લઘુ સિદ્ધાન્તવહી/લેખકની અભિવ્યક્તિમાં અન્ય પરિબળોનો દબાવ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૭

લેખકની અભિવ્યક્તિમાં અન્ય પરિબળોનો દબાવ

પૂર્વઆધુનિકો માનતા કે કૃતિ કશુંક કહે છે, કૃતિને કશુંક કહેવાનું છે. તો આધુનિકો માનતા કે કૃતિ કરે છે, કૃતિને કશુંક કરવાનું છે. પરંતુ અનુઆધુનિકોને આ બંનેની સામે જઈને કહેવાનું છે કે કૃતિ જો કાંઈ કહેતી હોય કે કૃતિ જો કાંઈ કરતી હોય તો એ એમ કેમ કરે છે. એકંદરે આધુનિકોની જેમ અનુઆધુનિકોને કૃતિના વર્તનમાં (textual behaviour) રસ નથી, પણ એ વર્તનની પછીતના વ્યક્તિગત આશયહેતુઓના અને સમષ્ટિગત પરંપરા-પ્રણાલીના દબાવોના પ્રવર્તનમાં રસ છે. કૃતિને કહેવાનું છે કે કૃતિને કરવાનું છે એ બાબતમાં એમને કોઈ વિવાદ નથી. એ તો પૂર્વ આધુનિકો અને આધુનિકોની જેમ અનુઆધુનિકો સ્વીકારીને ચાલે છે, પણ સાથે સાથે કૃતિ જે કહે છે કે કરે છે એની આસપાસના પરિવેશને અને વારસાના સંદર્ભને પણ ઉકેલવા અને વાંચવા ચાહે છે. એક વાત સ્પષ્ટ છે કે કોઈ લેખક એક પંક્તિ ઉતારે છે તો એની પાછળ એની અંગત છેકભૂંસ તો હોય છે જ, પણ જે પરંપરામાં રહીને એ લખે છે એમાંથી પણ એની કેટલીય લેવદેવ હોય છે. આ જ કારણે પોતાની ભાષાથી અલગ ભાષાની અને પોતાની સંસ્કૃતિથી અલગ સંસ્કૃતિની કૃતિ જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણું વાચન પ્રમાણમાં અધૂરું અને અધૂકડું હોય છે. કાફકાની બહુ જાણીતી વાર્તા ‘રૂપાન્તર’ (Metamorphosis) માં પહેલાં જ વાક્ય (‘એક સવારે, ગ્રેગોર સામ્સા ખરાબ સપનામાંથી જેવો જાગ્યો કે એને પોતાને પથારીમાં મસમોટાં જંતુમાં પલટાયેલો જોયો’)થી ચમત્કૃતિ ઊભી થાય છે. અહીં કાફકાની અંગત સૂઝ છે જ, પણ કાફકાએ એમાં કેવી પરંપરાનો આધાર લીધો છે એનો ઈતિહાસ રસિક બને તેમ છે. કાફકા પહેલાં જર્મન સાહિત્યના અર્ન્સ્ટ થિઓડોર હૉફમાન (૧૭૭૬-૧૮૮૨)ના કથાસાહિત્યમાં કોઈ પણ વસ્તુ કોઈ પણ વસ્તુમાં રૂપાન્તરિત થતી જોવાય છે. હોફમાનની એક વાર્તામાં સિટી કાઉન્સિલર એના ખંડમાં જૂની હસ્તપ્રતો વચ્ચે ખુરશીમાં ડ્રેસિંગ ગાઉન પહેરીને બેસે છે. બહાર દરવાજે એક પિત્તળની ટોકરી ટકોરા કરવા માટે રાખેલી છે. આ ટોકરી ઘડીકમાં ટોકરીનું કામ કરે છે અને ઘડીકમાં સફરજન વેચતી ફેરિયણમાં ફેરવાઈ જાય છે. સિટી કાઉન્સિલર પોતે પણ ક્યારેક ખુરશીમાં બેસે છે, ક્યારેક દારૂની પ્યાલીમાં પેસે છે. ક્યારેક પ્યાલીમાંથી ઊડતા દારૂ ભેગો ઊંચે ઊડે છે હવામાં - તો ક્યારેક દારૂમાં ઓગળી જાય છે. ક્યારેક બીજા દ્વારા પિવાઈ જાય છે. હૉફમાનની વાર્તાઓમાં આ પ્રકારનાં સાહસો સાધારણ ગણાતાં. હૉફમાન આ માટે જ જાણીતો હતો. હૉફમાનની વાર્તા વાંચવી શરૂ કરો એટલે કહેવાય નહીં કે શું બનશે. માનો કે ઓરડામાં એક બિલ્લી છે. એ બિલ્લી બિલ્લી હોઈ શકે અને કોઈ માણસ બિલ્લીરૂપે રૂપાન્તરિત થયેલો પણ હોઈ શકે. બિલ્લી તમને કાંઈ કહી ન શકે અને વાર્તાકાર કહે કે એ પણ કશું કહી શકે તેમ નથી, અને એમ આખી વાર્તામાં એક પ્રકારની અનિશ્ચિતતા છવાયેલી રહે. હૉફમાન બર્લિનના કોઈ પુલ પરથી પસાર થતો તો એને લાગતું કે જાણે કે એ કોઈ કાચની બાટલીના મોં પાસે ફસાઈ ગયો છે. એને એની પણ ખાતરી નહોતી કે એની આસપાસના જે માણસોને એ જૂએ છે એ માણસો છે કે પછી પૂતળાંઓ છે. ટૂંકમાં હોફમાનના કથાસાહિત્યમાં અત્યંત રસપ્રદ કહી શકાય એવાં રૂઢિઓને તોડતાં સાહસો જોઈ શકાય છે, જે અઢારમી સદીના કૌતુકવાદી જર્મન સાહિત્યનું મુખ્ય લક્ષણ હતું. હૉફમાનની કથાસૃષ્ટિમાં આવતા આવા રૂઢિઓને તોડતા માનસિક વિભ્રમોને ધ્યાનમાં રાખીને જ કાફકાને વાંચવો પડે. કાફકાનું તો ઉદાહરણ લીધું, પણ લેખકની અભિવ્યક્તિમાં લેખકના પોતાના પરિબળ ઉપરાંતનાં પરિબળોના દબાવોની ઉપેક્ષા હવે કરી શકાશે નહીં.