રચનાવલી/૧૮૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮૨. અવમાનના (કોત્ઝી)


આફ્રિકાનું નામ પડે અને અંગ્રેજો, અંગ્રેજોની રંગભેદ નીતિ, સમગ્ર અશ્વેત પ્રજાનું એક યા બીજા બહાને થતું શોષણ, એમના પરનો અત્યાચાર – બધું નજર સમક્ષ આવ્યા વગર રહેતું નથી. ગાંધીજીનો અહિંસક લડાઈનો અને અસહકારનો ખ્યાલ પણ આવી જ આફ્રિકાની ભૂમિકામાં રોપાયેલો છે, એની આપણને ખબર છે. નેલ્સન મન્ડેલા બહુજાતીય રાષ્ટ્રના પ્રમુખ ચૂંટાયા એ સાથે દક્ષિણ આફ્રિકાની ન્યાય અને સમાનતાની લડતનો જાણે કે એક તબક્કો પૂરો થયો. નાબેલ ઇનામ જીતનાર નાદિન ગોર્ડિમરે આ સમયને એની નવલકથાઓમાં છતો કર્યો અને રાજકીય તેમજ સામાજિક પ્રશ્નોને રચનાઓમાં વણ્યા છે. જે એમ. કોત્ઝી પણ દક્ષિણ આફ્રિકાનો લેખક છે પણ ગાર્ડિમર કરતાં બહુ જુદો છે. અલબત્ત ગાર્ડિમરની નવલકથાઓમાં જે નીતિફલક છે એ જ નીતિફલક પર કૉત્નીની પણ નવલકથાઓ ઊભેલી છે. કૉત્ઝીની ‘સાંધ્યભૂમિ’ ‘બર્બરોની રાહ’ અને ‘લોહયુગ’ જેવી નવલકથાઓમાં અંદરખાને રાજકારણની ઝાંય પડેલી હોવા છતાં લેખકે રાજકારણ સાથેની સીધી સંડોવણી જતી કરી છે. આનો અર્થ એ નથી કે કૉત્ની ચંદનમહેલમાં બેસી તુક્કાકથાઓ લડાવે છે. કૉત્ઝી એક ગંભીર નવલકથાકાર છે અને પોતાની વાતને કલાત્મક રીતે મૂકતાં એને આવડે છે. આમ છતાં કૉત્ઝીની તાજેતરની નવલકથા ‘અવમાનના’ (ધ ડિસગ્રેસ)માં કેટલાક સળગતા પ્રશ્નો છેડાયા છે. આ નવલકથાને બૂકર ઈનામ મળ્યું છે. બૂકર ઈનામ બીજીવાર મેળવનાર કૉત્ઝી એકમાત્ર લેખક છે. આ નવલકથામાં અનિવાર્યપણે જાતીય વિદ્વેષ તો હાજર છે પણ સાથે સાથે પ્રાણીહક્કો, બળાત્કાર, સ્ત્રી-પુરુષ સંઘર્ષ તેમજ શૈક્ષણિક જગતનાં ઊભરતાં ધોરણો પરત્વે ગૂંચો પણ હાજર છે સહેજ પણ બોલકા થયા વગર ‘અવમાનના’માં કોત્ઝીએ બહુ સંયમપૂર્વક કથા નિરૂપણ કર્યું છે. ‘અવમાનના'માં એનો નાયક એક અંગ્રેજીનો પ્રાધ્યાપક છે. એનું નામ ડેવિડ લુરી. દક્ષિણ આફ્રિકાના છેવાડે આવેલા કેપટાઉનમાં એ કેપટાઉન યુનિવર્સિટીમાં અધ્યાપન કરે છે અને અંગ્રેજી ભાષા પ્રત્યે ઉદાસીન એવા વિદ્યાર્થીના વર્ગ સાથે પનારું પાડે છે. ડેવિડ લુરી એના અંગત જીવનમાં અને ધંધાદારી જીવનમાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ છે. પહેલાં તો લૂરી અર્વાચીન ભાષાઓના વિભાગમાં હતો પણ પ્રશિષ્ટ અને અર્વાચીન ભાષાઓનો વિભાગ બંધ થઈ જતાં હવે એ માત્ર સંપર્ક વ્યવહાર વિભાગનો અધ્યાપક થઈને રહી ગયો છે અને નવાઈની વાત એ છે કે એને ખુદને માણસ માણસ વચ્ચે સંપર્ક વ્યવહાર થઈ શકે છે એવી કોઈ શક્યતા ક્યારેય દેખાઈ નથી. આમ છતાં એણે શીખવવું પડે છે કે સમાજે ભાષાને રચી છે, જેથી મનુષ્યો પોતાના વિચારો, પોતાની લાગણીઓ, પોતાના હેતુઓ એકબીજાને પહોંચાડી શકે. લુરીને એવું પણ લાગે છે કે અંગ્રેજી ભાષા આફ્રિકામાં અનુચિત માધ્યમ છે, એ કોઈ દક્ષિણ આફ્રિકાના સત્યને પ્રગટ કરી શકે નહીં. ડાયનાસોરની જેમ મરેલી અને કાદવમાં પડેલી ભાષા અક્કડ ને અક્કડ થતી ગઈ છે. લુરીને બાવન વર્ષ થયાં છે. એણે બે વાર છૂટાછેડા લીધા છે, સોરાયા નામની કોઈ સ્ત્રી સાથે ગુરુવારની સાંજ ગાળીને પોતાનો સમય એણે બરાબર ગોઠવી દીધો છે પણ એકવાર સોરાયા એના બે પુત્રો સાથે બજારમાં મળી જાય છે અને ધીમે ધીમે બંને પક્ષે સંબંધ લુખ્ખો થતાં થતાં લગભગ પૂરો થાય છે, ત્યાં લૂરી અંગ્રેજી રોમેન્ટિક કવિતાના વર્ગો લેતાં લેતાં એની એક વિદ્યાર્થિની મેલાની આયઝ્ક સાથે સંકળાય છે. પરંતુ મેલાની સાથેના સંબંધમાં લૂરીને એવું લાગવા માંડે છે કે સસલુ શિયાળના મોમાં સપડાયેલું હોય એમ મેલાની એની સાથે નિષ્ક્રિય રહે છે પણ લુરીને મેલાનીએ પોતાનામાં આગ જન્માવી હોય એવો અનુભવ થાય છે, આખરે મેલાની આ વાત પોતાના મિત્રને, પોતાનાં માતાપિતાને જાહેર કરી દે છે, અને લુરીને યુનિવર્સિટીની શિસ્ત સમિતિ આગળ હાજર થવું પડે છે. અધ્યાપક-વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ બરાબર નથી એ ભૂમિકા પર લૂરીના બધા હક્કો છીનવી એને નોકરીમાંથી ફારેગ કરવામાં આવે છે. એને પેન્શનને પાત્ર પણ ગણતા નથી. પહેલા વિભાગનાં આ સાઠ પાનાંનો કથાવિસ્તાર પૂર્વકથા રચે છે. આ પછી લૂરી કેપટાઉનથી પૂર્વમાં આવેલા સાલેમમાં રહેતી પોતાની દીકરી લૂસી પાસે આવે છે. લૂસી લૂરીનું મોટી ઉંમરે થયેલું સંતાન છે. લૂસી પાસે એક ફાર્મ છે, અને કૂતરાઓનું એક સરસ સારવાર કેન્દ્ર છે. પોતાના અશ્વેત પાડોશીઓ વચ્ચે અપમાન ધીરજ અને સહનશીલતા સાથે એક શ્વેત સ્ત્રી તરીકે લૂસી દક્ષિણ આફ્રિકામાં નવા પ્રકારનું જીવન જીવી રહી છે. પોતાના એક અશ્વેત પાડોશી પેટ્રસની મદદથી લૂસી સ્થાનિક બજારમાં પોતાનું ઉત્પાદન વેચે છે. પેસનો ડોળો લૂસીની જમીન પર છે. એક દિવસ પેટ્સ ગેરહાજર રહે છે અને કેટલાક અશ્વેત લૂસીના ઘરમાં ઘૂસી એના પિતા સૂરીને બાથરૂમમાં પૂરી, લૂસી પર સામૂહિક બળાત્કાર કરે છે અને જતાં જતાં બાથરૂમમાં પૂરેલા લૂરી પર સ્પિરિટ છાંટી એને બાળી નાંખવાનો પ્રયત્ન કરે છે. આમ છતાં લૂરી બચી જાય છે, પણ લૂસી જીવનભરના માનસિક આઘાતમાં સબડે છે. લૂરી જુએ છે કે ‘બહુ ઓછી વસ્તુઓ અને બહુ ઝાઝા માણસો’ – એની આ સમસ્યા છે. પછી એ કાર હોય, બૂટની જોડી હોય કે સિગારેટનું પેકેટ હોય કે સ્ત્રી હોય. લૂરીને લાગે છે કે દયા અને ભયવગરનું કોઈ તોતિંગ માળખું જ કામ કરી રહ્યું છે. કદાચ તેથી જ કેપટાઉન જઈને સાલેમમાં લૂસીના ફાર્મ પર પાછા ફરેલા લૂરીને જાણવા મળે છે કે લૂસી માત્ર બળાત્કારથી સગર્ભા નથી પણ પેટ્રસની હરકતોથી બચવા પેટ્રેસે મૂકેલા લગ્નના પ્રસ્તાવને પણ લૂસીએ સ્વીકારી લીધો છે. ભલેને પેટ્સ પછી બે પત્નીઓનો પતિ હોય. પણ લૂસીએ સ્પષ્ટતા કરેલી કે પોતે પેટ્રેસ સાથે લગ્ન સંબંધ નહીં રાખે અને પોતાના ફાર્મને પેસના નામ પર કરી દેશે. શરત એ કે લૂસીના બાળકને પેટ્સ પોતાના કુટુંબનું અંગ બનાવે. લૂસી કહે છે : ‘આ અપમાનજનક છે પણ હું સંમત થઈ છું.’ રંગભેદની નીતિની નાબૂદી પછી એ નવા શ્વેત-અશ્વેતના ઊભા થયેલા સંબંધો વચ્ચે ગોઠવાયેલી આ નવલકથાએ સમકાલીન સમસ્યાઓને નક્કર રૂપમાં રજૂ કરી છે.