વીક્ષા અને નિરીક્ષા/ભારતીય કાવ્યવિચાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ભારતીય કાવ્યવિચાર

આપણા દેશમાં કાવ્યચર્ચાની લાંબી પરંપરા છે અને અનેક મનીષીઓએ એ પરંપરાને પુષ્ટ કરેલી છે. આજે હું પ્રધાનપણે ભામહ, દંડી, વામન, કુંતક, આનંદવર્ધન અને અભિનવગુપ્ત એટલા આચાર્યોની વિચારણાનો પરામર્શ કરવા ધારું છું. ભરતના નાટ્યશાસ્ત્રમાં નાટકને અંગે કાવ્ય અને રસની ચર્ચા આવે છે પણ કાવ્યની અથવા સાહિત્યની સ્વતંત્ર ચર્ચા કરનાર લેખકોમાં ભામહ પ્રાચીનમાં પ્રાચીન છે. તેનો કાળ ઈ. સ. ૬૦૦થી ૭૦૦ના અરસામાં ગણાય છે. એના જમાનાના અને તરત પછીના દંડી, લોલ્લટ, ઉદ્ભટ અને વામન એ બધા ઈ. સ. ૮૦૦ સુધીમાં થઈ ગયા એમ મનાય છે. આમાં દંડી પહેલો કે ભામહ એ વિશે પણ વિદ્વાનોમાં એકમતી નથી. એ ચર્ચામાં પડ્યા વગર આપણે એ ગાળામાં થયેલી કાવ્યચર્ચા સમજવાનો પ્રયાસ કરીશું. હું પહેલાં ભામહને લઉં છું. ભામહના ગ્રંથનું નામ `કાવ્યાલંકાર’ છે. ભામહને શાસ્ત્રો વિશે અનાદર નથી પણ કાવ્ય વિશે વિશેષ આદર છે એટલે એ કંઈક આવેશપૂર્વક બોલતો લાગે છે. પોતાના ગ્રંથના પ્રારંભમાં જ એ કહે છે : `સત્કાવ્યની નિર્મિતિ ચારે પુરુષાર્થમાં અને કલામાં વિચક્ષણતા તો અર્પે જ છે, ઉપરાંત કીર્તિ અને પ્રીતિ પણ મેળવી આપે છે.’૧[1]શાસ્ત્રો કેવળ ચતુર્વિધ પુરુષાર્થનું જ્ઞાન આપે છે તો કાવ્ય એ ઉપરાંત કીર્તિ અને પ્રીતિ પણ મેળવી આપે છે એેવો અહીં અર્થ લાગે છે. એ પછી સત્કવિત્વ વગર વાગ્વિદગ્ધતા નકામી છે એમ કહીને એ કહે છે: `શાસ્ત્રનું અધ્યયન તો જડબુદ્ધિ હોય તે પણ ગુરુ પાસેથી કરી શકે છે, પણ કાવ્યનું નિર્માણ તો કોઈ વિરલ પ્રતિભાવાન વ્યક્તિ જ કદાચ કરી શકે, તો કરી શકે.’૧[2] ભામહના જમાનામાં કેટલાક વિદ્વાનો રૂપકાદિ અલંકારોને કાવ્યનું અંતરંગ માનતા હતા. તો બીજા એને બહિરંગ અને એટલે અનાવશ્યક માનતા હતા. એટલે એ શરૂઆત જ અહીંથી કરે છે અને કહે છે કે આ બીજો પક્ષ તો વ્યાકરણશુદ્ધિને જ અલંકાર માને છે અને તેને જ ઇચ્છે છે. પણ એ તો કેવળ સૌશબ્દ્ય કહેવાય, શબ્દવ્યુત્પત્તિ કહેવાય, એ કંઈ અર્થવ્યુત્પત્તિ નથી. શબ્દાલંકાર ભિન્ન છે અને અર્થાલંકાર ભિન્ન છે. અને અમને તો એ બંને ઇષ્ટ છે. કારણ शब्दार्थो सहितो काव्यम्। શબ્દ અને અર્થ મળીને કાવ્ય થાય છે. કાવ્યની આ જૂનામાં જૂની વ્યાખ્યા છે. ભામહે કાવ્યની બાબતમાં પહેલી મહત્ત્વની વાત એ કરી કે કાવ્યમાં કેવળ વ્યાકરણશુદ્ધિ પૂરતી નથી. અને એથી એણે પોતાના ગ્રંથનો એક આખો પરિચ્છેદ શબ્દશુદ્ધિને અર્પેલો છે. શબ્દશુદ્ધિ એટલે કાવ્યશબ્દશુદ્ધિ. એ એમ કહે છે કે વ્યાકરણશુદ્ધ શબ્દોમાંથી પણ કવિ તે તે સ્થાને અમુક જ શબ્દો વાપરવા માટે પસંદ કરે છે અને એમાં એણે ઘણો વિવેક વાપરવો પડે છે:

वक्रवाचां कवीनां ये प्रयोगं प्रति साधवः ।
प्रयोक्तुं ये न युक्ताश्च तद्विवेकोऽयमुच्यते ।। ६-२३ ॥

અને આ વિવેક રસને અનુલક્ષીને કરવાનો હોય છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. અહીં કવિની વાણીને એણે વક્રવાચા એટલે વક્રોક્તિ કહી છે, એનો અર્થ લોકોત્તર અર્થની પ્રતીતિ કરાવનાર ઉક્તિ એવો છે. એ જ કવિનું વૈદગ્ધ્ય છે અને એ જ કાવ્યનો અલંકાર કહેતાં સૌદર્ય છે. ભામહે પોતાના ગ્રંથમાં એક જગ્યાએ કહ્યું છે કે કેટલાક કવિઓ તેજસ્વી રત્નોથી, ફળથી લચેલાં વૃક્ષોથી અને ખીલેલાં પુષ્પોથી વાણીને અલંકૃત કરે છે, પણ એથી કાવ્યની શોભા વધતી નથી, એથી તો ભૂષણ, ઉપવન અને માળાની જ શોભા વધે છે. વાણીની શોભા તે વક્રોક્તિથી જ સિદ્ધ થાય છેઃ

तदंभिरदैर्भूषन्ते भूपणोपवनस्रज : |
वाचां वक्रार्थशब्दोक्तिरंलकाराय कल्पते ||5-66||

અને અતિશયોક્તિના નિરૂપણપ્રસંગે એણે એક વિધાન એવું કર્યું છે કે

सैषा सर्वैव वक्रोत्कि अनयार्थो विभाव्यते |
यत्नोऽस्यां कविना कार्य कोऽलंकारोऽनया विना || ૨-૮૫||

એટલે કે એ બધી જ અતિશયોક્તિઓ વક્રોક્તિ છે, અને એના વડે અર્થનું વિભાવન થાય છે. માટે કવિએ એને સિદ્ધ કરવા પ્રયત્ન કરવો. એના વિના અલંકાર કહેતાં કાવ્યનું સૌંદર્ય સધાય જ શી રીતે? આનંદવર્ધને પોતાના ગ્રંથમાં ભામહનું આ વચન ઉતારેલું છે. એના ઉપર વિવરણ કરતાં અભિનવગુપ્તે કહ્યું છે કે પહેલાં જે અતિશયોક્તિનું લક્ષણ બતાવવામાં આવ્યું છે તે બધી જ વક્રોક્તિ એટલે કે અલંકારના પ્રકાર છે. કારણ, ભામહે પોતે જ કહેલું છે કે वक्राभिघेयशव्दोक्तिरिष्टा वाचामलकृति:| અને પછી એ વચનને સમજાવતાં કહે છે કે, શબ્દની વક્રતા અને અર્થની વક્રતા એટલે શબ્દાર્થનું લોકોત્તીર્ણરૂપે અવસ્થાન. એમાં જ અલંકારની અલંકારતા છે. વક્રોક્તિ કાવ્યમાં શું કરે છે? તો કે એનાથી અર્થ વિભાવિત થાય છે (अनयार्थो विभाव्यते) એટલે કે લૌકિક અર્થો કાવ્યના વિભાવ બની જાય છે. प्रमदाद्यानादि: विभावता नीयते | विशेषेण च भाव्यते रसमयीक्रियते | અર્થાત્ રસમય બની જાય છે. આ બધાનો અર્થ એ થયો કે અર્થો રસમય બની જાય એવી વક્રોક્તિપૂર્વક યોજાયેલા શબ્દ અને અર્થ તે સાહિત્ય. નાટકમાં સૌંદર્યાનુભવ થાય છે તેમાં વેશભૂષા, દૃશ્યો, સંગીત વગેરે અનેક સાધનોની મદદ હોય છે. પણ કાવ્યમાં આ બધું કામ શબ્દોથી જ સાધવાનું હોય છે. અને ભામહને મતે ભાવિક નામના પ્રબંધગુણને લીધે એ શક્ય બને છે : ભાવિક એ પ્રબંધનો એવો ગુણ છે જેને લીધે ભૂત અને ભવિષ્ય કાળના અર્થો પ્રત્યક્ષ જેવા દેખાય છે.

भाविकत्वभिति प्राहु: प्रबन्घविषयं गुणम्।
प्रत्यक्षा इव दृशयन्ते यत्रार्था भूतभाविन:||૩-૫૩||

આ ઉપરાંત ભામહે બીજી એક મહત્ત્વની વાત કહી તે એ કે શાસ્ત્રોનો હેતુ તત્ત્વદર્શન કરાવવાનો હોય છે જ્યારે કાવ્ય લોકાશ્રિત હોય છે.

तत्र लोकाश्रयं काव्यं आगमास्तत्त्वदर्शिन : ||૫-૬૬||

એણે સાહિત્યના જે પ્રકારો પાડેલા છે તેમાં શાસ્ત્ર અને કલાનો પણ સમાવેશ થાય છે. એ બંનેમાં તત્ત્વનિરૂપણનો પ્રયાસ હોય છે. જ્યારે કાવ્યમાં લોકાનુભવનું નિરૂપણ આવે છે. આપણે ઉદાહરણ લઈએ. રવીન્દ્રનાથના એક ગીતમાં

નીલ આકાશે કે ભાસાલે સાદા મેઘેર ભેલા

એમ આવે છે. ઉમાશંકરની એક પંક્તિ

ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો

એમ છે. રવીન્દ્રનાથની બીજ એક પંક્તિ

સ્તબ્ધ તારાર મૌનમંત્ર ભાષણે

એમ છે. આ પંક્તિઓમાં આકાશને નીલ, શબ્દને ગતિમાન અને તારાને સ્તબ્ધ કહેલા છે. પણ તત્ત્વદૃષ્ટિએ જોઈએ તો આકાશને રંગ નથી, શબ્દને ગતિ નથી અને તારા સ્થિર નથી. તેમ છતાં એ સામે કોઈ વાંધો લેતું નથી. ઊલટી વાંધો લેનારની હાંસી થાય છે. તે અહીં ભામહનું કહેવું એમ છે કે કોઈ વિજ્ઞાનનું પુસ્તક લખતો હોય ત્યારે એ આકાશને નીલ ન કહી શકે, શબ્દને ગતિમાન ન કહી શકે અને તારાને સ્થિર ન કહી શકે, કારણ, ત્યાં શાસ્ત્રનો હેતુ તત્ત્વનિરૂપણનો, ખરેખર જેવું છે તેવું બતાવવાનો છે. પણ કાવ્ય તો લોકાશ્રિત છે એટલે, એમાં તો જે જેવું અનુભવાતું હોય તેવું નિરૂપાય છે. એટલે, વસ્તુ ખરેખર કેવી છે એ નહિ, પણ કેવી લાગે છે, એ કાવ્યના નિરૂપણનો વિષય છે. આ જ ચર્ચાને રાજશેખરે પોતાની `કાવ્યમીમાંસા’માં આગળ વધારેલી છે. ત્યાં તેણે કહ્યું છે કે કાવ્યમાં વસ્તુનું સ્વરૂપવર્ણન નથી હોતું પણ પ્રતિભાસનું વર્ણન હોય છે. અને શાસ્ત્રમાં વસ્તુનું સ્વરૂપવર્ણન હોય છે. આમ, કાવ્યને માટે તે પ્રતિભાસ જ સાચો છે એમ જણાવી તે કાવ્યવર્ણિત વસ્તુની રસવત્તાની ચર્ચા છેડે છે. અપરાજિતિએ એમ કહેલું છે કે વિશ્વમાં પદાર્થો તો અસંખ્ય છે, પણ કવિએ કાવ્યમાં કેવળ રસવત્ અર્થો જ લેવા જેઈએ, નીરસ નહિ. ત્યારે રાજશેખર કહે છે કે મહાકવિઓનાં કાવ્યમાં વર્ણવેલા અર્થો રસવત્ હોય છે એ સાચું, પણ એ રસવત્તા આવી ક્યાંથી? પદાર્થો પોતે રસવત્ કે રસહીન હોતા નથી. અને ધારો કે એમ માની લઈએ કે કેટલાક પદાર્થો સ્વભાવથી જ રસવત્ અને કેટલાક સ્વભાવથી જ રસહીન હોય છે, તોયે રસવત્ પદાર્થોનું પણ રેઢિયાળ નિરૂપણ કરી તેને નિરસ બનાવી દેનાર કવિ હોતા નથી એમ નથી. પણ પાલ્યકીર્તિ કહે છે તેમ, સાચી વાત એ છે કે, કાવ્યાર્થોની રસવત્તા અથવા નીરસતા સુધ્ધાં વસ્તુગત નથી હોતી. એનો આધાર કવિની ઉપર હોય છે, અને કવિની જેવી પ્રકૃતિ તેવું તેનું નિરૂપણ. જેનાં રાગી વખાણ કરે છે તેની જ વિરાગી નિંદા કરે છે અને મધ્યસ્થ ઉદાસીન રહે છે. એમ કહીને તેણે એક શ્ર્લોક ઉતાર્યો છેઃ

येषां वल्लभया समं क्षणमिव स्फारा क्षपा क्षीयते
तेषां शीततरः शशी विरहिणामुल्केव संतापकृत् ।
अस्माकं तु न वल्लभा न विरहः तेनोभयभ्रं शिना-
मिन्दू राजति दर्पणाकृतिरियं नोष्णो न दा शीतलः ।।
જેની વ્હાલીની સંગ દીર્ઘ રજની જાતી ઘડી શી વહી,
તેને શીત અતિ શશી; વિરહીને ઉલ્કાશું સંતાપતો;
વ્હાલી ના અમને, વિયોગ પણ ના, બંને નહિ તેમને
ચાંદો આરસી શો દીસે ચળકતો થંડો ન ઊનો કશો.
(અનુ. રા. વિ. પાઠક)

આનંદવર્ધને પણ કહ્યું છે કે –

अपारे काव्यसंसारे कविरेकः प्रजापतिः ।
यथास्मै रोचते विश्वं तथेदं परिवर्तते ॥
शृंगारी चेत्कवि: काव्ये जातं रसमयं जगत् ।
स एव वीतरागश्र्चेन्निरसं सर्वमेव तत् ॥

એટલું જ નહિ પણ સુકવિ તો અચેતન ભાવોને પણ ચેતનની પેઠે અને ચેતન ભાવોને અચેતનની પેઠે ઇચ્છામાં આવે તે પ્રમાણે વાપરે છે.

भावानचेतनानापि चेतनवच्चेतनानचेतनवत् ।
व्यवहारयति यथेष्टं सुकविः काव्ये स्वतंत्रतया ॥

જ્ઞાનના બે સાધનઃ પ્રત્યક્ષ અને અનુમાન. આપણે જોયું એ પ્રમાણે કાવ્યનું પ્રત્યક્ષ શાસ્ત્રના પ્રત્યક્ષ કરતાં જુદું છે, તેમ કાવ્યનું અનુમાન ન્યાયશાસ્ત્રના અનુમાન કરતાં જુદું છે એમ ભામહે પોતાના ગ્રંથના `ન્યાય- નિર્ણય’ નામના પરિચ્છેદમાં કહેલું છે. ભામહને મતે शव्दार्थौ सहितौ काव्यम् ખરું, પણ એ શબ્દાર્થ વસ્તુને રસમય બનાવી દે એવી વક્રોક્તિપૂર્વક પ્રયોજાયેલા હોવા જોઈએ. વક્રોકિત વિનાના શબ્દાર્થ કાવ્ય નથી. દંડીના ગ્રંથનું નામ છે `કાવ્યાદર્શ’. એનો હેતુ કવિ અને રસિક બંનેને કાવ્યશાસ્ત્રનું જ્ઞાન કરાવી તેમને કવિત્વ અને રસિકત્વનો અધિકાર મેળવી આપવાનો છે. એટલે એ શરૂઆતમાં સરસ્વતીવંદન કર્યા પછી કહે છે કે વાણીનો જો સમ્યક્ પ્રયોગ કરવામાં આવે તો તે કામદુઘા બની રહે છે પણ દુષ્પ્રયોગ કરવામાં આવે છે તો તે પ્રયોગ કરનારનું ગૌત્વ સાબિત કરે છે. એટલે કવિએ કાવ્યમાં લેશ પણ દોષની ઉપેક્ષા કરવી નહિ. કારણ, આખું શરીર સુંદર હોય પણ એક કોઢનું ટપકું તેને દુર્ભગ બનાવી દે છે. અને જેને શાસ્ત્રનું જ્ઞાન નથી તે ગુણદોષનો ભેદ કેવી રીતે કરશે? કારણ, આંધળાને રૂપનો નિર્ણય કરવાનો અધિકાર નથી. આથી કરીને પૂર્વસૂરિઓએ પ્રજાને વ્યુત્પન્ન કરવા ખાતર વાણીના વિચિત્ર માર્ગોની ક્રિયાવિધિ બતાવેલી છે. અને તેમણે કાવ્યનું શરીર શું અને તેના અલંકાર કયા એ દર્શાવેલું છે. પછી એ કહે છેઃ

शरीरं तावदिष्टार्थव्यवच्छिन्ना पदावली: ॥ ૧-૯-૧૦ ॥

ઇષ્ટ અર્થથી શુશોભિત પદાવલી તે કાવ્યનું શરીર. અહીં, ઇષ્ટ એટલે હૃદ્ય રસાદિને અનુગત હોઈને મનોહારી એવો અર્થ છે. અર્થો એટલે વાચ્ય, લક્ષ્ય, વ્યંગ્ય ત્રણ પ્રકારના અર્થો. એનાથી શોભતી એવી પદાવલી તે કાવ્યનું શરીર. એણે પોતાના ગ્રંથમાં આગળ જતાં કહ્યું છે કે ભલે બધા અલંકારો અર્થમાં રસનું સિંચન કરતા હોય, તેમ છતાં એ ભાર મોટે ભાગે અગ્રામ્યતા એટલે કે વક્રોક્તિ જ ઉપાડે છે, અર્થાત્ અર્થમાં રસનું સિંચન કરવાનું કામ મોટે ભાગે વક્રોક્તિ જ કરે છે.

कामं सर्वोऽप्यलंकारो रसमर्थे निषिज्चतु |
तथाप्यग्रामतैवैनं भारं वहति भूयसा || ૧-૬૨ ||

અને એણે બે ઉદાહરણો આપીને કહ્યું છે કે ગ્રામ્યાર્થથી વૈરસ્ય, વિરસતા થાય છે અને અગ્રામ્ય અર્થ રસાવહ હોય છે. અગ્રામ્યતા શબ્દ તેણે માધુર્યનું લક્ષણ આપતાં વાપરેલો છે. જેમ ભમરાઓ મધને લીધે મદમત્ત બની જાય છે તેમ ધીમન્તો રસિકો માધુર્યને લીધે લુબ્ધ બને છે.૩[3] એ માધુર્ય વાણીમાં અને વસ્તુમાં રસની ઉપસ્થિતિથી આવે છે. ગ્રામ્યતાનો વિરોધી શબ્દ વિદગ્ધતા છે. વિદગ્ધતાભરી ઉક્તિ તે વિદગ્ધભંગિભણિતિ. એ જ વક્રોક્તિ, એ જ ઉક્તિવૈચિત્ર્ય અને એ જ માધુર્ય. વામને માધુર્યનું લક્ષણ આપતાં કહેલું છે:

उत्किवैचित्र्यं माघुर्यम् |

આમ, દંડીએ પણ ઉક્તિવૈચિત્ર્ય-વેદગ્ધ્ય-અગ્રામ્યતા-માધુર્યમાં જ કાવ્યનું પ્રધાન આકર્ષણ ગયું છે. વામન પોતાના ગ્રંથની શરૂઆત જ काव्यं ग्राह्यमलंकारात् | કાવ્ય અલંકારાથી ઉપાદેય બને છે એમ કહીને કરે છે, અને વૃત્તિમાં સમજાવે છે કે અહીં કાવ્ય શબ્દ ગુણાલંકારથી સંસ્કૃત એવા શબ્દાર્થ માટે વાપર્યો છે. કાવ્ય અલંકારથી ગ્રાહ્ય બને છે તો એ અલંકાર શું છે? એનો જવાબ તે सौन्दर्यमलंकार । ૧–૧–૨॥ એમ કહીને આપે છે. અલંકાર એટલે સૌન્દર્ય. અર્થાત્ કાવ્ય પોતાને સૌન્દર્યને લીધે ઉપાદેય બને છે. ઉપમાદિના અર્થમાં પણ અલંકાર શબ્દ પ્રયોજાય છે, પણ તે પોતાને ઇષ્ટ નથી એમ એણે વૃત્તિમાં સ્પષ્ટ કરેલું છે. એ સૌન્દર્ય શી રીતે પ્રાપ્ત થાય? એના જવાબમાં તે કહે છે: सदोषगुणालंकारहानादानाभ्याम् । ૧–૧–૩ ॥ અર્થાત્ દોષનો પરિહાર અને ગુણાલંકારના આદાનથી એ સૌન્દર્ય સિદ્ધ થાય છે. આ શી રીતે બને? તો કે शास्त्रतस्ते । ૧–૧–૪ ॥ શાસ્ત્રથી. એટલે શાસ્ત્રથી દોષનું અને ગુણાલંકારનું સ્વરૂપ જાણી લઈ દોષનો પરિહાર અને ગુણાલંકારનું આદાન કરવાથી કાવ્યસૌન્દર્ય સિદ્ધ થાય છે. એ પછી કાવ્યનું પ્રયોજન અને અધિકારીનું નિરૂપણ કરી તે કહે છેઃ रीतिरात्माकाव्यस्य । ૧–૨–૬ ॥ રીતિ એ કાવ્યનો આત્મા છે. રીતિ શું છે? विशिष्टपदरचना रीति: । ૧–૨–૭ ॥ વિશેષયુક્ત પદરચના તે રીતિ. એ વિશેષ શો છે? તો કે विशेषो गुणात्मा । ૧–૨–૮ ॥ ગુણ એ જ વિશેષ છે. આનો અર્થ એ થયો કે ગુણયુક્ત પદરચના તે રીતિ અને તે જ કાવ્યનો આત્મા છે. ગુણનો પરિચય આપતાં એણે કહ્યું છે કે काव्यशोभाया: कर्तारो धर्मा गुणा :। ૩-૧–૧ ॥ અર્થાત્ જે ધર્મો કાવ્યશોભા ઉત્પન્ન કરે છે તે ગુણો – ઓજ પ્રસાદ વગેરે, યમકોપમા વગેરે નહિ. અને એ પછી કહે છે કે तदतिशयहेतवस्त्वलंकारा:। ૩–૧–૨ ॥ એ કાવ્યશોભામાં વધારો કરનાર તે અલંકારો કહેવાય, જેમ કે યમકો૫માદિ. એ ગુણ અને અલંકાર વચ્ચે ભેદ કરતાં કહે છે કે पूर्वे नित्या:| 3-1-3 || આગલા એટલે કે ગુણો નિત્ય છે. કારણ, એના વિના કાવ્યશોભા સંભવતી જ નથી. કાવ્યશોભા એટલે કાવ્યનું સૌન્દર્ય. એ ગુણ વગર સંભવતું જ નથી. એટલે જ્યાં જ્યાં સૌન્દર્ય છે ત્યાં ત્યાં ગુણ છે જ. એ પછી વામને દશ શબ્દગુણ અને દશ અર્થગુણનું નિરૂપણ કર્યું છે, પણ પાછળના આચાર્યોએ એ સ્વીકાર્યું નથી અને કેવળ ત્રણ જ ગુણો આખરે સ્વીકાર પામ્યા છેઃ માધુર્ય, ઓજ અને પ્રસાદ. ભામહ અને રુદ્રટ તો ગુણ અને અલંકાર વચ્ચેનો ભેદ પણ સ્વીકારતા નથી અને બંનેને એક જ ગણે છે. પણ આનંદવર્ધન, અભિનવગુપ્ત અને મમ્મટ એ બે વચ્ચે ભેદ સ્વીકારે છે, પણ વામન કરતાં તેમનો મત જરા જુદો પડે છે. આપણે જોઈએ. ધ્વનિકારને મતે અંગી રસને આશ્રયે રહેલા ધર્મો તે ગુણ અને અંગને આશ્રયે રહેલા તે કટકાદિ જેવા અલંકાર. અંગ એટલે શબ્દાર્થ. એને જ અનુસરી મમ્મટે લખ્યું છે કે

ये रसह्याद्गिनो धर्मा: शौर्यादय इवात्मन: |
उत्कर्षहेतवस्ते स्युरचलस्थितयो गुणो: || ૬૬ ||

રસનો ઉત્કર્ષ સાધનારા અને રસમાં અચલ ભાવે રહેનારા શૌર્યાદિ જેવા જે ધર્મો તે ગુણ. વામને ગુણોને કાવ્યની શોભા ઉત્પન્ન કરનાર કહ્યા છે જ્યારે અહીં તેમને રસનો ઉત્કર્ષ સાધનારા કહ્યા છે. એ જ મુખ્ય ફરક છે. અલંકારો વિશે મમ્મટે કહ્યું છે કે

उपकुर्वन्ति तं सन्तं येऽद्वद्वारेण जातुचित् |
हारादिवदलंकारास्तेऽनुप्रासोपमादय : || ૬૭ ||

કાવ્યમાં રસ હોય તો તેને જેઓ કોઈ કોઈ વાર ઉપકારક થઈ પડે છે તેઓ હારાદિ જેવા અનુપ્રાસ, ઉપમા વગેરે અલંકાર કહેવાય છે. અર્થાત્, અલંકારો હંમેશાં રસને ઉપકારક જ થતા હોય છે એવું નથી હોતું. અલંકાર કાવ્યમાં રસાનુગત થઈને આવ્યા હોય તો જ ઉપકારક થાય નહિ તો નહિ, એ એનો અર્થ છે. ગુણની બાબતમાં પણ પાછળથી જે શોધન થયું તેને પરિણામે એનો ખ્યાલ પણ વધારે સ્પષ્ટ થયો. એ આપણે ધ્વન્યાલોક ઉપરની અભિનવગુપ્તની ટીકામાંથી જોઈશું ગુણનિરૂપણનો સમારોપ કરતાં અભિનવ-ગુપ્ત કહે છેઃ एवं माधुर्यौज:प्रसादा एव त्रयो गुणा उपपन्ना भामहाभिनयेण। ते व प्रतिप्रत्त्रास्वादमया मुख्यतयां तत आस्वाद्य रसे ततस्तद्व्यंजकणेः शब्दार्थयोरिति तात्पर्यम् || ૧૦ || આ રીતે ભામહને અભિપ્રેત ત્રણ ગુણો — માધુર્ય, ઓજ અને પ્રસાદ—જ ઉપપન્ન છે. એ ગુણો મુખ્યભાવે પ્રતિ-પત્તા એટલે કે ભાવકની દ્રુતિ, દીપ્તિ તથા પ્રસાદરૂપી આસ્વાદમયી ચિત્તવૃત્તિઓના જ વાચક છે, એથી કરીને તેમનો ઔપચારિક પ્રયોગ તે તે ચિત્તવૃત્તિઓ દ્વારા આસ્વાદાતા રસના અર્થમાં પણ થાય છે. અને પછી એ રસોને અભિવ્યક્ત કરનાર શબ્દો અને અર્થોના સંબંધમાં પણ એનો લાક્ષણિક પ્રયોગ કરવામાં આવે છે. (ધ્વન્યાલોકાલોચન ૨–૧૦) આનો અર્થ એ થયો કે રસચર્વણા વખતે સહૃદયના ચિત્તની જે ત્રણ દશા જોવામાં આવે છે— દ્રુતિ, દીપ્તિ અને વિકાસ, એનું જ નામ ગુણ. એમાં દ્રુતિ બંને પ્રકારના શૃંગારમાં અને કરુણમાં અનુભવાય છે. એ જ રીતે દીપ્તિ વીર, રૌદ્ર અને અદ્ભુતમાં અનુભવાય છે અને હાસ્યમાં દ્રુતિ અને દીપ્તિ સરખે ભાગે, ભયાનકમાં અને બીભત્સમાં ઓજ વધારે અને માધુર્ય ઓછું તેમ જ શાંતમાં કોઈ વાર માધુર્યનું તો કોઈ વાર ઓજનું પ્રાબલ્ય હોય છે, એમ અભિનવગુપ્તે સમજાવેલું છે. ચિત્તની આસ્વાદમય દશા એ જ ગુણ. પણ પછી જે રસોને લીધે એ દશા પ્રાપ્ત થાય તે રસો પણ એ નામે ઓળખાય, જે શબ્દાર્થો એ રસોને અભિવ્યક્ત કરતા હોય તેને માટે પણ એ શબ્દ વપરાય છે, પણ એ ઉપચારથી જ, મુખ્ય અર્થ તો રસચર્વણા વખતની ચિત્તની દશા એ જ છે અને એટલે જ્યાં જ્યાં રસ ત્યાં ત્યાં ગુણ એવો અવ્યભિચારી સંબંધ એ બે વચ્ચે કલ્પાયો છે. આ ગુણવિવેચન અનુસાર જો આપણે વામનના મતનો સાર કાઢીએ તો તે એવો નીકળે કે રસાનુભવ કરાવી શકે એવી પદરચના તે રીતિ અને તે જ કાવ્યનો આત્મા. વામન પછી રુદ્રટે કહેલી બેત્રણ વસ્તુનો પરામર્શ કરવો જોઈએ. એણે એમ કહ્યું છે કે અલંકાર પાછળ કવિની વિવક્ષા હોય છે. પોતાની વસ્તુનું સારી રીતે પ્રતિપાદન કરવા માટે કવિ જેમાં તેની જેવી બીજી વસ્તુનું ગ્રહણ કરતો હોય તે ઉપમા. આને સમજાવતાં નમિસાધુ કહે છેઃ જે જેવો વક્તા જેવે પ્રકારે બોલવા ઇચ્છતો હોય તેને અનુરૂપ બીજું વસ્તુ તે લે, તેનું નામ ઔપમ્ય.૪[4] આથી તે સ્પષ્ટ કહે છે કે સારા કવિના કાવ્યમાં નિષ્પ્રયોજન અલંકાર હોતા જ નથી. આ ઉપરાંત ગ્રામ્યત્વ એ માધુર્યનું વિરોધી છે અને એની ઉત્પત્તિ અનૌચિત્યમાંથી થાય છે, એમ પણ એણે કહેલું છે. એ જ વસ્તુ આનંદવર્ધને પણ કહી છે :

अनौचित्यादृते नान्यत् रसभंगस्य |
प्रसिद्धौचित्यबन्घस्तु रसस्योपनिषत्परा || (૩૩૦)

અને પાછળથી ક્ષેમેન્દ્રે ઔચિત્યવિચારચર્ચા લખીને એનું ઘણું જ મહત્ત્વ કહ્યું. રસની બાબતમાં પણ રુદ્રટનું એક પ્રદાન સંભારવા જેવું છે. એણે કહ્યું છે કે આસ્વાદ્ય અવસ્થાને પહોંચનારી કોઈ પણ વૃત્તિ રસ બની શકે.

रसनाद्रसत्वमेतेषां मधुरादीनामिवोत्कमाचार्यै: |
निर्वेदादिष्वपि तन्निकाममस्तीति तेऽपि रसा: ||

પાછળથી અભિનવગુપ્તે કહેલું છે કે રસો અનંત છે પણ મહારસ એક જ છે અને તે આત્મા, તેના બીજ આમાં જોઈ શકાય છે. કાવ્યમાં આનંદ આવે છે તેનું કારણ તેનું સૌંદર્ય છે. એ સૌંદર્ય શી રીતે નિષ્પન્ન થાય છે એનો વિચાર કરતાં લાગ્યું કે આ જાદુ વક્રોક્તિનો છે. કવિ કાવ્યમાં શબ્દો તો આપણે વાપરીએ છીએ એ જ વાપરે છે, પણ એની વાપરવાની રીત જુદી હોય છે. ઉદ્ભટે કહ્યું છે એ પ્રમાણે કાવ્યવ્યવહાર અમુખ્યવૃત્તિથી ચાલે છે. અમુખ્યવૃત્તિથી એટલે અભિધા સિવાયની વૃત્તિથી—લક્ષણાથી અને વ્યંજનાથી. આ અમુખ્યવૃત્તિના વ્યાપારથી અનુભવાતા કાવ્યસૌંદર્યનો આનંદ એ જ રસ, અને એ જ કાવ્યનો આત્મા એમ સમજાયું. આ મતનું સમર્થ પ્રતિપાદન આનંદવર્ધને પોતાના ‘ધ્વન્યાલોક’ નામે ગ્રંથમાં કર્યું અને અભિનવગુપ્તે તેના ઉપર ‘લોચન’ નામે ટીકા લખી રસપ્રક્રિયાની વિશદ સમજૂતી આપી. પણ એ પછીથી આવશે. આપણે જોયું કે આ બધા આલંકારિકો કાવ્યના સ્વરૂપને સમજવા-સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે હું જે આલંકારિકની વાત કરવા માગું છું તે કવિવ્યાપારને સમજવા-સમજાવવાનો પ્રયત્ન કરે છે, અને એ એનું અત્યંત મહત્ત્વનું પ્રદાન છે. હું ‘વક્રોક્તિજીવિત’-કાર કુંતકની વાત કરું છું. શબ્દ અને અર્થ બંને મળીને કાવ્ય થાય છે એમ કહેવાય છે, પણ શબ્દાર્થનું સાહિત્ય તો રોજના વ્યવહારમાં પણ જોવામાં આવે છે. તો કાવ્યમાંના આ સાહિત્યની વિશેષતા શી? એનો જવાબ એ એવો આપે છે કે, શાસ્ત્રાદિમાં જે રીતે શબ્દાર્થનું ઉપનિબંધન કરવામાં આવે છે તેના કરતાં જુદું જ એક વૈચિત્ર્ય કાવ્યમાં હોય છે, એ વૈચિત્ર્ય જ કાવ્યનું જીવિત હોય છે. शास्त्रादि प्रसिद्ध – शव्दार्थोपनिबन्घ-व्यतिरेकी यद् वैचित्र्यं तन्मात्रलक्षणं वक्रत्वं काव्यस्य जीवितम्। અને એ સાચું સાહિત્ય કાવ્યમાં જ જોવા મળે છે. કાવ્યમાં શબ્દ અને અર્થની રમણીયતા સાધવા માટે અન્યૂન અને અનતિરિક્ત – બેમાંથી કોઈ કોઈથી ઊતરે પણ નહિ અને ચડી પણ ન જાય એવી – મનોહર અવસ્થિતિ હોય છે.

साहित्यमनयो: शोभाशालितां प्रति काप्यसौ |
अन्यूनानतिरित्कत्वमनोहारिण्यवस्थिति: ||૧-૧૭ ||

કેવળ શબ્દના સૌન્દર્યથી પણ કાવ્ય બનતું નથી, તેમ કેવળ અર્થના સૌંદર્યથી પણ કાવ્ય બનતું નથી. न शब्दस्यैव रमणीयताविशिष्टस्य केवलस्य काव्यत्वं, नाप्यर्थस्य | કાવ્યમાં શબ્દ અને અર્થનું સાહિત્ય કેવા પ્રકારનું હોય છે તે સમજાવતાં એ કહે છે કે शब्दस्य शब्दान्तरेण वाच्यस्य वाच्यान्तरेण च साहित्यं परस्परस्पर्घित्वलक्षणमेव विवक्षितम् | કાવ્યમાં શબ્દાર્થનું સાહિત્ય એટલે શબ્દનું શબ્દ સાથે અને અર્થનું અર્થની સાથે પરસ્પરસ્પર્ધિત્વરૂપ સાહિત્ય. એટલે કે શબ્દની સાથે શબ્દના મિલનથી અર્થની સાથે અર્થના મિલનથી જે બે પરસ્પરસ્પર્ધી ચારુતા ઉત્પન્ન થાય છે, તે બન્નેનું પરસ્પર સામંજસ્ય. એનો અર્થ એવો થયો કે, કાવ્યમાં, એક બાજુથી, પરસ્પર અર્થના સામંજસ્યમાં ક્રમવિકાસ હોવો જોઈએ, અને બીજી બાજુથી, એ અર્થના સામંજસ્યમાં શબ્દની સાથે શબ્દનું એવું મિલન જોઈએ કે જેથી શબ્દો ધ્વનિ અને છંદમાં અર્થાનુકૂલ રહીને વર્તે અને બીજી તરફથી શબ્દના વિન્યાસને લીધે અર્થધારા લગારે ક્લુષિત ન થાય, અથવા વિપરીત માર્ગે ચાલી જવાનો પ્રયત્ન ન કરે એમ કરવું જોઈએ. આમ, શબ્દ અને અર્થ મળીને જે સમગ્રતા થાય છે તેના દરેક અવયવના પરસ્પરના સૌંદર્યથી સમગ્રનું સૌંદર્ય ખીલી ઊઠવું જોઈએ. અહીં એણે કલાકૃતિની સમગ્રતા ઉપર ભાર મૂક્યો છે. કૃતિનાં બધાં અંગોપાંગો વચ્ચે સામંજસ્ય હોય તો જ તે સમગ્રતા પ્રાપ્ત કરી શકે છે, એટલે તે સાહિત્યના સ્વરૂપનો આ રીતે ખ્યાલ આપે છે : `માર્ગને એટલે કે રીતિને અનુરૂપ માધુર્યાદિ ગુણોનો ઉદય, વક્રતા એટલે કે વૈચિત્ર્યનો અતિશય પ્રગટ કરનાર અલંકારોનો વિન્યાસ, અને વૃત્તિના ઔચિત્યથી મનોહર એવો રસોનો પરિપોષ – એ બાબતો જેમાં પરસ્પરની સ્પર્ધા કરતી વિદ્યમાન હોય એવી તદ્વિદોને આનંદ આપનારી શબ્દાર્થોની અવસ્થિતિ તે સાહિત્ય.’ એવા સાહિત્યનું જ પર્યવસાન રસાસ્વાદમાં થઈ શકે. તે કહે છે : `વાક્યનો અર્થ ધ્યાનમાં ન લઈએ તોયે કેવળ બંધસૌંદર્યથી જ જે તદ્વિદોના હૃદયમાં સંગીતની પેઠે આનંદ ઉત્પન્ન કરે છે, અને વાક્યાર્થ ધ્યાનમાં આવ્યા પછી તો પદવાક્યાર્થથી જુદો જ અને તેની પારનો પાનકરસના આસ્વાદ જેવા આસ્વાદનો અનુભવ રસિકોને કરાવે છે; જે દેહમાં પ્રાણની પેઠે સમસ્ત કાવ્યશરીરને જીવંત બનાવી મૂકે છે અને જેના વિના વાક્યો નિર્જીવ બની જાય છે, અને જેનો અનુભવ માત્ર તદ્વિદોને જ થાય છે, તે સૌભાગ્ય એટલે કે સૌંદર્યને કવિવાણી શી રીતે પહોંચે છે તેનો હવે વિચાર કરીએ.’ કાવ્યરચનાની પ્રક્રિયા સમજાવતાં કુંતક કહે છે કે, `સુકવિ જ્યારે કાવ્યરચના કરે છે ત્યારે તેના ચિત્તમાં જે આંદોલન જાગે છે તેને પરિણામે વર્ણનીય વાસ્તવિક જગતના પદાર્થો એવા એક પ્રકારના ભાવોજ્જ્વલ વેશથી આવૃત્ત અને પરિવર્તિત થઈને તેના ચિત્તમાં ઉદય પામે છે, અને તેને લીધે એવી એક પ્રેરણા જાગે છે, જેની ઉત્તેજનાને લીધે કવિપ્રતિભાની મદદથી તે પદાર્થોના ભાવમય રૂપને યથાતથ રૂપે પ્રગટ કરી શકે એવા શબ્દો તે પસંદ કરી શકે છે.’ कविविवक्षितविशेषाभिधानक्षमत्वमेव वाचकत्वलक्षणं, यस्मात् प्रतिभायां तत्कालोल्लिखितेन केनचित् परिस्पन्देन परिस्फुरन्तः पदार्थाः प्रकृतप्रस्तावसमुचितेन केनचिदुत्कर्षेण वा समाच्छादितस्वभावाः सन्तो विवक्षाविधेयत्वेनाभिधेयतापदवीभंवदतरन्तः तथा त्रिधविशेषप्रतिपादनसमर्थेन अभिधानेन अभिघीयमानाश्चेतनचमत्कारितामापद्यन्ते || આ એક જ વાક્યમાં એણે અનેક સૂક્ષ્મ વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે. પહેલું તો એ કે બાહ્ય વાસ્તવિક જગતના પદાર્થો કવિના ચિત્તમાં અંતર્લોકનું ભાવમય અલૌકિક રૂપ ધારણ કરે છે. The external objects take an ideal or emotional form. અને પછી એ ભાવમય પદાર્થોને યથાતથરૂપે પ્રગટ કરે એવા જ શબ્દો પ્રતિભાબળે તેને સૂઝે છે. અહીં બે ક્રિયા બને છે. એક તો કવિના અંતરનો પરિસ્પંદ વિષયવસ્તુને આવરી લઈને તેને ભાવમય બનાવી દે છે, અને એ પરિસ્પંદ જ એ ભાવમય રૂપને શબ્દરૂપે પલટી નાખે છે, આથી જ કાવ્યમાં ભાવરૂપનું અને શબ્દરૂપનું સાહિત્ય અથવા unity સંભવે છે. કુંતકને મતે શબ્દ અને અર્થના પરસ્સ્પર્ધી વૈચિત્ર્ય એટલે કે વક્રત્વને કારણે જ કાવ્ય બને છે. જ્યાં જ્યાં એ વક્રતા હોતી નથી અથવા એના સામંજસ્યને આંચ આવે છે, ત્યાં ત્યાં સાહિત્યવિરહ થાય છે. વસ્તુના યથાતથ વર્ણનમાં કોઈ વક્રતા નથી હોતી એટલે એને મતે સ્વભાવોક્તિમાં કાવ્ય નથી. પહેલાં આપણે એવો મત જોઈ ગયા કે શાસ્ત્ર વસ્તુનું વર્ણન કરે છે જ્યારે કાવ્ય અવભાસનું, તેની અહીં યાદ આવશે. જોકે શ્રી દાસગુપ્ત કહે છે તેમ, ખરેખરી સ્વભાવોક્તિ હોય ત્યાં પણ કાંઈ વિષયવસ્તુને તેના જડ રૂપમાં વ્યક્ત કરી શકાતી જ નથી, તેને ભાવનો રંગ લાગ્યો જ હોય છે. એણે છ પ્રકારની વક્રતા ગણાવેલી છે અને પછી તેના અનેક પેટા ભાગો પાડેલા છે. ૧. વર્ણવિન્યાસ વક્રતા, ૨. પદપૂર્વાર્ધ વક્રતા, ૩. પ્રત્યય વક્રતા, ૪. વાક્યવક્રતા, ૫. પ્રકરણવક્રતા, ૬. પ્રબંધવક્રતા. એ રીતિ એટલે કે માર્ગના ત્રણ પ્રકાર ગણાવે છે: ૧. સુકુમાર, ૨. વિચિત્ર અને ૩. તદુભવાત્મક. વિચિત્ર રીતિના કાવ્યમાં વાક્યના મુખ્યાર્થને અતિક્રમીને, શબ્દાર્થ શક્તિ ઉપરાંતની એક વૃત્તિ દ્વારા વ્યંગ્યભૂત એક નવો જ અર્થ આવિષ્કાર પામે છે. એ નવો અર્થ પ્રગટ કરવાની શક્તિ તે પ્રતીયમાનતા. દરેક કાવ્યમાં બે ગુણો ખાસ હોવા જોઈએ એમ એ માને છે : ૧. ઔચિત્ય અને ૨. સૌભાગ્ય. ઔચિત્ય એટલે દેશ, કાળ, વક્તા, શ્રોતા વગેરેને અનુરૂપ રીતે વિષયવસ્તુનું નિરૂપણ અને સૌભાગ્ય એટલે કવિપ્રતિભા, શબ્દસામર્થ્ય, અર્થસામર્થ્ય, ગુણ અને વક્તા વગેરે વાચકના ચિત્તને આહ્લાદથી ભરી દેનારી વસ્તુઓ. અલંકારો વક્રતા સાથે મેળમાં હોવા જ જોઈએ, અન્વિત હોવા જ જોઈએ, નહિ તો તે અલંકાર રહેતા નથી. એણે રસને વક્રતાનો જ એક પ્રકાર માન્યો છે અને તે શબ્દવાચ્ય નથી. ધ્વનિને પણ એ વક્રતામાં જ સમાવી દે છે; અને તેના વસ્તુ, અલંકાર અને રસ એવા ત્રણ પ્રકાર સ્વીકારે છે. [હું આટલું જ લખી શક્યો હતો. આ પછીનું હું મોઢેથી બોલ્યો હતો. તેના મુદ્દાઓ અત્રે ટપકાવું છું.] ભટ્ટ નાયકે રસાસ્વાદની પ્રક્રિયાની સમજૂતીમાં સાધારણીકરણનો વિચાર દાખલ કરી મહત્ત્વનો ફાળો આપ્યો. આનંદવર્ધને કાવ્યનો આત્મા ધ્વનિ છે એમ કહ્યું અને અભિધા, લક્ષણ, તાત્પર્ય, અર્થાપત્તિ કે અનુમાન વગેરેથી ભિન્ન વ્યંજનાનું સમર્થ રીતે પ્રતિપાદન કર્યું: જ્યાં જ્યાં ધ્વનિ ત્યાં ત્યાં કાવ્ય એમ નહિ, પણ જ્યાં જ્યાં ચારુતાયુક્ત ધ્વનિ ત્યાં ત્યાં કાવ્ય એવી સ્પષ્ટતા કરી. વસ્તુ, અલંકાર અને રસાદિ એવા ધ્વનિના ત્રણ પ્રકાર સ્વીકાર્યા, પણ એ ત્રણેમાં રસાદિ જ મુખ્ય છે અને તે જ કાવ્યનો આત્મા છે, વસ્તુ અને અલંકાર પણ અંતે રસમાં જ પર્યવસાન પામે છે એમ બતાવ્યું અને એ રસને જ કેન્દ્રમાં રાખી કાવ્યનાં બધાં જ અંગો – શબ્દ, અર્થ, સંઘટના, ગુણ, અલંકાર વગેરેનો વિચાર રસૌચિત્યની દૃષ્ટિએ જ કરવો જોઈએ અને પ્રબંધમાં વિભાવાદિનું નિરૂપણ, વસ્તુની પસંદગી અને તેની વિગતોના હાની-દાનમાં તેમ જ તેના સંધિઓ અને અંગોની યોજનામાં તથા અંગી અને અંગ રસોની વ્યવસ્થામાં પણ એ ઔચિત્યનો વિચાર જ પ્રધાન રહેવો જોઈએ એમ પ્રતિપાદિત કર્યું; તથા ધ્વનિને આધારે જ કાવ્યના પ્રકારો પાડી સળંગસૂત્ર કાવ્યવિચાર ખડો કર્યો. અભિનવગુપ્તે ‘અભિનવભારતી’ અને ‘ધ્વન્યાલોકલોચન’ એ બે ટીકા ગ્રંથો મારફતે રસનિષ્પત્તિની પ્રક્રિયાનો દર્શનની દૃઢ ભૂમિકા ઉપર ખુલાસો આપ્યો. તેમાં પૂર્વાચાર્યના મતનું શોધન કર્યું. એના મતે કવિના હૃદયની સાધારણીભૂત સંવિત્ એ જ કાવ્યનું મૂળ છે. એ સંવિત્ એ જ ખરું જોતાં રસ છે, અને એ કવિગત રસ એ બીજ છે, કાવ્ય એ એમાંથી પ્રગટેલું વૃક્ષ છે, અભિનય વગેરે નટવ્યાપાર પુષ્પ સ્થાને છે, અને સામાજિકનો રસાસ્વાદ એ ફળને સ્થાને છે. આમ, કવિગત સાધારણભૂત ભાવ અથવા રસમાંથી કાવ્યનો જન્મ થાય છે અને ભાવકના રસાનુભવમાં તેનું પર્યવસાન થાય છે. આમ, એમને મતે રસનો આસ્વાદ લેનાર સામાજિકનું ચિત્ત એ રસનું અધિષ્ઠાન છે. સામાજિકના ચિત્તમાં વાસનારૂપે રહેલો સ્થાયી, અભિનય જોતાં કે કાવ્ય વાંચતાં સમુચિત વિભાવ અનુભાવ અને વ્યભિચારી ભાવોથી અભિવ્યક્તિ પામી રસરૂપે આસ્વાદાય છે. અને એ રસ જ કાવ્યનો મુખ્ય અર્થ છે. આમ, એમણે કવિ અને ભાવકનો બંનેનો યોગ સાધી કવિતાના તત્ત્વને એટલે કે તેના સાચા સ્વરૂપને ‘કવિસહૃદયાખ્યમ્’ કહ્યું છે.


  1. ૧ धर्मार्थकाममोक्षेषु वैचक्षण्यं कलासु च ।
    करोति कीर्ति प्रीतिं च साधुकाव्यनिबन्धनम् ॥ १-२ ॥
  2. ૧. गुरूपदेशादध्येतु शास्त्रं जडधियोऽन्यलम् ।
    काव्यं तु जातु जायेत कस्यचित् प्रतिभावतः ।। १-५ ॥
  3. ૩. मघुरं रसवद्वाचि वस्तुन्यपि रसस्थिति: | येन माद्यन्ति धमन्तो मधुनेव मधुव्रता: || ૧ ૫૫ ||
  4. ૪. सम्यक् प्रतिपादयितुं स्वरूपतो वस्तुस्तत्समानमिति |
    वस्त्वन्तरभभिदध्यात् वक्ता यस्मिन् तदौपम्यम् ||૧૫||
    यो यादृशो वक्ता येन प्रकोरण वक्तुमिच्छिति तादृशमेव वस्त्वन्तर मभिदध्यात् तदौपम्यम् |