રવીન્દ્રપર્વ/૬૪. પુરાતન વત્સર
પુરાતન વત્સરની જીર્ણક્લાન્ત રાત્રિ
જોને ગઈ વીતી, ભાઈ જાત્રી!
તારા પથ પરે તપ્ત રૌદ્ર દિયે છે આહ્વાન
રુદ્રનું ભૈરવ ગાન
દૂર થકી દૂરે
બજી ઊઠે પથ શીર્ણ તીવ્ર દીર્ઘ તાન સૂરે,
પથભૂલ્યા કોઈ
વૈરાગીનો એકતારો જાણે.
ભાઈ જાત્રી,
ધૂસર પથની ધૂલિ એ જ તારી ધાત્રી,
ગતિના અંચલે તને આવર્તમાં વક્ષે લઈ ઢાંકી
ધરાનાં બન્ધન થકી લઈ જાય હરી
દિગન્તની પારે દિગન્તરે.
ઘરનો મંગલ શંખ નથી તારે કાજે
નથી રે સન્ધ્યાની દીપમાળ
નથી પ્રેયસીની અશ્રુભરી આંખ.
પથે પથે રાહ જુએ ઝંઝાવાત તણા આશીર્વાદ,
શ્રાવણરાત્રિનો વજ્રનાદ.
પથે પથે કશટકની અભ્યર્થના,
પથે પથે ગુપ્તસર્પ ગૂઢફણા.
નિન્દા ગજવશે જયશંખનાદ
એ જ તારે કાજે રુદ્રનો પ્રસાદ.
ક્ષતિ ધરી દેશે પદે અમૂલ્ય અદૃશ્ય ઉપહાર.
ઇચ્છ્યો’તો તેં અમૃતનો અધિકાર,
એ તો નથી સુખ, ભાઈ, એ તો ના વિશ્રામ,
નહીં શાન્તિ, નહીં એ આરામ,
મૃત્યુ કરશે પ્રહાર,
દ્વારે દ્વારે પામીશ તું તિરસ્કાર,
એને ગણ નવવત્સરના આશીર્વાદ,
એને ગણ રુદ્રનો પ્રસાદ.
ભય નહીં ભય નહીં, જાત્રી,
ગૃહહીના દિશાહીના અલક્ષ્મી જ તારી જાત્રી
પુરાતન વત્સરની જીર્ણક્લાન્ત રાત્રિ
જોને ગઈ વીતી, ભાઈ જાત્રી!
પધાર્યા નિષ્ઠુર,
કરી દો દ્વારના બન્ધ દૂર,
કરી દો મદના પાત્ર ચૂર.
જેને કદી ઓળખ્યા ના, પિછાણ્યા ના
તેનો ગ્રહો પાણિ.