રાણો પ્રતાપ/ચોથો પ્રવેશ2
Jump to navigation
Jump to search
ચોથો પ્રવેશ
'અંક ત્રીજો
સ્થળ : પૃથ્વીરાજનું અંત :પુર. સમય : રાત્રિ.
[જોશીબાઈ એકલી હતાશભાવે ઊભી છે.]
જોશી : | બુઝાઈ ગયો! આખા રજપૂતાનામાં એક જ દીવો સળગતો હતો. આજે એ પણ બુઝાઈ ગયો. પ્રતાપસિંહ આજ મેવાડમાંથી નીકળી વનેવન ભટકતા ફરે છે. હાય! હીનભાગી રાજસ્થાન! |
[પૃથ્વીરાજ આવે છે.]
પૃથ્વી : | જોશી, ઓ જોશી — |
જોશી : | આ રહી હું. |
પૃથ્વી : | રાજસભાના કાંઈ નવીન સાંભળ્યા? |
જોશી : | તમારા વગર બીજું કોણ સંભળાવે? |
પૃથ્વી : | અજબ નવીન ખબર! |
જોશી : | શું થયું? |
પૃથ્વી : | અરે, જોયા જેવી થઈ. ગંભીર મામલો! ચૂપ કેમ રહી ગઈ? |
જોશી : | હું શું બોલું? |
પૃથ્વી : | ત્યારે સાંભળ. શક્તસિંહ કારાગૃહમાંથી રફૂચક! |
જોશી : | ભાગી ગયો? |
પૃથ્વી : | અરે, હજુ સાંભળ તો ખરી. એની સાથે દૌલત ઉન્નિસા પણ... [ભાગી જવાનો અભિનય કરી બતાવે છે] પોબાર. |
જોશી : | શું કહો છો! |
પૃથ્વી : | અરે સાંભળ તો ખરી. હજુ બાકી છે. મેં તને કહ્યું હતું ને, કે સલીમે માનસિંહ વિરુદ્ધ આરોપ મૂકીને શહેનશાહને કાગળ લખેલો? |
જોશી : | હા. |
પૃથ્વી : | શહેનશાહ ગુજરાતમાંથી કાલે પાછા આવે છે. |
જોશી : | કેમ? |
પૃથ્વી : | ટંટો પતાવવા. ટંટો તો કાંઈ જેવો તેવો નહિ ને? એક બાજુ માનસિંહ, ને બીજી બાજુ સલીમ, એટલે કે એક બાજુ રાજ્ય, અને બીજી બાજુ છોકરો. બેમાંથી એકેયને છોડાય? ટંટો મિટાવવો જ જોઈએ ને? |
જોશી : | શી રીતે? |
પૃથ્વી : | પાદશાહ સલીમને બોલાવીને કહેશે કે ‘ભાઈ! માનસિંહ તો આપણો આશ્રિત કહેવાય’. બીજી બાજુ માનસિંહને ફોસલાવશે કે ‘ભલા માણસ, સલીમ તો બચ્ચું કહેવાય!’ |
જોશી : | રાણા પ્રતાપસિંહના કાંઈ ખબર? |
પૃથ્વી : | બીજા તે શા ખબર હોય? હવે તો મહેરબાન વનેવન આથડે છે. મેં પહેલેથી જ નહોતું કહ્યું, કે અકબર પાદશાહની સાથે યુદ્ધ ન હોય! |