રવીન્દ્રપર્વ/૬૫. વર્ષશેષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬૫. વર્ષશેષ

યાત્રા થવા આવી પૂરી, — આયુના પશ્ચિમ પથશેષે
ઘહૃીભૂત થતી જાય મૃત્યુતણી છાયા.
અસ્તસૂર્ય પોતાના દાક્ષિણ્યતણો શેષ બન્ધ છેદી
વિખેરે ઐશ્વર્ય એનું બન્ને મૂઠી ભરી.
વર્ણસમારોહે દીપ્ત મરણના દિગન્તની સીમા,
જીવનનો મેં જોયો મહિમા.

આટલી છેલ્લી વાત કહી થંભી જશે મમ શ્વાસ
કેટલું મેં ચાહ્યું સર્વ!
અનન્ત રહસ્ય એનું છલકાઈ ઊઠી ચારે પાસ
જીવનમૃત્યુને કરી દિયે એકાકાર;
વેદનાનું પાત્ર મમ વારંવાર દિવસે નિશીથે
ભર્યું એણે અપૂર્વ અમૃતે.

દુ:ખના દુર્ગમ પથે તીર્થયાત્રા કરી છે એકાકી
દારુણ વંટોળે કર્યા કેટલા પ્રહાર!
વીત્યા કંઈ દિનરાત સંગીહીન દીપાલોકહીન —
અન્તરથકી હું એમાં પામ્યો છું એંધાણી.
નિન્દાની કંટકમાળ વક્ષ વીંધી ગઈ વારેવારે
વરમાળ ગણી લીધી એને.

આલોકિત ભુવનના મુખભણી જોઈ નિનિર્મેષ
વિસ્મયનો પામું નહીં શેષ.
જે લક્ષ્મી વસે છે નિત્ય માધુરીના પદ્મ-ઉપવને
પામ્યો છું હું સ્પર્શ એનો સર્વ અંગે મને.
જે નિ:શ્વાસ તરંગિત નિખિલના અશ્રુહાસ્યે
ગ્રહી લીધો બંસીમાં મેં તેને.
જેઓ માનવને રૂપે દૈવવાણી અનિર્વચનીય
તેમને મેં ગણ્યા છે આત્મીય.
કેટલીય વાર સહૃાા પરાભવ, લજ્જા, ભય,
તોય કણ્ઠે ધ્વનિત થયો છે અસીમનો જય.
અસમ્પૂર્ણ સાધનાની ક્ષણે ક્ષણે ક્રન્દિત આ આત્માતણાં
ખૂલી ગયાં અવરુદ્ધ દ્વાર.

પામ્યો હું આ જીવલોકે માનવજન્મનો અધિકાર
એ જ ધન્ય સૌભાગ્ય છે મમ.
જે કાંઈ અમૃતધારા ઉત્સારિત થઈ જુગે જુગાન્તરે
જ્ઞાને કર્મે ભાવે, જાણું એ મારે જ કાજે.
પૂર્ણની જે કોઈ છબિ ઝળહળી ઊઠી મમ પ્રાણે
સર્વની ગણી મેં સદા એને.

ધૂળના આસને બેસી ભૂમાને જોયું મેં ધ્યાનાવિષ્ટ નેત્રે
આલોકથી અતીત આલોકે
અણુથકી અણીયાન મહત્‌થી મહીયાન,
ઇન્દ્રિયની પાર એનું પામ્યો હું સન્ધાન.
ક્ષણે ક્ષણે જોઈ છે મેં દેહની ભેદીને જવનિકા
અનિર્વાણ દીપ્તિમયી શિખા.
જે કો તપસ્વીએ કર્યાં દુષ્કર યજ્ઞ ને યાગ
એમાંથીય પામ્યો છું હું ભાગ.
મોહબન્ધમુક્ત જેણે પોતાનો કર્યો છે જય.
તે સહુમાં પામ્યો છું હું મારો પરિચય.
જ્યહીં કો નિ:શંક વીર મૃત્યુ લંઘી ગયો અનાયાસે
મારુંય રહ્યું ત્યાં સ્થાન એના ઇતિહાસે.

શ્રેષ્ઠ થકી શ્રેષ્ઠ છે જે — ભલે ભૂલ્યો હોઉં એનું નામ
તોય એને કર્યાં છે પ્રણામ.
અનુભવ્યા અન્તરે મેં સ્તબ્ધ આકાશના આશીર્વાદ;
ઉષાલોકે આનન્દનો પામ્યો છું પ્રસાદ.
આશ્ચર્યપૂર્ણ આ વિશ્વલોકે જીવનના વિચિત્ર ગૌરવે
મૃત્યુ, મમ થશે પરિપૂર્ણ.
આજે આ વત્સરતણી વિદાયનું શેષ આયોજન.
મૃત્યુ, તું આ ખેંચી લે ગુણ્ઠન.
કેટલું ગયું છે ખરી, — જાણું જાણું, કંઈ સ્નેહપ્રીતિ!
બુઝાઈ ગયો છે દીપ. રાખી નથી સ્મૃતિ.
મૃત્યુ, તવ હસ્ત પૂર્ણ જીવનની મૃત્યુહીન ક્ષણે
ઓ હે શેષ, અશેષનાં ધને.
(પરિશેષ)