બે હજાર ચોવીસ સમક્ષ/નરસિંહ ટેકરી – મયૂર ખાવડુ

From Ekatra Foundation
Jump to navigation Jump to search

નિબંધ

‘નરસિંહ ટેકરી’ : મયૂર ખાવડુ

ઇંદુ જોશી

વિશિષ્ટ લલિત નિબંધો

આ નિબંધસંગ્રહના એક નિબંધમાં લેખક જીવનની વાસ્તવિકતા બતાવતાં લખે છે –‘પૂર્વાર્ધમાં જવાનું મન છે પણ જઈ નથી શકાતું. વર્તમાનમાં ક્યાંક ફસાઈ ગયો છું. (‘રામાપીરના મંદિરની વાતો’ પૃ. ૪૯) લગભગ ૧૩૫ પૃષ્ઠોમાં લખાયેલું આ પુસ્તક લેખકે કુટુંબનાં સભ્યોને અર્પણ કર્યું છે. પુસ્તકનું આવરણ પણ નિબંધોની સામગ્રીને અનુરૂપ પ્રતીકાત્મક છે : ઘરની રવેશ પાસે નાનકડી ત્રણ પૈડાંવાળી સાઈકલ પર બેઠેલો બાળક ફોટો પાડનારની સામે તોફાન કરે છે. દૂરબીનથી કશુંક જોતો હોય તેવી મુદ્રામાં હાથ આંખ પાસે રાખી આપણી સામે જુએ છે. પ્રસ્તાવનામાં લેખકે લખ્યું છે કે, ‘શૈશવ અને યુવાવસ્થાનો આ અતીતરાગ છે.’ એ કથનને આવરણ કલાત્મક રીતે રજૂ કરે છે. લેખક વર્ષો પછી પોતાના અતીતને જાણે ભિન્ન પ્રકારે જોઈ રહ્યા છે! મયૂર ખાવડુ પત્રકાર છે. એક પત્રકાર સાહિત્યની ભાષા અને પત્રકારત્વની ભાષા વચ્ચે કઈ રીતે સંતુલન જાળવે છે તે જોવું આપણને વિશેષ રસપ્રદ નીવડે. પ્રસ્તાવનાનાં દસ પાનાંમાં લેખકે નિબંધો અંગેની ભૂમિકા આપી છે. પુસ્તક કરવા માટેનાં પ્રેરક બળોની તેમણે અહીં વાત કરી છે. નર્મદના નિબંધ અંગેના અવતરણ સાથે તેમણે પુસ્તકના શીર્ષક અંગેની પણ સ્પષ્ટતા કરી છે. લેખકે ૨૦૦૭થી, સોળ વર્ષની વયેથી લખવાનું શરૂ કર્યું. પ્રસિદ્ધ નિબંધોનાં શીર્ષકોનો ઉલ્લેખ કરી તેના લેખકોને ભાવપૂર્ણ અંજલિ આપી છે. આ નિબંધસંગ્રહમાં ૨૪ નિબંધો છે. લેખકે તેને પાંચ વિભાગમાં વહેંચ્યા છે – તાલાલા, જૂનાગઢ, ઉના, રાજકોટ અને અમદાવાદનાં સ્મરણો. આ નિબંધો ‘સામયિકોમાં, ‘મધુપર્ક’ નામના ઈ-સામાયિકમાં પણ પ્રકાશિત થયા છે. અમુક નિબંધો ફેસબુક પર પણ આવ્યા છે. પુસ્તકનો આરંભ જ્યાંથી થાય છે તે પ્રદેશ તાલાલામાં વસતા સમાજનું એક વાસ્તવિક ચિત્રણ અહીં મળે છે. સામાજિક, આર્થિક, ભૌગોલિક પરિસ્થિતિ સામે સંઘર્ષ કરતા છતાં ખુમારીપૂર્વક જીવતા લોકો આ નિબંધોમાં તમને જોવા મળશે. લેખકની વર્ણનશૈલી વિશિષ્ટ છે. લેખક સૂચક રીતે સામાજિક અસમાનતા દર્શાવતાં લખે છે – ‘સૂરજની એક વસ્તુ ગમે છે કે એ કોઈના શરીરથી અભડાતો નથી.’ (પૃ. ૪) શૈશવની વાત કરતાં જાણે કોઈ મિત્ર બાજુમાં બેસીને આપણી સાથે વાત કરતો હોય તે રીતનું અહીં આત્મીયતાભર્યું લેખન છે. નિબંધોમાં તળપદી ભાષાના લહેકા, શબ્દપ્રયોગો વાતાવરણને જીવંતતા આપે છે. ઘણીવાર બહુ ઓછા શબ્દોમાં સચોટ રીતે લેખક વાતને મૂકી આપે છે. નજર સમક્ષ દૃશ્ય ખડું થઈ જાય તેવા કેટલાક વાક્યપ્રયોગો જુઓ : – કૂતરાં ખાડાને કૂવો કરવા લાગેલાં. (પૃ. ૩) – ‘તોલા બાપાની ફાંદ જેવાં બે મસમોટાં માટલાં’ (પૃ. ૬) – પૂર વખતે હિરણ નદી ‘મોટા માણસની ચા’ જેવી લાગે. (પૃ. ૨૦) – રંજનબહેનની ત્રણ છોકરીઓ એટલે અવાજનો વંટોળિયો. (પૃ. ૪૭) – (ટ્રેનમાં ચડેલી સીદીબાઈના હાથને વર્ણવતાં) એની નસો મને સાપોલિયાં જેવી દેખાઈ. (પૃ. ૮૫) – ઉનાળામાં વાતા ઠંડા પવનની આડે તડકાની પોલાદી ઇમારતો ચણાવા લાગી. (પૃ. ૧૦૧) શૈશવના નિબંધોના વર્ણનોમાં દૃશ્યાત્મકતા ખૂબ સુંદર રીતે વિવિધ પ્રકારે આલેખાઈ છે. લેખક એવી રીતે જ્યારે વર્ણન કરે છે ત્યારે તે લાંબા સમય સુધી ભાવકના ચિત્તમાં રમ્યા કરે છે. નર્મમર્મ વાળી શૈલીમાં બધી વસ્તુઓને લેખક યાદ કરે છે અને તે જ સમયે વિરાગ પણ અનુભવે છે. માયા અને અલગાવના ભાવો જાણે એકસાથે આવે છે. અલગ જ જાતના પરિવેશની અનુભવકથા અહીં આપણે જોઈ શકીએ. ગ્રામજીવનનું વર્ણન કરતા નિબંધો આપણે ત્યાં ઘણા છે. પણ અહીંના પ્રદેશની વિશિષ્ટતા બતાવવામાં અને ભાવકના મનમાં તે અંગે રસ ઉત્પન્ન કરવામાં લેખક સફળ થયા છે. આ અનુભવકથા માણસની લાચારી, તકલીફોને વર્ણવે છે અને એ બધું હોવા છતાં પણ ખુમારીપૂર્વક જીવતાં માણસોની વાત પણ અહીં છે. દુઃખ અને પીડાની સામે ઝઝૂમતાં માણસોની વાત અનોખી રીતે ઊંડી આત્મીયતાથી નિરૂપાઈ છે. ક્યારેક વર્ણન કરતાંકરતાં લેખક જીવન અંગેની ફિલસૂફી પણ કહી દે છે. શાકીરના પાત્રાલેખનમાં શાળામાં ભણતાં છોકરાંને કરવી પડતી મજૂરી અને અભ્યાસ તરફ ધ્યાન ન અપાતાં તેમનેે શિક્ષકનો માર પડે છે એ ભાવકના મનમાં અનુકંપા જગાડે છે. તો બીજી તરફ તેની ખુમારીનું વર્ણન કરતા પ્રસંગો ભાવકના મનમાં અહોભાવ પણ જગાડે છે. મોટેભાગે દાદા-દાદી કે નાના-નાનીનાં સ્મરણો લેખક સ્નેહાંજલિરૂપે આલેખે છે. પણ અહીં ‘ડોહી’ નિબંધમાં લેખકે પોતાની દાદીના અવગુણો અને તેને કારણે સંબંધીઓ તરફથી તેમને મળતાં ધિક્કાર નિર્મમ તટસ્થતાથી બતાવ્યાં છે. આવું આપણને ભાગ્યે જ વાંચવા મળ્યું હોય. ‘ડોહી’ શીર્ષક તેનો પુરાવો છે. ‘માવઠું, ખાબોચિયાં અને રખડુનો કાગળ’ નિબંધ મહેન્દ્ર(પરમાર)સાહેબને પત્રસ્વરૂપે લખાયો છે! એમાં લેખકની ગદ્યશૈલી, ભાષા એક નવી જ ઊંચાઈને પામે છે, જુઓ – ‘સૂર્યનાં કિરણોનું વાઈપર લાગે અને તડકો અમારા ખાબોચિયાંમાં ભફ દેતાંનો કૂદકો મારે. અમારી ઇમારતના ચૌદમા માળના નજારાનું સાંનિધ્ય રૂબરૂ થઈ જાય. પાણીમાં હાથ નાખો તો ચૌદમા માળને અડકી શકો!’ લેખક તેમના અતીતનું વર્ણન કરે છે ત્યારે તેમાં વારેવારે વિષાદનો ભાવ પણ આવતો આપણે જોઈ શકીએ છીએ. એમ પણ કહી શકીએ કે સ્મરણોને આલેખવાના આનંદ કરતાં તેને ગુમાવવાનો વિષાદ અહીં વધારે ગાઢ બને છે. વાસ્તવિકતાની મુખોમુખ પાછા ફરતાં તે આ પ્રકારનું લખી બેસે છે – ‘અમદાવાદના યાંત્રિક ખટરાગ વચ્ચે છતના સફેદ ચંદરવાને તાકતા મ્લાન ચહેરે આ સ્મરણમાંથી દેવભૂમાની જેમ પસાર થાઉં છું. હું એ ઘરના મારા ગમતા ઓરડાના બારણે ઊભો છું. ધીમેધીમે રજની વ્યાપી ગઈ છે. બાપુજીની અગરબત્તીની સુવાસ મારી ઘ્રાણેન્દ્રિયમાં પ્રવેશે છે. એમનો અવાજ મારા કાને અથડાય છે, ‘હાલો મોટા, સભા બરખાસ્ત.’ અને હું વર્તમાનમાં આવી જાઉં છું. આસપાસ બસ, ધ્વનિ... ધ્વનિ... ધ્વનિ... (પૃ. ૪૩) ‘ઠેરી ને ગબ્બીખાડો’ નિબંધમાં રમતરમતમાં લેખકને માલ હાથ લાગે છે. મિત્રે લૂંટેલી બધી ઠેરી(લખોટી) જે ખાડામાં હતી એ ખાડો અનાયાસે લેખકને જડી જાય છે અને તેમાંથી ઘણી બધી લખોટીઓ તે લૂંટી લે છે. લેખક કહે છે કે, ‘અમારી પાસેથી કોઈ બીજું ચોરી ગયું અને અમે કોઈ બીજાની ચોરી લીધી. જીવતરનું પણ આવું જ છે. તમે કોઈને દબાવીને કે લૂંટીને ઝાઝા સુખી ન થઈ શકો. બધા હિસાબો અહીં જ પતી જાય છે.’ (પૃ. ૩૬) હળવી શૈલીએ લખાયેલો આ નિબંધ આપણને પણ આપણા શૈશવની યાદ અપાવે છે. ‘બાંશી નામની એક છોકરીની રૂપકથા’ નિબંધમાં મધુ રાયનાં વાર્તા, નાટકોના ઉલ્લેખોને લેખકે અન્ય નિબંધ કરતાં અલગ પ્રકારની શૈલીમાં આલેખવાનો પ્રયત્ન કર્યો છે. શિયાળાનું વિષાદ કાવ્ય, ઋષિમુખ, નિબંધોમાં અમુક વર્ણનો એકબીજાં સાથે એકરૂપ થતાં નથી એમ લાગે છે. જ્યાં લેખક અતિ સભાન બનીને આયાસપૂર્વક વ્યક્ત થવા ગયા છે ત્યાં તેઓ બહુ સફળ થયા નથી. બાંશી નામની એક છોકરીની રૂપકથા, નિદાઘકાળ, વરસાદને વરસાદનું શીર્ષક ન આપો, વૃક્ષનો ખાંધિયો જેવા નિબંધોમાં વર્ણવાયેલાં ચિત્રો આયાસપૂર્વક લખાયેલાં હોય એમ લાગે. શૈશવનાં સ્મરણોમાં જે રીતે લેખકની કલમ અટક્યા વિના સરસ રીતે ચાલે છે તેવું આ નિબંધોમાં થતું નથી. અમુક વખત ચમત્કૃતિ ઊભી કરવા માટે વપરાતા પ્રયોગો એટલા સ્પર્શતા નથી એ નોંધવું ઘટે. જેમ કે, ‘સુગંધ સાપની જેમ બેઠી થઈ ગઈ’ (પૃ. ૬), ‘આંખો સલામીનાં ભાંખોડિયાં ભરવા માંડી’ (પૃ. ૬) જેવા પ્રયોગો લેખક નિવારી શક્યા હોત. નિબંધોમાં ગુજરાતી સાહિત્યકારો અને તેમની કૃતિઓના ઉલ્લેખો આવે છે તે સ્વાભાવિક ગણાય. પણ ‘આ એ જ એ જ પથ’ નિબંધમાં કાલિદાસ અને રાધેશ્યામ શર્માના ઉલ્લેખ અછડતી રીતે થયા છે તે પ્રભાવ પાડી શકતા નથી. મુખપૃષ્ઠની બીજી તરફ છેલ્લે પૂંઠા પરનું લખાણ પુસ્તકના નિબંધો વિશે છે. પણ ત્યાં કે અન્ય કોઈ સ્થળે લેખકનું નામ નથી. આ ચૂક પણ નિવારી શકાઈ હોત. આ લલિત નિબંધોમાં વ્યક્તિચિત્રો અને ભ્રમણવૃત્ત મળે છે. જિવાતા જીવનની અનેકવિધ અનુભૂતિઓ અહીં વિષયસામગ્રી બનતી જોવા મળે છે. નિબંધમાં સર્જકના ‘હું’નું વિશિષ્ટ મહત્ત્વ હોવાથી આવા લલિત નિબંધો આત્મલક્ષી ઢબે સમૃદ્ધ બન્યા છે. પ્રકૃતિ અને પ્રવાસવિષયક સામગ્રી વધુ નિરૂપણક્ષમ બને તેવી શક્યતા અહીં જોવા મળે છે. ભાષા વિવિધ પરિમાણો સાથે પ્રગટ થઈ છે. ગદ્યને સંવેદનાત્મક સ્તરે ખિલવવાનું વલણ પણ લેખકમાં જોવા મળે છે. નર્મદથી માંડીને આજ સુધીના સર્જકોએ નિબંધના સ્વરૂપને અવનવા વળાંકો આપ્યા છે. લેખકને મુક્તવિહારની સગવડ કરી આપતું આ સ્વરૂપ જો લેખક સભાન ન રહે તો માત્ર સામાન્ય આત્મકથન પૂરતું સીમિત બની રહે છે. પણ આ પુસ્તકના લેખક મયૂર ખાવડુ તેમની સર્જનાત્મકતા અને સભાનતાને કારણે ઘણી જગ્યાએ આ ભયસ્થાન સફળતાપૂર્વક ઓળંગી ગયા છે તે નોંધવું રહ્યું. ‘નરસિંહ ટેકરી’ના નિબંધો ગુજરાતી નિબંધ સ્વરૂપને નોખી રીતે ઉપસાવવામાં સફળ રહ્યા છે.

[ઝેન ઓપસ, અમદાવાદ]