રચનાવલી/૪૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૬. આત્મસિદ્ધિશાસ્ત્ર (શ્રીમદ્‌ રાજચન્દ્ર)



૪૬. આત્મસિદ્ધિશાસ્ત્ર (શ્રીમદ્‌ રાજચન્દ્ર) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ



મોહનદાસ કરમચંદ ગાંધીને ગાંધીજી બનાવનાર તો રસ્કિન અને તોલ્સ્ટોય છે, પણ ગાંધીજીને મહાત્મા બનાવનાર શ્રીમદ રાજચંદ્ર છે. ગાંધીજી કરતાં માત્ર પોણા બે વર્ષ મોટા શ્રીમદ્ રાજચંદ્રે ન તો મેટ્રિક સુધીનો કે કોલેજનો અભ્યાસ કરેલો. અંગ્રેજી ભાષા પણ એમને નહોતી આવડતી. પણ ગાંધીજી ઈંગ્લેન્ડથી અભ્યાસ કરીને પાછા ભારત આવતી વેળાએ ડૉ. પ્રાણજીવન મહેતાને ત્યાં ઊતર્યા અને શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક થઈ ગયા. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી ધર્માન્તરનો વિચાર કરતા હતા અને આ અંગે એમણે શ્રીમદરાજચંદ્રનો ભારતમાં પત્રસંપર્ક કર્યો. ગાંધીજીની મહત્ત્વની શંકાઓ દૂર થઈ. ગાંધીજીનું ધર્માન્તર અટક્યું. એવુ નોંધાયું છે કે શ્રીમદ રાજચંદ્ર ન હોત અને ગાંધીજી ધર્માન્તર કરીને આવ્યા હોત તો ભારતની એમની સ્વાતંત્ર્ય ઝુંબેશમાં તેઓ કેવી રીતે અસર પાડી શકત, એ એક પ્રશ્ન છે. ગાંધીજીનું, દેશની સ્વંતત્રતાનું ધ્યેય હતું એ વાત બરાબર, એમની સામે લડતનું ધ્યેય હતું એ પણ બરાબર, પણ એ લડતને અહિંસક, અસહકાર કે સત્યાગ્રહના શસ્ત્રથી લડવાનું યા પ્રજાના સર્વોદયમાં ધર્મને આધાર ગણીને ચાલવાનું શ્રદ્ધાબળ હતું એમાં શ્રીમદ્‌રાજચંદ્રનો પ્રભાવ છે. આમ છતાં કહેવાય છે કે ગાંધીજીએ જનકલ્યાણ દ્વારા આત્મકલ્યાણનો માર્ગ લીધો, તો શ્રીમદ્‌રાજચંદ્રે આત્મકલ્યાણના આદર્શથી જનકલ્યાણને પ્રોધ્યું. માત્ર તેત્રીસ વર્ષની વયે ભરયુવાનીમાં ૧૯૦૧માં અવસાન પામનાર શ્રીમદ રાજચંદ્રનું મૂળ નામ તો ‘મહેતા રાજચંદ્ર રવજીભાઈ' હતું. મોરબીના નવાણિયા ગામે જન્મેલા રાજચંદ્રની અસાધારણ સ્મરણશક્તિ હતી. ૧૯માં વર્ષથી આથી તેઓ શતાવધાનાં પ્રયોગો કરતા. ઘરનો ઝવેરાતનો ધંધો, અને ઘરમાં કૃષ્ણભક્તિનું વાતાવરણ, પણ રાજચંદ્ર આત્મશુદ્ધિ તરફ અને તેથી જૈનધર્મ તરફ વળ્યા. અદ્વૈતવેદાન્તને પચાવ્યું. વિવિધ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સર્વધર્મ સમભાવ વિકસાવ્યો. કેટલાકે એમને સાક્ષાત તીર્થંકર તરીકે ઓળખાવવા પ્રયત્ન કર્યો, પણ પોતે રાજચંદ્રથી પ્રભાવિત હોવા છતાં ગાંધીજીએ એમનો મનુષ્યના રૂપમાં જ સ્વીકાર કરેલો. શ્રીમદ્‌રાજચંદ્રના સમયમાં દલપતરામની કવિતાની બોલબાલા હતી. દલપતરામની જેમ રાજચંદ્ર પણ શીઘ્રકવિતા કરતા. એમણે પોતાની ધર્મવિચારણાને પણ પદ્યમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આમ તો એમને પદ્ય મારફતે પણ ધર્મનું જ પ્રોજન મહત્ત્વનું હતું. તેમ છતાં એમની પદ્યરચનાઓમાં એક પ્રકારની સફાઈ અને ક્યાંક ક્યાંક ચમકારા જોઈ શકાય છે. એક રચનામાં તેઓ કહે છે કે દીનતાઈ હતી ત્યારે પટલાઈ ઈચ્છી પટલાઈ મળી તો શેઠાઈ, શેઠાઈ મળી તો મંત્રીતાઈ, મંત્રીતાઈ મળી તો નૃપતાઈ, નૃપતાઈ મળી તો દેવતાઈ ઈચ્છી.. અને એમ ઈચ્છા તો વધતી રહી. તૃષ્ણાને કેવી રીતે મારી શકાય? ‘અહો! રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી વધે તૃષ્ણાઈ તો ય જાય ન મરાયને.' ગુજરાતી સાહિત્યનો અર્વાચીનકાળ દલપતરામથી શરૂ થયો તે પછી પણ ધર્મને રજૂ કરતો જૂનો ચીલો ચાલુ રહ્યો હતો. ધર્મને રજૂ કરનારા કેટલાક ભક્તિમાર્ગનો આસરો લેતા. તો, કેટલાક જ્ઞાનમાર્ગનો આસરો લેતા. શ્રીમદ્‌રાજચંદ્રે જ્ઞાનમાર્ગ લીધો. એમણે આત્મસિદ્ધિની પોતાની વાત ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' (૧૮૯૬)માં ઉતારી છે. ‘આત્મસિદ્ધિશાસ્ર’ શ્રીમદ રાજચંદ્રની ધર્મવિચારણાને સંક્ષેપમાં પણ સરળતાથી રજૂ કરતી રચના છે. દોહાના બંધમાં લખાયેલી આ રચનામાં પ્રાસની સહજ ગૂંથણી સાથે ભાષાને કવિએ અટપટી નથી બનાવી. અહીં રચનાને પ્રમાણમાં વિવેક પૂર્વક ઘાટ મળ્યો છે. કવિએ શરૂમાં સદ્ગુરુના ઉપદેશ વિના ‘જિનરૂપ’ સમજવું શક્ય નથી એમ કહી ક્રિયાજડતા અને શુષ્કજ્ઞાનને દૂર રાખવાં જણાવ્યું છે. : ‘સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ સમજ્યા વણ ઉપકાર રૂપે? સમજયે જિન સ્વરૂપ' આ દોહામાં ઉપદેશ- ઉપકારના નજીકના ધ્વનિઓ, સમજાય, સમજમાં’ અને ‘સમયે’ના તેમજ ‘વણ’ ના ફરી ફરી આવતા વળથી તદન સાદો વિચાર પણ રોચક રીતે મુકાયો છે. જૈન ધર્મમાં જિનની ઓળખ મહત્ત્વની છે. જિન એટલે વિજેતા, કામ ક્રોધ માન લોભ જેવા આંતરિક શત્રુઓ પર, ‘કષાય' પર વિજય મેળવી મોક્ષ પામવો એ મુખ્ય ધ્યેય છે આ ધ્યેય માટે મથનારા આત્માર્થીના અને વૈરાગ્ય વિના તથા કષાયની ઉપશાંતિ વગર રહેતા મતાર્થીઓનાં લક્ષણો એ પછી કવિએ આપ્યાં છે. રચના ભારેખમ ન બની જાય તે માટે કવિએ શિષ્ય દ્વારા ઊભી હતી શંકાઓ અને ગુરુ દ્વારા અપાતાં સમાધાનોનો માર્ગ લીધો છે. એમાં છ મહત્વના વિચારો છે : ‘આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજકર્મ છે ભોક્તા, વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ' કવિ કહે છે કે આત્મા છે પણ તલવાર અને મ્યાનની જેમ દેહથી જુદો છે. આત્મા સયોગથી જુદો લાગે પણ એનો કોઈ નાશ નથી, તે નિત્ય છે. આત્માને કર્મ અનુસાર સુખદુઃખ મળે છે, એનો એ કર્તા અને ભોક્તા છે. પણ કર્મનો ક્ષય પણ કરી શકાય છે. અને એમ આત્મા માટે મોક્ષ છે. આ રીતે શંકા અને સમાધાન પછી કવિ વિચારનો વિસ્તાર કહે છે. કવિ કહે છે: ‘છૂટે દેહાધ્યાસ તો નહિ કર્તા તું કર્મ/ નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ છેલ્લે ઉપસંહાર આવે છે, જેમાં આત્મભાંતિ જેઓ કોઈ રોગ નથી અને સદ્ગુરુ જેવો કોઈ ધર્મ નથી એવો મુખ્ય ભાવ પ્રગટ થાય છે: આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદગુરુ વૈદ્ય સુજાણ;/ ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.' ૧૪૪ પાસાદાર દોહાઓ દ્વારા અઘરા તત્ત્વવિચારને સરળ કરતું ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' અર્વાચીનકાળમાં થયેલી તત્ત્વનિરૂપણની રચનાઓમાં નોંધપાત્ર બને તેવું છે.