ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/રાજા દાશાર્હ અને તેની રાણી કલાવતીની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજા દાશાર્હ અને તેની રાણી કલાવતીની કથા

મથુરા નગરીમાં દાશાર્હ નામના વિખ્યાત રાજા, શૂરવીર, કાંતિમાન અને મહાબળવાન હતા. અનેક શાસ્ત્રો તેમણે આત્મસાત્ કર્યાં હતાં. તે ઉદાર, રૂપવાન હતા. કાશીરાજની પુત્રી કલાવતી સાથે તેમનું લગ્ન થયું હતું. લગ્ન કર્યા પછી તેમણે પલંગ પર બેઠેલી પત્નીને પોતાની પાસે બોલાવી પણ કલાવતી તેમની પાસે ન ગઈ. એટલે રાજા બળજબરીથી તેને પોતાની શય્યા પર લાવવા ઊભા થયા.

આ જોઈને રાણીએ કહ્યું, ‘મહારાજ, હું કારણનું જ્ઞાન ધરાવું છું, હું વ્રતનિષ્ઠ છું. મારો સ્પર્શ ન કરતા. તમે તો ધર્મ-અધર્મ જાણો છો. મારા પર બળાત્કાર ન કરો. પતિપત્નીમાં સ્નેહપૂર્વક જે મિલન થાય તે એકબીજાની પ્રસન્નતા વધારે. બળાત્કાર કરવાથી પુરુષોને કયો આનંદ મળે છે, કયું સુખ મળે છે? જે સ્ત્રી પ્રેમ કરતી ન હોય, રોગિણી હોય, સગર્ભા હોય, વ્રતનિષ્ઠ હોય, રજસ્વલા હોય કે રતિની કોઈ આતુરતા ન હોય તેવી સ્ત્રી સાથે પુરુષે બળાત્કારે સંબંધ બાંધવો ન જોઈએ.’

રાણીની આવી વાત સાંભળીને પણ રાજા ન માન્યો. રાણીનું શરીર તપાવેલા લોખંડ જેવું લાગ્યું. તેનો સ્પર્શ કરતાંવેંત રાજાનું શરીર બહુ દાઝવા લાગ્યું. રાજાએ ભયભીત થઈને રાણીનું શરીર મૂકી દીધું.

રાજા બોલ્યો, ‘પ્રિય, આ તો અચરજની વાત. કૂંપળ જેવું શરીર અગ્નિમય કેવી રીતે થઈ ગયું?’

રાણીએ કહ્યું, ‘બાળપણમાં દુર્વાસા મુનિએ મારા પર દયા કરીને શિવનો પંચાક્ષર મંત્ર આપ્યો હતો. તેના પ્રભાવથી મારું શરીર નિષ્પાપ થઈ ગયું. પાપી મારા શરીરનો સ્પર્શ કરી ન શકે. તમે તો વેશ્યાગામી છો, મદિરાસેવી છો. તમે પવિત્ર મંત્રનો જપ નથી કર્યો, ભગવાન શંકરની પૂજા પણ નથી કરતા. પછી મારો સ્પર્શ કરી જ ન શકો.’

રાજાએ આ સાંભળી ભગવાન શંકરનો પવિત્ર મંત્ર માગ્યો.

રાણીએ આ સાંભળી કહ્યું, ‘તમે તો મારા ગુરુ ગણાઓ, હું તમને ઉપદેશ આપી ન શકું. તમે શ્રેષ્ઠ મંત્રવેત્તા ગુરુ ગર્ગાચાર્ય પાસે જાઓ.’

પછી બંને પતિપત્ની ગુરુ ગર્ગાચાર્ય પાસે ગયાં અને તેમને પ્રણામ કર્યાં. રાજાએ નમ્ર બનીને એકાંતમાં ગુરુને કહ્યું, ‘તમે દયાના ભંડાર છો. તમે મને ભગવાન શંકરનો પંચાક્ષરી મંત્ર આપો.’

રાજાની પ્રાર્થના સાંભળીને ગર્ગાચાર્ય તે બંનેને યમુનાના પવિત્ર કાંઠે લઈ ગયા. તેઓ એક પવિત્ર વૃક્ષ નીચે બેઠા.રાજાએ ઉપવાસ કરીને તે નદીના પવિત્ર જળમાં સ્નાન કર્યું. રાજાને પૂર્વ દિશા સામે બેસાડી ભગવાન શિવના ચરણકમળમાં પ્રણામ કર્યાં અને રાજાના મસ્તક પર હાથ મૂક્યો અને પંચાક્ષર મંત્ર શીખવ્યો. તે મંત્ર શીખતાવેંત રાજાનાં બધાં પાપ કાગડા રૂપે બહાર નીકળી ગયાં.

ગુરુએ કહ્યું, ‘અનેક પૂર્વજન્મોમાં સંચિત કરેલાં બધાં પાપ ભસ્મ થઈ ગયાં. હવે તમે પવિત્ર ચિત્ત થઈ રાણી સાથે વિહાર કરો.’

પછી ગુરુની આજ્ઞા લઈ પતિપત્ની મહેલમાં ગયાં.

(બ્રાહ્મ ખંડ — બ્રહ્મોત્તર ખંડ)