બે હજાર ચોવીસ સમક્ષ/પીડ પરાઈ – યજ્ઞેશ દવે

From Ekatra Foundation
Jump to navigation Jump to search

વિમર્શ

‘પીડ પરાઈ’ : યજ્ઞેશ દવે

ગૌરાંગ જાની

પરાઈ પીડ જાણવાની સંવેદના જગાડતો દસ્તાવેજ

આજથી પાંચ સદી પૂર્વે નરસિંહ મહેતાએ ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે’ ગાયું અને એક સદી પૂર્વે મહાત્મા ગાંધીએ આ ભજનને દોહરાવીને માનવતાના વૈશ્વિક માપદંડોનો પ્રસાર કર્યો. તેનો પડઘો ઝીલ્યો જુનિયર માર્ટિન લ્યુથરથી માંડી નેલ્સન મંડેલા સુધીના અનેક શાંતિચાહકોએ. ભક્તિયુગે પણ શબ્દેશબ્દે સમાનતા અને માનવતાનાં ગુણગાન ગાયાં તેમ છતાં ધર્મ, સંપ્રદાય, જાતિ અને જ્ઞાતિના નામે ભેદભાવ શમ્યા નથી, નથી અટક્યા નરસંહાર. જડ પરંપરાઓથી ભરેલી ઓગણીસમી સદી હોય કે આધુનિક વીસમી કે પછી અત્યાધુનિક એકવીસમી સદી, ધર્મ અને દેશના/રાષ્ટના ઝનૂનને નામે જાણે પરાઈ પીડ જાણવાની કે અનુભવવાની સહજ શકિત અને મતિ આપણે ગુમાવી બેઠાં છીએ. આ સ્થિતિમાં ઇતિહાસમાંથી બોધપાઠ લેવાનું ન ભૂલવું જોઈએ. આ માટે બહુ દૂરના ભૂતકાળમાં જવાની જરૂર નથી પણ દાયકાઓ પૂર્વેના પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધને સમજીશું તો ‘પીડ પરાઈ....’ની સંવેદના જાગી ઊઠશે. જાણીતા લેખક યજ્ઞેશ દવેએ યુદ્ધો દરમ્યાન લશ્કરે નહિ પણ સામાન્ય નાગરિકોએ જે સહન કર્યું તેનો દર્દનાક કરુણ ચિતાર આપતું આ પુસ્તક સર્જ્યું છે. પુસ્તકના પ્રત્યેક પૃષ્ઠમાં માનવી તરીકે આપણે કેવાં છીએ અને કેવાં બનવું જોઈએ એ વાસ્તવ અંકિત થયો છે. ૨૧૦ પૃષ્ઠોને છ વિભાગો અને ૫૧ પ્રકરણોમાં વહેંચીને લેખક યુદ્ધો અને ભેદભાવોએ સર્જેલી હિંસા, પીડા, દુઃખ, યાતનાઓનું વર્ણન કરી સત્તાભૂખ્યાં શાસકોનો રાક્ષસી ચહેરો ખડો કરી દે છે. એ સાથે એવા અનેક માનવીય ચહેરા નજરસમક્ષ ઊભા કરે છે કે એ જોઈને વિશ્વશાંતિનું સ્વપ્ન સાકાર થતું રહેશે એવી શ્રદ્ધા એ વાચકમાં જગાડે છે. પુસ્તકના જુદાજુદા વિભાગો જોવાથી ખ્યાલ આવશે કે યુદ્ધોના નરસંહારને અને લાખો લોકોની પીડાને કોઈ એક પુસ્તકમાં આ પૂર્વે ભાગ્યે જ સમાવિષ્ટ કરાયાં છે. (૧) બીજા વિશ્વયુદ્ધ પહેલાના નરસંહાર, (૨) બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન નરસંહાર, (૩) બીજા વિશ્વયુદ્ધનાં વરવાં અને ઊજળાં પાસાં દર્શાવતી ફિલ્મો, (૪) અન્ય યુદ્ધો, (૫) અમેરિકામાં ગુલામોની વ્યથાકથા, (૬) કથા એક શરણાર્થીની (શરણાર્થીઓની અવદશા) પુસ્તકની વિગતે વાત કરીએ એ પૂર્વે કેટલાંક પ્રકરણોનાં શીર્ષક જોઈ લઈએ જેના પરથી ખ્યાલ આવશે કે વીસમી સદીનું વિશ્વ નિર્દોષ લોકો પરના પાશવી દમનથી કેવું બિહામણું બન્યું. (૧) વીસમી સદીનો પહેલો નરસંહાર (૨) દશ વરસના છોકરાના એક ઝાટકે બે કટકા કરવાની સ્પર્ધા (૩) કાળજું કંપાવતી કથા (૪) સામૂહિક નરસંહારનું એક બિભત્સ પ્રકરણ : બાબિયાર (૫) એક હજાર દિવસનો પીટર્સબર્ગનો ઐતિહાસિક ઘેરો (૬) કંફર્ટ વુમન - જાપાનીઝ સૈનિકોને શૈયાસુખ આપતી સ્ત્રીઓની વેદના (૭) ક્રૂર શાસકનો કરુણ અંજામ (૮) બીજા વિશ્વયુદ્ધ પછી અઠ્યાવીસ વરસ જંગલમાં છુપાઈને રહ્યો એક સૈનિક (૯) અમેરિકામાં ગુલામીનો વ્યાપાર (૧૦) ટ્‌વેલ યર આ સ્લેવ : બાર વર્ષ ગુલામીનાં. પુસ્તકની માંડણી કરતાં લેખક પ્રસ્તાવનામાં લખે છે ‘માનવીમાં શિકારી-અવસ્થાથી પડેલી હિંસા આજે પણ આપણામાં પડેલી છે. માનવજાતિનો ઇતિહાસ માણસનાં જ લોહી અને આંસુઓથી ખરડાયેલો રહ્યો છે. આપણા માટે વિચિત્ર અને દુઃખદ વાત તો એ છે કે યુદ્ધમાં થયેલી હિંસા અને હત્યાને તો આપણે ગુનો કે અત્યાચાર ગણતાં જ નથી. એ યુદ્ધો સામ્રાજ્ય-વિસ્તાર માટે હોય, સીમા રક્ષવા માટે હોય, ધર્મના નામે ખેલાતાં ધર્મયુદ્ધો હોય કે કોઈ બીજા બહાને ખેલાતાં યુદ્ધોે હોય.’ વિદ્યાર્થી-અવસ્થામાં ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં થયેલા નરસંહાર વિશે ભણી અને પરીક્ષામાં તેના જવાબો લખવા સિવાય એ વિશેની વ્યાપક ચર્ચાઓમાં આપણો રસ ઓછો થઈ જાય છે કે સીમિત થઈ જાય છે. પણ એકવીસમી સદીની ઢળતી પ્રથમ પચ્ચીસીએ રશિયા-યુક્રેન યુદ્ધોએ વેરેલા વિનાશનાં દૃશ્યો જોઈએ ત્યારે ‘યુદ્ધ નહિ બુદ્ધ’ની પરમ્પરા સમજાય છે ખરી. પણ પછી શું? કોઈ બોધપાઠ? ‘પીડ પરાઈ’ પુસ્તક વાંચતાં અને તેમાં સમાવિષ્ટ ઇતિહાસને વર્તમાન સ્થિતિ સાથે સરખાવતાં એે સવાલો ઊઠે છે કે આધુનિક માનવીઓનું ભવિષ્ય શું યુદ્ધો સામેની લાચારીમાત્ર છે! પુસ્તકમાં સમાવિષ્ટ હિટલરશાસનની ક્રૂરતા વાંચતાં તો એમ જ લાગે કે માનવ-ઇતિહાસમાં પ્રત્યેક યુદ્ધે જનસામાન્ય લાચારીથી યાતનાઓ સહન કરતો આવ્યો છે. આ વાસ્તવિકતા વર્ણવતાં લેખકની કલમ કેમ ચાલી હશે એ તમેજ નક્કી કરો : ‘હિટલરના શાસન પછીથી તરત જ થોડા સમયમાં જ કૉન્સન્ટ્રેશન કેમ્પ આવી ચૂક્યા હતા. કહો કે બિલાડીના ટોપની જેમ ફાલ્યા હતા. નાઝી વિરોધી લોકોને ત્યાં કેદ કરવામાં આવતા. તેમને સખત મજૂરી કરવી પડતી ...આવા કેમ્પોની સફળતા અને લોકોમાં ફેલાતા તેના ભય-આતંકથી પ્રેરાઈને બીજા વિશ્વયુદ્ધમાં નાઝીઓએ જર્મની, પોલેન્ડ અને ઓસ્ટ્રિયામાં આવા કેમ્પોને વ્યવસ્થિત રીતે વિકસાવ્યા ...રશિયાથી ઢોરની જેમ ખીચોખીચ સ્ત્રીઓને પૂરીને લાવવામાં આવતી. રસ્તામાં કોઈ સ્ત્રીને બાળક જન્મે તો તેને બારીમાંથી જ જીવતું બહાર ફેંકી દેવામાં આવતું. પોલીસ સ્ત્રીઓને ફેકટરીઓમાં, ખેતરોમાં મજૂરીએ જોતરતી. બાળકોની સંભાળમાં આ અભાગી સ્ત્રીઓનો સમય ન બગડે માટે કહેવા પૂરતાં children home ખોલ્યાં. જબરદસ્તીથી તેમનાં સંતાનોને જુદાં પાડ્યાં. આવાં બાળગૃહોમાં સંભાળ જેવું કંઈ જ ન હતું. તેમાં દાખલ થતાં ૧૦૦ છોકરાંમાંથી ૮૪ તો મરી જતાં... બેભાન સ્ત્રીઓ ભાનમાં આવતાં જ તેમના પર જંગલી હિંસક કૂતરાઓ છોડાતા. એક લેડી અમલદારને એવો વિચિત્ર શોખ હતો કે કેદી સ્ત્રીઓને સૂવરાવી તેમના પર એ સાઇકલ ચલાવતી! એક એસ. એસ.નો ઑફિસર લોહીની ટશરો ન ફૂટે ત્યાં સુધી નગ્ન શરીર પર ચાબખા મારતો અને લોહી જોયા પછી જ તેનું ઝનૂન શાંત પડતું અને તૃપ્તિ થતી.’ ક્રૂરતાની ચરમ સીમા હિટલરના શાસનમાં સામાન્ય ગણાતી અને તેને પગલે સાઠ લાખ યહૂદીઓને મોતને ઘાટ ઉતારાયા. અનેક કરુણાંતિકાઓએ અમાનુષી આતંકનો અને અત્યાચારી માણસનો એક વરવો ચહેરો માનવ જાતના ઇતિહાસમાં પહેલીવાર હિટલર રૂપે વિશ્વે જોયો. પણ સાથેસાથે એવી અનેકાનેક ઘટનાઓ ઇતિહાસને ચોપડે નોંધાઈ જેનાથી માનવજાતનો કરુણાસભર ચહેરો પણ ઉજાગર થયો. પુસ્તકમાં લેખકે એક તરફ યાતનાઓનો દસ્તાવેજ આપણી સમક્ષ સર્જ્યો છે તો તેની સમાંતરે સર્વધર્મ-સમભાવના વૈશ્વિક મૂલ્યને વધાવતાં ઉદાહરણો પણ ખડાં કર્યાં છે. આવી એક માનવીય પરમ્પરા એટલે ‘બેસા’. તેના હેઠળ અનેક ખ્રિસ્તીઓ અને મુસ્લિમોએ વિધર્મી કહેવાતા યહૂદીઓને જાનના જોખમે આશરો આપી તેમનું રક્ષણ કર્યું. બેસા મુસ્લિમોની પરમ્પરા છે. ગ્રીસ અને યુગોસ્લાવિયા વચ્ચે આવેલા મુસ્લિમ બહુમતી ધરાવતા આલ્બેનિયા દેશમાં ‘બેસા’ એટલે વચનનું પાલન કરવું. પોતાના આશ્રયે જે કોઈ આવે તેનું રક્ષણ કરવું. ટકોરા મારી જે કોઈ બારણે આવે તેની જવાબદારી લેવી તે ‘બેસા’નું હાર્દ. કુરાનનું અર્થઘટન કરતા અલ્બેનિયનો એવું માને છે કે ‘અમારું ઘર પહેલાં અલ્લાહનું છે, બીજું અમારા અતિથિઓનું ને ત્રીજું અમારા કુટુંબનું.’ બીજા વિશ્વયુદ્ધ વખતે અલ્બેનિયનોએ પોતાના દેશના જ નહીં પણ પારકા દેશમાંથી આશરો લેવા આવેલા યહૂદીઓનું પણ રક્ષણ કર્યું. વિશ્વને સર્વાંગી રીતે બદલી નાખનાર ડાર્વિન, કાર્લમાકર્‌સ અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન યહૂદી હતા. એવી જ એક, માત્ર પંદર વર્ષે મૃત્યુ પામનાર એન ફ્રેંકની ખૂબ જ જાણીતી ડાયરી વિશેનું એક પ્રકરણ પુસ્તક વાંચનારને પ્રેરિત કરે છે. લેખક આ સંદર્ભે લખે છે, ‘જ્હોન કેનેડી, રશિયન કવિ ઇલ્યાઇહરેંનબર્ગ, વાસ્લા વહાવેલ ને નેલ્સન મંડેલા જેવી હસ્તીઓએ એ ડાયરીઓમાંથી પ્રેરણા લીધાનું ગર્વભેર જણાવ્યું ઇલ્યાઇહરેંનબર્ગે તો ત્યાં સુધી કહ્યું કે ‘આ સામાન્ય છોકરીનો અવાજ એ કોઈ સંત કે કવિનો અવાજ નહીં પણ સાઠ લાખ યહૂદીનો અવાજ છે ...આજે આમસ્તરડમનું ઘર - એન ફ્રેન્ક મ્યુઝિયમની લાખો લોકો મુલાકાત લે છે. ૨૦૧૧ની સાલમાં અગિયાર લાખ લોકોએ તે મ્યુઝિયમની મુલાકાત લઈ એન ફ્રેન્કને અંજલિ આપી હતી.’ યુદ્ધની યાતના વચ્ચે પરાઈ પીડ જાણવાની સંવેદના જગાવે એવાં અનેક પુસ્તકો અને ફિલ્મો તરફ આ પુસ્તક અંગુલિનિર્દેશ કરે છે. અશ્વેત લોકોને ગુલામ બનાવી તેઓનું આજીવન શોષણ કરતા અમેરિકામાં આજથી સવાસો વર્ષ પૂર્વે સોલોમન નોર્થોપ નામના અશ્વેત ગુલામની જિંદગીનાં બાર વર્ષો વિશે ‘ટ્‌વેલ યર્સ આ સ્લેવ’ નામના પુસ્તક પરથી એ જ નામે ફિલ્મ બની જેને ત્રણ ઓસ્કાર એવૉર્ડ મળ્યા હતા. આ ફિલ્મના હબસી દિગ્દર્શક સ્ટીવનમેક-ક્વીનને શ્રેષ્ઠ દિગ્દર્શનનો બીજો ઓસ્કાર એવૉર્ડ પણ મળ્યો હતો. ફિલ્મો દ્વારા યુદ્ધની ભયાનકતાનું વર્ણન કરવાની પરમ્પરાને સમાંતર માનવસેવાના ટમટમતા દીવડા પ્રગટાવવાની હિંમત કરતા શૂરવીરોના કવનને દર્શાવતી ફિલ્મોમાં ‘હોટલ રવાંડા’ શિરમોર છે. તેની વિગતે વાત કરવા લેખકે ૩૯મું પ્રકરણ ફાળવ્યું છે. જાતિ-દ્વેષ કેવો નરસંહાર કરાવે છે તેનું ઉદાહરણ આફ્રિકાનું રવાંડા આંતરયુદ્ધ છે જેમાં માત્ર ત્રણ મહિનામાં દસ લાખ માણસોનો ક્રૂર ભોગ લેવાયો હતો. આ સંદર્ભે યજ્ઞેશ દવે પુસ્તકમાં લખે છે, ‘૧૯૩૯-૪૫ના વિશ્વયુદ્ધ દરમ્યાન થયેલા યહૂદી નરસંહારની જગતે જેટલી નોંધ લીધી, તે અંગે ઊહાપોહ થયો તેટલો ઊહાપોહ આ નરસંહારનો ન થયો – ઇલેક્ટ્રિક માધ્યમોના આગમન છતાં. આફ્રિકાને લૂંટીલૂંટીને ઉચાળા ભરી ગયેલા બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, બેલ્જિયમ, નેધરલૅન્ડ જેવા દેશોને હવે ચુસાઈ ગયેલા ગોટલા જેવા આફ્રિકામાં રસ ન હતો કે ન હતો અમેરિકાને. આવા નૃસંશ હત્યાકાંડ વચ્ચે બધી પ્રતિકૂળતાઓ વચ્ચે કોઈક તો એવું નીકળે જે રવીન્દ્રનાથના પેલા માટીના દીવાની જેમ આસપાસનું અંધારું ફેડે છે, અને ‘શિન્ડલર્સ લીસ્ટ’ ફિલ્મના જર્મન કારખાનેદારની જેમ હજારો લોકોને બચાવે છે. આ માણસ છે પોલ રૂસેદાબગીના - એક હોટેલનો મૅનેજર કે જેણે ચોતરફની હિંસા આતંક દહેશત વચ્ચે પણ બારસો લોકોને જીવના જોખમે બચાવ્યાં, અને આ સંઘર્ષગાથાને ઉજાગર કરતી ફિલ્મ છે ‘હોટેલ રવાંડા’. યુદ્ધની વિભિષીકાનું માત્ર વર્ણન આ પુસ્તકમાં નથી પણ સાથે એક સર્જક જ્યારે ઇતિહાસકાર બને ત્યારે કેવું સર્જન થાય તેનું સાહિત્યિક પ્રતીક છે, અર્થાત્‌ ‘પીડ પરાઈ.’

[ઝેન ઓપસ, અમદાવાદ]