ભાર્વોમિ/ઘણ રે બોલે ને
મેઘાણીનાં કાવ્યોનો તો મબલક મોલ ગરવી ગુર્જરગિરા ગુજરાતીમાં પાક્યો છે. એમનું એક એક કાવ્ય, હરેકની આગવી ઓળખ, દરેકનાં રૂપ, રંગ, નકશી બધું જનોખું. દરેકનો કોઈ ને કોઈક સંદેશ. એમાંથી એકાદો સંદેશ ઝીલીએ તોય ન્યાલ થઈ જઈએ. આવાં અનુપમ કાવ્યોનું એક અનોખું કાવ્ય તે ઘણ રે બોલે ને..
આવો, જરા આસ્વાદીએ..
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો...જી
બંધુડો બોલે ને બેનડ સાંભળે હો...જી
જોયું? ઉઘાડ જ કેવો અદ્દભુત છે! આરંભ જ સજીવારોપણ અલંકારથી અલંકૃત કરી દીધો છે. બહેન બોલે ને ભાઈ સાંભળે એમાં કશું કૌતુક ન હોય, પણ અહીં તો ઘણ બોલે ને એરણ સાંભળે છે. ‘ઘણ રે બોલે ને રે એરણ સાંભળે હો..જી.’ આ છે કવિનું કવિકર્મ. એ જડને ચેતન બનાવી દે છે; બોલતો કરી દે છે. ઘણને બંધુડો બનાવી દે છે, તો એરણને બહેનડી. ઘણ ને એરણ એકજ કુળનાં બે સંતાન. તોય બે વચ્ચે કેવું બિયાબારું! એરણને માથે ઘા ઝીંકવામાં ઘણ કાંઈ કમી થોડી રાખે છે? રાતાચોળ લોઢા પર દયામાયા રાખ્યા વિના એરણને માથે ઠોક્યે જ જાય છે. આ તો રોજની રામાયણ. પણ આજે અહીં ચમત્કૃતિ થાય છે, ઝબકારો થાય છે, કવિની ચેતનામાં. કહ્યું છે ને ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.’ આપણા કવિ મેઘાણીનો જુઓ આ ચમત્કાર. એ ઘણ અને એરણને સજીવ કરી દે છે. અરે.એટલું જ નહીં, આ જાની દુશ્મનોને ભાઈબહેન બનાવી દે છે. હવે આ ભાઈબહેનની વેદનાની વાત આપણે એમનાં જ મુખે સાંભળીએ. ઘણ એની એરણ બેનીને કહે છે : બેની મારી, બહુ દિવસ આપણે તલવારો ઘડી, તોપો ઘડી, મનવારો ઘડી પણ એથી શું થયું? પાંચ-સાત શૂરાઓનો જયજયકાર બોલાયો બસ એટલું જ ને? પણ એના માટે થઈને કેટકેટલા નિર્દોષોનો સંહાર થયો! આવા સંહારનો જે પ્રત્યાઘાત પડે છે તેનું મેઘાણીએ અદ્ભુત વર્ણન કર્યું છે.
પોકારે પૃથ્વીના કણ કણ કારમા હો..જી
જળ-થળ પોકારે થરથરી
કબરુંની જગ્યા રહી નવ જરી.
ઘણ કહે છે કે બેન એરણ, આપણે ઘડેલાં આ બધાં અસ્ત્ર-શસ્ત્રોએ કેવો કાળો કેર વર્તાવ્યો એ તો તું જો! પૃથ્વીના કણકણ, પાણીનાં બુંદકુંદ કેવો કારમો પોકાર કરી રહ્યાં છે! અરે, આપણાં શઓએ એટલી તો લાશો ઢાળી છે કે એ બધાં માટે કબર કરવા જેટલીય જગા બચી નથી. અને દુંદૈવ તો એ છે કે તોય આપણી ઘડેલી તોપોને હજુ એમનો ચારો ચરવાનો પૂરો થતો નથી. આ તલવાર ને તોપ ઘડાઈ તો ખરી પણ ઘડનારાની શી વલે થઈ એનું પણ મેઘાણી વર્ણન કરે છે. બળતા પો’રની ભકિયુંમાં, ધખતા પો’રની ધમણ્યુંમાં જે ખન ખન અંગારા જળે છે એમાં કેટકેટલા કસબી ને કારીગર ભરખાઈ ગયા હશે! કેટલાયે જીવતા નર બફાણા હશે! અને તોય એમના બિચારાઓના પૂરા રોટલા પણ શેકાયા નહીં. આવી આગઝરતી મજૂરી કરવા છતાંય એમના પરિવારનું પેટ ભરાય એટલુંય એમને વળતરરૂપે મળતું નથી. એક નોંધ લેવા જેવી વાત એ છે કે મેઘાણીનાં કાવ્યોનો એક સૂર કાયમ શોષિતોના શોષણ સામે બગાવત કરતો ઝણઝણ્યા કરે છે. હવે અહીંથી કાવ્ય પલટો લે છે, ઊથલો મારે છે. જેના હાથના હથોડા પડે છે, જેની કાયા–તનડાં તૂટે છે એ નર, એ નર હવે આ શો ઘડી ઘડીને હાંફી ગયો છે. ‘સોઈ નર હાંકીને આજ ઊભો.’ એના ઘટમાં, મનમાં મનસૂબો ઘડે છે. એને પ્રશ્ન થાય છે, “મારાં છોકરાં તો અન્ન માગે છે, એ મને કોણ આપશે? આ તંગ કે પેલું દાતરડું?’” ઘડવૈયાના મનમાં જાણે કે ઝબકારો થાય છે. જવાબ સ્પષ્ટ છે કે તોપો તો માનવીઓનો ચારો છે, જ્યારે દાતરડું ઘડીશ તો તે ડૂંડાં લણી મારાં બાળુડાંનું પેટ ભરશે. આ જ્ઞાન થતાં ઘડવૈયો, ઘણ, એરણ બધાં મળીને નક્કી કરે છે :
આજથી નવેલાં ઘડતર માંડવાં હો..જી
ખડગ-ખાંડાંને કણ-કણ ખાંડવાં હો..જી
ખડગ ને ખાડાં ખાંડીને કયાં નવલાં ઘડતર કરવાનાં છે?
ખાંડી ખાંડી ઘડો હળ કેરાં સાજ,
ઝીણી રૂડી દાતરડીનાં રાજ
હળ અને દાતરડીનાં રાજ, ખેડૂત અને મજૂરનાં, શ્રમજીવીઓનાં રાજ લાવવાં છે. આવી કલ્પના તો મેઘાણીભાઈને જ આવે. આગળ કવિ શું કહે છે? હવે ક્રાંતિની કવિતા લલિત કાવ્ય બની જાય છે.
ઘડો હો બાળક કેરાં ઘોડિયાં હો..જી
ઘડો હો વિયાતલ નારના ઢોલિયા હો..જી
ભાઈ મારા ગાળીને તોપગોળા
ઘડો સઈ-મોચીના સંચ બોળા
બાળકનાં ઘોડિયાં, સુવાવડી નારના ઢોલિયા, દરજી-મોચીનાં સોય- સંચા, અરે રેંટુડાની આરો અને દેવમંદિરના તંબૂરાના તારો, આવું આવું જીવતરમાં રંગ પૂરે એવું. ઘણ કે છે, બેની એરણ, હવે આપણે આવું બધું ઘડવાનું છે. આ જગતમાં બે બળો કામ કરે છે. એક મોતનાં બળો, જે હથિયાર વડે મોતનાં વાવેતર કરે છે, જ્યારે બીજાં છે જીવનનાં બળો, જે ઓજારો વડે ધરતીને બીજ, પાણી, ખાતર, ખેડ આપી, મબલક મોલ લણી આપી, મનુષ્ય અને મનુષ્યેતર આખીય સજીવ સૃષ્ટિને જીવતદાન આપે છે. કાવ્યની છેલ્લી કડી :
આ બધાં હથિયારોને ભાંગીને,
રણજોદ્ધાઓના રથ ભાંગીને.. શું ઘડો?
પાવળડાં ઘડો
હો છોરુડાંના દૂધનાં હો..જી
વાહ કવિ, વાહ! શી કલ્પના કરી છે! ભલા, દૂધિયાં બાળુડાંની દૂધ પીવાની આવી પ્યાલીઓ ઘડવાથી ઊંચું ઘડતર, ઉત્કૃષ્ટ સર્જન બીજું શું હોઈ શકે? આવાં નવા યુગનાં નવલાં ઘડતર કરવા ઘણ અને એરણ ભાઈબહેન થઈને લુહારને શું કહે છે?
ભાઈ મારા લુવારી ભડરે’જે
આજ છેલ્લી વેળાના ઘાવ દે જે
ઘાયે-ઘાયે સંભાર્યે ઘટડામાં,
ક્રોડ-ક્રોડ શોષિતો દુનિયાનાં
જોયું ને કવિની આંખ તો દુનિયાનાં કોટિ-કોટિ શોષિતો ઉપર જ મંડાયેલી છે. લુવારીને કહે છે, ભાઈ મારા, ભડ રે’જે. તોપ-તલવારના ઘાટ ઘડવાનો છેલ્લો ઘા મારી લેતી વેળા પણ એને કવિ યાદ કરાવે છે કે તારા ધાએ ઘાએ પેલાં કોટી-કોટી શોષિતોને યાદ રાખજે. હવે આપણે એમને માટે થઈને જીવતરનો નવો ઘાટ ઘડીશું. આ કાવ્યમાં ક્યાંય અહિંસા કે ગાંધીજીનું નામ લીધા વિના મેઘાણીએ અહિંસાની કેવી કલાત્મક કવિતા કરી છે! કવિ ફ્રાન્તદષ્ટા છે. એ જે યુગ ઊગવાનો છે એને જોઈ શકે છે અને ગાઈ શકે છે. ભલે દુનિયામાં ચારેકોર હિંસા, હિંસા ને હિંસા જ દેખાતી હોય, પણ આ તો દીપકની આગળ થઈ રહેલું પતંગિયાનું પતંગનૃત્ય છે. અણુશસ્ત્રનાં ઘડવૈયાં રાષ્ટ્રો પરસ્પર મળીને ઠરાવ કરી રહ્યાં છે કે આપણાં શસ્ત્રોનો આપણે ક્યારેય ઉપયોગ નહીં કરીએ. આ શું બતાવે છે? હિંસાથી હવે બધા જ વાજ આવી ગયા છે. જીવતા રહેવું હશે તો એમણે મેધાણીનો સંદેશો ઝીલવો જ રહ્યો. તેગ ને તલવાર ગાળીને, મિસાઇલ્સ બનાવવાનું માંડી વાળીને, દરેક હાથને રોજગાર આપે, એનાં બાળકોને દૂધ પાય એવા નવતર ઘાટ ઘડવા પડશે. સવાલ મોં ફેરવવાનો છે. શું આપણે મોં ફેરવીશું? મેઘાણીભાઈ, તમને લાખ લાખ સલામ.