ભાર્વોમિ/નમ્રતાના નિધિ હે
LORD OF HUMILITY
Lord of humility, dweling in the little pariah hut,
Help us to Search for thee
throughout that fair land
Watered by Ganges, Brahmputra and Jamuna.
Give us receptiveness,
give us open heartedness,
Give us thy humility,
give us the ability and willingness
To identify ourselves with the
masses of India.
O God! Who does help only when
man feels utterly humble,
Grant that we may not be
isolated form the people,
We would serve as servants and friends.
Let us be embodiments of self-sacrifices
embodiments of Godliness,
Humility personified, that we may
Know the land better
and love it more.
- M. K. Gandhi
નમ્રતાના નિધિ હે!
(ઝૂલણાં છંદ)
દીન દુખિયા તણી હીન કુટિયા મહીં
નિવસતા નમ્રતાના નિધિ હે!
જાહ્નવી, બ્રહ્મપુત્રા તણાં જળ વડે
સરિત યમુના તણાં પુણ્ય ગહરાં
એહ સુંદર અહો દેશમાં શોધવા
સૌ મથીએ તને, સ્થાય તું થાય!....દીન૦
થાય મન મોકળાં, હૃદય ખુલ્લાં રહે,
હે હરિ! તારી નમ્રતા દે,
ભૂમિ ભારત તણાં લોકથી એક રસ,
થઈ જવા શક્તિ, મતિ ને સ્પૃહા દે!....દીન૦
હે પ્રભુ! હાય તું થાય છે માત્ર જ્યાં,
થઈ રહે નર નિરાધાર છેક;
મિત્ર, ચાકર બની સેવીએ, લોક જે,
તેથી વિખૂટાં ન પડીએ, તું દેખ....દીન૦
આત્મ બલિદાનની મૂર્તિ થઈએ અમે,
દિવ્ય મૂર્તિની નમ્રતા શા,
જેથી આ ભૂમિનું થાય દર્શન સુભગ
ને વહે એ પ્રતિ પ્રેમધારા....દીન૦
મૂળ અંગ્રેજી : મો. ક્ર. ગાંધી
(અનુ. ઉમાશંકર જોશી)
ગાંધીજીની એક કવિતા છે. ગાંધીજીની? હા, ગાંધીજીની. ગાંધીજી કવિ હતા? એવો દોવો એમણે તો નથી કર્યો. કવિ તરીકે સાહિત્યજગતે એમને સ્વીકાર્યાનું પણ જાણમાં નથી. એમને તો કવિતા લખવા કરતાં કવિતા જીવવામાં વધુ રસ હતો. પણ જે કવિતાને જીવે તેના હાથે ક્યારેક કાવ્ય સર્જાઈ પણ જાય. કોઈક દિવ્યપળે ગાંધીજીની કલમમાંથી એક કવિતા ઊતરી આવી છે. અસલમાં એ અંગ્રેજીમાં છે. જુઓ એનો આ ઉઘાડ:
Lord of humility, dweling in the little pariah hut.
આ તો પ્રાર્થના લાગે છે. ગાંધીજીની કવિતા તો પ્રાર્થના જ હોય ને! આ કાવ્ય-પ્રાર્થનાનું લાલિત્યભર્યું ભાવાંતર ગૂર્જર કાવ્યબાનીમાં આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકરભાઈએ કર્યું છે.
દીનદુખિયા તણી હીન કુટિયા મહીં.
નિવસતા નમ્રતાના નિધિ હે!
એક સેવકની પ્રાર્થના કેવી હોય? એનો આ સુંદર નમૂનો છે. ગાંધીજી કહે છે : ‘હે નમ્રતાના સ્વામી!’ નમ્રતામાં પ્રભુની તોલે કોણ આવે? ભૃગુએ લાત મારી તો ભગવાન કહે છે, “ૠષિવર, આપના કોમળ પાદને મારી વજ્ર શી છાતીથી ક્ષતિ તો નથી થઈને?’’ આવા આ નમ્રપુરુષ રહે છે ક્યાં? ચરાચરમાં નિવસતો આ નાથ, ગાંધીજીને તો દીનદુખિયાની ઝૂંપડીમાં જ દેખાય ને! રવીન્દ્રનાથ ગીતાંજલિના પેલા એક કાવ્યમાં નથી કહેતા? “ભજન- ધૂન ગાઈ અને માળા ફેરવી તમે ઈશ્વરને શોધો છો? અરે, એ તો જ્યાં પેલો ખેડૂત હળ હાંકે છે, માળી છોડ રોપે છે અને મજૂર પથ્થર ફોડે છે, ત્યાં બેઠો છે. એને પામવો હોય તો ધરતીની ધૂળથી મેલા થાવ, પરસેવો પાડો.’ બીજા એક કાવ્યમાં ગુરુદેવ શું ગાય છે.
ચરણ આપનાં કહાં બિરાજે,
ચરણ આપનાં,
સૌથી દલિત, સૌથી પતિત,
દૂબળાં બાપડાં જયાં.
મહાત્માજી અને ગુરુદેવ આપણી સંસ્કૃતિના બે જ્યોતિર્ધર એક જ વાત નથી કરતા? રહી રહીને ગાંધીજીને દીનદુખિયાં કેમ યાદ આવે છે? શુદ્રમાં પણ અતિ શુદ્ર સમાજે એને લેખ્યો, એટલે બાપુ કહે છે મારે જન્મ તો નથી જોઈતો પણ મળે તો આ અતિશુદ્ર એવા દીનદુખિયાને ઘેર હજો. છેવાડામાં છેવાડાની સાથે આવી આત્મૌપમ્યતા અનુભવનાર પુરુષ બીજો જાણ્યો નથી. દરિદ્રમાં નારાયણ દેખનાર આ સેવક કવિજીવ નહોતો એમ કેમ કહેવાય? આ પ્રાર્થનામાં આગળ એ કહે છેઃ “ગંગા, બ્રહ્મપુત્રા, યમુનાનાં જળથી સંચિત આ સુંદર ભૂમિમાં, સર્વસ્થળે તને શોધવામાં અમને મદદ કર.’” શું આ કાવ્યબાની નથી? એમને કેવળ ગરીબમાં જ રામ દેખાતા હતા? ના, નદીઓનાં જળમાં, સુંદર ભૂમિમાં, સર્વ જનમાં તેમ સર્વ સ્થળમાં એમને રામ જ દેખાતા હતા? પણ યાદ રાખવું ઘટે: સુંદર તો બધાંને સુંદર લાગે જ પણ અસુંદરને સુંદર ભણે એ ખરો કવિ એમ સુંદરમે નથી કહ્યું? ભૂખ, દુ:ખ, રોગથી પીડાતાં મેલાંઘેલાં માનવીઓમાં બાળક, બુઠ્ઠાં, સ્ત્રીઓમાં છુપાયેલી સુંદરતા ગાંધીને દેખાતી હતી. આ હતી ગાંધીની કાવ્યદૃષ્ટિ. હિમાદ્રીનાં શૃંગો પર પથરાયેલા ધવલ બરફના ઢગ નીરખી એમનું હૃદય નાચી તો ઊઠ્યું પણ ઉપમા શું સૂઝી? “મારા દેશની ભૂખી માતાઓને કાંતવા માટે આ કેવો સરસ રૂનો પોલ છે?’” આવી ઉપમા તો ગાંધીને જ સૂઝે. આ તો પ્રાર્થના છે ને? ગાંધીજી શું માંગે છે? ગ્રહણશીલતા, ખુલ્લું હૃદય અને નમ્રતા. જાતને ઢંઢોળીશું તો ગમ પડશે કે આપણામાં ગ્રહણશીલતા અને ખુલ્લા હૃદયની કેટલી બધી ઓછપ છે? ખ્યાલો, માન્યતાઓ, પૂર્વગ્રહો, ગમાઅણગમા આ બધાંનું એક જાળું આપણી અંદર ગૂંચવાયેલું-ધરબાયેલું પડ્યું હોય છે. જે હરેક ઘટના વખતે અંતરપટની જેમ આડું આવીને ઊભું રહે છે અને આપણી ગ્રહણશીલતા – Receptivity-ને કુંઠિત કરી દે છે. Opennessના અભાવે આપણા પરસ્પરના સંબંધોમાં એક આડશ આપણને સતત અળગાને અળગા નથી રાખતી? દરેક સાથે આપણાં દિલ દિલથી મળે છે ખરાં? બાપુને જેમ સત્યને પામવાની તાલાવેલી હતી તેવી જ સર્વ સાથે સમરસ થવાની પણ છટપટાહટ હતી. સૂક્ષ્મ રીતે આંતરખોજ કરનાર પુરુષને એમાં કયા અંતરાયો આડા આવે છે એ કળાઈ જતાં, એથી ઊગરવા એ આ બે વાનાં, ગ્રહણશીલતા અને ખુલ્લું હૃદય માગે છે. ભક્તને જેમ ભગવાનનું રટણ એમ ગાંધીજીને લોકનું રટણ. એમનો રામ એટલે જે જનજનમાં રમે છે તે રામ. એટલે લોકસમુદાય સાથે પોતાની જાતને એકરૂપ કરવા માટેની એ શક્તિ તો માગે છે પણ અહીં ખરો શબ્દ છે ‘તત્પરતા’. તત્પરતા આપ. સેવા માટે સેવક હરપળે તૈયાર. તત્પરતા કેવી? એક દૃષ્ટાંત આપું : પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે બાપુએ વિનોબા પર પસંદગી ઉતારી. પછી વિનોબાને કહ્યું તમારાં કામ સમેટી તૈયારી રાખજો. વિનોબા શું કહે છે? “બાપુ તમારું તેડું એટલે મારે માટે યમનું તેડું. હું આ જ ક્ષણે અહીંથી ચાલી નીકળવા તૈયાર છું.” આનું નામ તત્પરતા. ભક્તિની પરાકાષ્ટા એટલે સંપૂર્ણ દીનતા. આ દીનતા એટલે શું? ગરીબાઈ, લાચારી? ના. સંપૂર્ણ શરણાગતિ. જીવ સર્વભાવે પ્રભુને શરણે જાય ત્યારે એને સમજાય છે કે પરમાત્માની ઇચ્છા વિના પાંદડું પણ હાલી શકતું નથી, ત્યાં ‘હું કરું, હું કરું’ની આપવડાઈ એ તો નરી બાલીશતા છે. બાપુના બે ભાવ તીવ્રતમ છે, એક ઈશ્વર સાથે એકરૂપતા સાધવી અને બીજો, લોકથી કદીએ વિખૂટા ન પડવું. કારણ; એમનો ઈશ્વર, લોકેશ્ર્વર છે. આ લોકાત્માની સેવા તેના સેવક અને મિત્ર થઈને કરતાં કરતાં એ સર્વ અંતરાત્માની સમીપ પહોંચવા માગે છે. ઈશ્વર દયાળુ છે. દરેક જીવની ભૂમિકા મુજબ એને એ પોતાની ભણી વાળે છે. દરેક ઝરણાની ઝંખના સમુદ્રમાં સમાઈ જવાની હોય છે, પણ દરેકના રસ્તા જુદા. આ જ માર્ગ સાચો, એવી જીદ શીદને રાખવી? ધ્યાન, જ્ઞાન, ભક્તિ, કર્મ, સેવાને સેવનાર જ્ઞાનેશ્વર, શંકર, ચૈતન્ય મહાપ્રભુ કે ગાંધીજી આ દરેકનું પ્રદાન અનન્ય છે. ગાંધીની વિશેષતા એ કે સામાન્ય માનવી કે જેની પાસે યોગ કરવા જેટલું મનોબળ નથી, જ્ઞાન લાધવા જેવી બુદ્ધિપ્રતિભા નથી, ભક્તિ માટે જરૂરી હૃદયની ઉત્કટતા નથી, તો શું તે પ્રભુને પામી ન શકે? પામી શકે, જરૂર પામી શકે. જે કામ એ કરે છે તે જ કરે પણ તે સેવાભાવથી. માબાપ, પડોશી, મિત્ર કેટકેટલાંની સેવા લઈએ છીએ ત્યારે આપણે જીવીએ છીએ. આપણા ઉપભોગની અગણિત સામ્રગીના સર્જકોની સેવાનું ઋણ આપણે માથે નથી શું? તો એમની પણ મારાથી શક્ય તે સેવા કરી છૂટું. આવી સેવા એ પણ ઈશ્વરની સેવા છે. કારણ ઈશ્વર તો સૌમાં વસે છે ને? આમ ગાંધીએ સામાન્ય જન, જેની કશી આગવી હિકમત નથી તે પણ ઈશ્વરને પામી શકે એ માર્ગે ચાલીને એમના રામને પામ્યા. જુઓને એમણે નામસ્મરણ માટે પણ ૐ, હરિ: ૐ, ગાયત્રી મંત્ર કે અન્ય કોઈ સંસ્કૃત મંત્ર પસંદ ન કરતાં સાદુંસીધું, સર્વજન સુલભ એવું ‘રામનામ’ જ પસંદ કર્યું. હરેકના રોમરોમમાં રમી રહેલો રામ એ જ એમનો ઉપાસ્ય દેવ અને હરેકની સેવા દ્વારા એના સુધી પહોંચવું એ એમનો સાધનામાર્ગ. આવી આગવી કેડી પર ચાલનારા બાપુ હતા. જેની સેવા કરવાની છે તેનાથી અળગા ન પડી જઈએ તેવી સુરતા બાપુ સતત રાખતા. એમનો પોષાક, એમની ઝૂંપડી, હરિજન કોલોનીમાં ઊતરવું, નોઆખલીમાં કોમી દાવાનળ વચ્ચે કાદવિયાં ગામડાં ઉઘાડાપગે ખૂંદવાં આ બધું લોકો સાથે સમરસતા સાધવાની એમની ઉત્કટતાનું ઘોતક છે. દેશ અને દેશવાસીઓ, આ બન્ને એમને માટે એક જ ચીજ હતી. બન્નેને સમજવાની અને ચાહવાની એમનીં ઝંખના હતી. એટલે એમની આ પ્રાર્થના જે ‘સેવકની પ્રાર્થના’રૂપે ઓળખાઈ છે તેમાં એમની અંતરતમ અભીપ્સા ઉત્કટ રૂપે કાવ્ય બનીને ઊતરી આવી છે. નમ્રતાની સાકાર મૂર્તિ નિરાકાર નમ્રતાને પ્રાર્થી રહી છે. ‘દીનદુખિયાં તણી હીન કુટિયા મહીં નિવસતા નમ્રતાના નિધિ હે!”