રવીન્દ્રપર્વ/૧૩૨. ગાનેર સુરેર આસન
Jump to navigation
Jump to search
૧૩૨. ગાનેર સુરેર આસન
ગીતના સૂરનું આસન મેં રસ્તાની ધારે પાથર્યું છે. હે પથિક, જેથી તું ત્યાં વારે વારે આવીને બેસી શકે. તું જ્યારે અરુણ પ્રકાશની હોડીમાં બેસીને ઘાટની આ પારે આવે છે, ત્યારે આ તારું સવારનું પંખી હંમેશાં કલબલાટ કરે છે અને તું મારાં પ્રભાતિયાંના ગીતમાં મારે દ્વારે આવીને ઊભો રહે છે. આજે સવારે મેઘની છાયા વનમાં આળોટી પડી છે. પેલા ગગનની નીલ આંખોને ખૂણે પાણી ભરાઈ આવ્યું છે. આજે તું નૂતન વેશે તાડના વનમાં મેદાનને છેડે આવ્યો છે. એમ ને એમ ચોરપગલે ચાલ્યો જઈશ નહીં. મારા મેઘાચ્છન્ન ગીતના વાદળભર્યા અન્ધકારમાં ઊભો રહેજે. (ગીત-પંચશતી)