રચનાવલી/૧૭૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૭૮. કોપન હેગન (માઈકલ ફ્રેયન)


૧૯૨૨માં નૉબેલ પ્રાઇઝ મેળવનાર ડેનિશ ભૌતિકશાસ્ત્રી નીલ્સ હેન્રીક બોર અને ૧૯૩૨માં નૉબેલ પ્રાઈઝ મેળવનાર ભૌતિકશાસ્ત્રી વેરનર કાર્લ હેયઝનબર્ગનો એક કિસ્સો વિજ્ઞાનીઓ અને ઇતિહાસકારોમાં ઘણાં વર્ષો સુધી ચર્ચામાં રહ્યો છે. બંને કુશળ વિજ્ઞાનીઓનો સહયોગ વિજ્ઞાનના ક્ષેત્રમાં અજોડ ગણાયો છે. બંનેનું આધુનિક ઊર્જાણ ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં મૌલિક પ્રદાન છે. બોર અને હેયઝનબર્ગ બંનેનું ભૌતિક જગત અંગેનું તારણ એવું છે કે ભૌતિક જગતને એક સાથે અણુ અને તરંગ એમ બંને રીતે જોઈ શકાય છે આ અર્થઘટનને ‘કોપનહેગન અર્થઘટન' કહેવામાં આવે છે. કોપનહેગન ડેન્માર્કની રાજધાની છે. ડેન્માર્કની રાજધાનીમાં રહેતા જૂના સાથી વિજ્ઞાની બોરની, વર્ષો પછી વિજ્ઞાની હેયઝનબર્ગે શા માટે મુલાકાત લીધી તે એક કોયડો રહ્યો છે જર્મન લશ્કરી શાસને હેયઝનબર્ગને અણુ બૉમ્બ બનાવવાની શક્યતા તપાસવા માટે એક સંશોધન કેન્દ્ર ખોલી એનો નિયામક નીમેલો. એણે યુદ્ધના પહેલાં અઠવાડિયાંઓથી માંડી હિટલર હાર્યો ત્યાં સુધીના છેલ્લા લશ્કરી ધડાકાઓ વચ્ચે દક્ષિણ જર્મનીમાં યુરેનિયમ સંશોધન પ્રયોગો ચાલુ રાખેલા. પરંતુ હિટલરે યુદ્ધ છેડ્યું એના પછીનાં એકાદ બે વર્ષ બાદ એટલે કે ૧૯૪૧માં હિટલર શાસનની વિરુદ્ધ પડી ગુપ્ત રીતે સાહસ કરી હેયઝનબર્ગે ઓચિંતી જર્મનશાસિત કોપનહેગનમાં બોરની મુલાકાત શા માટે લીધી અને બોરે હેયઝનબર્ગ પર શા માટે ગુસ્સો, ભયંકર ગુસ્સો, ઠાલવ્યો, શા માટે હંમેશ માટે બંને વચ્ચે સંબંધો તૂટી ગયા - એ એક અટકળનો વિષય રહ્યો છે. આ અટકળને વિષય બનાવી બ્રિટિશ લેખક માઈકેલ ફ્રેયને કોપનહેગન નામે એક નાટક રચ્યું છે. આઠ નવલકથા અને પંદરેક નાટકોના લખનારા આ ફ્રેયને જે બૌદ્ધિક સ્થિરતાથી અને નૈતિક ગંભીરતાથી વિષયને ચર્ચ્યા છે એ કદાચ એની ભાગ્યે જ અન્ય કોઈ કૃતિમાં જોવા મળે. નાટક અઢાર અઢાર મહિનાઓ સુધી બ્રિટનમાં ભજવાતું રહ્યું છે – પહેલાં ‘રોયલ નેશનલ થિયેટર’માં અને પછી ‘વેસ્ટ એન્ડ'માં. આ નાટક અમેરિકાના ‘બ્રોડ-વે રંગમંચ પર પણ પહોંચ્યું છે. મૂળ ઐતિહાસિક કિસ્સામાં ખરેખર શું બન્યું એમાં નાટકકાર ફ્રેયનને બહુ રસ નથી, પણ શું બની શક્યું હોત કે પછી શું બનવું જોઈતું હતું એમાં રસ છે. નાટકનો પ્રભાવ ઊભો કરવા ફ્રેયને ત્રણ ઐતિહાસિક પાત્રોને હાથ ધર્યા છે. નીલ્સ બોર, વર્નર હેયઝનબર્ગ અને બોરની પત્ની માર્ગ્રેથ. અને આ ત્રણ પાત્રોના સંદર્ભમાં અટકળ કે કોયડા બનેલા વિષયને નાટ્યાત્મક બનાવ્યો છે. નાટક કોઈ અચોક્કસ સમયમાં ઊઘડે છે. ત્રણે પાત્રો મરી પરવાર્યાં છે. પણ અશાંત છે અને મૃત્યુ પછીના જીવનમાં શોધ કરી રહ્યાં છે. ડેન્માર્ક તરફથી નૉબેલ સન્માનના પ્રતીકરૂપે મળેલા બોરના આલિશાન મકાનમાં સંવાદો ગોઠવાયા છે, પરંતુ રંગમંચ પર રંગસામગ્રીરૂપે માત્ર ત્રણ ખુરશીઓ જ છે; હેયઝનબર્ગનું આવવું, પાછા જવું અને આવવું - એ માત્ર એમાં ક્રિયા રહી છે. આ રીતે ‘કોપનહેગન’ જાણીતા અને ઐતિહાસિક પ્રસંગની કાલ્પનિક રજૂઆત છે. અલબત્ત તેથી જ એમાં મૂળની વ્યક્તિઓ પાત્રો તરીકે ઠીક ઠીક ફેરફાર પામી છે અને ખાસ કરીને હેયઝનબર્ગનું પાત્ર મૂળ કરતાં ખાસ્સું જુદું ઉપસાવવામાં આવ્યું છે. આ નાટ્યનો વિષય બનેલો મૂળનો કિસ્સો ખાસ્સો ગૂંચવાડાભર્યો હશે પણ નાટકકાર ફ્રેયને એને દૃઢ બાહ્યરેખાઓમાં ઝીલ્યો છે. ‘કોપનહેગન’માં હેયઝનબર્ગ બોરની મુલાકાત એટલા માટે નથી લેતો કે અમેરિકાના બૉમ્બ કાર્યક્રમની એને જાણકારી જોઈએ છીએ. પરંતુ હેયઝનબર્ગનો હેતુ વધારે સાહસિક છે. હેયઝનબર્ગ બોરને કહે છે કે બૉમ્બનો કાર્યક્રમ આરંભ તબક્કામાં છે અને બૉમ્બ બનાવવો અઘરો તથા ખર્ચાળ છે એવું જો તમે અન્ય વિજ્ઞાનીઓને ભારપૂર્વક સમજાવી શકો તો સાથે મળીને આપણે બૉમ્બનો કાર્યક્રમ અટકાવી દઈ શકીએ. આનો અર્થ બોર અને બોરની પત્ની દ્વારા એવો લેવાય છે કે હિટલરે જર્મનીમાંથી યહુદીવિજ્ઞાનીઓને હાંકી કાઢ્યા પછી ત્યાં કાર્યક્રમ સફળ થાય તેમ નથી અને યહૂદીવિજ્ઞાનીઓ મિત્રરાજ્યોમાં જઈને આ કાર્યક્રમ સફળ બનાવે એને હેયઝનબર્ગ અટકાવવા માંગે છે. ફ્રેયનનું નાટક કોપનહેગન’ આરંભે અને અંતે એક પ્રશ્ન મૂકે છે : ‘એક ભૌતિકશાસ્ત્રી તરીકે અણુશક્તિના વ્યવહારુ ઉપયોગ પર કાર્ય કરવાનો એને અધિકાર છે ખરો?’ ફ્રેયનને બતાવવું છે કે હેયઝનબર્ગ એ માત્ર વિરોધ કરનારો નેતા નથી પણ એથી ઘણું બધું વધારે છે. ‘બૉમ્બ બનાવવો એ યોગ્ય વસ્તુ છે?’ એવો મૂળભૂત પ્રશ્ન હેયઝનબર્ગે નાટકમાં ઉઠાવ્યો છે. ઐતિહાસિક હકીકત એવી છે કે અણુબૉમ્બ અંગેના નાના કાર્યક્રમમાં એક બાજુ યુદ્ધ દરમ્યાન અને યુદ્ધ પછી હેયઝનબર્ગ જર્મનીમાં કાર્ય કરતો રહે છે; જ્યારે બીજી બાજુ બોર પહેલાં સ્વીડન, ત્યાંથી બ્રિટન અને પછી લોસ આલાપોસની ગુપ્ત અમેરિકન પ્રયોગશાળામાં પહોંચીને બૉમ્બની ફૂટવાની રચનાકળ શોધવાનું કાર્ય કરે છે, જે બૉમ્બ છેવટે નાગાસાકી પર ઝીંકાયો છે. ૧૯૬૩માં રોલ્ફ હોકહુથના ‘ધ ડેપ્યુટી’ નાટકે હિટલરના અમાનુષ યહુદીકાંડ સામે પોપ પાયસ બારમાએ કેમ ચૂપકીદી સેવેલી એનો જે નૈતિક મુદ્દો ઉઠાવ્યો છે એટલો જ સબળ નૈતિક મુદ્દો ફ્રેયને એના કૉપનહેગન નાટકમાં બૉમ્બ અંગે ઉઠાવ્યો છે. બૉમ્બ સહિતના હિટલર અને બૉમ્બ વગરના હિટલરના વિશ્વો વચ્ચેની ભીષણ કલ્પના આ નાટકનું પીઠબળ છે.