વીક્ષા અને નિરીક્ષા/આરોહણ વિશે વધુ

From Ekatra Foundation
Jump to navigation Jump to search

‘આરોહણ’ વિશે વધુ

તંત્રીશ્રી, ‘સંસ્કૃતિ,’

‘આરોહણ’ કાવ્યના શ્રી હસમુખ પાઠકે લખેલા પરિશીલન વિશેની મારી નોંધને લગતું શ્રી મનસુખલાલ ઝવેરીનું ચર્ચાપત્ર ઑગસ્ટ અંકમાં વાંચ્યું. એના અનુસંધાનમાં આ લખું છું. ૧. એમનો બીજો મુદ્દો હું સ્વીકારી લઉં છું. એ સ્થાને ‘અહીં’નો અર્થ ‘આ મઠોમાં’ એવો કરવો ઠીક છે. ૨. પણ બાકીના મુદ્દા સ્વીકારવામાં થોડી મુશ્કેલી છે. આપણે જરા વિગતે જોઈએ. એ ત્રણે મુદ્દાઓને જેની સાથે સંબંધ છે તે પંક્તિઓ આ પ્રમાણે છે:

ઘણી ગિરિનિ ઔષધી, વન અનંત ફાલ્યાં ફળ્યાં,
કુઠારિ વળિ કાછિયા, કણબિ, માળિ, વૈદ્યો અને
વિવેકહત દર્દિના અધમ ઊંટવૈદ્યોય એ,
સમાધિછલ જાણતા, ‘ભુરકિશક્તિ સાધી અમો?’
બડાઈ અવરે બકે, કપટ બ્રહ્મચારી, સદા
અધોગતિ સ્વિકારતા ચશચશી જ ગાંજાકળી.

શ્રી મનસુખભાઈએ પૂંછડેથી શરૂઆત કરી છે, એટલે હું પણ, સગવડ ખાતર, એ જ ક્રમને અનુસરું છું. ઉપરના વાક્યના છેલ્લા ખંડનો અર્થ મેં એવો કરેલો છે કે, `અને હંમેશાં ગાંજાની ચલમ (કળી) ચડાવી અધોગતિને પામતા હોય છે.’ એને બદલે શ્રી મનસુખભાઈ આ પ્રમાણે અર્થ કરવાનું સૂચવે છે: "(ચલમમાં) ગાંજાની કળી ચશચશાવીને ફૂંકે છે ને અધોગતિને પામતા હોય છે.’ અને એમાં કારણ એ દર્શાવે છે કે, `મઠોમાં વસતા બાવા સાધુઓની અધોગતિનું કારણ તેઓ ગાંજા (જો?)* [1] ફૂંક્યા કરતા હોય છે તે જ નથી, પણ અધમ ઊંટવૈદું, સમાધિછલ, પોતે ‘ભુરકિશક્તિ’ સિદ્ધ કરી હોવાની અને એવી બીજી બડાઈઓ, કપટ બ્રહ્મચર્ય: આ બધી ધૂર્તતા અને દંભ પણ હોય છે, એ કહેવાની જરૂર નથી.’ મને લાગે છે કે, મારા વાક્યમાં પણ આ અર્થ જોવો હોય તો જોઈ શકાય એમ છે. મારું આખું વાક્ય આ પ્રમાણે છે: `એ ‘મુરતીઓ’ને સમાધિનું છળ કરતાં આવડે છે, અને અમે ‘ભુરકીની શક્તિ સાધી છે’ એવી અને બીજી પણ બડાશો એ લોકો બકે છે; એ લોકો કપટ બ્રહ્મચારીઓ હોય છે. અને હંમેશાં ગાંજાની ચલમ (કળી) ચડાવી અધોગતિને પામતા હોય છે" ...આમાં આ બધાં આચરણોને અધોગતિનાં કારણ લઈ શકાય એમ છે, અંતે એ બધાં અધોગતિમાંથી પ્રગટેલાં કાર્યો છે, એમ કોઈ ઘટાવવા ધારે તો ઘટાવી શકાય એમ છે. બંને રીતે એકંદર અર્થ એક જ રહે છે. શ્રી મનસુખભાઈએ સંબંધક ભૂતકૃદંતવાળી રચનાને તોડી નાખીને બે વાક્યો બનાવ્યાં છે : ૧. ‘(ચલમમાં) ગાંજાની કળી ચશચશાવીને ફૂંકે છે.’ ૨. `અધોગતિ પામતા હોય છે.’ અને એ બેને ‘ને’ સંયોજકથી જોડ્યાં છે. કવિના વાક્યમાં આ બે ક્રિયાઓ વચ્ચે જે સંબંધ છે તે એમને ઇષ્ટ નથી, એવો આનો અર્થ કરવો પડે. તે જો ઇષ્ટ હોય તો મેં કરેલા અર્થ સામે વાંધો લેવાને કોઈ કારણ જ ન રહે. પણ એમણે એ વાંધો ઉઠાવ્યો છે, એનો અર્થ જ એ કે એમને એ સંબંધ ઇષ્ટ નથી. અને માટે એમને મૂળની સંબંધક ભૂતકૃદંતવાળી રચના તોડી નાખી બે ક્રિયા વચ્ચે સૂચવાતો સંબંધ કાપી નાખવા પ્રયત્ન કર્યો છે. પણ એ, એમના ઘડી પહેલાંના અર્થઘટન સાથે સંગત નથી. કારણ, ત્યાં એમણે બાવાઓની અધોગતિમાં બીજી વસ્તુઓ સાથે ગાંજાની ચલમને પણ કારણ તરીકે સ્વીકારી જ છે. આમ, એમની અર્થ કરવાની આ નવી રીત કોઈ રીતે ઉપકારક નીવડતી નથી. ઉપરાંત, શ્રી મનસુખભાઈની રીતે અર્થ કરવામાં ખુદ કવિના પોતાના શબ્દો જ બાધારૂપ બને છે. એ રીતનો અર્થ કવિને ઇષ્ટ હોત તો તેમણે ‘ચશચશી જ ગાંજા કળી’ લખવાને બદલે ‘ચશચશે જ ગાંજા કળી’ કે એવું કંઈક લખ્યું હોત. ‘ચશચશી’નો અર્થ શ્રી મનસુખભાઈએ ‘ચશ-ચશાવીને’ એવો કર્યો છે. સામાન્ય રીતે ‘ચશચશવું’નો અર્થ ‘ચશચશાવવું’ એટલે કે ‘બરાબર ખેંચીને, જોરથી દમ લઈને પીવું’ એવો થાય છે. પણ શ્રી મનસુખભાઈએ અહીં ‘ચશચશાવવું’નો અર્થ ‘ઠાંસીને ભરવું’ એવો કર્યો હોય એમ લાગે છે. અને તેથી એમને ‘ફૂંકે છે’ એવો વધારાનો શબ્દપ્રયોગ કરવો પડ્યો છે. વળી, ‘કળી’નો અર્થ એમણે ‘ચલમ’ કર્યો નથી, એટલે ‘ચલમ’ શબ્દ પણ એમને ગાંઠનો ઉમેરવો પડ્યો છે. આ બધું મને નિરર્થક લાગે છે. કવિએ ‘ચશચશી’ એવું સંબંધક ભૂતકૃદંત વાપર્યું છે, તેને બદલે એમને સાદા વર્તમાન કાળનું રૂપ ઇષ્ટ છે, એટલે મૂળ રચનાને ટાળવા માટે એમણે કદાચ આમ કર્યું હોય. જોકે આથી ઘણી સહેલી રીતે પણ આ કામ થઈ શક્યું હોત. આમાંથી એક વાત એ ફલિત થાય છે કે, શ્રી મનસુખભાઈની અને મારી પદ્ધતિ જ જુદી છે. બંને વચ્ચે મૂળગત અને મહત્ત્વનો ફરક છે. એક કવિએ શું કહ્યું છે તે પામવાનો પ્રયત્ન કરે છે, જ્યારે બીજીનો પ્રયત્ન પોતાને ઇષ્ટ લાગતો અર્થ કવિના શબ્દોમાંથી કાઢવાનો હોય એમ લાગે છે. આ પદ્ધતિ અત્યંત જોખમભરેલી છે. પોતે ઇષ્ટ માનેલા અર્થ સાથે કવિના શબ્દો બંધબેસતા થતા ન હોય ત્યારે આ પદ્ધતિમાં તેની ઠરડમરડ કરવાનું જબરું પ્રલોભન જાગે છે. એ પદ્ધતિનાં જોખમોનો થોડો ખ્યાલ આ પછીની ચર્ચામાંથી આવી શકશે. અહીં મારે એટલું કહેવું જોઈએ કે મારા પહેલા ચર્ચાપત્રનો હેતુ પણ આ કાવ્ય સમજાવવાનો નહોતો, પણ કેવળ એટલું કહેવાનો જ હતો કે કવિએ જે કહ્યું છે તે ચોકસાઈપૂર્વક માંડવું જોઈએ, અને ત્યાર પછી તેને વિશે જે વિશેષ કહેવું હોય તે કહેવું જોઈએ, અર્થાત્, એનો પોતાને જે વ્યંગ્યાર્થ સમજાયો હોય તે બતાવવો જોઈએ, અથવા એમાં આપાત-દૃષ્ટિએ અસંગતિ જેવું કંઈ લાગતું હોય તો તેનું નિરસન કરવા અને સાચે જ અસંગતિ હોય તો તે શા કારણે છે તે સમજવા પ્રયત્ન કરવો જોઈએ. પણ આ બધાને લક્ષમાં લઈને અને પોતાને ઇષ્ટ લાગતા અર્થ માટે પહેલેથી જ કવિનાં વચનોને ઠરડવાં મરડવાં ન જોઈએ. અસ્તુ. ૩. ત્રીજા અને ચેથા મુદ્દાની ચર્ચા ભેગી કરવામાં સગવડ છે એટલે હું તેમ કરું છું. ઉપરના ઉતારાની પહેલી અને બીજી પંક્તિ વચ્ચેના સંબંધની કડી ખૂટે છે, કવિના શબ્દો એ બે વચ્ચેના સંબંધનો બોધ કરાવવાને પૂરતાં નથી, એ કાવ્યનો દોષ છે. એ ખૂટતો સંબંધ મેળવવા માટે, શ્રી મનસુખભાઈએ કહ્યું છે તેમ, તર્કનો આશ્રય લેવો પડે છે. મેં ઓછામાં ઓછો ઉમેરો કરવો પડે એ રીતે એ સંબંધ મેળવવા પ્રયત્ન કર્યો છે. શ્રી મનસુખભાઈએ બતાવ્યું છે તે પ્રમાણે, મારું છપાયેલું વાક્ય વ્યાકરણ દોષવાળું છે, અને અત્યારે મારી પાસે મૂળ હસ્તલેખ છે નહિ, એટલે આવું કેમ થયું તે સમજી શકાતું નથી. પણ એ જ વાક્ય હું વ્યાકરણદોષ ટાળીને અહીં રજૂ કરું છું : `અહીં ગિરિ ઉપર ઘણી ઔષધિઓ હોય છે, ‘અનંત વનેા ફાલ્યાં ફળ્યાં હોય છે; (તેનો લાભ લેવા આવનાર) કુઠારી એટલે કઠિયારા, કાછિયા, કણબી, માળી, વૈદ્યો અને જેમનો વિવેક હણાઈ ગયો છે એવા દરદીઓના અધમ ઊંટવૈદ્યો પણ એ લોકો જ છે.’ આ અર્થ સામે શ્રી મનસુખભાઈનો વાંધો એ છે કે `આ લોકો કઠિયારાથી શરૂ કરીને વિવેકહત દરદી સુધીના સૌનું ઊંટવૈદું કરવા બેસી જતા હોય છે; પણ એમનું વૈદું તો હોય છે ઊંટવૈદું જ કેવળ’ — એવો અર્થ લઈ શકાય એમ નથી કારણ કે કવિએ `અને’ સંયોજક વાપરીને ‘વૈદ્ય’ અને ‘ઊંટવૈદ્ય’ બંનેને જુદા જુદા ગણાવ્યા છે. (આમાં મને શ્રી મનસુખભાઈની સરતચૂક થતી લાગે છે. ‘અને’ સંયોજક તો ‘વૈદ્યો’ને અને ‘ઊંટવૈદ્યો’ને નહિ પણ ‘વૈદ્યો’ને અને ‘વિવેકહત દર્દી’ને જોડે છે, અને, એઓ કહે છે તેમ, જુદા જુદા ગણાવે છે. પણ એ મુદ્દો મહત્ત્વનો નથી. —ન.) એટલે ‘વૈદ્ય’ શબ્દ કવિએ ‘નિષ્ણાત ચિકિત્સક’ના અર્થમાં વાપર્યો હોય તે સંભવિત છે. એવા ચિકિત્સકને આ ‘મૂરતી’ઓનું ઔષધિજ્ઞાન કેવુંક છે તેની ખબર પડી ગયા વગર રહે નહિ...’ એટલે એઓ અહીં એવો અર્થ સૂચવે છે કે, `ગિરિ પર ઔષધિનાં વન ફાલ્યાં ફળ્યાં છે. એમાંની એકેએક ઔષધિને પોતે ઓળખતા હોય છે. અને તેના ગુણધર્મ[ના]• પોતે જાણકાર હોય એવો આડંબર કરીને આ બાવા સાધુઓ કઠિયારા, કાછિયા, કણબી, માળી અને વૈદ્યો વગેરેને એ વનસ્પતિઓ ઓળખાવતા હેાય છે ને કોઈ વિવેકહત દરદી જડીબુટ્ટીની લાલચે એમની પાસે આવી ચડે તો ભારેખમ મોઢે તેને यस्य कस्य तरोर्मूळम् પકડાવી દઈને તેનું ઊંટવૈદું પણ કરતા હોય છે!’ આમાં ખેંચાખેંચ ખૂબ થઈ છે, એનું મનસુખભાઈને ભાન છે, એટલે તેઓ તરત જ કહે છે: `આ અર્થ પહેલી નજરે, કદાચ દૂરાકૃષ્ટ લાગે પણ એ ત્રણ પંક્તિઓને અન્વય જો— ‘અહીં ગિરિ ઉપર ઘણી ઔષધિઓ હોય છે, અનંત વનો ફાલ્યાં-ફળ્યાં હોય છે. એ (પેલા બાવા-સાધુઓ) કઠિયારા, કાછિયા, કણબી, માળી, વૈદ્ય (વગેરેને એ ઔષધિઓ ઓળખાવતા હોય છે.) અને જેમનો વિવેક હણાઈ ગયો છે એવા દરદીઓના ઊંટવૈદ્યો પણ બનતા હોય છે. – આ રીતે કરવામાં આવે તો એ દૂરાકૃષ્ટ ન પણ રહે.’ (આ છેલ્લું વાક્ય જ ચાડી ખાય છે કે બચાવ બોદો છે.) આ પંક્તિઓનો અર્થ કરવામાં બે મુશ્કેલીઓ છે. એક તો, પહેલી અને બીજી પંક્તિ વચ્ચેના સંબંધની કડી કવિએ આપેલી નથી એ, અને બીજી મુશ્કેલી ‘વૈદ્યો’ શબ્દે ઊભી કરેલી છે, પહેલી મુશ્કેલીમાંથી એનો ‘લાભ લેવા આવનાર’ એટલા શબ્દો ઉમેરીને મેં માર્ગ કાઢવા પ્રયત્ન કર્યો છે. શ્રી મનસુખભાઈએ ‘ત્યાં આવનાર’ એ શબ્દો અધ્યાહાર રાખ્યા છે, એમ માનવું જોઈએ, કારણ, કઠિયારા વગેરેને બાવાઓ વનસ્પતિનો પરિચય આપે એ તો જ શક્ય બને જો એ લોકો ત્યાં ગયા હોય. પછીના ભાગનો મેં જે અર્થ સૂચવ્યો છે તેની સામે શ્રી મનસુખભાઈનો વાંધો એ છે કે જે વૈદ્ય છે એટલે નિષ્ણાત ચિકિત્સક છે, તેની આગળ આ ઊંટવૈદ્યો ઉઘાડા પડી ગયા વગર રહે જ નહિ. મારા અર્થના બદલામાં શ્રી મનસુખભાઈએ જે અર્થ સૂચવ્યો છે, તેમાં પણ એ મુશ્કેલી કાયમ જ રહે છે. એમણે ઘણું બધું ગાંઠનું ઉમેરીને વૈદ્યોને અને વિવેકહત દરદીઓને અલગ તો પાડ્યા પણ તોય મૂળ મુશ્કેલી ટળી નહિ. જો એ વૈદ્યો ખરેખર નિષ્ણાત વૈદ્યો હોય તો, ઔષધિઓના ગુણધર્મ જાણતા હોય, અને તો આ ‘મૂરતી’ઓ તેમની આગળ ઔષધિઓના ગુણધર્મ જાણતા હોવાનો આડંબર કરે તે ઉઘાડો પડ્યા વગર રહે જ નહિ. મૂળ વાત આટલી કે આ પંક્તિઓમાં કવિએ શબ્દની કરકસર નહિ પણ કંજૂસાઈ કરી છે, અને એટલે અર્થ માટે ખેંચતાણ કરવી પડે છે. આમાંથી જો માર્ગ કાઢવો હોય તો એમ કહેવું પડે કે ‘આંધળાની ટોળી’માં જેમ દેખતો પણ હોય છે, છતાં તેને લેખામાં લેવાતો નથી, તેમ અહીં વૈદ્યોને લેખામાં લેવાના નથી. મેં સૂચવેલા અર્થ કરતાં પોતે સૂચવેલા અર્થમાં ખેંચતાણ ઓછી કરવી પડે છે, એમ મનસુખભાઈને લાગતું હોય તો ભલે, મને એમ નથી લાગતું. ઉપરાંત, આપણે જોયું તેમ, આટલું કરવા છતાં મૂળ મુશ્કેલી તો ટળતી જ નથી. ૨૩-८-’૬८ ‘સંસ્કૃતિ’, ઑક્ટોબર, ૧૯૬૮


  1. * મુદ્રણદોષ માની મેં ગાંજો પાઠ સૂચવ્યો છે.