વીક્ષા અને નિરીક્ષા/આરોહણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પત્રમ્ પુષ્પમ્

‘આરોહણ’

શ્રી તંત્રી, `સંસ્કૃતિ’,

ફેબ્રુઆરી ૧૯૬૮ના અંકમાં શ્રી હસમુખ પાઠકે કરેલું `આરોહણ’નું પરિશીલન રસપૂર્વક વાંચ્યું. એમાં ચારેક સ્થાનો એવાં લાગ્યાં, જ્યાં અર્થ કરવામાં પૂરતી ચોકસાઈ નથી. એમણે કાવ્યનો જે પાઠ વાપર્યો છે, તે નથી ૧૯૧૭ની પહેલી આવૃત્તિનો કે નથી ૧૯૫૧ની અધિકૃત અંતિમ આવૃત્તિનો, એટલે એ ૧૯૪૨ની આવૃત્તિનો હોવા સંભવ છે. હું હવેની ચર્ચામાં ૧૯૫૧ની આવૃત્તિનો પાઠ જ ઉતારીશ. જોકે પાઠને કારણે અર્થમાં ફેર પડ્યો છે એમ નથી, એટલે એમ કરવામાં હું વાંધો જોતો નથી. ૧. અંકના ૫૦મા પાનાની જમણી ઓળમાં જે બીજું અવતરણ છે, તેમાં અવનિનાં જલ બાષ્પરૂપે નિર્મલ બની અનિલની પાંખો સજી જે વિવિધ લીલાઓ કરે છે, તેનું વર્ણન છે. એમાંની પહેલી બે પંક્તિઓ શ્રી પાઠકે ઉપરના ખંડ સાથે લીધી છે, તેમ કરવાને કંઈ કારણ જણાતું નથી. `જલો અવનિનાં સજી’થી શરૂ થતું `સરી કોમલાં’ સુધીનું આખું એક જ વાક્ય છે, અને એક જ વિષયને નિરૂપે છે. એ ખંડ આ પ્રમાણે છે :

જલો અવનિનાં સજી અનિલપાંખ નિર્મલ બની
તરંત ખગમાલ સંગ નભ ઘુમ્મટે સેલતાં; ૨૦
સુવે ઢળતિ ઝાડગોળમય નીલ શય્યા વિશે,
રચે ઝુલતિ લગ્નગાંઠ કર સાહિ તરુવેલના;
ભરે કુસુમપ્પાલિએ સ્ફટિક, મોતિ વેરે દલે,
શકુંત કલગી ખચે ચળકબુંદ હીરામય;
વિદગ્ધ તરુ ઢાંકતાં ક્ષણ કરે કપિય શોભતા,
શિલા પણ પરિષ્યજે કઠણમાં સરી કોમલાં.

આનો શ્રી પાઠકે કરેલો અર્થ આપી લંબાણ કરવાને બદલે હું એનો શો અર્થ સમજું છું તે જ આપું છું. જેમને રસ હશે એવા વાચકો બંને સરખાવી જોશે. `અવનિનાં પાણી નિર્મલ બની બાષ્પરૂપે અનિલની પાંખો ધારણ કરી (સજી) તરતાં પંખીઓની માળા સાથે નભના ઘુમ્મટમાં સેલારા લે છે; ગોળ ઝાડની ઢળતી (`ઝાડનાં ઝુંડ પર્વતના ચડતા ઢોળાવ ઉપર આવી રહેલાં હોવાથી તેમના ઘૂમટ સમૂહની શય્યાને ઢળતી કહી છે’ – ૧૯૧૭ની આવૃત્તિના ટિપ્પણમાંથી) નીલ શય્યામાં સૂએ છે, તરુ અને વેલના કર સાહીને તેમની વચ્ચે ઝુલતી લગ્નગાંઠ રચે છે; (શ્રી પાઠકે અહીં `રમે’ પાઠ લીધેલો છે, પણ ૧૯૧૭ની અને ૧૯૫૧ની બંને વાચનામાં `રચે’ પાઠ છે. `રમે’ ‘૪૨ની વાચનામાં હોય તોયે છાપભૂલ હોવાનો જ વધુ સંભવ છે. એ આવૃત્તિમાં પણ છાપભૂલ ઘણી છે.) કુસુમની પ્યાલીઓમાં સ્ફટિક જેવો રસ ભરે છે, પાંદડીઓ અથવા પાંદડાં ઉપર મોતી વેરે છે, પંખીઓની કલગીને ચળકતાં બુંદોરૂપી હીરાઓ વડે ખચી દે છે; બળેલા ઝાડને ઢાંકી દઈને ક્ષણભર તો વાંદરાઓને પણ શોભીતા બનાવી દે છે, અને એ કોમળ પાણી કઠણ શિલાઓમાં ઊતરી તેને પણ પરિષ્વજે છે — આલિંગે છે.’

૨. અંકના ૫૧મા પાનાની ડાબી બાજુની ઓળમાં એમણે જે ઉતારો બે ખંડમાં વહેંચીને આપ્યો છે, તે, ખરું જોતાં, એક સળંગ ખંડ છે. શ્રી પાઠકે એ બે ખંડોમાંના પહેલાને સાધુવેશધારીઓ વિશેનો અને બીજાને યાત્રાળુઓ વિશેનો ગણાવ્યો છે, અને તેથી એ પાછલો ખંડ સમજવામાં, મારી દૃષ્ટિએ, ભૂલ થઈ છે. એ પાછલો દસ પંક્તિઓનો ખંડ, એમના ઉતારામાં છૂટી ગયેલી એક પંક્તિ ઉમેરી લઈને હું નીચે ઉતારું છું:

ચડે ઉપર ભાવિકો. ઉ૨ઉમંગિ જાત્રાળુઓ,
ધરે `ફુલ ન, માત્રસ્વલ્પ ફુલપાંખડી,’ તે ગ્રહે,
ઘણી ગિરિનિ ઔષધી, મન અનંત ફાલ્યાં ફળ્યાં,
કુઠારિ, વળિ કાછિયા, કણબિ, માળિ, વૈદ્યો અને
વિવેકહત દર્દિના અધમ ઊંટવૈદ્યો ય એ:
સમાધિછલ જાણતા, `ભુરકિશક્તિ સાધી અમો?’
–બડાઈ અવરે બકે, કપટ બહ્યચારી, સદ્.
અધોગતિ સ્વિકારતા ચશચશી જ ગાંજાકળી.
સ્મરે કવિ કહ્યૂં ત્હમે, `કુદરતે બધૂં સુંદર.
અને ફક્ત માનવી અધમ!’ તે – અહીં તો ખરું.

મારો મુદ્દો એ છે કે, આ વર્ણન પણ ઉપર જેમનું થોડું વર્ણન થઈ ગયું તે `મુરતી’ઓનું જ છે, જેઓ `ગૃહીઓ’એ મોકલેલા `પંચભાગ’ અને `પ્રસાદ’ વડે પોતાનાં જઠર ભરે છે. કવિ, હવે કહે છે કે, જે ભાવિકો અને ઉમંગભર્યા જાત્રાળુઓ ઉપર ચડે છે અને જે `ફૂલ નહિ ને ફૂલની પાંખડી’ ધરે છે - ધરાવે છે, તે આ `મૂર્તિઓ’ ગ્રહણ કરે છે. અહીં ગિરિ ઉપર ઘણી ઔષધિઓ હોય છે, અનંત વનો ફાલ્યાંફળ્યાં હોય છે, એટલે એનો લાભ લેવા જે કુઠારી એટલે કઠિયારા (શ્રી પાઠકે સંગ્રહ કરનાર `કોઠારી’ એવો અર્થ કર્યો છે, તે બરાબર નથી, કવિએ પોતે ૧૯૧૭ની આવૃત્તિમાં ટિપ્પણમાં આ અર્થ આપેલો છે.) કાછિયા, કણબી, માળી, વૈદ્યો અને જેમનો વિવેક હણાઈ ગયો છે એવા દરદીઓના અધમ ઊંટવૈદ્યો પણ આ જ છે. એ `મુરતીઓ’ને સમાધિનું છળ કરતાં આવડે છે, અને `અમે ભૂરકીની શક્તિ સાધી છે’ એવી અને બીજી પણ બડાશો એ લોકો બકે છે; એ કપટ બ્રહ્મચારીઓ હોય છે, અને હંમેશાં ગાંજાની ચલમ (કળી) ચડાવી અધોગતિને પામતા હોય છે; એ જોઈને હે કવિ (અહીં `કવિ’ એટલે `બાયરન’ એવું શ્રી પાઠકે નોંધ્યું છે તે ૧૯૧૭ની આવૃત્તિના ટિપ્પણ પ્રમાણે બરાબર છે, પણ કવિએ ૧૯૫૧ની આવૃત્તિના વિવરણમાં `આ કવિ હીબર’ નોંધ્યું છે. એટલે કોઈ અંગ્રેજી સાહિત્યના અભ્યાસીએ આ ઉક્તિ આ બેમાંથી કયા કવિની છે, તે પંક્તિઓ ઉતારી નક્કી કરી આપવું જોઈએ.), તમે જે એમ કહ્યું હતું કે, કુદરતમાં બધું સુંદર છે, અને ફક્ત માનવી જ અધમ છે, તે અહીં તો સાચું છે. ૩. આવું ત્રીજું સ્થાન પણ અંકના એ જ પાના ઉપર આ પછીના ઉતારામાં આવે છે. એ પંક્તિઓ આ પ્રમાણે છે :

અરે નહિ નહીં; અહીં પણ કદાપિ કો વીરલા
મઠોતણિ શિલાભુમી કઠણ ર્વીધિ મૂલો ઊંડાં
(તજી પતિત વર્તમાન) યુગ ભૂતથી લાભતા
પુરાણ ઋષિયોગીના તપ શમે અને જ્ઞાનમાં
સમોવડ બની રહે, હૃદય બુદ્ધિ આત્માતણા
પ્રસારિ વળિ કૌમુદીધવલ સૌમ્ય કિરણો સદા
દિસે ન જડ સૃષ્ટિએ ચરત કો’પિ સૌહાર્દ તે!

`અરે, નહિ નહિ; અહીં એટલે કે મનુષ્યોમાં પણ કોઈ વાર કોઈ વિરલ પુરુષો મઠોની કઠણ પથરાળ ભૂમિને વીંધીને (પતિત વર્તમાનને છોડીને) ભૂતકાળમાંથી ઊંડાં મૂળો મેળવતા હોય છે, અને તપ શમ અને જ્ઞાનમાં પ્રાચીન ઋષિયોગીઓના સમોવડિયા બનીને હૃદય, બુદ્ધિ અને આત્માના કૌમુદીધવલ સૌમ્ય કિરણોને પણ ફેલાવી જડ સૃષ્ટિમાં જોવામાં ન આવે એવા કેાઈક સૌહાર્દને જીવનમાં આચરીને પ્રગટ કરતા હોય છે.’ (અહીં `લાભતા’નો અર્થ ‘મેળવતા’ કર્યો છે અને `ચરત’નો અર્થ `આચરીને પ્રગટ કરતા’ કર્યો છે, તેનો આધાર ૧૯૫૧ની આવૃત્તિનું વિવરણ છે.) ૪. ચોથું સ્થાન અંકના પાના ૫૫ ઉપરના ઉતારાની પહેલી જ પંક્તિમાં છે. એ આખો ઉતારો શાન્તિનું વર્ણન છે. પંક્તિઓ આ પ્રમાણે છે :

વસે શ્વસિ લસી રહે સ્વયંમભોમશાંતિ અહીં.
ગભીર, તલહીન – જે જગતમેલ આત્માતણાં,
કંઈ જગત પાપડંખ, દુઃખ સ્થૂલ સૌખ્યોતણાં,
ઉતારિ ભુલવી દઈ રુઝવિ અંક પોઢાડિને
કરંત સ્વિય ધામયોગ્ય ભ્રમભટકભ્રાંત આત્માશિશુ.

આમાંની પહેલી પંક્તિનો અર્થ શ્રી પાઠકે આ પ્રમાણે કર્યો છે: `આ શાંતિ જ્યાં વસે છે, શ્વાસ લે છે, તે જ સ્વયમ્ ભૂમિ છે, જે ગંભીર છે...’ વગેરે. આમાં `સ્વયમભોમ’નો અર્થ ખોટો થયો છે, અને પછી વાક્ય એ રીતે આગળ વધે છે કે, બધું એ ભૂમિને લાગુ પડે. ખરું જોતાં, આ બધું શાંતિને વિશે કહેલું છે. હું એ ખંડનો અર્થ આ પ્રમાણે સમજું છું : `અહીં સ્વયમ્ અભોમ એટલે કે આ ભૂમિની નહિ એવી ઊર્ધ્વ લોકની, અલૌકિક (કવિએ પોતે ૧૯૫૧ની આવૃત્તિના વિવરણમાં લખ્યું છે: `સ્વયમ્ અભોમ જોકે પોતે તો અભોમ ભૂમિ કરતાં ઉચ્ચ પ્રદેશની વસનારી.’) શાંતિ વસે છે, શ્વસે છે, અને લસે એટલે બઢતી જાય છે, જે શાંતિ ગંભીર અને અતલ છે, જે આત્મા પર ચડેલા જગતના મેલોને કંઈ જગતના પાખંડ, અને સ્થૂલ સુખોનાં દુઃખોને ઉતારી, ભુલાવી, રૂઝવી દઈને ભ્રમમાં ભટકતા ભ્રાંત આત્મારૂપી શિશુને પોતાના ખોળામાં પોઢાડીને પોતાનાં ધામને યોગ્ય બનાવે છે.’ આ ઉપરાંત, આખા લેખમાં ઉતારાઓમાં જોડણીની અવ્યવસ્થા ઘણી છે – નથી કવિની જોડણી સચવાઈ, નથી જોડણીકોશની – તે જતી કરીએ તોયે બેત્રણ છાપભૂલો મહત્ત્વની છે, તેના તરફ અંતે, ધ્યાન દોરું છું. અંકના પરમા પાનાની ડાબી ઓળમાં જે ચાર પંક્તિનો ઉતારો છે તેમાં ત્રીજી પંક્તિનો પહેલો શબ્દ ‘પ્હરે’ છપાયો છે તે ‘પ્હણે’ હોવો જોઈએ. હું કબૂલ કરું છું કે, ૧૯૫૧ની આવૃત્તિમાં પણ અહીં ‘પ્હરે’ જ છપાયેલું છે. પણ એ આવૃત્તિમાં છાપભૂલો એટલી બધી છે કે ચીડ ચડે. એટલે ૧૯૧૭ની પહેલી આવૃત્તિને આધારે વિચારતાં અહીં ‘પ્હણે’ પાઠ જ ઉચિત લાગે છે. એ ઉતારામાં છેલ્લા બે શબ્દો ‘- હે લોચન!’ છપાયા છે તે ‘હૈ લોચન!’ એમ હોવા જોઈએ. એને આપણે ‘રૈ’ લોચન!’ એમ પણ લખી શકીએ. પ૦મા પાના ઉપરની જમણી ઓળના બીજા ઉતારાની ઉપાંત્ય પંક્તિમાં ‘કપિ’ ‘કવિ’ બની ગયો છે! અંતમાં મારે એટલું નોંધવું જોઈએ કે, મેં ઉપર ચર્ચેલાં ચારે સ્થાનોએ મેં જે રીતે અર્થ કર્યો છે તે રીતે અર્થ લેવાથી શ્રી પાઠકે આખા કાવ્યમાંથી જે ધ્વનિ તારવ્યો છે, તેને આંચ આવે એવું લાગતું નથી. મારી આ જિકર કેવળ ચોકસાઈ પૂરતી જ છે. અમદાવાદ, ૨૭-૨-’૬૮ સંસ્કૃતિ, મે, ૬૮