મોહન પરમારની વાર્તાઓ/૬. ઘોડાર
ઘોડારની આજુબાજુની કાંટાળી વાડ હમણાંથી ઢીલી પડી રહી હોય તેવું રણમલને લાગ્યું. એનો સાથીદાર અમરસિંહ નવોસવો હતો. ભારે આળસુ. એની આળસ કોઈવાર નડી જાય તો નવાઈ નહિ. જોકે અમરસિંહ પર આધાર રાખીને એ બેસી રહે તેવો નહોતો. બધે એનું ધ્યાન રહેતું. પણ હમણાંથી ઘોડારની આસપાસ કશુંક અજુગતું બનશે એવી ચિંતા એને સતાવતી હતી. ઘોડા લઈ જવાની તો કોઈની હામ નહોતી. કોઈ ઈર્ષાળું, ઘોડાઓને કાંઈ નુકસાન કરી જાય તો પોતાનું આવી જ બને. ઘોડારની આગળ ખુલ્લું મેદાન હતું. મેદાન ઘોડા દોડાવવાના કામમાં આવતું. મેદાનની હદ પૂરી થયા પછી ઝૂંપડાંની હારમાળા શરૂ થતી. ગરીબોના ઝૂંપડાં નાનાં-મોટાં કામ કરીને કમાઈ ખાનારાં, કલાકાર જીવ હતાં એ. ગણેશોત્સવ વખતે ગણપતિની મૂર્તિઓ ખરીદવા માટે અહીં પડાપડી થતી. ભરતગૂંથણ, વાંસના ટોપલા, ખાટલા, નનામીઓ જરીકામ, માટીનાં વાસણો વગેરે કામગીરીમાં પાવરધાં. જે કાંઈ કરે તે દિલ દઈને કરનારાં. કોઈની હાયે નહિ કે નાયે નહિ. પોતામાં રમમાણ. વાર-તહેવારે ભારે આનંદ ઉલ્લાસમાં રહેનારાં, બિચારાંની કશી કનડગત નહિ. દરબારગઢમાં જતાં-આવતાં આ લોકોની રણમલ સારસંભાળ લેતો. બિચારાં અછોવાનાં કરતાં. આમ જુઓ તો એય શું હતો? નાનપણમાં ગરીબાઈ જોયેલી એટલે આ ઝૂંપડાવાસીઓ પ્રત્યે માયા-મમતા બંધાઈ ગઈ હતી. જો આ બધાં સ્વજનો હોય તેવું એને લાગી રહ્યું હતું. દરબારે થોડા વખતથી ઉપાડો માંડ્યો હતો કે નગરનો આટલો રળિયામણો નદીકાંઠો, એના કિનારે ઝૂંપડાં ન શોભે વિશ્રામગૃહ શોભે. હટાવી દો. ભાયાતો અને સાગરીતો ટાંપીને બેઠા હતા. જગ્યા એવી રમણીય હતી કે ઝૂંપડાની જગ્યાએ વિશ્રામગૃહ બને અને તેને અડીને રાજદરબારીઓના આવાસો બંધાય તો મજા પડી જાય. પોતાના આવાસની અટારીઓમાંથી નદીનો કિનારો જોવાના અભરખા બધાને જાગેલા. દરબારનો હુકમ થયો અને પેલા ગેલમાં આવી ગયા. રાતદા’ડો આ ઝૂંપડાં આગળથી પસાર થતા રણમલને તે ખૂંચ્યું. પણ શું કરે? ઘોડારનો એ ખાસદાર, ને પાછો ખવાસ. રાજપૂત હોય તો બે આંખોની શરમમાં નાખી દરબારને મનાવી લેવાય. અરે, કોઈ સાગરીત ટેં ટેં કરે તો એની સામે લાલ આંખ પણ કરાય. આ મામલામાં પોતાનો ગજ વાગે તેમ નહોતો. ઝૂંપડાં આગળથી પસાર થતો ત્યારે એના રહીશોની દયાજનક સ્થિતિ જોઈને એના પગ થંભી જતા. ઝૂંપડાં આગળ રમતાં મેલાંઘેલાં છોકરાં સામે એકીટશે તાકી રહેતો. દરબારનો હુકમ થયા પછી ઝૂંપડાવાસીઓ કરતાંય એને વધારે ફફડાટ થયો હતો. ધમધમી રહેલી ઝૂંપડપટ્ટીનો આનંદ-ઉલ્લાસ કાયમ માટે શમી જશે કે શું? એ તો બિચારાં નિઃસહાય. મુકાબલોય કોની સામે કરે? સત્તા અને બળ આગળ એમનું શું જોર? ધારો કે દરબાર એમના હુકમનો તાત્કાલિક અમલ કરાવે તો? તો આ લોકો કરતાં પોતે નોંધારો બની જાય. પડોશી ગણો કે જે ગણો તે આ લોકો હતાં. તે જાય પછી તો... પણ એથીયે વધારે તો આ લોકો કરતાં પોતે નોંધારો થઈ શું કરશે તેની એને ચિંતા હતી. થોડા દિવસથી આ બિચારાં, હતાશ બની બેઠેલાં. રણમલથી કશું અછાનું નહોતું. નગરમાંથી તરેહ તરેહની વાતો આવે અને ઝૂંપડાંવાસીઓના જીવ અદ્ધર થઈ જાય. આમ પોચકાં પાડે કશું ન વળે. કાંઈક માર્ગ કાઢવો પડે. જાણે કશું બનવાનું નથી તેમ ઠંડે કલેજે કામમાં બધાં ગળાડૂબ. એમનાં કરતાં તો રણમલને બળતરા વધારે હતી. એણે પોતાનો મત પ્રગટ કર્યો. ‘તમે દરબારને વિનંતી તો કરી જુઓ!’ ‘દરબાર સુધી જવાની અમારી હેંમત ના ચાલે ભૈસાબ...’ ‘તો કરશો શું?’ ‘જેવાં અમારા ભાયગ.’ રણમલને ઝૂંપડાંવાસીઓની વાત સાચી લાગતી હતી. પણ એય શું કરે? દરમિયાનગીરી કરી શકાય એમ નહોતી. પારકી પંચાતમાં કદાચ... દરબારના ભાયાતોની આ બાજુ હમણાંથી અવરજવર વધી પડી હતી. ઘોડારના મેદાનથી માંડીને નદીકિનારા સુધીનું માપ લેવાઈ ગયું હતું. હવે માત્ર ઝૂંપડાં ખસેડવાની કાર્યવાહી જ બાકી હતી. ઝૂંપડાંવાસીઓનો મુખી ઢીલોઢસ થઈને ઘોડારના દરવાજા આગળ ઊભો રહી ગયો, રણમલને ફાળ પડી. ‘કેમ ઢીલો લાગે છે, દેવસી!’ ‘બે દા’ડામાં અમારાં ઝૂંપડાં...’ ‘પણ તમારી બીજે રહેવાની વ્યવસ્થા તો થઈ હશે ને!’ ‘કોઈ મગનું નૉમ મરી પાડતું નથી. શું કરીએ? અમીં તો લૂંટઈ જ્યા બાપા!’ એના મોં પર ભારોભાર વ્યથા છલકાઈ રહી હતી. એ ધીમે પગલે જવાનું કરતો હતો. રણમલે એના ખભા પર હાથ મૂકી દેતાં કહ્યું : ‘પછી તમે દરબારને મળ્યા?’ ‘અમીં જ્યાંતા. પણ કોઈએ દરબારગઢમાં પેહવા જ ના દીધા.’ એની આંખોમાં પાણી ઊભરાઈ આવ્યું. રણમલે એને લીમડા નીચે લઈ જઈને ખાટલા પર બેસાડ્યો. નિઃસહાય હાલતમાં એને બેઠેલો ભાળીને રણમલે એની પીઠ પસવારતાં કહ્યું : ‘તું ચિંતા કરીશ નહિ. સહુ સારાં વાનાં થશે.... દેવસીને રણમલના શબ્દોમાં ભરોસો દેખાયો. હામ એકઠી કરીને એ ગયો. રણમલ માંડ સ્વસ્થ થઈને ઘોડા માટે ચંદી તૈયાર કરાવવા રાંધણીયામાં પેઠો, ત્યાં દરબારગઢમાંથી તેડું આવ્યું. ક્ષણભર તો દરબારગઢમાંથી આવેલા સેવકને ના પાડી દેવાની ઇચ્છા થઈ. ઘોડારમાં વચ્ચોવચ આવેલા પાણીના હોજ પાસે માણસો ઘોડાઓને નવડાવી રહ્યા હતા. સૂર્યના કિરણો ઘોડાઓના દેહ પર પડેલા પાણીમાં ચળકી રહ્યાં હતાં. રણમલને તે ચળકાટ ન ગમ્યો. પોતાની સામે એકધારું જોઈ રહેલા દરબારગઢના સેવક સામે હસીને તેડું સ્વીકાર્યું. સેવક ગયો. ને એને ઘોડાની ચામડીનો ચચરાટ નડ્યો, હોજથી સહેજ દૂર છાપરાંની નીચે હારબંધ બાધેલા ઘોડાઓ પર એની દૃષ્ટિ પડી. દુબળા અને તગડા ઘોડાઓની રીતરસમમાં એને કશોક ફેર વરતાયો. ડાબી હરોળમાં બાંધેલા માયકાંગલા ઘોડાઓનાં દુબળા રૂપરંગ ભાળીને એને મનમાં કશુંક ઘવાતું લાગ્યું. એ ઉત્પાત કરવા લાગ્યો. હારબંધ બાંધેલા ઘોડાઓનાં ડામણ આજે અળખામણાં લાગ્યાં. ઘોડાના તોબરામાં ચંદી નાખવા દોડાદોડી કરતા સેવકોને ઘડીભર રોકી લેવાનું મન થયું. પણ એણે એમ ન કર્યું. ખાસ્સા એવા લાંબા ઘેરાવામાં પથરાયેલી ઘોડારની રોનક જોઈને એની છાતી ગજગજ ફૂલી. મનમાં પોરસ ચડ્યો : ‘હું આ ઘોડારનો ખાસદાર. આ બધું મહેનત વિના થોડું થાય છે! જાત ઘસી નાખી છે, પણ દરબારને મારી ક્યાં કદર છે? બે વર્ષથી મારી મદદમાં આવેલા અમરસિંહ પર એમને ભરોસો છે. કેમ?’ આંખો સામે એક ગામ દેખાયું. નાનકડું તે ગામના ફળિયામાં જર્જરિત માટીનું ઘર. ઘરના આંગણામાં ફાટેલાં લૂગડાં પહેરીને રમતો બાળક અહીંતહીં આથડી રહ્યો છે. ઘોડાને નવડાવવા નદીકિનારે લઈ જતા ખવાસનો દીકરો. નાનકડા ગામના દરબારને ત્યાં દાસીપણું કરતી માનો દીકરો. મન અકળાયું. એણે ઘોડારમાં લાંબો આંટો માર્યો. માયકાંગલા ઘોડાઓની એને દયા આવી. ને એને દેવસી યાદ આવ્યો. દેવસીએ કહેલું બધું તાજું થયું. ખરેખર તે સાચું હશે? નદીકિનારે આવેલાં આ ઝૂંપડાં વિશ્રામગૃહ બાંધવામાં ક્યાં નડે તેવા છે? કે પછી દરબારની કોઈએ કાનભંભેરણી કરી હશે? આટલા સમયથી પોતે દરબારગઢમાં જતો-આવતો હતો તોય આ વાતની ગંધ કેમ ન આવી? બધું રહસ્યમય થયું હતું. આજકાલનો અમરસિંહ દરબારગઢની રજેરજ વાત જાણતો હતો, ને પોતે? કોઈએ પોતાના બેય પગે ડામણ બાંધી દીધા હોય તેવું લાગ્યું. મારી નિષ્ઠાનું બસ આ જ ફળ? ઘોડાર અને મેદાનની વચ્ચે આવેલી ધરુવાડીમાં હમણાંથી એણે રોપા કરાવેલા. બધું લીલુંછમ્મ. આંખો ઠરે એવું. આ બધું પોતે કોના સારું કરતો હતો? દરબારની ઘોડાર દીપી ઊઠે તેવો ઉમંગ હમણાંથી કેમ કરી રહ્યો છે? એને કાંઈ સમજાતું નહોતું. દરબાર-ગઢમાંથી તેડું આવ્યું ત્યારે રતિભાર ઉમંગ ઉછળ્યો હતો. પણ દુબળા ઘોડાની જેમ પાછું બધું ઠંડુંહેમ. પહેલાં તો દરબારનું તેડું આવે એટલે કૂદકા મારતો દરબારગઢમાં પહોંચી જતો. હવે? એની નજર મેદાનનીય પેલી પાર છૂટાછવાયા ઝૂંપડાં પર પડી. ન સમજાય તેવી ત્યાં શાંતિ હતી. એ નવોસવો આ નગરમાં આવ્યો ત્યારે આ ઝૂંપડાંના લોકો એનો સહારો હતાં. તે સાચું પૂછો તો આ ઘોડાર આખા પંથકમાં પંકાઈ છે તે કોના લીધે... આ ઝૂંપડાંવાસીની તનતોડ મહેનતને કારણે. રાતદા’ડો બિચારાં ઘોડારમાં પડ્યા પાથર્યા રહીને કામ કરે. શું આશા હતી એમને? એમને કઈ મહેલાતો બાંધવાની છે? માત્ર બે ટંકનું ખાવાનું મળી રહે એ જ ઇચ્છા... એ ઘડીભર મૌન થઈ ગયો. પછી કપાળ પર હાથ પછાડ્યો. મન ખારું થઈને ઘોડાર સોંસરવું ધરુવાડીમાં પેઠું. તડકામાં તપતાં મજૂરો પોતાની પ્રતિકૃતિ જેવાં લાગ્યાં. ને એ હલબલી ઊઠ્યો. ધરુવાડીમાં નીંદણ કરતી મજૂરણ બાઈઓના લાલ-લીલા-પીળા સાડલા ફૂલોની જેમ પથરાયેલા હતા. તે દૃશ્ય જોવામાં રણમલ જાણે બધું ભૂલી બેઠો. બે પગ જમીનમાં રોપીને એણે ધરુવાડીમાં ચોમેર નજર ઘુમાવી. ધરુવાડીના શેઢા પર લીમડાના છાંયડા નીચે બેઠેલી બેત્રણ સ્ત્રીઓ પર અમરસિંહ વીફર્યો હતો. રણમલને ફાળ પડી. ધરુવાડીમાં ઝાંપલી ખોલીને એ દોડ્યો. લીમડા નીચે આવતાં આવતાં એ હાંફી ગયો. અમરસિંહ પેલી સ્ત્રીઓને ગાળો ભાંડી રહ્યો હતો. બે સ્ત્રીઓ નીચું ઘાલીને જમીન ખોતરી રહી હતી. ને એક સ્ત્રી છીંકણી તાણતી તાણતી અમરસિંહની સામે ઠંડા કલેજે જોઈ રહી હતી. રણમલને પાસે આવેલો જોઈને અમરસિંહ વધારે વીફર્યો. ‘સાલી હરામ હાડકાંની છે. કામ તો કરવું નથી, ને મજૂરી આખા દા’ડાની લેવી છે.’ રણમલે પેલી છીંકણી તાણતી સ્ત્રીઓ સામે જોયું. સ્ત્રી સહેજ મલકી. પછી બોલી : ‘તમીંય અમરભા, ઑમ શું કરો સો? હજુ તો છેંકણીની એક ચપટીય ભરી નથી ને તીં તો કૂતરાની જેમ ભહવા માંડ્યા!’ ‘બંધ થઈ જા રાંડ!’ ‘ગાળ શું કૉમ બોલો સો ભા! તમીં અમને બે પૈસાય ઉછીના આલ્યા હોય તો કો!’ ‘ચૂપ!’ કહીને અમરસિંહે હોઠ પર આંગળી મૂકી. પેલી સ્ત્રી સમસમી ગઈ. એની આંખોમાં ખારાશ ઊભરી આવી. એણે જાળવી રહીને છીંકણીની દાબલી બંધ કરીને ચોળીમાં મૂકી. પછી પેલી બે સ્ત્રીઓને હચમચાવી મૂકતાં બોલી : ‘હેંડો’લી, આવા માંણહનું મોં ખોલવવુંય નકૉમું.’ એ સ્ત્રી ઊભી થઈ. પેલી બે સ્ત્રીઓ ઊભી થઈને એની સાથે ચાલવા લાગી. રણમલ જોતો જ રહી ગયો. એને અમરસિંહ પર પારાવાર ગુસ્સો ચડ્યો. આજકાલનો આવડો આ મારી હાજરીની પરવા કર્યા વિના સ્ત્રીઓનું અપમાન કરી રહ્યો છે. શા માટે?... એને ઝનૂન ચડ્યું. અમરસિંહને ધમકાવી દેવાની વૃત્તિથી એ આગળ વધ્યો. અમરસિંહની આંખોમાં જોયું. અમરસિંહની આંખોમાં નગરના દરબાર ડોકાયા. એ બે ડગલાં પાછો પડ્યો. અમરસિંહ કાળભૈરવની જેમ એને ડરાવી રહ્યો હતો. પોતે સાવ ઠરીને ઠીકરું. તોય કહેવા ખાતર એ બોલ્યો : ‘આવું ન કરવું જોઈએ અમરભા!’ ‘તો શું કરું બોલો?’ અમરસિંહ કરડાકીથી બોલ્યો. ‘બીજું તો શું કરવાનું હોય. બિચારી બેઘડી વિસામો લેવા બેઠી તેમાં શું થઈ ગયું?’ ‘તમે જ આ લોકોને મોઢે ચડાવ્યાં છે.’ ‘કેમ, એ માણસ નથી?’ ‘ધરુવાડીના ધરુ સમયસર નહિ થાય તો ઘોડાઓને ખવડાવશો શું?’ ‘બાજરા-ચણાની ચંદી તો છે ને!’ ‘બહુ થયું હવે. દરબારને જવાબ આપો તમે!’ કટાણું મોં કરીને અમરસિંહ ચાલવા લાગ્યો. રણમલ એની પીઠ પર એકીટશે તાકી રહ્યો. અમરસિંહના ધબધબ થતા પગથી ધરુવાડી ધ્રૂજતી હતી. કેમ? કેમ કે... એ બધું વિચારી શક્યો નહિ. ધરુવાડીમાં ઊડતી નજર નાખીને એ પોતાના રહેઠાણ તરફ વળ્યો. ઘોડારની બાજુમાં જ એનું રહેઠાણ હતું. આ રહેઠાણ આગળ એણે એક લીમડો વાવેલો. તેય અત્યારે તો ઘટાદાર બની ગયો હતો. તગતગતી ગરમીમાં ઘોડારમાંથી નીકળીને એ ક્યારેક આ લીમડા નીચે શ્વાસ ખાવા બેસતો. તેવે વખતે એને એક વિચાર આવતો : ‘આ લીમડોય ઘટાદાર થઈ ગયો ને પોતે તો હજુ ખાસદાર...’ ત્યારે એને પોતાની જાત માટે શરમ આવતી. ક્યારેક થતુંય ખરું કે આ બધું છોડીને પોતાના ઘરે જતો રહે. કોઈનો સાથી-ભાગીયો બની ખેતીવાડી કરે. પત્ની બિચારી ત્યાં એકલીઅટુલી હિજરાતી હતી, ને પોતે અહીં એકલો. થોડા દિવસ માટે એ પત્નીને અહીં લાવેલો ત્યારે દરબાર આંતરાદા’ડે ઘોડાની હરીફાઈ યોજતા. ને ઘોડારના નાનકડા આરામગૃહમાં આરામ ફરમાવતા. ત્યારે લીમડા નીચે હરફર થતી. રણમલની પત્ની જોઈને એમની આંખો ચાર થતી. પછી તો હરીફાઈ વખતે એમણે આરામગૃહમાં જવાનું જ છોડી દીધેલું. તેઓ લીમડા નીચે ખુરશીઓ નાખીને બેસતા. તે વખતે એમના હજુરીયાઓ રણમલની પત્ની પાસે કાંઈને કાંઈ મંગાવતા રહેતા. દરબાર ખુશખુશાલ. એમણે રણમલની પીઠ થાબડેલી : ‘આપણા રાજની ઘોડાર એટલે કહેવું પડે! આખા પંથકમાં પંકાય એવી. તારી મહેનતનું ફળ તને મળવું જોઈએ...’ તે વખતે રણમલને સારું લાગેલું. તે દિવસોમાં એના બાપુજીનો સંદેશો આવ્યો કે તારી મા બીમાર છે. વહુને તાત્કાલિક મૂકી જા. એ પત્નીને વતનમાં મૂકી આવ્યો. ને દરબાર એની કદર કરવાનું વીસરી બેઠા. પછી તો ઘોડાની હરીફાઈઓ ઓછી થઈ ગઈ. રણમલને તે વખતે દરબારનું બદલાયેલું વલણ સમજાયું નહોતું. હવે એને બધું સમજાવા માંડ્યું હતું. એથી તો એ રઘવાયો થયો હતો. દરબાર કયાં કારણોસર પોતાને બોલાવી રહ્યા છે તેની એને કશી ખબર નહોતી. એને એકાએક દેવસી યાદ આવ્યો. કદાચ દરબારે પોતાને કશાક અગત્યના કામ માટે પણ બોલાવ્યો હોય. તે વખતે ઝૂંપડાં વિશે વાત કાઢી શકાય. ઠીક લાગ હતો. દરબારે બોલાવ્યો છે તો જવામાં શું વાંધો? એ તૈયાર થઈને નગર સોંસરવો દરબારગઢમાં પેઠો ત્યારે સાંજ પડવા આવી હતી. દરબારના મહેલમાં જડેલા આરસમાં એના ફાંગા પડતા પ્રતિબિંબની રેખાઓ અળખામણી લાગી. અહીં તો ઘણીવાર આવી ચૂક્યો હતો, છતાં પહેલીવાર આવ્યો હોય તેવું લાગ્યું. એ દરબારગઢનાં રૂપરંગ ધારી ધારીને જોવા આવ્યો હોય તેવું લાગ્યું. ઝગમગ ઝગમગ થતા ઝરુખાઓમાં એ ખોવાઈ ગયો. સેવક દ્વારા દરબારને મળવાની ગોઠવાણ તો કરી, પણ દરબારે એને ઘણો મોડો બોલાવ્યો. દરબાર જાણે એને પહેલીવાર જોતા હોય તેમ એની સામે કુતૂહલપૂર્વક જોઈ રહ્યા. એમની નજર રણમલના આખા દેહ પર ફરી વળી. તે નજરમાં ભળતી નફરત પારખતાં રણમલને વાર ન લાગી. ‘તમે ઘોડારના ખાસદાર છો, નહિ?’ ‘એ તો આપ જાણો જ છો, બાપુ!’ ‘ખરેખર તમે ખાસદાર છો?’ દરબારે કટાક્ષમાં બોલીને હજુરીયા સામે જોયું. રણમલને દરબારની આ ચેષ્ટા સમજાઈ નહિ. એણે મૂંગા મૂંગા ચોતરફ નજર ફેરવી. બધાંના મોં પર મશ્કરીભર્યું હાસ્ય ફરકતું જોઈને દરબાર સામું જોયું. આંખોમાં કરડાકી લાવીને દરબાર બોલ્યા : ‘તમારે ખાસદાર તરીકે રહેવું છે?’ ‘સમજ્યો નહિ, બાપુ!’ ‘આખી જિંદગી ખાસદાર તરીકે જ રહેવું છે?’ દરબારના આ પ્રશ્નમાં અનેક સંકેત પડેલા હતા. રણમલને તો એમ હતું કે દરબાર પોતાના કામથી પ્રસન્ન થઈને પ્રોત્સાહન આપશે. જ્યારે અહીં તો બધું ઊલટું થઈ રહ્યું હતું. એ દરબારની સામે જોતો જ રહી ગયો. દરબારની લાલઘૂમ આંખો ધુમરીયે ચઢી. એમની આજુબાજુ બેઠેલા હજુરીયા-મળતીયાઓ મજાકમાં હસી પડ્યા. ઘડીભર તો રણમલને ત્યાંથી ભાગી જવાનું મન થયું. તે દરમિયાન દરબારે એક હજુરીયા પાસે હુક્કો મંગાવ્યો. હુક્કાની ને બે હોઠો વચ્ચે દબાવીને દરબારે હુક્કાનો ગડુડાટ બોલાવ્યો. ધુમાડાના ગોટેગોટા ઊડ્યા. પોતે ધુમાડો બનીને ઊડી રહ્યો હોય તેવું રણમલને લાગ્યું. મળતીયા સામે આંખ મિચકારીને બે હોઠો વચ્ચેથી ને આઘી ઠેલી મેલતાં દરબાર ઘોઘરા અવાજે બોલ્યા : ‘મેં જાણ્યું છે કે પેલા ઝૂંપડાવાળાંનો મુખી તમારી પાસે આવેલો!’ ‘હા જી.’ ‘ને તમે એને ઘોડારમાં લઈ ગયેલા.’ ‘જી બાપુ !’ ‘તમને ખબર છે; થોડા સમયમાં એમનાં ઝૂંપડાં કાઢી નાખવાનાં છે.’ ‘જી, પણ..’ રણમલનું મન જરા અવઢવમાં મૂકાયું. એકસાથે ઘણું બધું હોઠ પર આવી ગયું. દરબારના મળતીયાના કાન સરવા થયા. મોં પર જુદા જુદા ભાવ લાવીને બધાએ દરબાર સામે જોયું. દરબારે એક હજુરીયાને બોલાવીને હુક્કો એના હાથમાં પકડાવ્યો. પછી એક ઝાટકા સાથે ગરદન ટટ્ટાર કરી. ‘કેમ અટકી ગયો? બોલ, બોલ!’ ‘મારી એક વિનંતી છે.’ ‘વિનંતી શું. હકપૂર્વક બોલ!’ ‘ઝૂંપડાં કાઢી નાખશો પછી બિચારાં ગરીબ જશે ક્યાં?’ દરબાર હસ્યા. વાંસોવાંસ મળતીયા હસ્યા. દરબાર ખડખડાટ હસ્યા. પેટ પકડીને હસ્યા. ને મળતીયાઓનું બીહામણું હાસ્ય એમાં ભળ્યું. આખો દરબારગઢ હાસ્યથી ખળભળી ઊઠ્યો. રણમલને બધું ચક્કર ચક્કર ફરતું જણાયું. ન સમજાય તેવું કશુંક બની રહ્યું હતું. એક ક્ષણવાર અહીં ઊભા રહેવું એના માટે દુઃસહ્ય હતું. એણે આંખો ભોંયસરસી જડી દીધી. દરબારે મૂછો પર હાથ ફેરવીને ખોંખારો ખાધો. ધીમે ધીમે રણમલે આંખોનાં પોપચાં ઊંચાં કર્યાં. ને દરબાર તાડૂક્યા. ‘તું મને સલાહ આપે છે?’ ‘જી નહિ, મહારાજ!’ ‘તો મારા નિર્ણયનો વિરોધ કરવાની હિંમત કેમ ચાલી?’ ‘હું વિરોધ નથી કરતો મહારાજ, માત્ર વિનંતી...’ ‘મને તું બંડ પોકારી રહ્યો હોય તેવી ગંધ આવે છે.’ ‘મારું એ ગજુ નહિ.’ ‘તો જા!’ દરબારે એવી છટાથી હાથ આઘોપાછો કર્યો કે રણમલને એમાં પારાવાર ધૃણા દેખાઈ. એ ઢીલા પગલે દરબારગઢની બહાર નીકળ્યો. દરવાજાની ડાબી બાજુના સાંકડા રસ્તામાં તેના સાથીદાર અમરસિંહને દરબારગઢમાં ઓગળી જતો ભાળ્યો. ને એનાથી છાતી પર હાથ મૂકાઈ ગયો. ઘોડારમાં આવ્યો ત્યારે માથું સખત દુખતું હતું. ન સમજાય તેવી સ્થિતિ હતી. ખાટલો ઢાળીને લીમડા નીચે આડો થયો. પવનને લીધે લીમડાની લીલીછમ્મ ડાળખીઓે આઘીપાછી થતી હતી. ને પાંદડાં જાણે એને આહ્વાન આપતાં હતાં. એણે ભોંય પર પડેલી લીમડાની સળી હાથમાં લઈને તીરકામઠું બનાવ્યું. તીરકામઠાની પણછ પર તીર ચઢાવીને દરબારગઢને વેરણછેરણ કરી નાખવાનું એને મન થઈ આવ્યું. પોતાનું હાડોહાડ અપમાન થયું હતું. દરબારે તેડું મોકલ્યું ત્યારે એને કાંઈક આશા જેવું હતું. બધી બાજી ઊંધી વળી ગઈ હતી. સનેપાત થયો હોય તેમ ખાટલામાંથી બેઠો થઈ ગયો. ઘોડાર તરફ દૃષ્ટિ નાખી. ઘોડાર ગુમસુમ લાગતી હતી. જગત જાણે આખું ઠપ્પ થઈ ગયું હોય તેમ એને લાગ્યું. નગરના કોઈક મંદિરમાં ઘંટારવ થયો. તો ક્યાંક નગારાં ધણધણી ઊઠ્યાંં. નગારાંના તાલમાં એક ડૂબકી લગાવી એણે. પણ એથી શું? ઢળતી સાંજના આછા અજવાસમાં ધૂંધળાં દેખાઈ રહેલા ઝૂંપડાં લાંબા રાગે રડતાં ભળાયાં. એની આંખે અંધારાં આવ્યાં. ત્યાં ઘોડાની હણહણાટી સંભળાઈ, એને શંકા પડી. હાથમાં તલવાર લીધી. આખી ઘોડારમાં ફરી વળ્યો. લીમડાના ઝૂંડ ફરતે આંટો મારી આવ્યો. કદાચ ન કરે નારાયણ ને... તો દરબારને કારણ મળે. એવું કારણ એ ઊભું કરવા માગતો નહોતો. એ ચાંપતી નજર રાખીને ઘોડારની પ્રત્યેક ક્રિયાઓ જોવા લાગ્યો. પાછો વળવાનું કરતો હતો ત્યાં અમરસિંહ દોડતો આવતો દેખાયો. એ રણમલની પાસે આવીને ઊભો રહી ગયો. એના મોં પર ફરકી રહેલી લુચ્ચાઈ પારખતાં રણમલને વાર ન લાગી. એણે રણમલના ખભા પર હાથ મૂક્યો ને રણમલ કાળઝાળ થઈ ઊઠ્યો. એક ઝાટકાથી રણમલે એનો હાથ હટાવી દીધો. છતાં કશું ન બન્યું હોય તેમ એણે રણમલને કહ્યું : ‘દરબાર તમારા પર ખફા છે.’ ‘મને ખબર છે.’ ‘કાંઈ અજૂગતું બન્યું?’ ‘એવું તો કશું નથી. પણ તમે મને કેમ પૂછો છો?’ રણમલ સમસમી ગયો. અમરસિંહના મોંના ભાવ વારેઘડીએ પલટાતા હતા. મનમાં ઊપસી આવેલી હૈયાવરાળ બે હોઠ વચ્ચે એણે દબાવી રાખી. પછી સાવ સૂકી નજર ઘોડારમાં ફેરવીને એણે અમરસિંહ સામે કરડાકીથી જોયું. ‘આજે તમે ઘોડારમાં સૂઈ જાઓ. મને કશીક શંકા પડે છે.’ ‘શેની?’ રણમલ કશું બોલ્યા વિના ઘોડારની બહાર નીકળી ગયો. રાત્રે એ પાસાં ઘસતો રહ્યો. માંડ ઊંઘ આવી હશે ત્યાં સવાર પડ્યું. આજે દિવસ કાંઈક જુદો લાગ્યો. કશાય કસ વિનાનો. રણમલને નવાઈ લાગી. સવારે ઘોડાઓને નવડાવવા-ધોવડાવવાનું કામ સેવકોને સોંપી એ મેદાનમાં આવ્યો. સૂર્યના લાલઘૂમ ગોળાએ એની આંખોમાં જાણે અંગારો મેલ્યો. કમર પર હાથ ટેકવીને એણે દૂર દૂર નજર નાખી. નગરની ઊંચી ઇમારતોની હસીમજાક એને ન ગમી. ઝૂંપડાંનું રૂદન એનાથી સહ્યું જતું નહોતું. છતાં હજુયે તે અકબંધ ઊભાં હતાં તેટલા પૂરતી મનમાં ધરપત હતી. ‘કદાચ દરબાર મારી વિનંતી માન્ય રાખેય ખરા...’ એકવાર તો એણે આવું વિચારી લીધું. પણ બીજી જ ક્ષણે પોતાની જાત પ્રત્યે એને દયા આવી. દરબારના મોં પર દેખાયેલી ક્રૂરતા શું કરીને જંપશે તે કહેવું મુશ્કેલ હતું. આ તો બધી મન-મનામણી. બાકી તો.. ઝૂંપડાંની ઉગમણી દિશા તરફ નદી ધીમે ધીમે ઉઘડી રહી હતી. સૂર્યનો લાલબંબ ગોળો નદીમાં ખાબક્યો હોય તેવું એને લાગ્યું. આંખો ખેંચી ખેંચીને એ જોવા લાગ્યો. જોયું તો દેવસી હડિયાપટ્ટી કરતો આ બાજુ આવતો હતો. દરબારનું અપમાન હજી તો ગળા નીચે ઉતર્યુંય નહોતું, ને દેવસી તો આવી પહોંચ્યો. શું કરવું? વાત વાયુવેગે દરબાર સુધી પહોંચતાં વાર નહિ લાગે. અગનપારખાં સામે આવીને ઊભાં હતાં. એની દૃષ્ટિ ચોમેર ઘૂમતી ઘૂમતી ઘોડારના દરવાજા પર અટકી ગઈ. અમરસિંહ દરવાજા પાસે ઊંચો થઈ થઈને આ બાજુ જોઈ રહ્યો હતો. રણમલને ફાળ પડી. હવે? બે બાજુ મોત હતું. દરબારને જે કરવું હોય તે કરે. સ્વજનનો અનાદર કઈ રીતે થઈ શકે? એ અડગ થઈને ઊભો રહ્યો. દેવસી આવીને એના પગમાં ઢગલો થઈને પડ્યો. રણમલે એને બાવડેથી પકડીને ઊભો કર્યો. ‘શું થયું?’ ‘કાલ દરબારગઢનો માંણહ ઢોલ પીટીને ગયો.’ ‘શું કહ્યું એણે?’ ‘બે દા’ડામાં ઝૂંપડાં ખાલી કરીને જતાં રહો.’ ‘તમે શું કહ્યું?’ ‘તમીં જ કો અમીં શું કરીએ?’ ‘તમે વિરોધ ન કર્યો છે...’ ‘કોણ કેય. કોઈનામાં હેંમત જ ક્યાં સે!’ ‘દરબારના માણસો ઝૂંપડાં તોડવા આવશે ત્યારે તમે શું કરશો?’ દેવસી કશું બોલ્યો નહિ, નીચું ઘાલીને પગના અંગૂઠા વડે જમીન ખોતરવા લાગ્યો. એના મોં પર ઉપસી આવેલી નાલેશી જોઈને રણમલને ગુસ્સો ચડ્યો. ‘તમારાથી કશું જ નહિ થાય...’ ‘તો અમીં શું કરીએ?’ રણમલ ઘડીભર દેવસી સામે જોઈ રહ્યો. દેવસીના પગ ધ્રુજી રહ્યા હતા. આવા ટાણે દેવસીના ઢીલા પડી રહેલા પગને માત્ર ટેકો આપવાનો હતો. એ આજુબાજુ નજર નાખીને ધીમેથી બોલ્યો : ‘તમે ઝૂંપડાં ખાલી જ ના કરો તો....’ મક્કમ નિરધાર સાથે સ્થિર થયેલી રણમલની આંખોમાં આંખો પરોવવાનું દેવસી માટે અસહ્ય થઈ પડ્યું. આંખો નીચે ઢાળીને દેવસી બોલ્યોઃ ‘પણ મારું કહ્યું બધાં માનશે?’ વાતાવરણમાં એકાએક ઉકળાટ થયો, ગળા પર ઊપસી આવેલો પરસેવો લૂછતાં લૂછતાં રણમલે દેવસી સામે નફરતથી જોયું. પછી મોં પર કાળઝાળ ગુસ્સો લાવીને તાડૂક્યો. ‘તો મરો!’ એક પળ તો દેવસીના પગ ભોંય સાથે જડાઈ ગયા. પણ બીજી પળે રણમલની આંખોમાં કડકાઈ જોઈને એ સાબદો થયો. એણે જોરથી છાતી પર હાથ પછાડ્યો. વાતાવરણ ગાજી ઊઠ્યું. ધબધબ પગલાં માંડતો એ ચાલ્યો. રણમલ એને જતો જોઈ રહ્યો. એના એકેએક પગલામાં દૃઢાયેલી મક્કમતા જોઈને રણમલને જાણે પોતાના પગોમાં તાકાત આવી. ઊભડક પગે એ ઘોડારમાં આવ્યો. અમરસિંહ સામો મળ્યો. રણમલ સામે આંખનો ઉલાળો કરીને એ બોલ્યો : ‘હું આવું છું.’ ‘ક્યાં જાઓ છો?’ ‘ઘેર, ખાવા.’ ‘અત્યારે જ કેમ?’ અમરસિંહ ખડખડાટ હસી પડ્યો. એણે માથું ધૂણાવતાં રણમલ સામે એવી દૃષ્ટિથી જોયું કે રણમલને ખુદના અસ્તિત્વ માટે શંકા પડી. થોડીવાર જાણે એ મૂર્છા-અવસ્થામાં હોય તેવું લાગ્યું. પણ વળતી પળે એ સ્વસ્થ થઈ ગયો. અમરસિંહ એની સામે મજાકિયું હસીને ગયો. એ અમરસિંહની પીઠને તાકી રહ્યો. તે દરમિયાન ઝૂંપડા તરફ કશી હિલચાલ વરતાઈ. એનું બળુકું મન ઘડીભર તો ડગમગી ગયું. એણે ઊડતી નજર ઘોડાર પર ફેંકી. કશીય પૂર્વધારણા વિના એ મેદાનમાં પેઠો. કશાક હાકોટા-પડકારા-દેકારા વાતાવરણમાં ગૂંજ્યા. આવું ઝડપી બનશે એવી તો ધારણાય નહોતી. દેવસીની મક્કમતા ઝૂંપડાવાસીઓને ટપારે તે પહેલાં બધું બન્યું હતું. એની બુદ્ધિ બહેર મારી ગઈ. શું થયું આ? એણે કાન સરવા કર્યા. ઝૂંપડાં બાજુ ભારે કાગારોળ મચી હતી. બૈરી-છોકરાંના તીણા અવાજ વચ્ચે પુરુષોના હાકોટા અટવાઈ જતા હતા. એણે દોટ દેવા જેવું કર્યું. મેદાન વચ્ચોવચ્ચ એ ઘોડાવેગે દોડ્યો. ઝૂંપડાં પર આખો દરબારગઢ તૂટી પડ્યો હતો. ઝૂંપડાંની અવદશા જોઈને એનું મન તૂટીને વેરણછેરણ થઈ ગયું. એ બાજુ જવાની હિંમત ચાલતી નહોતી. તોય હૃદય તો આવેગમાં ઊછળી ઊછળીને એને ઝૂંપડાં બાજુ ખેંચી રહ્યું હતું. એ ઝૂંપડાં બાજુ ખેંચાયોય ખરો, પણ... હવે, જઈનેય શું કરવું? - ઝૂંપડાંમાંથી નાસતાં લોકોની કિકિયારીઓથી વાતાવરણ ભારેખમ બની ગયું. એના મગજની નસો ખેંચાઈ. નિરાધારતા એના અણુ અણુમાં પ્રસરી રહી હતી. ‘પોતાથી હવે શું બને?’ એવી એક લહેરે એને હતપ્રભ બનાવી મૂક્યો. એ પાછો વળ્યો. સામેથી અમરસિંહ હસતો હસતો આવી રહ્યો હતો. એની સાથે દરબારગઢનો એક માણસ હતો. રણમલે બન્નેની સામે જોયું-ન જોયું કર્યું. એ લમણો વાળીને જુદી દિશામાં ફંટાવાનું કરતો હતો. ત્યાં અમરસિંહે હાથ લાંબો કરીને એને રોકી લીધો. રણમલ ધૂંઆપૂંઆ થઈ ગયો. ‘શું છે?’ ‘કાલથી આપણે સાથે નથી.’ ‘એટલે?’ રણમલ ચમક્યો. ‘દરબારે મને પાંચ ગામનો વહીવટદાર નીમ્યો છે.’ ‘તમને?’ જવાબમાં અમરસિંહ ખડખડાટ હસીને પેલા માણસની સાથે ઘોડારની બહાર નીકળી ગયો. રણમલની આંખે અંધારાં આવ્યાં. બધું ધૂંધળું દેખાયું : ‘મારો એક સામાન્ય સાથીદાર પાંચ ગામનો વહીવટદાર! ને હજુયે હું માત્ર ખાસદાર...! કશુંક ગોળગોળ ફરીને ચકરાવે ચડ્યું. એ દોડ્યો. એણે ઘોડારમાં દોડધામ મચાવી મેલી. આમથી તેમ અને તેમથી આમ, એણે હડિયાપટ્ટી કરી. રવમાં ને રવમાં ઘોડારનો દરવાજો ખુલ્લો મૂકી દીધો. દેહમાં ભારે વલૂર ઊપડી. એણે ઠેકડા માર્યા. ઘોડાર સાવ ધૂંધળી થઈ ઊડી. નીચું ઘાલીને તોબરામાંથી ચંદી ખાતા ઘોડાઓ પર એની નજર પડી. એણે સેવકોને હુકમ કર્યો : ‘તોબરા છોડી દો!’ આખી ઘોડારમાં દોડધામ મચી ગઈ. એ દોડ્યો. હાથમાં છરો લીધો. કશાય અવરોધ વિના એણે બધા ઘોડાના ડામણ કાપી નાખ્યા. ઘોડાર આખી ભડકી ઊઠી. હાથમાં લાકડી લઈને એ દોડ્યો. ઘોડા ભડક્યા. હણહણાટીથી વાતાવરણ ગૂંજી ઊઠ્યુંં. ઘોડાઓએ ઘોડારમાં દોટમ્દોટ કરી મેલી. ઘોડાર અને ધરુવાડી વચ્ચેની ખુલ્લી કરેલ ઝાંપલીમાં એકસામટો ધસારો થયો. ધરુવાડીનું કૂણું કૂણું ઘાસ જોઈને ઘોડા વીફર્યા. ને ઉછાંછળા બનીને ધરુવાડીમાં છલાંગ મારીને ત્રાટક્યા. ધરુવાડીના રોપાઓ વેરણછેરણ. ભારે ધમાચકડી. ઘોડારમાં સેવકોએ રાડારાડ કરી મેલી. રાંધણીયાની બહાર મૂકેલાં ચણા અને ગોળનાં તગારાં ઊંધાચત્તાં થતાં ભાળીને રાંધણીયામાં ફાંફે ચડેલી સ્ત્રીઓની ચીસાચીસ હવામાં ગાજી. હાથમાં લાકડી લઈને રમણે ચડેલા રણમલની આંખોને કશુંક નડ્યું. તાજામાજા અને તગડા ઘોડાઓનું આક્રમણ વધતું જતું હતું. ખેદાન-મેદાન થયેલી ધરુવાડીની બહાર અડફેટે ચડેલા માંયકાંગલા ઘોડાઓ એને નોંધારા લાગ્યા. માંયકાંગલા ઘોડા વારંવાર ઊભા થવા મથતા હતા. માંડ ભોંય પર પગ રોપીને ઊભા થવા જાય ત્યાં બીજા તગડા ઘોડાની અડફેટ વાગતાં પાછા ભોંય પર ફસડાઈ પડતા હતા. રણમલ ક્ષણવાર અવાક્ બનીને જોતો જ રહી ગયો. તે દરમિયાન ઝૂંપડાં બાજુથી પાછી ચીચીયારીઓ સંભળાઈ. આ વખતે તો રોવા-કકળવાના અવાજો આવતા હતા. રણમલે ઝૂંપડાંની દિશામાં નજર કરી. આકાશમાં ધુમાડાના ગોટેગોટા. અગનઝાળમાં લપેટાઈને બધું શૂન્યવત્... એણે પોતાના લમણા પર જોરથી થપ્પડ મારી. ધરુવાડીની ઝાંપલીમાં પ્રવેશવા મથતા દુબળા ઘોડાઓને રગદોળી નાખી છલાંગ ભરતા તગડા હટ્ટાકટ્ટા ઘોડાઓના લોખંડી પગ જોઈને એના મોં પર ક્રૂરતા ધસી આવી. પલકવાર આંખ ઊઘાડવાસ થઈ. અમરસિંહ અટ્ટહાસ્ય કરીને એની સામે અંગૂઠો કરતો ભળાયો. ને એના હાડોહાડમાં ઝનૂન ફૂટી નીકળ્યું. પળનોય વિલંબ કર્યા વિના ઘોડારના ભંડકિયામાંથી એણે કડિયાળી ડાંગ કાઢી. છલાંગ મારી. ધરુવાડીમાં પેઠો. ને કડિયાળી ડાંગ વડે તગડા ઘોડાઓ પર તૂટી પડ્યો. મારતો રહ્યો. હાથ દુખ્યા. થાક્યો. જોયું તો તગડા ઘોડા મારની પરવા કર્યા વિના ધરુવાડીમાં ચરી રહ્યા હતા. ભોંય પર પટકાયેલા દુબળા ઘોડા ધીરે ધીરે ધરુવાડીની ઝાંપલીમાં ઘૂસવા મથતા હતા. એમના રાંટા પગ અને દેહ પર ઊપસી આવેલાં હાડકા જોઈને એને ખીજ ચડી. દેહમાં હરફર કરી રહેલું લોહી જાણે થંભી ગયું. ને હતાશા એને ઘેરી વળી. પળનોય વિલંબ કર્યા વિના એણે કડિયાળી ડાંગનો છૂટો ધા ઝાંપલીમાં પ્રવેશવા મથતા દુબળા ઘોડાઓ તરફ કર્યો, ને પછી નિઃસહાય થઈને એ ભોંય પર બેસી પડ્યો.