બે હજાર ચોવીસ સમક્ષ/શબ્દલોકમાં વિહાર – શ્રદ્ધા ત્રિવેદી

From Ekatra Foundation
Jump to navigation Jump to search

વિવેચન

‘શબ્દલોકમાં વિહાર : શ્રદ્ધા ત્રિવેદી

જાનકી શાહ

અભ્યાસકેન્દ્રી અને આસ્વાદલક્ષી વિવેચન

વિવિધ નિમિત્તોએ લખાયેલા લેખો અને વ્યાખ્યાનલેખોના આ પુસ્તકમાં કુલ ૨૪ વિવેચનલેખો ગ્રંથસ્થ છે. બાળસાહિત્ય એ આ વિવેચકનો પ્રિય વિષય રહ્યો હોઈ, અહીં પ્રથમ સાત લેખો બાળસાહિત્ય-વિષયક છે. એ પછી નવલકથા, કાવ્ય, વાર્તા, જીવનચરિત્ર અને વ્યક્તિ-વિષયક લેખો છે. ‘ઓગણીસમી સદીમાં ગુજરાતી બાળસાહિત્ય’ નામક પ્રથમ લેખમાં એક સદી દરમિયાન ગુજરાતી બાળસાહિત્યક્ષેત્રે થયેલાં સ્થિત્યંતરોનો એક ચિતાર આલેખાયો છે. ગુજરાતી બાળસાહિત્યે કેવી રીતે પા-પા પગલી માંડી તેનો આલેખ અભ્યાસીઓ માટે મહત્ત્વપૂર્ણ બની રહે છે. સાહિત્યનાં અન્ય તમામ સ્વરૂપોની જેમ બાળસાહિત્યનો આરંભ પણ પાશ્ચાત્ય સાહિત્યની અસર હેઠળ આકાર પામેલો છે. આમ, અનુવાદથી આરંભાયેલી ગુજરાતી બાળસાહિત્યની સફર આજે ‘બાળસાહિત્ય અકાદમી’ કે ‘ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી’ સુધી વિસ્તરી છે. આ પ્રકરણમાં હોપવાચનમાળાથી લઈને હિતોપદેશ, પંચતંત્ર, ઇસપની બોધકથાઓ, કોલંબસનો વૃત્તાંત, અરેબિયન નાઇટ્‌સ, સિંદબાદની સાહસિક સફરોએ કે ગુલિવર્સ ટ્રાવેલ્સે બાળઘડતરમાં કેવી નિર્ણાયક ભૂમિકા ભજવી છે તે સંક્ષેપમાં આલેખ્યું છે. ફ્રોબેલ-મોન્ટેસરીની વિચારણા હેઠળ ગુજરાતમાં પણ બાળકેળવણી અંગે જાગૃતિ વધતી જોવા મળી. બાળકના સર્વાંગી વિકાસ માટે તેઓ ખેલ, રમતજગત અને રચનાત્મક પ્રવૃત્તિઓ ઉપર પણ ભાર મૂકે છે. ‘ગુજરાતી બાળસાહિત્ય’ લેખમાં એક દાયકા (૨૦૦૧-૨૦૧૦)ની વિકાસરેખા આકારિત થઈ છે. બાળસાહિત્ય આગળ લાગતો ‘બાળ’ શબ્દ એ માત્ર વિશેષણ નથી. અહીં સુંદરમ્‌, રાજેન્દ્ર શાહ જેવાં ઘણાં નામો ઉલ્લેખિત છે જેમાંથી પસાર થતાં સાનંદાશ્ચર્ય થાય કે, સૉનેટો, કાવ્યો રચી જાણનાર કલમ બાળસાહિત્ય પણ રચી જાણે છે. ઘણાં બાળસાહિત્યકારોએ કાવ્યોને આપેલાં શીર્ષકો પણ બાળકોને કુતૂહલથી વાંચવા પ્રેરે તેવાં છે. જેમ કે, ‘પિકનિક પર્વ’ (પ્રજ્ઞા વશી), ‘જુઓ, દાદાજી દોડે છે!’ (બલદેવ પરમાર), ‘બીટ્ટુ વાર્તા કહે છે’ (લતા હિરાણી), ‘તાક્‌ધિનાધિન’ (ઉદયન ઠક્કર), ‘પપ્પા, એક વાર્તા કહો ને!’ (હેમંત કારિયા), ‘બિલ્લીબાઈની ઉત્તરાખંડ યાત્રા’ (જયંતી શાહ) વગેરે... બાળકોની દુનિયા માત્ર પશુ-પંખી, પરી-રાક્ષસ, જાદુ, ઈશ્વર કે રાજા-રાણીપૂરતી જ સીમિત નથી. બાળકોની દુનિયા પણ અસીમ છે જેમાં પાણીપૂરી, સીટી બસ, બાવો, ચાંદો, સૂરજ, તારા આવે અને બીજું શું-શું નહીં? મૂળશંકર ભટ્ટ નોંધે છે : ‘બાળસાહિત્યનું સર્જન એ સાહિત્યસર્જનની પ્રક્રિયાથી કોઈ ભિન્ન પ્રકારની પ્રક્રિયા નથી. પણ એ પ્રક્રિયામાં કેટલાંક વિશિષ્ટ તત્ત્વો ઉમેરાય છે.’ (પૃ.૧૩) આ સર્વ ચર્ચા કરતો આ લેખ અભ્યાસપૂર્ણ છે. ‘શ્રી ચંદ્રકાન્ત શેઠનું બાળસાહિત્ય : એક ઝલક’માં આપણા એક ઉત્તમ સર્જકના બાળસાહિત્યક્ષેત્રના પ્રદાનને આલેખ્યું છે. તેમની પાસેથી ‘ચાંદલિયાની ગાડી’, ‘હું તો ચાલું મારી જેમ!’, ‘ઘોડે ચડીને આવું છું’ નામક ત્રણ સંગ્રહમાંની એમની રચનાઓને આ વિવેચક બાળમાનસને પ્રસન્નકર બની રહે એવી ગણાવે છે. દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દપ્રયોગોને વિશિષ્ટ રીતે પ્રયોજીને કવિ ભાષાને પણ જાણે કે બાળકની જેમ જીવંત બનાવે છે – એ વાત એમણે ચંદ્રકાન્ત શેઠનાં આ ત્રણ સંગ્રહમાંનાં બાળકાવ્યોમાંથી ઘણાં રસપ્રદ ઉદાહરણો ટાંકીને બતાવ્યું છે. આ કાવ્યસંગ્રહો ઉપરાંત ‘ચંદુ ચાડિયો’ નામક કથાકાવ્ય પણ તેમની પાસેથી પ્રાપ્ત થાય છે, જે બાળકોને આનંદ સાથે બોધ આપનારું બની રહે છે. તો ‘કીડીબાઈએ નાત જમાડી’, ‘જેવા છીએ, રૂડા છીએ’ જેવા બાળવાર્તાસંગ્રહો પણ બાળકોને જીવંત મૂલ્યોનું શિક્ષણ આપનારા બની રહે છે. આ અભ્યાસલેખ આસ્વાદમૂલક બન્યો છે. ‘શ્રી હરીશ નાયક : ૯૪મા વર્ષે’ લેખમાં, પોતે બીજા ધોરણમાં હતાં ત્યારે ગિજુભાઈ બધેકાને વાર્તા કહેતાં સાંભળેલા અને પોતે પણ મોટા થઈને આમ વાર્તાઓ કહેશે એવો નિર્ણય કરેલો, એ બાબત નોંધીને તેમની સાહિત્યિક સફરને રજૂ કરવામાં આવી છે. ‘મહેક મળી ગઈ’ વાર્તાશ્રેણી અંતર્ગત તેમની પાસેથી ત્રણ પુસ્તિકા મળે છે, જે ઐતિહાસિક, પૌરાણિક, સામાજિક કથાનકોને આવરી લે છે. અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે, લેખકનાં મોટાભાગનાં કથાનકો સત્યઘટના ઉપર આધારિત છે. ‘હપ્તેહપ્તે મોત’, ‘હમ મન્કી એક ડાલ કે’, ‘દલા તરવાડી નંબર બે’ જેવી રચનાઓ ધ્યાનાકર્ષક બની રહે છે. વરિષ્ઠ બાળસાહિત્યકારનો સુપેરે પરિચય આ પ્રકરણમાં લેખિકાએ કરાવ્યો છે. ‘શ્રી રજની વ્યાસને શબ્દાંંજલિ’માં ચિત્રકાર અને બાળસાહિત્યકાર તરીકે નામના ધરાવનાર સર્જકને શ્રદ્ધાબહેન શબ્દો થકી અંજલિ આપે છે. અને તેમના કાર્યને બિરદાવે છે. ‘મિજબાની’ વાર્તા વાચકનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. ‘જગતની વિજ્ઞાન વિભૂતિઓ’ થકી બાળકોને રસાળ રીતે વિજ્ઞાનના સિદ્ધાંતો ચરિત્રો થકી સમજાવ્યા છે. ‘ગુજરાતી બાળવાર્તામાં લેખિકાઓનું પ્રદાન’ લેખના આરંભે કહેવાયું છે કે, એક મા બાળકને વાર્તા સંભળાવી પણ જાણે છે તો એ જ સ્ત્રી બાળવાર્તાઓ લખી પણ જાણે છે. એ પછી, હંસાબહેન મહેતા, પુષ્પા અંતાણી, બેપ્સી એન્જિનિયર, તારાબહેન મોડક, હેમલ ભટ્ટ અને ગિરિમા ઘારેખાને સમયાંતરે આ સ્વરૂપને સમૃદ્ધ કરવામાં કેવો નોંધનીય ફાળો આપ્યો છે એ બતાવીને, અન્ય કોઈ પણ સાહિત્યસ્વરૂપ કરતાં સ્ત્રી બાળસાહિત્યના સ્વરૂપમાં વધુ ખીલવાની નૈસર્ગિક શક્તિ ધરાવે છે, એ તારવ્યું છે. ‘ગુજરાતી બાળસાહિત્યમાં નવી કેડી’ પણ એક વિચારપ્રેરક લેખ બની રહે છે. વિવેચન કે મૂલ્યાંકન સંદર્ભે બાળસાહિત્યનું ક્ષેત્ર ઉપેક્ષિત રહ્યું છે, એવી વિવેચક લેખિકાની ફરિયાદ સાથે સંમત થવાય એમ છે. ‘કવીશ્વર દલપતરામ’ એ ન્હાનાલાલ દ્વારા સર્જક પિતાને અપાયેલી ભવ્ય અંજલિ છે. ત્રણ ભાગ (‘કાવ્યદીક્ષા’, ‘સંસ્કૃતિઓના સંગમ ઘાટે’, ‘સંધ્યાની મધુરપ’)માં વિભાજિત આ જીવનચરિત્રમાં દલપતરામની સર્વ જીવનરેખાઓ ન્હાનાલાલે સમાવી લીધી છે. દલપતરામે તેમની અંતિમ અવસ્થામાં પોતાના વિષે જે નોંધો કરાવેલી તેને પણ ન્હાનાલાલે આ ચરિત્રમાં આવરી લીધી છે. અહીં વિવેચકે દલપતરામના પૂર્વજોથી લઈને, દલપતરામની ફોર્બ્સ સાથેની મૈત્રી જેવી અગત્યની બાબતોની સરસ ચર્ચા વિગતે કરી છે. અને આ ગ્રંથને નિમિત્તે ૧૯મી સદીના ગુજરાતનું પણ દર્શન કરાવ્યું છે. એ યોગ્ય રીતે કહે છે કે ગુજરાતી ચરિત્રસાહિત્યમાં આ પુસ્તક મૂલ્યવાન છે. બકુલ, જૂઈ, પારિજાત એ કવિ પીયૂષ પંડ્યા ‘જ્યોતિ’ની આધ્યાત્મિક ભાવનાના પરિપાક રૂપે સંગૃહિત થયેલાં ૫૪૮ મૌક્તિકો વિશેનો લેખ છે. લેખિકાએ કવિના મનોજગતમાં આપણને સુપેરે ડોકિયું કરાવ્યું છે. ‘સંવેદનામય વિશિષ્ટ યાત્રા’ એ યોગેશ જોષી કૃત ‘અણધારી યાત્રા’ નવલકથાનો આસ્વાદ છે. જેમાં મધુસૂદન જયશંકર જાનીની યાત્રાની વાત છે. જોકે, અહીં ‘યાત્રા’ શબ્દ એ કોઈ ધાર્મિક સ્થળનો સૂચક નથી પરંતુ વતનના પ્રવાસની વાતને જ નિર્દેશે છે. ગાંધીમૂલ્યોમાં વિશ્વાસ ધરાવતી વ્યક્તિનો પુત્ર જ્યારે કાળી કમાણીને અનુચિત ન ગણે ત્યારે બે પેઢીનો જે સંઘર્ષ સર્જાય એ નવલકથાને ગતિ આપનારું પરિબળ બની રહે છે. અને બસ તેથી મધુસૂદન ઘર છોડીને ‘અણધારી યાત્રા’એ નીકળી પડે છે પણ પરિવારને જ્યારે પણ જરૂર પડે ત્યારે મદદ કરવા માટે હાજર થઈ જાય છે. આમ, વિચારધારાનો તફાવત હોવા છતાં નાયકમાં પલાયનવૃત્તિ નથી. એ વાત વિવેચકે સુપેરે બતાવી છે. આ ઉપરાંત, ‘હસ્તિનાપુરના ‘રાજરક્ષક’ ભીષ્મની મંથનકથા’ નામે લેખમાં ધ્રુવ ભટ્ટની નવલકથા ‘પ્રતિશ્રુતિ’ અંગે લેખિકાએ સરસ આલેખન કર્યું છે. ભીષ્મના દૃષ્ટિબિંદુથી મહાભારતની કથાનો ચિતાર એમાં છે. ‘સાચુકલી ટૂંકીવાર્તાઓનો સંગ્રહ : ધક્કો’ એ નાનાભાઈ જેબલિયાના વાર્તાસંગ્રહ વિશે સમીક્ષાત્મક લેખ છે. કહે છે કે વાર્તાકારનું વિષયવૈવિધ્ય જ આપણને ‘તોરણ’, ‘તકેદારી’, ‘શું ક્યો છો?’, ‘બાકીનો માણસ’ વગેરે વાર્તાઓ વાંચવા પ્રેરે તેવું છે. ‘વાસ્તવનિષ્ઠ વાર્તાકાર : દિલીપ રાણપુરા’ તેમના ‘ભાર’ વાર્તાસંગ્રહની સમીક્ષા છે. લેખકે કેટલીક વાર્તાઓનો આસ્વાદક પરિચય કરાવતી સમીક્ષા કરી છે. ‘વિચારનો રસથાળ’ એ માવજી સાવલાકૃત ‘વાચનવિશ્વઝરૂખે’ વિશેનો સમીક્ષાલેખ છે. જેમાં જીવનનાં વિવિધ ક્ષેત્રોની સફળ વ્યક્તિઓની પ્રસંગકથાઓ આલેખન પામી છે. ‘દીકરી એટલે રાજીપાનું તોરણ’ એ હિતેન આનંદપરા સંપાદિત ‘દીકરી’ પુસ્તકનું સરસ અવલોકન છે. પિતા-પુત્રીનો સંબંધ જ એવો હોય છે કે જેને દર્શાવવા બ્રહ્માંડ પણ ટૂંકું જણાય, મહાગ્રંથ પણ નાનો લાગે. અહીં દીકરીવિષયક લેખો-કવિતાઓ સંગ્રહિત છે. વિવેચકે એમાંથી દૃષ્ટાંતો લઈને વાત કરી છે એ રસપ્રદ છે. છેલ્લો લેખ પ્રફુલ્લ રાવલ સંપાદિત ‘નિરંજન ભગત’ વિશેનો છે. આ પુસ્તકમાં તેમની જીવનયાત્રાથી લઈને સાહિત્યિક યાત્રા આવરી લેવાઈ છે. વિવેચકનો નિષ્કર્ષ છે કે આધુનિક કવિને અપાયેલી શબ્દાંજલિરૂપ આ પુસ્તક અનન્ય છે. આમ, શ્રદ્ધા ત્રિવેદીનો આ વિવેચનસંગ્રહ બાળસાહિત્યનો ઊંડો અભ્યાસ આપતો તથા વિવિધ સ્વરૂપોનાં કેટલાંક પુસ્તકોનો આસ્વાદ અને પરિચય કરાવતો નોંધપાત્ર ગ્રંથ છે.

[શબ્દલોક પ્રકાશન, અમદાવાદ]