તાઓ સફળ રહી છે તો અભિવ્યક્તિના કથન, વર્ણન અને સંવાદનાં ઉપકરણો આ પાંચ ઉપરાંત ‘તેજલીસોટો’ અને ‘સરકતી ક્ષણો’માં સારી રીતે ખપમાં લેવાયાં છે. એક નાનકડી ગેરસમજને કારણે જયેશને છોડીને અમેરિકા જતી રહેલી શિલ્પા જયેશના ચિત્તમાં કેટલી રમમાણ છે તે આ ઉદાહરણથી જોઈએ, જયેશ પાર્ટીપ્લોટ સંભાળે છે અને એક લગ્નપ્રસંગ પાર પાડવાની જવાબદારીમાં છે, હવે આ : ‘પગથિયાં પર વરનો હાથ ઝાલીને નીચે ઊતરતી કન્યા સામું જોયું. એ જ પળે, નીચું જોઈને ધ્યાનથી ઊતરતી કન્યાએ મોં ઊંચું કર્યું અને તેની સામે જોયું. પાસે આવેલા ફોટોગ્રાફરે કૅમેરાનું બટન દબાવ્યું અને ફ્લેશથી થયેલું અજવાળું તેની આંખોમાં ઊંડું ઊતરી ગયું. સામે ઊભેલાં સહુ ધૂંધળાં દેખાવા લાગ્યાં. તેની નજર સ્પષ્ટ થઈ ત્યારે પોતાની બાજુમાંથી વર-કન્યાને પસાર થતાં જોઈ રહ્યો... અરે, આ તો શિલ્પા છે કે શું?’ (પૃ. ૨૯ ) પાત્રનાં મનોતાણ અને બીજા સમયમાં વાર્તા લઈ જવા માટે ખપમાં લેવાયેલાં વર્ણન-ઉપકરણ ‘ત્રીજો ભવ’ વાર્તામાંથી જોઈએ : ‘તેને ચલમ ફૂંકવાનું ગમતું – ખાસ કરીને ધૂમાડા કાઢવાનું. ચલમમાં તમાકુ ભરી, અંગૂઠાથી દબાવી, તાપણામાંથી સાંઠીકડું કાઢી, ચલમને પેટાવી ઊંડો કસ લીધો. ચલમની ઉપર તીખારા થયા અને ધૂમાડાના ગોટા નીકળ્યા. તેણે જોયું કે ધૂમાડા ઉપર જવાને બદલે સ્થિર થઈ ગયા છે, એટલે તેણે હાથથી ધૂમાડા દૂર કર્યા. કશુંય સૂઝતું ના હોય તેમ ચલમ ઓલવાઈ ના ગઈ ત્યાં સુધી ફૂંક્યા કરી.’ (પૃ. ૧૦) અને પછી... ‘ઓલવાઈ જવા આવી રહેલા તાપણામાંથી ધૂમાડાના ગોટે-ગોટા નીકળ્યા. તેણે સાંઠીઓ નાખી અને એક જ ફૂંકે મોટો ભડકો કર્યો. તાપણાના વધતા જતા અજવાસમાં તે સરી પડ્યો ગઈ કાલમાં.’ (પૃ. ૧૧) અભિવ્યક્તિની કળા ‘તેજલીસોટો’ વાર્તામાં બહેતર બની છે. પરિસર અને વાતાવરણમાં પાત્રોને ગૂંથતાં જઈ પરિણામ સુધી વાર્તા પહોંચી છે. પણ સાપના ડસવાથી બાળમિત્રના મરણની ઘટના ‘વાર્તા’ના અનુભવ સુધી પહોંચવામાં બાધા ઊભી કરે છે. ઘણી ખરી વાર્તાઓના એકમ-ખંડોનાં આયોજનમાં પણ સંકલનનો અભાવ જોવા મળે છે. ‘શોધ’ જેવી વાર્તા નિરર્થક પ્રસ્તારમાં સરી પડી છે. વાર્તા લખવાની સહુથી મોટી કસોટી મારી દૃષ્ટિએ સ્થળાંતર, કાળાંતર, ભાવાંતર અને રૂપાંતરની હોય છે. આ વાર્તાકાર જેટલા પરિસ્થિતિઓનાં નિરૂપણો કરવામાં સફળ થાય છે તેટલા પરિવર્તનો આલેખવામાં નથી થતા. ખાસ કરીને કાળપરિબળને પ્રવાહી રીતે ઓગાળવામાં એ થાપ ખાય છે. પંદરેક દિવસ પછી, ચારેક વર્ષ પછી, દાયકાઓ પછી... એમ કરીને એમને આ પરિબળ ઉકેલવું પડ્યું છે. ‘સમય ઢાળવાળી નીકમાં પાણી વહી જાય તેના કરતાંય વધુ ઝડપથી સરકી જતો’ – જેવા સરસ વાક્ય સાથે ‘અંતર’ વાર્તા બે સમયમાં ચાલતી હતી પણ પછી ‘રસ્તા ઉપરથી’ વિમાનમાં અને ‘વિમાનમાંથી’ રસ્તા ઉપર જવામાં વાર્તા ઠેબાં ખાવા લાગે અને ટૅક્સી ડ્રાઇવરના ‘ટેઇક કેર, મેન’ ઉદ્‌ગાર સાથે પૂરી થવી જોઈએ તેને બદલે વળી પાત્રનાં મન-ભીતર પર એક પેરેગ્રાફ વધારાનો લાગે. પણ સામે લેખકનાં સૂક્ષ્મ નિરીક્ષણો વાર્તાના સૂરને ઉપસાવવામાં કેવાં કાર્યક્ષમ બને છે તે જોવું હોય તો ‘ડૉન્કી’માંથી થોડાં ઉદાહરણો મૂકીએ : – ‘સુખદેવે ગેસના બાટલા સાથે જોડેલા મોટા સગડાને લાંબા લાઇટરની મદદથી ચાલુ કર્યો. અમરતને તાવડાનો કડો પકડવાનું કહ્યું અને બંનેએ તેને સગડા પર ગોઠવ્યો. જરાય હલતો નથી ને તે ચકાસી જોયું.’ – ‘પવન બદલાયો કે કેમ પણ થોડીક વાર પછી ક્યાંક લગ્નમંડપમાં વાગતા ડીજેના અવાજમાં સ્ત્રીઓનાં ગાણાંનો અવાજ દબાઈ ગયો.’ – ‘તપીતપીને ગરમ બની ગયેલા ઘીમાં ઓગળતા જતા ગોળમાંથી ઝીણા-ઝીણા પરપોટા સપાટી પર થોડી વાર તરીને શમી જતા હતા.’ (પૃ. ૧૦૪-૧૦૫) આ વાર્તાઓમાં જે સામાજિક નિસબત છે; પ્રેમઘેલાં અને પ્રેમાંધ, પ્રેમપંથનાં એકલ પ્રવાસી પાત્રો છે; એમાં જે વ્યાવસાયિક તણાવ છે; ગ્રામજીવન અને નગરજીવનની જે જુગલબંદી છે; પાત્રની મનોશારીરિક અવસ્થાને પુષ્ટ કરતી પ્રકૃતિ છે; મુખ્ય પાત્રોની મનોતાણ વખતે ખરે ટાણે પશ્ચાદ્‌ભૂમિમાંથી ઉપસ્થિત થઈ જતાં સહાયભૂત પાત્રો છે; ગ્રામબોલી અને ગ્રામસંસ્કારોનું રસપ્રદ નિરૂપણ છે – તે આ સંગ્રહની ઉપલબ્ધિ છે. આ વાર્તાઓમાં પાત્રોનાં નામોનું પુનરાવર્તન છે, એ જરાક ખટકે છે. દાખલા તરીકે માયા છે તો એ ‘ઊઘડતી દિશામાં’ય છે અને ‘એક હાથે કાંય તાળી પડે?’માંય છે. કનુ ‘સરકતી ક્ષણોમાં’ છે અને ‘તેજલીસોટોમાં’ પણ છે. એટલે એક અવઢવ ભાવકના મનમાં રહ્યા કરે. અગાઉ નોંધ્યું તેમ સ્થળોમાં વિહરતી વાર્તાને સમયમાં રમતી કરવા માટેની પ્રયુક્તિઓ ઘણીવાર ખટકો ઊભો કરે છે. પેલું સરસ સિનેમાનું એડિટિંગ હોય, એમાં જેમ એકમાંથી બીજામાં સરી જાવ ત્યારે જરાય ખટકો ન લાગે એવું હોય તો ખટકો અને ખોટકો ન આવે. એક સમયમાંથી બીજા જવા-આવવા માટેનું સંધાન હજી વધુ સ્વિફ્ટલી – વધુ સરળ અને તરલ થઈને આવતું હોત તો મજા પડત. ઊંડે ઊતરવા માટે જરૂરી હોય એનાથી વધુ પથરાટનો ભોગ ઘણી વાર્તાઓ બની છે. ‘શોધ’ અને ‘બબૂ, તારી યાદ આવે છે, પણ...’ નબળી વાર્તાઓ છે. કુટુંબજીવનના અંગત અનુભવોનું રૂપાંતરણ કથામાં થવું જોઈએ તે ‘બબૂ..’માં નથી થતું. ‘ડૉન્કી’, ‘નાળું’, ‘ત્રીજો ભવ’, ‘તેજલીસોટો’, ‘વેલ્યૂ’ અને ‘ઊઘડતી દિશા’ સંગ્રહની નોંધપાત્ર વાર્તાઓ લાગી છે.

[ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ]