માંડવીની પોળના મોર/શ્યામ રંગ સમીપે
ફળિયા વચ્ચોવચ ઊભેલા ઘેઘૂર જાંબુડાને જોઈને ઘણાં પૂછે: ‘આ જાંબુડો તમે જાતે વાવેલો કે એની જાતે ઊગેલો? હું હસતાં હસતાં કહું, ‘આ જાંબુડો ને પેલા ખૂણા પરની લીમડી એ બંને અમને વારસામાં મળેલાં!’ આ જવાબ એક રીતે સાચો હોવા છતાં પૂરતો નથી. ધારો કે જાંબુડો કોઈએ વાવ્યો હોય ને લીમડી કોઈએ ઈરાદાપૂર્વક ન વાવી હોય, પણ વૃક્ષ ઊગે તો એની જાતે જ ને? આપણે બહુ બહુ તો એને ખાતર-પાણી દઈએ, સમયે સમયે ગોડ કરીએ, ક્યારેક એના થડ ઉપર કે ઝૂકેલી એકાદ ડાળી ઉપર હાથ ફેરવીએ, પણ ઊગવું-વિકસવું તો એને જ હાથ! દુનિયામાં કેટલાંય અનાથ બાળકો એની જાતે જ ઊછર્યાં છે ને પોતાનું વ્યક્તિત્વ પણ બનાવ્યું છે તો સામે પક્ષે મા-બાપે બધી જ કાળજી લીધી હોય તોય કોઈ ઓળખતું ન હોય એવાં યે ઘણાં સંતાનો હોય જ છે ને? ભગવાન જાણે એને કોણે વાવ્યો હશે, પણ મારે માટે તો એ છે એટલું જ બસ છે. એક દિવસ વિચાર આવ્યો આને મારા સહિત સહુ જાંબુડો જ કેમ કહે છે? જાંબુડી શા માટે નહીં? વિચાર લંબાવતાં એમ સમજાય છે કે ઘણી વાર આપણે વૃક્ષના કદ અને આકારને ધ્યાનમાં રાખીને કદાચ સ્ત્રીલિંગ કે પુલ્લિગ એવું નક્કી કરી લેતાં હોઈએ છીએ. એમ જોવા જઈએ તો જાંબુડાની બાજુમાં જ ઊભેલી લીમડી પણ ઊંચાઈમાં કંઈ જાય એવી તો નથી જ. જાંબુડા સાથે એ પણ બરાબરની જુગલબંદી કરે છે. બંને એકબીજાંની ડાળીઓ લંબાવીને ક્યારેક હસ્તધૂનન પણ કરી લે છે. કૂણી કૂણી ટશરોનો ચમકતો તામ્રવર્ણ એકબીજામાં ભળી જાય એવો લાગે, પણ પાનની કાકર એ બંનેનાં વ્યક્તિત્વને અડીખમ રહેવા દે. લીમડીનું થડ હજી જાડું થયું નથી. એની પાતળી કમર અને સહજ એવી બંકિમ મુદ્રાને કારણે કોઈ રમણીનો ખ્યાલ મનમાં ઊંડે ઊંડે પડ્યો હોય, એને લીધે કદાચ એને ‘લીમડી’ કહેવા પ્રેરાયો હોઉં એવું બને. પણ, આ જાંબુડો તો જાંબુડો જ. ક્યારેક લહેરમાં આવીને હું એને જાંબુવાન પણ કહું. ઘણી વાર રાત્રિના અંધકારમાં એમ લાગે કે એ રામસેનામાંથી છૂટો પડીને સીધો જ અહીં આવી ગયો છે. અમારું મકાન બંધાતું હતું ત્યારે જ એની ફરતે ગોળ પાકો ઓટલો કરાવવાનું અમે નક્કી કરી લીધેલું. આ ઓટલો થયા પછી જાણે એનો રુઆબ વધી ગયો જેમ કોઈ વડીલ ખુરશીમાં બેઠા હોય અને એમનો પ્રભાવ વધી જાય એવું કંઈક. અમે અહીં રહેવા આવ્યાં ત્યારે પહેલે વર્ષે એને જાંબુ નહોતાં આવ્યાં. કદાચ અમને એની અપેક્ષા પણ નહોતી. બસ, એ હોય એટલું જ બસ! જરાક નવરાં પડીએ કે ઓટલે જઈને બેસીએ. એ અમારા ઉપર છત્ર થઈને રહે. મકાનનું બાંધકામ ચાલતું હતું ત્યારે, કોઈ દાડિયાએ કે એના અલ્લડ છોકરાએ રમત રમતમાં જ એના થડમાં ચારેબાજુ અસંખ્ય ખીલીઓ ઠોકી દીધેલી! કેટલીક વળી ગયેલી, કેટલીક ત્રાંસી ને કેટલીક તો જાણે જાંબુડામાંથી જ ફૂટી નીકળી હોય એમ જડબેસલાક બેસી ગયેલી. રોજ એના ઉપર નજર જાય ને પીડા થાય. એકેય ખીલી હાથથી ખેંચી લેવાય એવી નથી એની ખાતરી હોવા છતાં વારેવારે હાથ એની ઉપર જાય, ખીલી ખેંચવાનો પ્રયત્ન થાય ને છેવટે હાથ ભોંઠો પડે ને એમ પીડા વધતી ચાલી. અનેક વાર ખાંખાખોળા કર્યા પણ ઘરમાં ક્યાંયથી પક્કડ જડતું નહોતું. એ વખતે આખી સોસાયટીમાં અમારા સિવાય કોઈ રહેવા નહોતું આવ્યું, એટલે માગવું પણ કોની પાસે? પછી તો એવું થયું કે જાંબુડાની પીડા જાણે અમારી થઈ ગઈ. રોજ એની સામું ભાળીએ ને મનમાં ધ્રાસકો પડે! બીજાં કામો આડે પક્કડ લાવવાનું ભુલાઈ જાય. રોજ સાંજ પડે ને સંકલ્પ કરીએ, કાલે તો ચોક્કસ... એક દિવસ દીકરાએ ક્યાંકથી શોધી કાઢ્યું ને એક પછી એક બધી જ ખીલીઓ ખેંચવા માંડ્યો. નહીં નહીં તોય ચારસો-પાંચસો ગ્રામ જેટલી ખીલીઓ નીકળી. મને લાગ્યું કે શરૂઆતમાં કદાચ એણે અમારા મનની શાંતિ માટે આ કામ શરૂ કર્યું હતું, પણ જેમ જેમ ખીલીઓ ખેંચાતી ગઈ, એનો મનોભાવ બદલાતો રહ્યો. છેલ્લી ખીલી કાઢ્યા પછી એના ચહેરા ઉપર જે આનંદ હતો! એની મમ્મીને કહે, ‘આજે જાંબુડાને બહુ રાહત લાગતી હશે, નહીં?’ મમ્મી હોંકારો ભણીને ચૂપ થઈ ગઈ. થોડી વારે બોલી, ‘તું એને જ પૂછ ને!’ દીકરાએ ડોક ઊંચી કરીને નજર જાંબુડા ઉપર માંડી. કંઈ જવાબ મળ્યો નહીં એટલે એણે મારી સામે જોયું. મારી ભીની આંખો જોઈને એ પક્કડ સોંતો ઘરમાં અંદર ચાલ્યો ગયો. કોઈએ કાંટો કાઢ્યો હોય એનોય ગુણ ન ભૂલવો એ આપણી પરંપરા. બીજે વર્ષે ચૈત્ર બેસતાં બેસતાંમાં તો એ લગભગ મહોરી ઊઠ્યો. સુગંધનો પાર નહીં. ઝાંપામાં પ્રવેશીએ ત્યાં જ એ બાઝી પડે! ઘરમાં જવાનું મન ન થાય. ઊંચે નજર કરીએ તો ડાળીએ ડાળીએ મહોરનાં ઝૂમખાં! ક્યાંક મધમાખીઓ ય ઊડતી હોય. મહોરનો સફેદ મિશ્રિત લીલો રંગ આભૂષણો જેવો લાગે. નીચે ખાટલો ઢાળીને આડા પડ્યા હોઈએ ને એનો વૈભવ જોઈએ તોય સભર થઈ જવાય. મહેમાનો આવ્યાં હોય તોય બહાર જ બેઠાં રહીએ. છેક અંધારું થાય ત્યારે નાછૂટકે જ ઘરમાં જઈએ. પછી તો એવી સ્થિતિ થઈ કે બધાં જ કામ જાંબુડા નીચે. કંઈ વીણવાનું હોય, રૂમાંથી દીવેટો બનાવવાની હોય, શાક સમારવાનું હોય કે કશુંક વાંચવું હોય. જાંબુડો સર્વ કાર્યનો સાક્ષી જ નહીં, પ્રેરણાત્મક બળ.. મહોરના લીધે રૂપાળો ય બહુ લાગે. જાણે હાર-તોરા-કલગી સાથે આંગણે ઊભો કોઈ વરરાજો! એ રૂપાળો એટલો જ ઉતાવળો. હજી તો ચોમાસાના અણસારેય નહીં ને એણે જાંબુડા દેખાડ્યાં. એકદમ લીલાછમ્મ. ચણીબોર જેવડાં. ક્ષણ ભર એમ લાગે કે આ બાજુમાં ઊભેલી લીમડીની ઝીણી ઝીણી લીંબોળીઓ જાંબુડાને વળગી ગઈ કે શું? આ લીલાછમ્મ જાંબુ ઉપર સૂર્યપ્રકાશ પડે ત્યારે તો એનું રૂપ કંઈ ઓર ખીલી ઊઠે. સાચા પન્ના જ જોઈ લો ને! ખિસકોલી કે તોતારામ એકાદ જાંબુ ખેરવે ને આપણી નજર જાય તો મોંમાં મૂક્યાં વિના ન રહેવાય. પણ, એનો સ્વાદ તૂરો, જીભને બહેરી બનાવી દે એવો. તરત જ થૂંકી નાંખવું પડે. પણ, પછી બે-ચાર દિવસમાં જ જાંબુનો રંગ બદલાવા માંડે. શરૂઆતમાં આછાં ગુલાબી, પછી ગાઢાં રાની રંગનાં! એક જમાનામાં બહેનો શ્યામ ગુલાલ કુંકુંમનો ચાંદલો કરતી, એવો કંઈક એનો રંગ. જો કે આ રંગની જામનગરી બાંધણીની યાદ અપાવી જાય. આ બંને રંગ અલગ અલગ તો સારા લાગે જ પણ પરસ્પરની સંનિધિ વિશેષ આનંદ આપે! હજી તો તમે આ સંનિધિ જ માણતાં હો ને એ અચાનક, કોઈનેય ખબર ન પડે એમ શ્યામ રંગ ધારણ કરી લે. આ કાળા રંગને કેવો કાળો કહીશું? જાંબુડિયો કાળો જ કહેવો પડે! ક્યા બાત હૈ! ઉપમાન એ જ ઉપમેય. બસ હવે તો આ કાળાં જાંબુ પુષ્ટ થાય એની જ વાટ જોવાની. થોડા દિવસ પછી પાકેલાં પાંચ-પંદર નીચે પડેલાં એ જાંબુ વીણ્યાં, ધોયાં ને ભગવાનને ધરાવ્યાં. મનમાં એવું ખરું કે કોઈ પણ ઋતુનું પહેલું ફળ દેવને ધરાવીને પછી જ ખાવું. આ તો થઈ આરંભની વાત. હવે તો દર ચોમાસે જાંબુના ઢગલા થાય છે. પ્રારંભનું તૂરાપણું એકાદ વરસાદ થયો કે ગાયબ! સ્વાદ-રસ અને રંગ બધું જ બદલાઈ જાય. એની ડાળીઓ તો એટલી હદે નીચે આવી જાય કે ઊભાં ઊભાં જ ફળ તોડી લો! છેલ્લે છેલ્લે તો એ પોતે જ ગઈ ઊઠે : ‘કોઈ લ્યો. કોઈ લ્યો...’ સવારે બારણું ખોલીને જોઈએ તો જાંબુની પથારી પડી હોય. પગ મૂકવાનો માર્ગ નહીં. કાળાં ચમકતાં જાંબુ ઉપર પડતો સૂર્યપ્રકાશ મનને લોભાવે. ઊઠતાંની સાથે જ વીણવાનું શરૂ. થાળી ભરાવાથી શરૂ થયેલો ક્રમ ડોલ સુધી પહોંચે. નાનાં હોઈએ ત્યારે વડીલો આપણને ખોબો ભરીને કંઈ ને કંઈ ખાવાનું આપે. બસ, આ વડીલનું પણ એવું જ. આખું ફળિયું જ એનો ખોબો! બહારથી પણ જે કોઈ આવે, એના ચરણને સ્પર્શ કર્યાં વિના રહી ન શકે. આવનાર માણસ ગમે તેટલો વિતરાગી કેમ ન હોય, નીચે પડેલાં પાકાં જાંબુ એને લલચાવી-નમાવીને જ છોડે! એક પછી એક જાંબુ વીણતાં તો કેડ્યનો કઢિયારો રહી જાય. તમે થાકો પણ એ ન થાકે. જાંબુ પણ એવાં મીઠાં કે તમે ખાતાં ખાતાં વીણો છો કે વીણતાં વીણતાં ખાવ છો એનો ખ્યાલ ન રહે. ખાઈ ખાઈને ય તમે કેટલાં ખાવ? ઘેર ફલવતું વૃક્ષ હોય તો ભલભલો કંજૂસ પણ આપોઆપ ઉદાર બની જાય. પહેલાં તો એમ થાય કે પડોશીઓને આપીએ. પછી યાદ કરી કરીને નિકટનાંઓને આપીએ. કેટલાંયને તો એમને ઘેર જઈને આપી આવીએ. ડાયાબિટિસવાળાંઓનો તો વળી વિશેષ અધિકાર. જાંબુ પાડવાં, વીણવાં, ધોવાં, કોરાં પાડવાં, કોથળીઓ ભરવી અને ખરાબ થઈ જાય તે પહેલાં લાગતાં-વળગતાંને પહોંચાડવાની પ્રક્રિયા પણ ખૂબ રસપ્રદ. એ જાંબુદિનોમાં તો જાણે બીજું કંઈ કામ જ નહીં! ગણાવ્યાં એ બધાં કામ આમ તો કડાકૂટિયાં, થોડો કંટાળો ય આપે પણ છેવટે તો પ્રકૃતિનો પ્રસાદ વહેંચ્યાનો આનંદ! આ આનંદ થવાનું તંત્ર પણ બહુ વિલક્ષણ. ક્યારે, કોને આપવાથી આનંદ થશે એનું નક્કી નહીં. એક તોફાની બારકસ જેવો છોકરો, જેને વરસ દિવસ પહેલાં ‘આ બાજુ તારે ફરકવાનું પણ નહીં!’ એમ કહીને કાઢી મૂકેલો, એ છોકરો દરવાજાની બહાર ઊભો રહીને પાકેલાં જાંબુ જોયા કરે. માથું ઊંચું કરે, ડોક આમતેમ ફેરવે. એમ સમજો ને કે અશોકવાટિકામાં પ્રવેશતાં પહેલાંના હનુમાન! મેં સામેથી એને બોલાવ્યો ને કહ્યું, ‘આવ, અંદર આવ! વીણી લે તારે જોઈએ એટલાં. એણે ખિસ્સાં ભરવા માંડ્યાં. ખાતો જાય ને ભરતો જાય. એ ક્ષણે સમજાયું કે માણસનાં મુઠ્ઠી, ખોબો કે ખિસ્સાં થઈ થઈને તે વળી કેવડાં મોટાં થવાનાં? એ છોકરો જાંબુ ભરતો હતો ત્યારે હું એને આપું છું એવો ભાવ ક્યાંય રહ્યો જ નહીં, એ મારી ઉપલબ્ધિ! મહાકવિ કાલિદાસે પણ જાંબુમહિમા કર્યો છે. ‘મેઘદૂત’માં વિંધ્યપર્વત ઉપરથી પસાર થતા મેઘને યક્ષ કહે છે : ‘જાંબુનાં વૃક્ષોની ઘટાઓમાં ખળી રહેવાથી કંઈક તુરાશવાળું એવું નદીનું પાણી તું તારામાં ભરી લેજે!’ વાતપ્રકોપને અટકાવનાર આ કટુ, કષાય, તિક્ત રસનું પાન મનુષ્યની જેમ તારે માટે પણ હિતકર છે. આ પાણી ભરી લીધાથી તારામાં વજન આવતાં પવન તારો પરાભવ કરી શકશે નહીં. કાલિદાસે વ્યાવહારિક ભાવબોધ પણ આપ્યો છે. જેનામાં ભાર હોય છે તે જ ગૌરવને પામે છે. હમણાં હમણાંથી જોઉં છું તો લાગે છે કે અરે! આ જાંબુડાએ શું રૂપ કાઢ્યું છે! બરછટપણુંતો કોણ જાણે ક્યાં ચાલ્યું ગયું! થાળ અને ડાળીઓએ આંગી કરી હોય એવો ચળકાટ ધારણ કર્યો છે. દૂરથી તો એમ જ લાગે જાણે ભૂર્જવૃક્ષ. એમ થાય કે જઈને એની છાલ લઈ લઈએ ને એ જામ્બપત્રમાં આપણા કોઈ પ્રિયને લખી દઈએ : ‘આ ખટમધુરા જાંબુડિયા દિવસોમાં પ્રિય તમે યાદ આવો છો, બહુ યાદ આવો છો!’ ઘણી વાર, રવિવારની સવારે નવ-દસ વાગ્યે હું ખાટલો ઢાળીને જાંબુડા નીચે આડો પડ્યો રહું. એની ડાળીઓ વચ્ચેથી આવતો સૂરજ અવનવા રંગો ને આકારો દેખાડે. એ ક્રીડામાં વળી પવનદેવ પણ ભળે.. ડાળીઓ હલતી જાય ને આકારો બદલાતા જાય. આપણે એની લીલામાં તદ્રુપ થઈ જઈએ ને કોઈ બોલાવે તો ય ન ગમે. રાત્રિની લીલા અલગ. કોઈ વાર મોડી રાત્રે જાંબુ નીચે જઈને ઊભાં રહીએ તો એ ચાંદની સાથે અડપલાં કરતો હોય એવું લાગે! ચંદ્ર તો ક્યાંય હોય, પણ એની અમીવર્ષા આ જાંબુડો એવી રીતે ઝીલે કે આપણે ય ધન્ય થઈ જઈએ! પાંદડે પાંદડે મોતી એવું સાંભળેલું, પણ હવે જોવાનું યે બને છે રોજ રોજ. સૌથી આશ્ચર્ય અને આકર્ષક તો એની પ્રત્યેક ડાળનું નીચેની તરફ ઝૂકી આવવું એ છે. ફળને કારણે એ ભારઝલ્લો બનીને ગૌરવ વધારી રહ્યો છે. જેવી ફળની મોસમ ગઈ કે એની ડાળીઓ આપોઆપ ઊંચે ચડી જાય. ફળના વજનને લીધે ડાળીઓ ઝૂકી જાય એ સાચું હોય તોય મનમાં જે આવે છે તે તો ઔદાર્યનો જ ભાવ આવે છે. આપણે કંઇક ભૂલ કરીએ ત્યારે વડીલો ટપારે કે ટપલી મારે એવું તો આ ભાઈએ ઘણી વાર કર્યું છે. અચાનક એ માથામાં કે વાંસામાં એકાદ-બે જાંબુની ટપલી મારી લે છે ને એનું જાંબુલાંછન પણ છોડી જાય છે. એ આવું કરે ત્યારે સાચે જ ભૃગુઋષિ જેવો લાગે છે. આપણે ઊંચે જોઈએ ત્યારે, એની હસતી આંખો જેવાં એક-બે પંખી બેઠાં હોય! અમે એની, ઊંટની ડોક જેવી એક ડાળ ઉપર પરબડી બાંધી છે. નીચે ઓટલા ઉપર માટીની મોટી કથરોટમાં દાણા અને કૂંડી ભરીને પાણી. એને લીધે ઘણાં પંખીઓનો પરિચય થયો. ભાગ્યે જ જોવા મળે એવાં પંખીઓ પણ આ જાંબુડાની છાંય તળે આવે ને જાય. કાબર, ચકલી, કબૂતર, બુલબુલ અને લેલાં જેવાં રોજબરોજનાં તો ખરાં જ પણ તે ઉપરાંત ખેરખટ્ટો, કાળો કોશી, પિદ્દો, દૈયડ, પીળક, કંસારો, ભારદ્વાજ, તેતર, કલકલિયો, લટોરો ને હરિયાલ જેવાંઓની પણ ઓળખાણ થઈ. અરે! ઓળખાણ માત્ર ક્યાં? હવે તો એ બધાં આત્મીય સ્વજનો થઈ ગયાં છે. દરેકના અવાજો ને સંગીત અલગ. અમે રસોડામાં હોઈએ તોય અવાજ ઉપરથી ખ્યાલ આવી જાય કે ફલાણાભાઈ આવ્યા ને તરત ફલાણીબહેન ઊડ્યાં! એ બધાં ય જાંબુડાનાં મહેમાન. કોઈની ય તમા રાખ્યા વિના હવામાં ચાસ પાડતાં આવે ને જાય. કોઈની ઉડાન આપણું મન હરી લે તો કોઈની ચાલ. કોઈની ચતુરાઈ તો કોઈનું ભોટપણું. કોઈની ગભરામણ તો કોઈની દાદાગીરી. એમનું સંગીત, સભર બનાવી દે આપણી ક્ષણેક્ષણ. ઘરમાં ઘરડું માણસ હોય તો કોઈ ને કોઈ આવતું-જતું રહે. અરે! ક્યારેક તો સાત પેઢીએ દૂર હોય એવું યે આવી ચડે. એકલાં હોઈએ તોય એકલું ન લાગે. એમ થાય કે આ જાંબુડો છે ને! હીંચકા ઉપર બેઠાં બેઠાં એની લીલા જોયા કરીએ તોય સમય ક્યાં ચાલ્યો જાય એની ખબર ન પડે! બાપુજીના અવસાનનો ખાલીપો હજી એવો ને એવો જ હતો ત્યાં બા પણ અચાનક ચાલી ગયાં. ઘણી વાર સાંજને સમયે એકદમ નિરાધાર હોઈએ એવું લાગે, એવે ટાણે આ જાંબુડાએ અમને આધાર આપ્યો છે. એણે અમને અઢળક આપીને બીજાંને આપતાં કર્યાં છે. મન ઉદ્વિગ્ન હોય ત્યારે ઓટલા ઉપર કે હિંચકે બેસીને શાતા મેળવી છે. ઘણી વાર એના થડને બાથ ભરીને ભેટવાનું સુખ પણ લીધું છે. નજીકનાંઓના દુર્વ્યવહારોને હળવાશથી લેવાનું પણ એણે જ શીખવ્યું છે. અમારો દીકરો કશીક વાતે વ્યથિત હોય તો એની માને વળગે છે. માના ખોળામાં માથું મેલીને વહાલ મેળવે છે. અમે વ્યથિત હોઈએ ત્યારે જાંબુડાને ખોળે જઈએ છીએ. એ કશું જ બોલ્યા વિના ઘણું કહે છે. વેઠવાની તાકાત આપે છે. સહિષ્ણુ અને ઉદાર બનાવે છે. એની છાયા- છત્રછાયામાંથી કશુંક મેળવીને અમે ઘરમાં જઈએ છીએ. ઘરમાં કોઈ વડીલ નથી એવો ભાવ હવે ભાગ્યે જ ડોકાય છે. મનને ધરપત છે, હૈયાધારણ છે. કંઈ નહીં તો ય જાબુડો તો છે ને? દયારામની ગોપીએ ભલે ના કહી હોય તો પણ અમારે તો શ્યામ રંગ સમીપે જ જાવું...!