વિનોદ જોશીનાં કાવ્યો/પ્રેયસીનું VISION અનુભવ્યાનો સાર
Jump to navigation
Jump to search
પ્રેયસીનું VISION અનુભવ્યાનો સાર
વિમલી તારી યાદનો બરો મૂતર્યો બાપ,
રાતે આવ્યો તાવ હૈયું ગણગણગોશલો.
અંધારામાં ઓગળે કબૂતરાંની પાંખ,
ઠોલે લક્કડખોદ મારે આંગણ ઊંઘને.
મારગ કેરાં ચીંથરાં સળવળ દોડ્યાં જાય,
વિમલી તારે દેશ તાકો થઈને ઊખળે.
કૂણા હાથે સાણસી ચૂલા ઉપર ચા,
ગાળ્યા પહેલાં આજ હૈયું ભરતું ઘૂંટડા.
હું ચંદનનાં લાકડાં હું વિનિયાની લાશ,
મસાણ જોતો રાહ આઘેનો તું દેતવા.
હડદો તારો સામટો, અવડી ઇન્ડિપેન,
અક્ષર સૂતા આજ મડદાં થઈને યાદનાં.