યુરોપ-અનુભવ/વિયેનાની વિદાય
હિમેલ હોફમાં રવિવારની સવાર. ‘સપનાં સેવવાનું ન ભૂલશો’ – કવિ ઉમાશંકરે કહેલા શબ્દોનું સ્મરણ કરીને રતિભાઈ કવિનું પ્રાત:સમરણ કરતા હતા. પછી રતિભાઈ એમના અભ્યાસખંડમાં લઈ ગયા. શ્રી દર્શકનું આપેલું ‘પરિત્રાણ’ નાટક મને જોવા આપ્યું. મેં જોયું કે, આ પુસ્તક જોશીદંપતીને આપતાં દર્શકે એક કવિતા રચી દીધી છે – શ્રીકૃષ્ણ વિષે. તો શું દર્શક ગુપ્ત કવિ પણ છે?
શ્રીમતી બિયેટ્રીસ તો નાસ્તાની અને પછી આજના વિયેનાદર્શનની તૈયારીની વ્યવસ્થામાં હતાં. ચિ. દિવ્યાદેવી પણ ઉપસ્થિત હતી. ઘરના દીવાનખાનામાં જ યાદગીરી માટે ફોટા પાડી લીધા. બિયેટ્રીસ તો જાણે પ્રેમમયી સેવામૂર્તિ. ફટાફટ કામકાજ ઉકેલતાં જાય. અમને બધાંને થતું હતું : અદ્ભુત નારી છે!
અમે તૈયાર થઈ ડૉ. રિતુની રાહ જોતાં હતાં. જોશીદંપતીનાં એ પ્રોફેસરમિત્ર પોતાની ગાડી લઈ આજે અમારી સાથે વિયેનાનાં વિશિષ્ટ સ્થળોએ આવવાનાં હતાં. બે ગાડીઓ હોય તો અનુકૂળતા રહે એમ હતું. બેઠાં બેઠાં ધ્યાન અનાયાસ પેલી સંગીતમય ટેકરીઓ તરફ જતું. ઓછામાં પૂરું રતિભાઈએ બિથોવનની સિમ્ફનીની એક રેકર્ડ મૂકી. વિશાળ પથરાયેલા વિયેના નગરને જોતાં એની સુરાવલિ જાણે ક્યાં લઈ જતી હતી!
કાલે રાત્રે સૂવાના ઓરડામાંથી બહારના ખંડની બાલ્કનીમાં આવી દીવાઓથી ઝગમગતા વિયેના નગરને એ ઊંચાઈએથી જોયું હતું. યુરોપનાં આ બધાં નગરોમાં રાત્રિઓ જીવંત હોય છે. તેમાં વિયેના તો સંગીત, ઓપેરા અને નૃત્યનું નગર. રાત્રિક્લબ અને પબ સવાર સુધી ચાલતાં હોય. એક બિયર કે વાઇનનો મગ લઈ રાતેરાત કલબ કે પબમાં ગુજારનાર ‘રસિકો’ ઘણા. આ તો વળી વિયેના. આપણા ચં.ચી.એ તો એને મદીલું નગર કહ્યું છે. વિયેનાનો એ ‘ખરો’ અનુભવ લેવા તો કદાચ ફરી આવવું પડશે. વિયેના તો આવ્યા, પણ શુબર્ટ, મોત્ઝાર્ટ કે બિથોવન જેવા વિશ્વવિખ્યાત સંગીતકારોના ઑપેરા ક્યાં જોયા? સ્ટ્રાઉસના વૉલ્ટ્ઝ નૃત્યોની ઝાંકી પણ ક્યાં કરી? ભૂરી ડાન્યુબમાં તરવાનું કે નૌકાવિહાર કરવાનું પણ ક્યાં બન્યું? આ બધા અનુભવો બાબતે થોડા દિવસ માટે આવેલા આપણે આઉટસાઇડર જ રહી જઈએ છીએ. એક ઊંડો શ્વાસ ભરી સૂવાના ઓરડામાં હું પાછો ચાલ્યો આવ્યો, પણ સવારે જાગ્યો તો પેલી ટેકરીઓએ પાછું શ્રવણાતીત સંગીતથી મનને પ્રસન્ન કરી દીધું.
ડૉ. રિતુ એમની ગાડી લઈને આવી ગયાં. હિમેલ હોફનો ઢાળ ઊતરી નગર ભણી પ્રસ્થાન કર્યું. આજે પણ આકાશમાં વાદળ હતાં. લાગતું હતું કે, આજે વરસવાની પ્રતિજ્ઞા સાથે આવ્યાં છે. રતિભાઈ વિયેનાનાં ઇતિહાસભૂગોળથી એની જેટલી અંતરંગ ઓળખ થઈ શકે એટલી કરાવતા હતા. સામાન્ય રીતે ઑફિસનો સમય હોય ત્યારે રસ્તા પર અસંખ્ય ગાડીઓ ચૂપચાપ દોડ્યે જતી હોય. કોઈ મોટરગાડીએ હૉર્ન વગાડ્યું હોય એવું તો ક્યાંય સાંભળવા ના મળે. આજે રવિવાર હોવાથી ટ્રાફિકનો એવો પ્રશ્ન નહોતો. પ્રિન્સ યુજિનની વાત કરતાં કરતાં બેલવેદેર આવી પહોંચ્યાં. પ્રિન્સ યુજિન આવેલો તો બહારથી, પણ એણે ઑસ્ટ્રિયાને પોતાનું વતન બનાવ્યું હતું. તુર્કોના આક્રમણથી એણે ઑસ્ટ્રિયાને બચાવેલું.
બેલવેદેર પ્રિન્સ યુજિનનો ગ્રીષ્મપ્રાસાદ છે. બેરોક સ્થાપત્યશૈલીનો આ સુંદર મહેલ અઢારમી સદીની શરૂઆતમાં બાંધવામાં આવેલો. અત્યારે આ મહેલમાં ચિત્રકલાનું મ્યુઝિયમ છે. આ મહેલ સાથે વિયેનાનો આજનો થોડો ઇતિહાસ પણ જોડાયેલો છે. બીજા વિશ્વયુદ્ધના આરંભથી જ જર્મનીનાં નાઝી દળોએ ઑસ્ટ્રિયાને પોતાના રાજ્યમાં ભેળવી દીધેલું. (પેલી ફિલ્મ ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’માં એનાં કેટલાંક દૃશ્યો છે.) બીજા વિશ્વયુદ્ધનો તો ૧૯૪પમાં અંત આવ્યો, પણ ઑસ્ટ્રિયા મુક્ત ન થયું. જર્મનીના ભાગ તરીકે મિત્રરાજ્યોએ એ વહેંચી લીધેલું. છેક ૧૯૫૫માં સ્વતંત્રતાની ટ્રીટી ઑફ સ્ટેટ થતાં વિયેના ફરી સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. સ્વતંત્રતાના એ કરાર આ મહેલના એક મોટા ખંડમાં થયેલા. અહીં છેલ્લી ત્રણ સદીનાં ચિત્રો છે.
આપણે કંઈ ચિત્રસમીક્ષક નથી, પણ રસિક તો જરૂર છીએ. અનેક ચિત્રોમાંથી જે કેટલાંક યાદ રહી ગયાં છે તેમાં છે : હાન્સ માકાર્ત નામના ચિત્રકારની પંચેન્દ્રિયોનાં ચિત્ર. દર્શન, સ્પર્શ, ઘ્રાણ, શ્રવણ અને સ્વાદની અનુભૂતિનાં ચિત્ર. ગુસ્તાવ ક્લીમ્ટ આધુનિક ચિત્રકાર છે. એમનાં ‘દેર ક્યુસ’ – ચુમ્બન અને ‘દી બ્રાઉટ’ – નવવધૂ ચિત્રો ધ્યાન ખેંચે. એક બીજું ચિત્ર છે : ‘જુડિથ’. એક સુંદરીનું પોર્ટ્રેઇટ છે. આ ચિત્ર કેમ યાદ રહી ગયું છે? કદાચ એના કલાકારે ચીતરેલી નિમ્નનાભિ(કાલિદાસની યક્ષી) – ને લીધે, લાવણ્યના એ આવર્તમાં ઘૂમરાવાનો અનુભવ થાય. એ જોતાં અજંતાની કેટલીક નિમ્નનાભિ અને સ્તનભારથી સ્તોકનમ્રા નારીચિત્રણા યાદ આવે. પણ બન્નેમાં ઘણો ભેદ છે એ પણ લક્ષ્યમાં આવે. ભારતીય કલાકારો-કવિઓ રૂપનો આદર્શ પ્રસ્તુત કરતા હોય છે. કાલિદાસની પાર્વતી કે યક્ષીનું શબ્દાંકન જુઓ. પાશ્ચાત્ય કલાકારો યથાર્થોન્મુખ હોય છે. પ્રત્યેક પોર્ટ્રેઇટની પાછળ કોઈક ‘મૉડેલ’ તો હોય જ. પણ જૂડિથની ઊંડી નાભિ તો કોઈ ભારતીય ચિત્રકારે ચીતરી હોત.
ચિત્રો જોતાં જોતાં વચ્ચેની બારીઓમાંથી નગરની પણ થોડી થોડી ઝાંકી થતી. ગૅલેરીમાંની કેટલીક ભૂચિત્રણાઓ અમને બધાંને ગમી ગઈ, જેવી કે, સોન્જા કિનપની વરસાદ પડી ગયા પછી – ‘નાખ દેર રેગન’, ખસખસનાં ફૂલ–દી મોનવીસે તથા ચણતાં પંખીની ચિત્રણાઓ. એડિથ શીલ નામના ચિત્રકારનું મૃત્યુ અને કુંવારકા – ‘ટૉડ ઉન્ડ મેડચ્યેન’ જેવું જ પ્રભાવક બીજું ચિત્ર મા અને મૃત વત્સ – ‘મુતર મિટ ટોટન કિન્ડ’ છે. પાગલોનું વહાણ – ‘દાસ નારેન શિવ’ પણ સ્મૃતિમાં રહી ગયું.
હજી અમારે આ મહેલની બહારના ભાગમાં આવેલી એક ગૅલેરી જોવાની હતી. એ બહારનો ભાગ તે પ્રિન્સ યુજિનની એક વખતની ઘોડાર. પહેલાં ખ્યાલ ન આવે, પણ પછી રતિભાઈએ ઘોડાને પાણી પીવાનાં ઊંચી ભીંતે ચણેલાં ખામણાં બતાવ્યાં.
અમે બધાં ફરી મોટરમાં ગોઠવાયાં. નગરની મહત્ત્વની ઇમારતો પાર્લામેન્ટ ભવન, ટાઉનહૉલ, યુનિવર્સિટી ભવન, ઓપેરા ભવનો જોતાં જોતાં નગરના મુખ્ય માર્ગો પર પસાર થતાં વિયેનાનો સંસ્પર્શ અનુભવતાં હતાં. અનેક સુંદર વિયેનાવાસીઓ અને પ્રવાસીઓનાં જૂથ પણ નજરે પડતાં.
અમે એક સુંદર ઇમારત આગળ આવી ઊભાં. આ ઇમારત આગળ થઈને બેત્રણ વાર પસાર થવાનું બનેલું. એ ઇમારત એટલે શૉન બ્રુન. શૉન એટલે સુંદર, બ્રુન એટલે ફુવારો. ફુવારો પહેલી નજરે તો ન જોવા મળ્યો, પણ ઇમારત સાચે જ સુન્દર. ડૉ. રિતુને હવે જવું હતું, એટલે એમણે અમારી વિદાય લીધી. સ્મિતવદની ડૉ. રિતુ જતાં જતાં અમને લખવાની સુંદર બૉલપેનો ભેટમાં આપતાં ગયાં!
શૉનબ્રુન આગળ એક ભવ્ય શિલ્પ છે : ઘોડા પર બેઠેલા વીરનું. એમાં ઘોડાનું શિલ્પ ધ્યાન ખેંચી રહે. ઘોડાનો એક જ પગ પેડેસ્ટ્રલ પર અડકેલો છે, એના પર આ વિરાટ, શિલ્પની સમતુલા રહેલી છે. શૉનબ્રુન મહેલ સમ્રાટ લિયોપોલ્ડે ૧૬૯૫માં બંધાવવો શરૂ કરેલો, પણ એને આખરી ઓપ આપ્યો એમ્પ્રેસ મારિયા ટેરેસાએ.
મારિયા ટેરેસા – વિયેનાના, બલ્કે ઑસ્ટ્રિયાના ઇતિહાસમાં આ નામ અત્યંત પ્રસિદ્ધ છે. ઑસ્ટ્રિયાની અનેક ઇમારતોનો આછો પીળો રંગ તે મારિયા ટેરેસાની દેન છે. આ મહેલ પણ મારિયા ટેરેસાએ પૂરો કરાવેલો, શણગારેલો. સોળ બાળકોની આ જનેતાએ ઑસ્ટ્રિયાને પણ આકાર આપેલો. મારા ઇતિહાસકાર મિત્ર ડૉ. આર. એલ. રાવળે તો પછી કહેલું કે, એક એક ડૂસકા સાથે એ રાણી ઑસ્ટ્રિયાનો વિસ્તાર વધારતી જતી (ત્રિયાચરિત્ર?). આ મહેલમાં અતિપ્રસિદ્ધ ખંડો છે, જેમાં ચાઇનીઝ ઓરડા કે નેપોલિયનનો ઓરડો આવી જાય છે. એ ઓરડામાં એ રહી ગયેલો. મહેલના ખંડો જોયા કરો. પણ પછી જ્યાં આપણે વિસ્મિત થઈ જઈએ એ છે મહેલના વિશાળ બગીચા. બન્ને બાજુએ ઘન લતાઓની ઊંચી લીલી દીવાલો અને નીચે લીલીછમ બિછાત, જે રંગબેરંગી ફૂલોની ભાતથી શોભી ઊઠતી હોય. આ શોભાનો ખરેખર ભાર લાગે. બિહારી નામના હિન્દી કવિએ કહ્યું છે કે, આ સુન્દરી પોતાની શોભાના ભારથી ઝૂકી પડે છે, ત્યાં વળી એને અલંકાર પહેરાવશો તો એનો ભાર કેવી રીતે સંભાળશે? કંઈક અતિશોભા પણ વ્યગ્ર બનાવી દે. એવું આ બગીચાઓનું છે. છાયાઘન વૃક્ષો વચ્ચે લતાઓની આ ઊંચી ભારે ભારે દીવાલો! અને વચ્ચેના માર્ગે ચાલ્યા જ કરો તે પછી આવે સુંદર ફુવારો. ફુવારો ગ્રીક શૈલીનો છે કે ગ્રીક દેવતા નેપચ્યુનનું શિલ્પ છે એટલે એમ લાગે છે? બીજાં પણ અનેક શિલ્પો. અહીં ફરતાં ફરતાં એવું લાગે છે કે કોઈ સ્વપ્નનગરીમાં તો ભ્રમણ નથી કરતાં શું?
એક જ મોટર હતી, એટલે બધી મહિલાઓ એમાં ગોઠવાઈ. હું અને રતિભાઈ મેટ્રો ટ્રેન દ્વારા હોફબ્રુર્ગ પહોંચી ગયા. વરસાદ પડવા લાગ્યો હતો. એની પ્રતિજ્ઞા એણે પાળી, પણ વરસાદમાં આ નગરી જોવાનોય મોકો મળી ગયો. નગરસુંદરી (નિરંજન ભગતના શબ્દો) એનાં નીતરતા રૂપમાં જોવા મળી. હોફબુર્ગ શાહી મહેલ છે, પણ એ મહેલ કરતાં તો એક નાનકડું નગર છે. તેરમીથી વીસમી સદી સુધી એમાં ઇમારતો બંધાતી ગઈ છે. અનેક ભવનો અને વિશાળ બાગબગીચા, જેમાં એક રોઝ ગાર્ડન છે.
એટલી બધી વિવિધ અદ્ભુત કલાકૃતિઓ, ઇમારતોનું એકસાથે દર્શન ઝીલવાની આપણી ગ્રહણશક્તિ નથી હોતી. એક છાપ પર બીજી છાપ પડતી જાય. એમ છાપો ભેગી થઈ જાય. એક ક્ષણે અત્યંત પ્રભાવિત કરનાર સુંદર કલાકૃતિ ચેતનામાં એવી ઊંડે છુપાઈ જાય કે જાણે એ અજ્ઞાતવાસમાં ચાલી ગઈ. બહાર આવે ત્યારે થાય, અરે ક્યાં હતી આ?
રતિભાઈ અને બિયેટ્રીસ અમને વિયેનાની એક હોટલમાં પિઝા ખાવા લઈ ગયાં. એક ભારતીય યુવક ઇટાલિયન નામ ધરાવતી હોટલ ચલાવતો હતો. રતિભાઈએ એને અહીં સ્થિર થવામાં મદદ કરી હતી, પણ એણે જે બિલ બનાવ્યું એમાં ક્યાંય ઉપકારની ભાવના દેખાઈ નહિ. અહીંથી ફરી એક દળ મોટરગાડીમાં અને હું અને રતિભાઈ મેટ્રો ટ્રેનમાં ઘર ભણી. સૌને ઘેર મૂકી બિયેટ્રીસ અમને બેને મેટ્રો સ્ટેશને લેવા આવ્યાં, પણ ઘેર જતાં પહેલાં પ્રસિદ્ધ વિયેના વુડ્ઝના ઊંડાણનાં દર્શન કરાવવા એમણે મોટર દૂર સુધી લીધી.
પછી હિમેલ હોફ પહોંચી ગયા. આ ત્રણ દિવસ ક્યાં વીતી ગયા એની જ અમને નવાઈ હતી. કેટલું બધું જોયું – અનુભવ્યું! સમકાલીન ઘટનાઓ ભૂલી જવાઈ હોત, જો ચીનમાં ટીઆનમેન સ્ક્વેરમાં ક્રાન્તિકારી વિદ્યાર્થીઓની હત્યાઓના સમાચારે બેચેન ન કરી દીધા હોત. આજે આયાતોલા ખોમેની પણ ગયા!
રાતની ગાડીમાં વેનિસ જવા નીકળવાનું હતું. પેલી સંગીતગર્ભ ટેકરીઓ જોઈ લીધી. શ્રીમતી બિયેટ્રીસે અમને વેનિસ જતી ગાડીના ડબ્બામાં બેસાડીને પોતાની બન્ને હાથની આંગળીઓ વાળી વિદાય આપી.
રતિભાઈ, બિયેટ્રીસ અને ચિ. દિવ્યાદેવી યાદ રહેશે આ, વિદેશમાં એમનું ઉષ્માસભર આતિથ્ય. મનુભાઈ ‘દર્શક’, ઉમાશંકરની જેમ રતિભાઈ પરિવારના અતિથિ થયા હતા. ત્યારે પોતાનું શ્રીકૃષ્ણ વિષેનું પ્રસિદ્ધ નાટક પરિત્રાણ’ તેમને અર્પણ કરતાં લખેલી કાવ્યપંક્તિઓ (દર્શક અને કવિતા)થી વિયેનાયાત્રાનું સમાપન કરીશું. મનુભાઈએ લખ્યું છે :
શ્રી રતિભાઈ, બિયેટ્રીસ, ચિ. દિવ્યાને
ઊર્ધ્વબાહુ કહ્યું વ્યાસે
ધર્મો રક્ષતિ રક્ષિત:
રક્ષે છે ધર્મને કોણ?
પૂછવું આપણે રહ્યું.
સર્વને રક્ષતો ધર્મ
રક્ષા તો માનવી-બળે
શક્ય કૃષ્ણ-કૃપા વડે
પાલવે કેમ ભૂલવું?
દિવ્ય શ્રીકૃષ્ણનું છત્ર
વિસ્તરો તમ સૌ પરે.