વસુંધરાનાં વહાલાં-દવલાં/૬. મા ને દીકરો
તેજુને પ્રતાપની રાહ હતી. પ્રતાપ મળે ને એ કહે તેમ કરું. એણે પ્રતાપની રાહ જોઈ, પણ કોઈ ન ડોકાયું, કોઈ સંદેશો ન લાવ્યું. ચાર દિવસ પછી તો પ્રતાપની જાનના ઢોલ વાગ્યા. સાતમે દિવસે ફરીથી ઢોલ સંભળાયા. પ્રતાપ પરણીને આવતો હતો. તળાવડીની પાળે ચડીને તેજુબાએ પ્રતાપનું સમી સાંજનું સામૈયું નિહાળ્યું. ને પછી એ તંબુડીમાં આવીને પેટ ભરી ભરી હસી. પોતે કોણ? પ્રતાપ કોણ? કેવી ગમાર! વાણિયાના છોકરાની પોતે કયા હિસાબે વાટ જોઈ? છૂંદણાં ત્રોફનારી અસુર જાત પણ શો અહંકાર કરી બેઠી! વળતા દિવસે વાઘરીઓ આવીને એને તેડી ગયા. પોતે કોઈ અપરાધ કર્યો હતો. પોતાનાથી જગતમાં ઊંચે મોંએ ન ચાલી શકાય. હવે ત્રાજવાં ત્રોફવા કેમ જઈ શકાય? તેજુ વાઘરણોની જોડે સીમમાં કામ કરવા સંતાતી સંતાતી નીકળતી હતી. અને એક કે બીજા કૂબાવાળાને મદદ કરવામાંથી જે દાણા મળે તેનો રોટલો ઘડી ખાઈને કૂબામાં જ સંતાઈ રહેતી હતી. જરૂર વગર જીભ પણ ન ચલાવતી. હસવું એને આવતું નહિ. એની છેડતી કરવા આવનારા મરદોએ એની આંખમાં કશુંક બિહામણું રૂપ જોયું. અકસ્માત્ એવું બન્યું કે એની પાસે જનારાઓમાંથી બે જુવાન ઝાડા-ઊલટી કરી કરી મૂઆ એટલે વહેમ પેસી ગયો કે આ કોઈક મેલી દેવીની ઉપાસના કરનારી બાઈ છે. રૂપાળી તેજુ બિહામણી ડાકણ જેવી બની ગઈ. માનવીનું મૌન એવું ભયાનક છે. વાઘરણોની આંખો ચપળ હોય છે. એ આંખોએ દિન પર દિન તેજુબાનાં દેહનાં બેઉ પડખાં ભરાતાં જોયાં ને વાતો થઈ: “દી ચડતા લાગે છે.” “એ તો ઠેકાણે પાડી નાખશે.” વાઘરણોએ એક-બીજીને ખાતરી આપી. પરંતુ તેજુના શરીરે દિન પર દિન સાદ કરી કરી સંભળાવ્યું: હું હવે કાબૂ બહાર નીકળી જઈશ. “માડી રે!” વાઘરણો વિસ્મય પામી. “કોઈ એને રસ્તો તો ચીંધાડો? નાની બાળ જાણતી નહિ હોય તો?” તેજુબાની પાસે ચતુર વાઘરણનું એક ડેપ્યુટેશન ગયું. તેજુએ જવાબ આપ્યો, “હુંય દંગાઓમાં ભમી છું. કસબ-કીમિયા શીખી તો નથી, પણ સાંભળી શકી છું. પણ મારે તો એક કરતાં લાખ વાતેય એ વાત કરવી નથી.” “માડી રે! નાક વઢાઈ જશે!” એમ બોલતી બોલતી વાઘરણોએ મોં સંતાડ્યાં. વાઘરણોને પણ આબરૂ હતી! નવ મહિને તેજુએ બાળક જણ્યું. જણાવનારી તો વાઘરણો જ હતી. તેજુનો દીકરો જીવ્યો. પણ ગર્ભાશયમાં કોઈ રોગ રહી ગયો. એના મનની નસો ઉપર પણ પ્રસવકાળની વેદનાએ કાયમી અસર મૂકી દીધી. ઓછામાં પૂરું બાળકનો જન્મ થતાંની વારે જ વાઘરણોએ કહ્યું: “ટૂંકું કરી નાખીએ. આ જુવાન બાઈ બાપડી જગબત્રીશીએ ચડશે.” પણ તેજુએ તો છોકરાને જોવાની હઠ લીધી હતી. “મને મારું ફૂલ બતાવો, મારું બાળ મારે થાનોલે લાવો.” “અરે બાઈ, તારું ફૂલ નથી. તારું કલંક છે.” “કલંકને ય હું કપાળની કાળી ટીલડી કરી ચોડીશ. મને મારું જણ્યું સુંઘાડો. મારે એની સુવાસ લેવી છે.” ‘મરવા દ્યો ને એને! વળી ક્યાંક કોકનું નખોદ કાઢશે. આપણાં છોકરાને ભરખી જાશે મેલી. એને તો રાજી રાખ્યે જ સારાવાટ છે,’ એમ વિચારીને વાઘરાંઓએ તેજુબાના હૈયા પર ગોરો ગોરો બાળક મૂક્યો, તે વખતે તેજુના અંતરના ઊભરાએ એનું ચિત્ત ભ્રમિત કરી મૂક્યું. એ હતી તે કરતાં વધારે અબોલ બની ગઈ. તેજુ છોકરાને મોટો કરતી હતી, તેની સાથોસાથ અમરચંદ શેઠના પુત્ર પ્રતાપના મકાન પર મેડી ચણાતી હતી. નવા મકાનની વાસ્તુક્રિયાનો ‘મીઠો કોળિયો’ ખોઈમાં લઈને ગામનાં વાઘરાં-ઝાંપડાં ગીતો લલકારતાં પાછાં આવતાં, ને વાતો કરતાં કે તેજબાઈને તો છૂપી છૂપી મીઠાઈઓ આવશે. એ શા માટે એંઠ માગવા જાય? અને રાતના ટાઢા પહોરે કૂબાના ઓટા પર માણસો મળતા ત્યારે વાતો ચાલતી કે: “પરતાપ શેઠે તખુભા દરબારની જમીન મંડાણમાં રાખી લીધી.” “એક મહિના મોર્ય તો અગરસંગ જીજીની જમીન રાખી’તી ને?” “રાખે, ગામ આખું ઘેરે કરશે. સંપત છે ને, ભાઈ? આવતો દી છે.” “પણ આટલા બધા રૂપિયાનો મે ક્યાંથી વરસ્યો? હાટડામાં તો સળેલાં ખોખાં અને ઈળુંવાળો ગોળ જ છે હજી.” “બે ભાણિયું વટાવીને!” “એના કેટલા ઊપજ્યા હશે?” “છોડિયુંના રૂપ તો અનોધાં હતાં, ભાઈ!” “એમાંય આ તેજુબાનાં ત્રાજવડાંએ કોઈ અલૌકિક મીઠપ મૂકી દીધેલી.” “અમે સાવરણી-સૂંથિયાં વેચવા જાતિયું, ત્યારે બેય છોકરિયુંને ધોડાધોડ ઓરડામાં પૂરી દેતી’તી શેઠાણી. ફણીધરના માથાની મણિ જોઈ લ્યો બે.” “વીવા ક્યારે કર્યા?” “આંહીં નો કર્યા, નાશક જઈને કરી આવ્યા. બેયને રજવાડાના જેવી મંબીની સાયબી મળી છે. મિલના શેઠિયા છે બેય.” “તયેં તો સારું. વાણિયાને રંડાપો ખેંચવાની વસમાણ ખરી ને, એટલે ઘર તો ભર્યું ભર્યું ગોતે જ ને?” “શેઠાણી કહેતાં’તાં ને, કે મારે વરને જોઈને શું કરવું છે? મેં તો ઘર જ જોયું છે. જુવાન ગોતીશ તો જુવાન અમરપટો લઈને આવ્યો છે? મરકી થાય ને ઊડી પડે. પછી શું જુવાનના મડદાના બાચકા ભરાય છે, માડી?” “વાણિયાં અકલવાન તો ખરાં, નીકર વાઘરામાં ને વાણિયામાં ફેર શીનો?” “અમરચંદ બાપાના કરતાં પરતાપ શેઠની અક્કલ વશેક પોકે, હોં કે! અમરચંદ બાપો જરાક ગરમ ખરા ને, એટલે આજ લગી ગરાશિયાની જમીનું ન વાળી શક્યા. એની અક્કલ બહુ બહુ તો કાલાં-કપાસ ચોરાવવામાં જ ફાવી. પણ પરતાપે તો બેવડે દોરે કામ ઉપાડ્યું છે. એક કોરથી મોટા થાણાના અમલદારની તમામ ચોટી હાથમાં રાખે, ને બીજી કોરથી ગરાશિયાઓને હુલાવીફુલાવી જમીન મંડાવી લેતો જાય છે. વળી અગરસંગ જીજીને અને તખુભા બાપુને તો એમ જ કરી મૂક્યું છે કે પરતાપ શેઠ હોય તો જ અમારી આબરૂ રિયે, નીકર અમારે ઝેર પીવા ટાણું હતું.” “પરતાપ શેઠ વાડિયુંના કૂવા માથે અંજિન મેલાવવાના છે.” “પછેં તો ઈ પડતર ખેતરમાં ચાહટિયાના ને કેળ્યું-પોપૈયાંના ઝકોળા બોલશે, બાપા!” “આપણા કૂબા ઢાળી જ ઈ બધી ટાઢી હીમ જેવી લેરખિયું આવવાની છે.” સૂઈ ગયેલા બાળકને શરીરે હાથે પંપાળતી પંપાળતી તેજબાઈ પોતાના કૂબામાં એકલી બેઠી હોય ત્યારે આ બધી વાતોના શબ્દો તો નહિ પણ સ્વરો હવામાં ગળાઈ ગળાઈને એના કાન સુધી પહોંચતા હતા. પોતે જેમ જેમ અબોલ બનતી ગઈ તેમ તેમ એને કૌતુક જ થતું ગયું કે દુનિયાને આટલી બધી વાતો કરવાનું શું બની રહ્યું હશે? વાતોને કોઈ વિસામો જ નથી શું? પરાઈ લક્ષ્મી અને સમૃદ્ધિની વાતોમાંથી દિલના અસંતોષને તૃપ્ત ન કરી લેત તો આ વાઘરીઓની લાલસા કાં ઝૂરી ઝૂરીને એમને ખપાવી નાખત અને નહિ તો રોજ રોજ એમને ચોરીઓ કરવા ઘસડી જાત, તે વાત તેજબા નહોતી સમજતી. એનું અંતર એક બાળકમાંથી જ પોતાની ભરપૂરતા મેળવી ચૂક્યું હતું. પ્રેમિકા મટી તે પૂર્વે જ મા બની ગઈ હતી. અને માતા થનારના ભયંકર મોહ જગત પરથી ઊતરી ગયા છે. માતાપણું મૌનમાં જ પોતાના એકલપણાની જાહોજલાલી જુએ છે. પરણેલો પ્રતાપ પરણીને શું જંપી ગયો હતો? ના, એ તેજુને વિસારે ન પાડી શક્યો, તેમ ન એણે તેજુની પાસે જવાની હિંમત કરી. એને તેજુના બાળકની જાણ થઈ ચૂકી હતી. બાપનો બોલ ‘હલકી કોમમાંથી વારસદાર જગાડીશ મા’ એના મગજની નસો તોડતો હતો. એને પણ કેટલાક કુટિલ વિચારો નહોતા આવ્યા એમ એ ન કહી શકે. એ વારસદારને ખતમ કરવાના મનસૂબા એના હૃદયના ઉંબરા ખૂંદી ગયા હતા. પણ એ વિચારો ઉપર વાત્સલ્યના ભાવે જીત મેળવી હતી. એનું ધ્યાન એક જ વાત પર ઠરતું હતું. તેજુને કોઈ રીતે ચૂપ કરી શકાય? તેજુ તો ચૂપ જ હતી. મહિના પછી મહિના વીતતા હતા. પણ તેજુનો ચિત્કાર બહાર પડતો નહિ. તેજુનો ભય પ્રતાપને હૈયે દિન પર દિન કમતી થયો, તેમ તેમ તેજુની ને એ છોકરાની સુંવાળી ચિંતા વધતી ચાલી, તેજુને માટે મારે કાંઈ કરવું જ જોઈએ: પણ હું તેજુની ને મારી વચ્ચે કોને અંકોડો બનાવું? હમીરભાઈ મુખી: હમીરભાઈ જ ઠીક છે. હમીરભાઈ મારા જીવન-રહસ્યના જાણભેદુ છે. હમીરભાઈને એણે એકાંતે તેડાવ્યા. “હમીરભાઈ, મહિને મહિને તેજુને સાત રૂપિયા પહોંચાડશો?” હમીર બોરીચાએ પ્રતાપને રંગ દીધા: “રંગ છે, વાણિયા, ઈશ્વરનો ડર જેને હોય તેને આમ જ ઘટે. ખુશીથી પહોંચાડીશ.” અને તે દિવસથી હમીર બોરીચો એ સાત રૂપિયાનો વાહક બન્યો. તેમાંથી પાંચ પોતાના મહેનતાણા લેખે મનમાં ને મનમાં નક્કી કરીને એણે તેજુને રૂપિયા બબે પ્રતિ માસ પહોંચાડવાનો નિયમ રાખ્યો. હમીરભાઈ થોડા થોડા દિવસને આંતરે પ્રતાપ પાસે બીજો પણ તકાદો લઈ આવતા. તેજુ કહે છે કે છોકરાને ઓરી નીકળ્યાં’તાં તેની ટાઢક કરવી છે: તેજુને માંદગી ઘર કરી ગઈ છે માટે દવાદારૂનો પણ ખરચો મગાવે છે: અને તેજુ આજ તો બોલી ગઈ કે શેઠ મારો વાજબી વિચાર નથી કરતા તો પછી હું પણ એમની આબરૂ ઢાંકીને ક્યાં સુધી બેસી રહું? જવાબમાં પ્રતાપ હમીરભાઈની સલાહ મુજબ જ તેજુની સગવડો કાઢતો ગયો. પણ કહેવાની જરૂર નથી કે એ સગવડો તેજુને બદલે હમીરભાઈના જ ઘરનો રસ્તો પકડતી રહી. મહિના મહિનાની અમાસની અધરાતે તેજુ ખીજડા-તળાવડીમાં કોઈ ચોરી કરવા જનારા ચોરની પેઠે જતી હતી, અને એક ઠેકાણેથી ધૂળ કાઢીને તેમાંથી રૂપિયા ભરેલું મેલું મોજું બહાર કાઢતી. એ મોજામાં માસિક મળતા રૂપિયા બે મૂકીને પાછા મોજાવાળા ખાડા પર ધૂળ વાળી પોતાના કૂબામાં કોઈ ન ભાળે તેવી ચોરગતિથી પહોંચી જતી. છોકરાની ઉંમર અઢીક વર્ષની થઈ ગઈ, ત્યારે તેજુએ છોકરાને ખેતરની મજૂરીએ સાથે લેવાનું બંધ કર્યું. કૂબાને સાંકળ વાસીને જતી. તેજુ છોકરાને એટલું જ કહેતી: “જો બચા! રમવા કરવા જા ને, તો ધ્યાન રાખજે હો. આપણું ઘર બીજા સૌથી નોખું છે, ને આપણા ઘરને નેવે જો આ ચકલ્યાંને પાણી પીવાની ઠીબ ટાંગી છે. ઠીબ જોઈને પાછો હાલ્યો આવજે. રસ્તો ભૂલીશ નહિ ને?” ભાંગ્યુંતૂટ્યું બોલી શકતો છોકરો માની ભાષાનો સમજદાર તો પૂરો હતો, ને એ બધું સમજી જઈને ‘હો’ કહેતો. તરસ્યાં પક્ષીઓને પાણી પીવાની ઠીબ તેજુના કૂબાની સાચી એંધાણી હતી. એ એંધાણીએ નાનો બાળક ઘરની ભાળ મેળવતો ને ભમતો. એક વાર ગામના કાઠી-ગરાસિયાના છોકરા છૂટ-દડે રમતા હતા. તેજુનો બાળક આઘે ઊભો ઊભો જોતો હતો. થોડે દૂર એક કૂતરી રઘવાઈ બનીને દોડતી હતી. કૂતરીના માથામાં ઘારું હતું. ઘારામાં કીડા પડ્યા હતા. માથાના માંસમાં ઠોલતા કીડાને શોધવા કૂતરી ચકર ચકર ફરતી હતી. ઘડી દોડતી, ઘડી પોતાના પગ ને પોતાના શરીરને બટકાં ભરતી કૂતરી ઘૂમરીઓ ખાતી હતી. “એલા કૂતરી ગાંડી થઈ.” એક છોકરાએ રોનક કર્યું. “એલા, ના, ના, ઈ તો તેજુડી વાઘરણ.” પોતાની માનું નામ કાને પડતાં બાળક ચમક્યો. “એલા, ઇવડી ઈ તેજુડીએ કૂતરીનું રૂપ ધર્યું છે.” “એલા મારો એને.” ‘મારો, તેજુડીને મારો!’ એવા રીડિયા બોલ્યા ને છોકરાઓએ પથરા ઉપાડી ઉપાડીને કૂતરીનો પીછો લીધો. પોતાના માથાની જીવાતને કારણે બહાવરી બનેલી કૂતરી પથ્થરોની ત્રમઝટમાંથી બચવા ભાગી. ‘તેજુડીને મારો! મારો તેજુડી ડાકણને!’ એવા હાકલાની મોખરે ભાનભૂલી ભાગતી કૂતરીની પછવાડે છોકરાઓએ ડાઘા જેવા બીજા ગામ-કૂતરાઓને હૂડદાવ્યા. તેજુનો બાળક ખરેખર એમ માની બેઠો કે કૂતરી જ મારી મા તેજુડી છે. એના નાનકડા પગોએ દોટ કાઢી. એ કૂતરીની ને છોકરાઓની આડે દોડ્યો. ચીસો પાડતો કહેવા લાગ્યો: “માલી ભાગજે! મા ભાગજે! માલીને માલે છે. માને માલે છે.” હુમલા કરનારા છોકરાઓ અને કૂતરાઓની આડા આવેલા બાળકે કૂતરીને પોતાના હુમલાખોરોના ઝપાટામાંથી સલામત બચી નીકળવાનો વખત કરી આપ્યો: એણે રડતાં રડતાં રાજી થઈ જઈને કહ્યું: ‘મા ભાગી! મા ગઈ! માને કોઈએ માલી ને!’ ને પછી છોકરો ચકલાંને પાણી પીવાની ઠીબની એંધાણીએ પાછો કૂબાને ઓટે જઈ માની વાટ જોતો સાંજ સુધી પાણી પણ પીધા વગર બેઠો રહ્યો. સાંજે મા આવી ત્યારે છોકરાએ માને મોંએ ને હાથેપગે હાથ ફેરવ્યા: માની સામે ટીકી ટીકીને જોઈ રહ્યો. “મા, વાગ્યું થે? મા, ભાગી ગઈ’તી? મા, છોકલા પાણકા માલતા’તા!” બાળક કયા પાણકાની ને કયા ભાગવાની વાત પૂછતો હતો તે ન સમજનાર મા માત્ર બાળકને ખોળે બેસાડી મલકતી જ રહી.