મેઘાણીની સમગ્ર નવલિકા 2/પદભ્રષ્ટ
‘એને પદભ્રષ્ટ કરો!’ મારો એ ગરજાટ શમિયાણાને ડોલાવી રહ્યો, થાંભલા ધ્રૂજ્યા અને શ્રોતાઓએ સામે પડઘો પાડ્યો: ‘એને પદભ્રષ્ટ કરો!’ પરિષદની પૂર્ણાહુતિના એ મંત્ર સમા સૂત્રને ઝિલાવતા હું અને પ્રતાપ નેતાઓના માંચડા પરથી હેઠા ઊતર્યા ત્યારે લોકો અમને વીંટળી વળ્યા. સડેલા, હિચકારા, સ્ટેટની સુંવાળી ગાદીના સ્વાદીલા આગેવાનોની સામે પુણ્યપ્રકોપનો એ પ્રલય-જુવાળ નજરે નિહાળવાને માટે જો દુલા શેઠ ત્યાં હાજર હોત તો નક્કી એને ઘેર જઈ આપઘાત કરવાનું મન થાત. દુર્ભાગ્યે એ તો બે દિવસ પૂર્વે જ પલાયન કરી જઈ પચાસ ગાઉ દૂર ચંદ્રેશ્વરીની જગ્યામાં બેસી ગયા હતા. દક્ષયજ્ઞમાં રમખાણ મચાવીને પાછા વળેલા શંભુ સમો હું શોભતો હતો. મારી પાછળ શિવના ગણો સમા પ્રતાપ, શિવો અને સુરેશ ઉર્ફે સુરિયો મારો દિગ્વિજય કરતા બજાર સોંસરા એ જ સૂત્ર બોલાવતા આવતા હતા: ‘પદભ્રષ્ટ કરો. જુનવાણી આગેવાનોને ધૂળ ચાટતા કરો.’ લોકો હાટડાંમાંથી ઊભા થઈ જતા હતા, તોલ કરતા હાથ થંભી રહેતા હતા, ટપાલ લખતી લેખણો નીચે મુકાતી હતી: વછિયાતી ખેડૂતોનાં ભરતિયાં ગાડાં ચોકમાંથી આગળ હંકારાઈ આવે તે પહેલાં તેમને અટકાવી દેવા માટે સ્વયંસેવકો દોડ્યા ગયા હતા. અમારું સરઘસ સ્ટેશને જતું હતું. રસ્તામાં છેવટનો સપાટો તો મારા સુરેશ ઉર્ફે સુરિયાએ લગાવ્યો. કંદોઈની દુકાનેથી એક પૈસાનાં વાસી ભજિયાં ખરીદીને પહેલું મળ્યું તે કૂતરાને એણે ‘લ્યો આગેવાન!’ એમ કહીને નીર્યાં, એ અમારો ફાઈનલ સ્ટ્રોક, બલકે માસ્ટર-સ્ટ્રોક, ગણાયો અને માણસો બોલ્યાં કે ‘કમાલ કરી. ગજબ હિંમત કરી.’ લોકલાગણીનો ગબારો ચડાવવાની કેટલીક કરામતો તો સુરેશમાં કુદરતી હતી. અણીને ટાણે અમને કોઈને જે કદી ન સૂઝે એવું એની અક્કલમાં આસાનીથી ઊગી જતું, કારણ એ પોતે જ કહેતો કે “ભાઈ, જ્યારે હું પૂર્વાવસ્થામાં રજવાડાંના દરબારગઢનો કઢીચટ્ટો હતો, ત્યારે બાબરગઢના બાપુની રોનકપ્રેમી પ્રકૃતિને રીઝવવા કંઈક આવી કરામતો મારે ઘડીપલમાં યાદ કરવી પડતી. બાપુ મને હુકમ જ એવો કરતા, કે સુરિયા, ફલાણા શેઠની પટકી પાંચ જ મિનિટમાં પડે એવો નુસખો કર, પાંચ ઉપર છઠ્ઠી ન થાય, ને થાય તો તને અવળે ગધેડે બેસારી ગામમાં ફેરવવાનો. એક વાર તો મારું મોત ઊભું થયું હોત. ગધેડો તૈયાર રાખેલો, પણ મને પાંચમી મિનિટે જ સૂઝ પડી ગઈ, ને મેં એ જ ગધેડાના શરીર પર, મારું મોઢું કાળું રંગવાનો જે ડામર તૈયાર થયો હતો તે વડે લખી નાખ્યું કે ‘હું... શેઠ છું’. એના માટે મને બાપુએ એ જ સવારે પોતે નવોનકોર બાંધેલ સોનાસળીનો સાફો રૂપિયા સોએકની કિંમતનો બંધાવી દીધો હતો.” “અરે શાબાશ રે સુરેશ!” સૌએ એની પીઠ થાબડી હતી. ને મેં કહેલું કે “ભાઈ, અમે તો સાફા ક્યાંથી બંધાવીએ! અમે દરબારો થોડા છીએ! અમે તો દરબારોનો ને સડેલા અગ્રેસરોનો નાશ કરનારા.” સુરેશ કહે: “એ માટે તો મેં પણ બાપુઓની કઢી અને સાફાની ભેટબક્ષિસો છોડી છે ના! નહિતર મારે શી કમીના હતી બાબરગઢમાં! કળ દીઠ માણું માણું ઘઉં બાજરો, ચાહટિયાના ભારા, વાડીએ વાડીએથી શાકપાંદડાં, મારી નાતમાં પણ મોવડીપણું: બધીય જાહોજલાલીને તિલાંજલિ દીધી છે મેં.” સુરેશભાઈ ઉર્ફે સુરિયાએ આ ‘તિલાંજલિ’ની ટીપ અમને વારંવાર સંભળાવી હતી. મારા એ સુભટોના સાથમાં હું આ ગામમાં નવી ગરમી આણી દઈને ચાલી નીકળ્યો; પણ સુરેશે અને મેં હવે પછી બનનારા બનાવોની પાકી તપાસ ચલાવી. સુરેશ ખબર લઈને આવ્યો કે દુલા શેઠ તો પાંચ જ દિવસમાં ચંદ્રેશ્વરથી પાછા આવી ગયા છે અને કૂણા માખણ જેવા બની ગયા છે. અહીં એમની ગેરહાજરીમાં સભામંડપમાં એમનું ‘મુર્દાબાદ’ બોલાવ્યું, એમને પદભ્રષ્ટ કરવાની હાકલ પાડી, એમને શ્વાનસ્વરૂપ આપી ભજિયાં નાખ્યાં વગેરે બાબતો એણે જાણી છે, અને એ તો બધાને કહે છે કે ‘સારું ભાઈશા’બ, મને કાંઈ વાંધો નથી. બીજો કોઈ ભલે આગેવાન થતો. પણ હું તો આ રાજાની સામે ઊઠી શકું નહિ. મને એ કાંઈ આવડે નહિ, મારા કુળમાં કોઈએ સભા ભરી ઠરાવ કર્યા નથી. મને બોલતાં આવડતું નથી. પાંચ લીટી લખીને હું સભામાં વાંચવા ઊઠું છું તો મારા ટાંટિયા ધ્રૂજે છે. મારે હવે એક ભવમાં બે ભવ નહિ થઈ શકે. મારું પંડ્ય બેઠું છે ત્યાં સુધી નવાબસાહેબે પોતે આ ગામની સીમમાં શિકાર ન કરવાનું વચન આપ્યું છે. જેટલું પાળે એટલું બસ છે. મારો ને એનો સાત પેઢીનો નાતો કેમ તૂટે!’ આહ! પેઢી, સાત પેઢી ને સત્તાણું પેઢી! સુરેશના અહેવાલે મને તપાવી મૂક્યો. આ સડેલા આગેવાનોને એકમાત્ર પેઢીઓનું જ રટણ રહ્યું છે પેઢીઓના નાતાના જાપ જપતાં તેઓ થાકતા નથી. ભૂતકાળના નહોર તેમનાં આંતરડાંમાં ઊંડાં ખૂંચી ગયા છે. એમની વામણી કલ્પના તો જુઓ! મારું પંડ્ય બેઠું છે ત્યાં લગી — મને આપેલું વચન — મારો ને એનો નાતો — જનતાની કે જનવિરાટની કશી વાત તેઓને વિચારવી નથી. અંગત સંબંધની શરમથી જ રાજકર્તાઓને પંપાળી રાખવાના છે. શું કરીશું? બીજું શું થાય? પદભ્રષ્ટ કરો. જહન્નમમાં જાઓ સાત ને સત્તાણું પાછલી પેઢીઓનાં ગુમાન! સુરેશ પણ બડો પાકો છે! દુલા શેઠને ઘેર મહેમાનો જમવાના હતા તે તાકડો રચીને ત્યાં જઈ ચડ્યો. જો ચૂં ચાં કરે તો ત્યાં ને ત્યાં પટકી પાડવાનો હતો, પણ ભાર છે કે ઉંકારોય કરી શકે! શેઠના એક-બે સગાની આંખો લાલ થઈ ગઈ, પણ શેઠે વાર્યા. કહે કે ‘એમાં શું? મને ચંદ્રેશ્વર ભગવાન આવતે ભવ કૂતરો સરજે તો શું તમે ના પાડવા જશો? આજે આપણે આંગણે આ કૂતરાં બલાડાં આંટા મારે છે, એમાં કોને ખબર કોઈ આપણા મૂએલા કુટુંબીઓનો અવતાર નહિ હોય! મને તો આપણી ગાડીનો ઘોડો કેટલીય વાર મોટાબાપુનો જીવ લાગ્યો છે. આખો દિવસ તગડ્યો હોય, રાતની ટ્રેન પરથી આવતો હોઉં, ઠોકર ખાઈને એ... જઈ પડ્યો એવી બીક લાગે, ત્યાં તો પાછો ઊઠીને દોડવા માંડે.... મોટાબાપુ એવી જ રીતે મને ભૂલો કરતો રોકતા...’ આવી તો એ આગેવાનની વિચારણાઓ! એવા આગેવાનને નવી ગરમી આવે તેની રાહ એક સદી સુધી જુઓ તોપણ નકામું. સુરેશ પણ ખરો! દુલા શેઠે હાથ જોડીને અરજ કરી કે ‘આંહીં અમ ભેળા ભજન કરશો? મારે ઉંબરેથી જમવા ટાણે કોઈ જાય એ ગમે નહિ. જાણ્યું કે દબાયા છે — જુલાબ લાગ્યો છે! સુરેશને ચૂરમાના લાડુ વહાલા પણ ખરા. અને વળી અમે જેને નવા અગ્રેસર બનાવવા માગીએ છીએ તે વીરેન્દ્રભાઈને ત્યાં સુરેશ બે રાત રહ્યો ત્યાં તો વીરેન્દ્રભાઈને બહાર જવાનું બન્યું, ઘેર બૈરાંએ એકલાં ઢોકળાં રાંધ્યાં, સુરેશને દાળભાત કંઈક વધુ ફાવે, ઉપરાંત પાછી દુલા શેઠને ઘેર સામે પરસાળમાં જ ફળફળતાં દાળભાતે સોડમ દીધી, સુરેશ એક વિજેતાની અદાથી પંગતમાં બેઠો, છ લાડુ ચડાવી ગયો. જમવામાં ફોજદાર થાણદાર પણ હતા, ને ગાંડો થઈ ગયેલ એક ભરવાડ પણ હતો — એને પણ દુલા શેઠે એ જ પરસાળમાં બેસારી પોતે તાણ કરી કરી જમાડ્યો. એ જ પ્રમાણે સુરેશને આગ્રહ કરી ખવરાવ્યું. મતલબ કે દુલા શેઠ સૌથી ડરે, સૌને રાજી રાખે. બેશક અમારા માંહેનો સુરેશ અને ગામનો ફોજદાર, બેઉની એક જ ગણતરી રાખનાર માણસ જમાનાને નથી ઓળખતો એ તો સાફ વાત છે. જમ્યા પછી સુરેશને શેઠે ત્યાં જ આરામ લેવા રોક્યો. સુરેશને વહેમ તો પડ્યો જ, કે પાછળથી કાંઈક પતાવટ થવાની હશે. પણ સુરેશ ચા સુધી રોકાયો ને શેઠ એકલા હતા પણ કંઈ વાટાઘાટ થઈ નહિ. સુરેશે મારે વિશે ઉચ્ચારી પણ જોયું: હું બહુ કંટો છું, લીધો ખેધ છોડતો નથી, વગેરે કહ્યું; પણ શેઠ તો માત્ર એટલું જ બોલ્યા કે ‘હા, રવીન્દ્રભાઈના દાદા ભારી જબ્બર માણસ હતા. એની (અર્થાત્ મારી) મા તો જગદમ્બા હતી’ વગેરે વગેરે. બસ એથી વિશેષ કશો સંદેશો કે આજીજી તો ન કહાવ્યાં, પણ મારા પ્રત્યે દુ:ખધોખો પણ ન ઉચ્ચાર્યો. આ બધું મને ગમ્યું નહિ. ખેર, પત્યું. એક વાર હું અને સુરેશ મુંબઈથી અમારા પ્રદેશના કેટલાક ‘સળગતા પ્રશ્નો’ પર નેતાઓની સૂચનાઓ લઈને પાછા વળતા હતા (કહેવાની જરૂર નથી કે અમારા પ્રદેશના પ્રશ્નો સદાકાળ સળગતા જ રહેતા, કદી ઓલવાતા જ નહિ) ત્યારે ગાડીમાં એક વાઘરી કુટુંબ પણ અમારી સાથે જ મુસાફરી કરી રહ્યું હતું. પૂછપરછ કરતાં માલૂમ પડ્યું કે એ બધાં પણ અમારી જ રેલવે લાઈનનાં પ્રવાસીઓ હતાં. થોડી વારે સુરેશ કહે કે “રવીન્દ્રભાઈ, એક તુક્કો સૂઝ્યો છે.” “ન સૂઝે તો તું સુરેશ નહિ — બાબરગઢની કઢીનો નોક જાય. બોલ, શું છે?” “તેર આનાનું જ ખર્ચ છે.” “પણ કહે ને ઝટ!” “દુલા શેઠને એક તાર ઠપકારીએ. રોજ ચા ને પૂરી લઈને અમલદારોની ને મિલવાળાઓની ખિદમત કરવા સ્ટેશને હાજર થાય છે તે ખો જ ભુલાવી દઈએ. લખો તારમાં: કુટુંબ સાથે સાંજે છ વાગ્યાની એક્સ્પ્રેસમાં નીકળું છું. ચા-નાસ્તો મોકલવા કૃપા કરશો.” “અરે હેવાન!” મેં કહ્યું: “એમાં તું શું એની ખો ભુલાવવાનો હતો? મારે-તારે નામે તો એ દૂધપાક લાવશે.” “પણ હું ક્યાં મારી કે તમારી સહી કરવાનું કહું છું?” “ત્યારે?” “એલા તારું નામ શું, ભાઈ?” સુરેશે વાઘરીને પૂછ્યું. “રામલો.” સુરેશ મને કહે કે લખો, તાર મોકલનાર ‘રામલો.’ મેં તારમાં અંગ્રેજીમાં લખ્યું ‘Ramla’ અને સૂરત સ્ટેશનથી એ તાર ઝણકાવી મૂક્યો. વળતે દિવસે સાંજે હું અને સુરેશ એવા ભૂખ્યા થયા હતા કે એકબીજાને ખાઈ જઈએ એવું થતું હતું. મેં કહ્યું કે “ભાઈ, ચાલને રેસ્ટોરાંકારમાં જઈને પતાવીએ!” સુરેશ કહે કે “કલાકેક માટે શીદ બાજી બગાડવા બેઠા છો? આ કચરો ખાવો પડે એવું આપણા કપાળમાં વિધાતા કદી ન લખે. દુલા શેઠ લાવશે એ ચોક્કસ છે; આ રામલાનું કુટુંબ થોડું એ પામવાનું છે? દુલા શેઠ એની પોતાની જ શરમ ઢાંકવા માટે આપણને જમાડશે; ને હું તમને ખાતરી આપું છું, કે એ ઘરની રસોઈ એક વાર ચાખવા જેવી છે.” “ઠીક ત્યારે!” કહી હું તો પેટે પાયજામો ખચખચાવીને બેસી રહ્યો. ટ્રેન મહેશ્વર સ્ટેશનના યાર્ડમાં પેસતી હતી ત્યાં જ મને સુરેશ બતાવવા લાગ્યો: “જોઈ લ્યો, જોઈ લ્યો ભાયડાના ઝપાટા, રવીન્દ્રભાઈ! જોઈ લ્યો એ લાંબો કાબરો કોટ, છૂટે છેડે દુપટ્ટો; ને એ કાળી પાઘડી. જોઈ લ્યો પેચવાળો પિત્તળનો લોટો, કપ-રકાબીની થેલી, અને ટિફિન બાક્સ લઈને ઊભેલા બે માણસો. બટેટાનું શાક પણ ટિફિન બાક્સમાં લાગે છે. ને, એ જુઓ! ડબેડબે ઘાંઘા થઈને દોડે છે. એ જુઓ, આપણા ડબે આવે છે — જવા દ્યો એક વાર — આખી ટ્રેન જોઈ વળવા દ્યો. ઉતાવળ કરશો નહિ. આંહીં તો ઘણો વખત છે. એ... એ... એ ફર્સ્ટ સેકન્ડ જોઈ લીધા. હવે જુએ છે થર્ડના ડબા. તમે બેઠા રહેજો. હું જ ઊતરું છું. નીકર ક્યાંઈક બધું પાછું લઈને ઘરભેળા થઈ જશે.” એમ કહેતો સુરેશ પ્લૅટફૉર્મ પર ઊતર્યો, ને ડબેડબે ડોકિયું નાખીને “કોઈ રામલાલભાઈ છે આંહીં?” એવો પ્રશ્ન કરતા દુલા શેઠની સામે જોઈ કહ્યું: “આપ મહેમાનને શોધો છો ને ઓળખતા નથી?” એ કહે: “ના, નામ પણ સાંભળ્યું નથી. પણ એમણે તાર કર્યો છે, જમવાનું લાવવાનો.” “હાં હાં! હવે સમજ્યો.” એમ કહીને સુરેશે દુલા શેઠને લઈ જઈ પેલું વાઘરી કુટુંબ બતાવીને કહ્યું: “આ રહ્યું એ કુટુંબ.” ભાળીને દુલા શેઠ જરા છોભીલા પડ્યા. મને દેખ્યો એટલે વિશેષ ઝંખવાયા, છતાં મને પોતે સામેથી નમસ્કાર કરી પૂછ્યું, “ક્યાંથી, મુંબઈથી?” મેં કહ્યું, “જી હા.” ને નીચે ઊતરી હું એમને દૂર લઈ ગયો પછી સુરેશે ફોડ પાડ્યો. “એ જ રામલો. આપને તાર કરાવનાર એ જ છે. રવીન્દ્રભાઈને એણે કહ્યું કે આટલો તાર મેલી આપો. અમને નવાઈ તો લાગી. પણ અનુમાન કર્યું કે આપણા નવાબસાહેબનો કોઈક માનીતો શિકારી હશે ને એ હિસાબે આપને એ ઓળખતો હશે.” શેઠે સંભ્રમભેર ગજવામાંથી તાર બહાર કાઢીને નીચેની સહી વાંચીને મને બતાવી. મેં જોઈને કહ્યું: “હં – હં – સમજ્યો, આપના મનમાં એમ થયું હશે કે આ ‘રામલા’ લખ્યું છે તેમાંથી છેલ્લો ‘લ’ તારવાળાની ભૂલથી પડી ગયો હશે. મૂળ તો નામ ‘રામલો’ છે પણ અંગ્રેજીમાં તો ‘રામલા’ લખાય ખરું ને! ભારી થઈ. આ તો મારી અણસમજણથી આપના મનમાં ગોટાળો જન્મ્યો. ભારી થઈ.” “ના રે ના.” દુલા શેઠે મને કશું વધુ પૂછ્યા કે મૂંઝવણમાં મૂક્યા વગર કહ્યું: “એમાં શું થઈ ગયું? એ તો કણેકણે ખાનારનું નામ લખાઈ ચૂક્યું જ હોય છે. કાં તો પેલે ભવ એ બાપડાએ મને ખવરાવ્યું હશે, ને કાં આવતે ભવ એ ખવરાવવાનો હશે. કોને ખબર, હું જંગલમાં સસલું હઈશ ને એણે મને વગર માર્યે જીવતું જવા દીધું હશે. ઋણાનુબંધ કોઈને ન છોડે, રવીન્દ્રભાઈ!” આ એમ કહીને એણે ચાનો લોટો ને ટિફિન બાકસનું ખાનું મગાવી રામલા વાઘરીને કહ્યું: “લે ભાઈ, શેમાંક આ લઈ લે.” “પરભુ તમારું સવાયું કરે, બાપા! ધરમના થાંભલા છો, બાપ. વાહ દિયાળુ!” એમ કહીને એ તદ્દન અજાણ્યા વાઘરીએ હોંશેહોંશે પૂરીઓની ખોઈ ભરી લીધી. શાક ડબલામાં લઈ લીધું, ને ચાની હાંડલી ભરી લીધી. અને પછી એની પૂરા માસ ખેંચતી લાગતી ભારેપગી સ્ત્રીએ, એનાં એકથી લઈ પંદર વર્ષ સુધીનાં છ-સાત છોકરાએ જે મીઠી રુચિથી આ શાકપૂરીના મોટા મોટા ડૂચા વાળવા માંડ્યા તે નિહાળીને દુલા શેઠ કોઈ અદ્ભુત પ્રસન્નતા અનુભવતા બારી સામે ઊભા રહ્યા. બિચારો મારો સુરેશ! એની તો કંઈ દશા થઈને! શેઠ પેલા વાઘરીની ખોઈમાં જાતે ખાનું ઠાલવતા હતા ત્યારે તો સુરેશના મોતિયા જ મરી ગયા હતા. ખાનામાંથી પૂરીઓના પડતા ધોધને એણે હાથ આડા દઈને ન અટકાવ્યો એટલી એની સબૂરીની અવધિ ગણાય. પણ એ મોંએથી તો કહ્યા વગર રહી જ ન શક્યો કે “હાંઉ! હવે હાઉં! બસ, એમાં તો એમને ઘણું થઈ રહેશે. હજી હમણે જ અમે આગલે જંક્શને એને....” સારું થયું કે બાકીના બોલ સુરેશ ગળી ગયો. નહિ તો મને બીક હતી કે રામલો વાઘરી અબઘડી એ નિવેદનની સામે ‘પ્રોટેસ્ટ’ ઉઠાવશે. પૂરીનું બીજું પણ એક ટિફિન બાકસ હતું તે, તેમ જ બાકીની ચા, શાક વગેરે વેઇટિંગ રૂમમાં લઈ જવાનું માણસને કહી દુલા શેઠ — સુરેશની ધા પ્રભુએ સાંભળી હોય તેમ — અમારા બેઉના તરફ વળ્યા અને એમની હંમેશની અદાથી બે હાથ જોડી, સહેજ મોં મલકાવી બોલ્યા: “તમે તો મને કોઈ દિવસ ખબર આપતા નથી. જમી તો લીધું હશે. છતાં મારું બુઢ્ઢા માણસનું વેણ અત્યારે ઠાલશો નહિ. રાત જેવું ધાબું છે. હું બબ્બે પૂરી ને ચા લીધા વગર જવા નહિ દઉં. ચાલો વેઇટિંગ રૂમમાં.” એમ કહી સ્ટેશન માસ્તર તરફ ફરી “એ ભાઈ, કૃપાળુ, પાંચક મિનિટ ગાડી રોકાવજો!” કહેતા અમને લઈ જઈ બબ્બેની બાવીશ-બાવીશ પૂરી હાથ ઝાલીઝાલી ખવરાવી. પાછા અમારે ડબે આવીને રામલા તરફ — સહકુટુંબ — ખૂબ આહ્લાદભર્યા જોઈ રહ્યા, બે હાથ ઊંચા કરીને પૂછ્યું: “કાં, સૌનું પેટ તો ભરાણું ને! પાણીબાણી પીધું? બોલાવું પાણીવાળાને?” “ના રે, મારાં માવતર!” મોટા પેટને અધખુલ્લું થવા દઈને પણ લાજ કાઢીને વાઘરણ બોલી: “અમ માથે એટલો બધો ભાર કાં મૂકો, દાદા! સૌએ ધરાઈને ખાધું, મારા બાપ! ને પાણીયે પીધું. કેવું હેમ જેવું પાણી આ ઠેસણનું! કોઠે દીવા થઈ ગયા સૌને. હાંઉ દાદા! પધારો હવે, ઠાકર. અભરે ભરાવ તમારાં.” “અરે માવડી! તારાં ઠર્યે અમારાંય ઠરે જ! લ્યો, જે શ્રીકૃષ્ણ!” શેઠ અને વાઘરણના એવા વેવલા શબ્દોની વિડંબના વચ્ચે અમારી ટ્રેન ઊપડી ગઈ. પણ એકાદ સ્ટેશન વટી ગયા ત્યાં સુધી હું કે સુરેશ કંઈ પણ બોલ્યા વિના, રામલાની સામે પણ નજર કર્યા વિના, બહારનાં ઝાડવાં જાણે પાછળ દોડી રહ્યાં હોય એવા વિભ્રમમાં બારી બહાર જોઈ રહ્યા.
પરિવર્તન થાય છે, પણ તે અસ્થિર અને ચાંચલ્યમાન વસ્તુઓનું. સનાતન અને સર્વકાલીન જે કંઈ છે તેને તો ફરવાપણું હોતું નથી. સંયોગો ફરે છે, અંતર્ગલ અચલ તત્ત્વો એને કારણે જ પલટાતાં ભાસે છે. દોડતી તો હતી આગગાડી, પણ બહારનાં ઝાડવાં જ દોડતાં હતાં, અમે જાણે નિશ્ચલ હતા. મારે વિશે પણ થોડાં વર્ષે એવો પરિવર્તનભાસ થવા પામ્યો. એકાદ વખતના વિફલ જેલવાસ પછી મને લાગ્યું કે હું કંઈક નિરાળા પંથે કામ કરવા નિર્માયો છું. એટલે હું મુંબઈ જઈ મારા મામા સાથે વ્યાપારમાં જોડાયો. સુરેશને પણ એમ જ લાગ્યું કે પોતે જોકે રાજકારણમાં સૌનો બરોબરિયો — અને કેટલાંકનાં તો માથાં ભાંગે તેવો — હોવા છતાં ફક્ત એક વાર ભૂતકાળમાં બાબરગઢનો દરબારી ખવાસ હતો તેટલા કારણસર એના નેતાપણાની બીજા સૌને સૂગ આવતી રહે છે. એટલે કે સુરેશ હંમેશાં મહાભારતના કર્ણની અવદશાનો અનુભવ કરતો હતો. તેથી કંઈક કરી દેખાડીને પછી જ પાછા આવવું એવા વિચારે એ પણ મારી સાથે આવ્યો. વાત ખરી હતી. લડતના સંચાલનમાં અમારે હસ્તક ખરચાયેલા રૂપિયાનો હિસાબ વારેવારે મગાય તેનો તે અર્થ જ બીજો શો કરી શકાય? એનો અર્થ એક જ, કે અમારે હવે તો સદાના શંકાથી પર, કોઈ આંગળી ચીંધે તો એની આંગળી જ કાપી નાખીએ એવા બનીને જ પાછા આવવું રહ્યું. સાતેક વર્ષે અમે ઊંચું માથું કર્યું. અને અમે શું જોયું? બાજી બગડી ગઈ હતી. ઇમારત જેટલી ચણીને મૂકી ગયેલ તેટલી પણ તૂટી પડી હતી. પાછળ રહેલાઓ પ્રજાનો વિશ્વાસ ગુમાવી બેઠા હતા. મેં કહ્યું: “સુરેશ, હવે તો ચણતર જુદી જ ઢબે ચલાવવું પડશે.” એણે કહ્યું કે “હુંયે, રવીન્દ્રભાઈ, તમને એ જ કહેવા જતો હતો. આપણે બંનેએ સત્ય જોયું છે, માટે એ સત્ય જ હોવું જોઈએ.” મેં કહ્યું કે આપણું સ્થાન રાજ્ય અને પ્રજાની મધ્યમાં મધ્યસ્થો કહો કે તટસ્થો કહો તેનું છે. મારો પડઘો બનીને એણે હા કહી. મારો પડછાયો બનીને એ જોડે ચાલ્યો. તે પછી હું ક્યારે મારા ગામમાં આવીને બેસી ગયો, ક્યારે મેં ગામની પાંજરાપોળમાં ટ્રસ્ટીપદ મેળવ્યું, ટ્રસ્ટીઓનો પ્રમુખ બન્યો, ગામની શાળા માટે ગૌચરની જમીન કઢાવીને મારા મિત્રની વિધવા પાસેથી મકાન માટે રૂપિયા મેળવ્યા, ખાતમુરત કાઉન્સિલના પ્રમુખને હાથે અને વાસ્તુ નવાબ સાહેબને હસ્તે ક્યારે કરાવ્યું, અંગ્રેજી કમ્પોઝિટ સ્કૂલના મનોરથો મારામાં ક્યારે જન્મ્યા, ને મેં એ સ્વપ્નનું પણ સત્ય ક્યારે કરી બતાવ્યું, સ્મશાનની છાપરી, નદીનો આરો, સૅનેટોરિયમ, સ્ટેશન, બાળક્રીડાંગણ, તળાવ, ઉદ્યોગશાળા, ધર્માદા દવાખાનું વગેરે એક પછી એક લોકસેવા પ્રવૃત્તિનાં પગથિયાંની ગગનચુંબી નિસરણી મેં ક્યારે બનાવી કાઢી, એ તો હું આ નિસરણીની ટોચે પહોંચીને ઊભોઊભો નીચે નજર કરતો હતો ત્યારે મને પોતાને પણ સમજાયું નહિ, તો સુરેશને તો ક્યાંથી જ સૂઝ પડે? તમ્મર આવે છે. અને મને પોતાને જ હસવું આવે છે. ઓહો રવીન્દ્ર! આ તે તારી શી બલિહારી! તારો કાગળનો કકડો, તારનો ટુકડો, બહુબહુ તો તારો એકાદ ફેરો, ધાર્યાં નિશાન પાડે છે. તને ગાંધીજી બોલાવે છે ને પાણી પાણી બને છે, તને દીવાન તેડાવે છે ને સંકડામણમાંથી માર્ગ કાઢવા કરગરે છે. તને હિંદુઓ પોતાનો ગણે છે ને મુસ્લિમો પાકો પાકિસ્તાની સમજે છે. તને પત્રકારો ગુપ્ત રાજરહસ્યો પૂછતા આવે છે અને અમલદારો એનાં પેટ તારે ખોળે ખાલી કરે છે. તને ઉદ્યોગપતિઓ શોધે છે, અને તું એમની યોજનાઓને પાર ઉતારી આપે છે. તારી ભાગીદારી, તારાં શૅરો ને કમિશનો તેઓ નક્કી કરી નાખે છે, ને તને તો પાછળથી એની ખબર પડે છે, કે જ્યારે ના પાડવાનું અતિ મોડું થઈ ગયું હોય છે. તેં તારાં માતુશ્રીને, પિતાશ્રીને, મૃત પુત્રને, પત્નીને, ધાવણી પુત્રીને, અહો, કેટલાંકેટલાંને ગામની સંસ્થાઓમાં નામ જોડી અમર કર્યાં! સુરેશે તે દિવસ જે પ્રતિજ્ઞા લીધેલી તે સાચી પડી, તે દિવસ સો-પાંચસોના ફાળાના હિસાબ માટે પણ શંકિત બનતી આંખોને બદલે આજે હજારો-લાખોના મારા હસ્તકના વહીવટને, હેરફેરને, ઇજારાઓને, કૉન્ટ્રેકટોને, અનાજની વ્યવસ્થાને, કંઈ કરતાં કંઈને પણ આંગળી ચીંધાડનાર કોઈ માઈનો પૂત નથી, કારણ તેઓ જાણે છે કે એવું ચીંધામણ કરનારી આંગળી છેદાઈને હેઠે પડશે. જીવનમાં એક પછી એક પર્વો ને પ્રસંગો આવ્યાં, તેમાં દુલા શેઠને તેડાવવાનું હું ચૂક્યો નથી. એની સાત પેઢીની આગેવાની મેં લઈ લીધી છે એવું મેં તો એને લાગવા દીધું નથી, પણ રાજ્ય અને પ્રજા પોતે સ્વયમેવ જે ફેરફાર સમજી બેસે તેનો શો ઉપાય! એ પણ બરાબર સમજે છે — અથવા તો સમજવા જેટલા અક્કલવાન નથી, નથી ઓળખતા — મશ્કરી કઈ ને ગંભીરતા કઈ. એ તો જાણે કે ડઘાઈ જ ગયા છે. નવાબ કે દીવાન કે દેશનેતા એને કંઈ પૂછવા સલાહ લેવા જાય છે તો બસ એટલું જ કહી દે છે કે ‘મને તો શી ખબર પડે? રવીન્દ્રભાઈને પૂછો’. ખબર ફક્ત એક જ વાતની પડે છે — મહેમાની કરવાની. રામલાલ અને રામલો વચ્ચેનો તફાવત એને આજે આટલી સ્થિતિએ પણ ન સમજાયો. સ્થિતિ એમની સારી પેઠે પાતળી પડી ગઈ છે. બીજાઓને ગમ નથી પડતી, પણ હું જાણું છું. પીરસતી વેળા એમના પુત્રના હાથમાં ઘીની તપેલી થોથવાય છે એ શું હું ન સમજું? પાંચનું રંધાવી પચીસને પાટલે બેસારે અને પછી ‘શાક પીરસો! એલા આંહીં બીજી વાર શાક પીરસો!’ એવી બૂમો પાડતા જ હોય છતાં અંદરથી શાક ન આવતું હોય તે પરથી શું હું ન સમજું? અરે સમજુ હોય તેને તો એના ઘોડાની લાદ તપાસ્યે પણ સમજાઈ જાય — એ લાદમાં બાજરાનો દાણો કે ચણ્યો દેખાતો નથી હવે. ધીરધાર ડૂબી, અમુક ધંધા તો કહેશે કે ગામના બીજાઓની હરીફાઈમાં અમારાથી થાય નહિ, રાજ્યે ખાડાની જમીન પાણીને મૂલે મને આપી ત્યારે એવી જ બીજી જમીન અમને પણ આપવા કહ્યું, તો ‘ઉંહું’ કહીને લોકોના ડરથી દૂર નાઠા; ને લોકજીભ હરફ સરખોય ન ઉચ્ચારી શકે, ભયથી કંપી ઊઠે એવું તો કાંઈ કરતાં આવડ્યું નહિ. કેટલીક વાર મેં કહ્યું કે આટલા બધા ઉદ્યોગો રાજ ઊભા કરાવે છે, અરે કુંવર સાહેબો, બેગમ સાહેબો અને દીવાન સાહેબ, સર ન્યાયાધીશ સાહેબ પણ ભાગ રાખે છે, તો તમારો — તમારા નામનો નહિ તો તમારા નાનુભાઈનો, અરે એનો નહિ તો નાનુના દીકરા વિજયચંદ્રનો ભાગ રાખો. નવાબ સાહેબ પોતે કહેવરાવે છે, પણ સીંદરીએ બળ્યા પછી પણ વળ છોડ્યો નહિ. આજે ઓચિંતા આવ્યા. હું તો મેડી પર હતો. સુલોચનાના દાગીના ત્રણ સાલ પહેલાંના ઘડાવેલા એટલે નવી ફૅશન મુજબના નવેસર ભંગાવીને કરાવવા માટે મુંબઈ લઈ જવા હતા તેથી સુલોચનાને પૂછી લેતો હતો, અથવા તો એ સાથે જ આવે તો કડાકૂટ નહિ એથી એને તૈયાર કરતો હતો. લપીલી કંઈ ઓછી છે? દર મુસાફરી ટાણે સાડી, પોલકાં ને ઘાઘરા પણ સાથે કયાં કયાં લેવા તેય મારી કને પસંદ કરાવીને જ જંપે, નહિ તો ત્યાં સુધી બૅગ ને ટ્રંક ભરે જ નહિ! — એ વખતે પોતે આવ્યા હતા. હું તો નીચે ઊતર્યો ત્યારે જોયા. સહેજ ઝોકે આવી ગયા હતા એટલે આવ્યે વખત પણ ઘણો થયો હશે. મેં ધનાને ધમકાવ્યો: “મને ઉપર આવીને કહ્યું કેમ નહિ?” એણે તુરત જવાબ વાળ્યો કે “તમે જ કહ્યું છે કે બેમાંથી એક ઠેકાણે — કાં ઉપર ને કાં બુલાખીભાઈને ઘેર હો ત્યારે—” બુલાખી મારા મરહૂમ મિત્ર હતા. “બેસ! બેસ ડાયલા!” કહી એને અસંબદ્ધ વાતો કરતો રોકી મેં દુલા શેઠનો બરડો થાબડ્યો ને કહ્યું: “હવે તો રાતના ઉજાગરા છોડો! નહિ મારી કાકી સરગમાં હારે આવે.” એણે મૂંગું મોં મલકાવી પ્રસન્નતા બતાવી. મેં પૂછ્યું: “કહો, આજે સાંજે મુંબઈ જાઉં છું. કંઈ મગાવવા કરવાનું? કંઈ કહેવાનું? હેમુને કોઈ બીજે ઠેકાણે બદલવો છે?” (હેમુ એમનો નાનો પુત્ર.) પોતે ડોકું ધુણાવીને જ સહાસ્ય ના પાડી. “કાં નહિ? રાજના બંગલા પર રખાવી દઉં.” “ના. ટિપાય તે જ સારું.” “સા....રું! કહો, બીજો કાંઈ હુકમ? ઓણસાલ કેમ છે ઉઘરાણી? કોઈ કળને દબાવીને ઠેકાણે લાવવા જેવું હોય તો કહો; મહેસૂલી સાહેબને કહું.” એમણે ફરી ડોકું ધુણાવ્યું. “પડો ખાડામાં.” એવું મનથી બબડીને હું તો બેઠો. એ બોલ્યા: “ભાઈ, બરડો મારો જોયો ને?” મેં પીઠ થાબડી હતી તે પરથી પૂછ્યું લાગ્યું. મેં કહ્યું: “હા, તેનું શું?” “તેનું તો હવે બોદું કહેવાય, ભાઈ. હું હવે કાઢી કાઢીને કેટલાંક કાઢીશ?” “પણ તેનું છે શું?” હું તો વરસોથી લમણાં ફોડું છું કે તમારો ભાગ એક-બે કંપનીઓમાં રાખીએ.” જોરથી હવામાં હાથ વીંઝીને એમણે કહ્યું: “એની વાત નથી.” “ત્યારે?” “રાજ નવા કર નાખનાર છે. હું હાથ જોડીને કહેતો આવ્યો છું કે હું બેઠો છું ત્યાં સુધી માફ રાખો. મારું મોત ન બગાડો. મારાં ધોળાંમાં ધૂડ પડશે. માણસો મારા નામ માથે થૂંકશે.” મેં કહ્યું: “એમાં તો હવે શું થાય?” “તમારાથી શું ન થાય?” “ના. પણ નવાબસાહેબની સહી થઈ ગઈ.” “બસ! ને તમે ભાઈ — તમે રવીન્દ્રભાઈ, કાંઈ ન બોલ્યા?” “બોલવા જેવું નથી.” “બ....સ? તમે ઊઠીને ‘ક્વિસ્લિંગ’ થયા કે?” ક્વિસ્લિંગ શબ્દ એમણે કોણ જાણે ક્યાંથી પકડ્યો હશે. મને એ બદનામી આપતાં હું ઊભો થઈ ગયો. મેં કહ્યું: “મારે હવે કાંઈ સાંભળવું નથી. બીજું કાંઈ કામ? બોલો, મારે ઉતાવળ છે.” “ના, કાંઈ નહિ. હું આ ઊઠ્યો.” એટલું બોલીને એણે હાથ જોડ્યા. એની આંખોમાં ઝળઝળિયાં હતાં. એક-બે લથડિયાં લઈને એ બહાર નીકળી ગયા. મારે રૂંવે રૂંવે ઝાળ લાગી. મને ક્વિસ્લિંગ કહ્યો! દીવાન સાહેબનો મુકામ અહીં જ હતો. મેં જઈ એમને આ વાત કરી. ત્રણ જ દિવસ પછી દુલા શેઠ પર નવાબસાહેબની સહીથી કાગળ ગયો. લખ્યું હતું કે “રાજ તરફથી તમારા ઘરને ત્રણ પેઢીથી મળતાં ગાડી-ઘોડો પાછાં ખેંચી લેવામાં આવે છે અને તમારી સલામ બંધ કરવામાં આવે છે.” તે પછી પખવાડિયે દુલા શેઠનું અવસાન થયું; અને કહેવાની ભાગ્યે જ જરૂર છે કે — એ ઘોડો ને ગાડી મારે ઘેર આવ્યાં છે.