શબ્દલોકના યાત્રીઓ – ૧/અમૃતલાલ યાજ્ઞિક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અમૃતલાલ યાજ્ઞિક

સાહિત્ય અને શિક્ષણને ગાઢ સંબંધ છે. કાકાસાહેબ તો પોતાને લેખક કરતાં અધ્યાપક તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે. ગુજરાતમાં આ બંનેના સુભગ સંયોજન રૂપ જે થોડી વ્યક્તિઓ આપણી પાસે છે એમાં હું અમૃતલાલ યાજ્ઞિકને ઉમળકાભેર મૂકું. બંને વિષયો પર એમની અદ્ભુત પકડ. સાહિત્ય આદિ કળાઓ માનવ જીવનને સંવાદી, સત્ત્વશીલ અને પ્રાણવાન બનાવે એમાં જ એની ચરિતાર્થતા જોનારા ગણ્યાગાંઠ્યા શિક્ષણશાસ્ત્રીઓમાંના એક આચાર્ય યાજ્ઞિક છે. હમણાં તે લાંબી શૈક્ષણિક કારકિર્દીમાંથી નિવૃત થયા છે. પણ એમને નિવૃત્ત કોણ થવા દે? અનેક સાહિત્યિક અને શૈક્ષણિક સંસ્થાઓને તેમના બહોળા અનુભવ અને જ્ઞાનનો લાભ સદૈવ મળ્યા કરે છે. શ્રી અમૃતલાલ યાજ્ઞિકનો જન્મ ૮મી ઑગસ્ટ ૧૯૧૩ના રોજ થયેલો. મૅટ્રિક સુધીનો અભ્યાસ ધ્રાંગધ્રા(સૌરાષ્ટ્ર)માં કર્યો એમ.એ. સુધીનો અભ્યાસ ભાવનગરની પ્રસિદ્ધ શામળદાસ કૉલેજમાં કર્યો. કારકિર્દીના આરંભે મુંબઈની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. એ પછી રૂઇયા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક નિમાયા. એ વખતે પ્રસિદ્ધ કવિ-વિવેચક મનસુખલાલ ઝવેરી મુખ્ય અધ્યાપક હતા. ૧૯૪૦માં મનસુખભાઈ રાજકોટ ગયા અને યાજ્ઞિક સાહેબ મુખ્ય અધ્યાપક બન્યા. ૧૯૪૮માં તે પૂનાની શિક્ષણ પ્રસારક મંડળીમાં આજીવન સભ્ય તરીકે જોડાયા. આ સંસ્થામાં એક અમૃતલાલ યાજ્ઞિક સિવાય અન્ય સભ્યો મરાઠીઓ હતા. રૂઇયા કૉલેજ, પોદાર કૉલેજ (મુંબઈ) તેમ જ પૂનાની નૂતન મરાઠી વિદ્યાલય, શોલાપુરની હાઈસ્કૂલ તેમ જ પૂનાની સર પરશુરામ કૉલેજ, તિલક કૉલેજ ઑફ એજ્યુકેશન આદિ સંસ્થાઓના સંચાલનનું કામ આ આજીવન સભાસદ મંડળ કરતું. એની કેન્દ્રીય કચેરી પૂના ખાતે હતી. આજીવન સભાસદ જ પ્રિન્સિપાલ, વાઈસ પ્રિન્સિપાલ બની શકે. યાજ્ઞિકસાહેબ રૂઇયા કૉલેજની હૉસ્ટેલમાં રેક્ટર બન્યા. ૧૯૫૨થી ૧૯૬૦ સુધી આ પદે રહ્યા. એવામાં સોમૈયા કૉલેજની સ્થાપનાનાં ચક્રો ગતિમાન બન્યાં. તેમને એ કૉલેજના આચાર્ય થવાનું નિમંત્રણ મળ્યું. એક વર્ષ તેમણે એ કાર્ય કર્યું. ૧૯૬૧માં વિલેપાર્લેમાં મીઠીબાઈ કૉલેજની સ્થાપના થતાં તે એ સંસ્થામાં આચાર્ય તરીકે જોડાયા. ગયે વર્ષે નિવૃત્ત થયા ત્યાં સુધી એક સફળ, યશસ્વી આચાર્ય તરીકે તેમણે એ સંસ્થાને આપેલી સેવાઓ ચિરસ્મરણીય રહેશે. સામાન્ય રીતે ગુજરાતી, મરાઠી કે હિંદી જેવી પ્રાદેશિક ભાષાના પ્રોફેસર મુંબઈ યુનિવર્સિટીમાં પ્રિન્સિપાલ થયા નથી. અમૃતલાલ યાજ્ઞિક એમાં અપવાદરૂપ છે. આચાર્યના હોદ્દાની રૂએ યુનિ.નાં વિવિધ સત્તામંડળોમાં તેમણે પ્રશસ્ય કામગીરી બજાવી. મુંબઈ યુનિ.ના ગુજરાતી બોર્ડના અધ્યક્ષ તરીકે પણ તેમણે કીમતી સેવાઓ આપી. પૂના યુનિવર્સિટી અને એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીની અભ્યાસ સમિતિમાં સભ્ય છે. મહારાષ્ટ્ર રાજ્યની પાઠ્યપુસ્તક સમિતિમાં વર્ષોથી કાર્ય કરતા આવ્યા છે. હાલ પ્રાથમિક શિક્ષણના પાઠ્યપુસ્તક નિર્મિતિ મંડળમાં ગુજરાતી વિષયના પ્રમુખ છે. પ્રાથમિકથી આરંભી એમ.એ. અને પીએચ.ડી, સુધીના શિક્ષણક્રમનો વિશાળ અનુભવ તેઓ ધરાવે છે. તેમણે અન્ય લેખકોના સહયોગમાં સૂઝવાળાં પાઠ્યપુસ્તકો પણ લખ્યાં છે. બૃહદ્ મુંબઈની અનેક શાળા-કૉલેજોની સલાહકાર સમિતિમાં ટ્રસ્ટી, ઉપપ્રમુખ તરીકે કાર્ય કરી રહ્યા છે. લોકભારતી સણોસરાની વિદ્યા સમિતિમાં છે. આચાર્ય અમૃતલાલ યાજ્ઞિકનું નામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સૂચવાયેલું પણ તેમણે એ કામ ન સ્વીકાર્યું. જો તેમણે એ સ્વીકાર્યું હોત તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ અવશ્ય વધ્યું હોત. તેમના જેવા શિક્ષણશાસ્ત્રીના સુપ્રયત્નોથી એના પ્રશ્નો ઉકેલવાની દિશામાં ઘણી મદદ મળત એમ માનનાર વર્ગમાં હું છું. લાંબી શૈક્ષણિક કારકિર્દી પછી અમૃતલાલ યાજ્ઞિક નિવૃત્ત થયા ત્યારે સમાજે એમના પ્રત્યે અકલ્પ્ય આદર દાખવ્યો. એક લાખ અને ત્રણ હજારની થેલી તેમને અર્પણ કરી. આ રકમ તેમણે લોકભારતીને આપી દીધી. તેમણે રૂઇયામાં કામ કર્યું હતું એટલે માટુંગામાં પચીસ હજારની થેલી અર્પણ થઈ તે તેમણે ત્યાંના વિસ્તારમાં શિક્ષણકાર્ય માટે આપી દીધી, જ્યાં તેમણે વર્ષો સુધી આચાર્ય તરીકે સેવા આપી તે વિલેપાર્લે કેળવણી મંડળમાં રૂ. બાવીસ હજાર આપીને એના વ્યાજમાંથી દર વર્ષે તેમના નામની વ્યાખ્યાનમાળા યોજાય એમ ઠરાવ્યું. આમ યાજ્ઞિકસાહેબને સમાજે જે આપ્યું તે તેમણે સમાજને ચરણે ધરી દીધું. તે જીવનભર સાચા ‘બ્રાહ્મણ’ રહ્યા અને સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં તન, મન અને ધનથી સેવાઓ આપી. આપણો સમાજ કેમ ઊંચે આવે એ માટે સતત ચિંતન કર્યું. એમના ચિંતનમનનના પરિપાક રૂપે આપણને પ્રેરણાદાયી પુસ્તકો તેમણે આપ્યાં છે. અમૃતલાલ યાજ્ઞિક ગુજરાતી સાહિત્યમાં વિવેચક તરીકે, શિક્ષણમીમાંસક તરીકે અને ગંભીર નિબંધોના લેખક તરીકે પ્રસિદ્ધ છે. ૧૯૭૧માં પ્રગટ થયેલા તેમના વિવેચનલેખોના સંગ્રહ ‘ચિદ્ઘોષ’માં નરસિંહ-પ્રેમાનંદ જેવા મધ્યકાલીન કવિઓ, બળવંતરાય, કાન્ત જેવા પંડિત યુગના લેખકો અને ગાંધીયુગના ગાંધીજી, રા. વિ. પાઠક અને અનુગાંધીયુગના ચૂનીલાલ મડિયા જેવા લેખકોની કૃતિઓ વિશેના સ્વાધ્યાયલેખો સંગ્રહાયા છે. સહૃદયતા, તટસ્થ મૂલ્યાંકન અને પરિપક્વ સાહિત્યદૃષ્ટિનો અનુભવ પદેપદે થાય છે. યાજ્ઞિકસાહેબને ભાષાના પ્રશ્નોમાં પણ જીવંત રસ છે. તેમણે જુદી જુદી કક્ષાએ ઉપયોગી નીવડે એવાં ગુજરાતીનાં વ્યાકરણો પણ આપ્યાં છે. તે વિવેચક તરીકે અંતિમરાગી નથી, સૌમ્ય છે પણ સ્પષ્ટવક્તા પણ એટલા જ છે. વિજયરાય વૈદ્યે ‘ગુજરાતી સાહિત્યની રૂપ-રેખા’નું નવસંસ્કરણ પ્રગટ કર્યું ત્યારે યાજ્ઞિક સાહેબે એને ‘ગુજરાતી સાહિત્યનો ગંભીર મર્યાદાઓથી ભરેલો ઈતિહાસ’ કહ્યો હતો. ‘આત્મગંગોત્રીનાં પુનિત જળ’ એ શિક્ષણ અને સમાજવિષયક પ્રકીર્ણ લેખોનો સંગ્રહ છે. એક સંનિષ્ઠ અધ્યાપકે પોતાની સમક્ષ રજૂ થતા પ્રશ્નોને કેવળ શૈક્ષણિક દૃષ્ટિએ કેમ ઉકેલ્યા એનું બયાન રોચક છે. લેખકની પાસે એક ચોક્કસ જીવનદૃષ્ટિ છે અને એનો વિનિયોગ કેળવણીવિષયક પ્રશ્નોને ઉકેલવામાં કેવો કામયાબ નીવડે છે એનું આપણને દર્શન થાય છે. આજે કેળવણી વિશે ચારે કોર વ્યાપી રહેલા અંધકાર વચ્ચે એક અધ્યાપક અપાર ધીરજ અને વાત્સલ્યથી ઘીના દીવાની જ્યોતનો સાત્ત્વિક પ્રકાશ કેવો રેલાવી રહે છે તે અહીં અનુભવાય છે. ‘આત્મગંગોત્રીનાં પુનિત જલ’ પાવક અને પ્રેરક બંને છે. આ પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદે છેલ્લાં બે વર્ષોનાં સામાજિક અને શૈક્ષણિક પુસ્તકોમાં શ્રેષ્ઠ ગણીને શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા પારિતોષિક એનાયત કર્યું છે. ગુજરાત સરકારનું પારિતોષિક પણ એને મળેલું. ‘જગગંગાનાં વહેતાં નીર’માં પણ સ્વાનુભવ વર્ણવતા પ્રસંગોનું આલેખન છે. ‘જાગીને જોઉં તો’ એ પુસ્તકમાં “સંસારનાં બાહ્ય ચક્ષુઓ બંધ કરીને જ્યારે હૃદયનાં અંતર્ચક્ષુઓથી અનુભવ જગત જેવું નિહાળ્યું છે” તે આલેખ્યું છે. તેમનું નવું પુસ્તક ‘મુખડા ક્યા દેખો દરપનમેં’ પ્રગટ થવામાં છે. તેમણે અન્ય લેખકોના સહયોગમાં અનેક પુસ્તકો સંપાદિત કર્યાં છે અને કેટલાંક સારાં પુસ્તકો ગુજરાતીમાં ઉતાર્યાં પણ છે. આજે તમે કોઈ પણ શિષ્ટ માસિકનો અંક જોશો તો એમાં અમૃતલાલ યાજ્ઞિકના પ્રેરક લેખો અચૂક વાંચવા મળશે. ‘મુંબઈ સમાચાર’માં દર અઠવાડિયે અને ‘જન્મભૂમિ પ્રવાસી’માં દર પખવાડિયે તેમની કલમપ્રસાદી સુલભ થાય છે. આચાર્ય અમૃતલાલ યાજ્ઞિક સાહિત્ય-શિક્ષણ ક્ષેત્રમાં ‘યાજ્ઞિક-સાહેબ’ના વહાલસોયા નામથી ઓળખાય છે. ગ્રીકોજ્ઞાન (Knowledge) કરતાં ડહાપણ (wisdom)નો મહિમા કરતા. યાજ્ઞિકસાહેબ સ્નેહ, સૌજન્ય અને શાણપણની મૂર્તિ છે. તેમના જેવા દૃષ્ટિસંપન્ન કેળવણકાર, આજન્મ અધ્યાપક, વ્યવહારદક્ષ વિદ્યાપુરુષ અને ગંભીર શૈલીના સુઘડ નિબંધકાર આપણી પાસે ઝાઝા નથી. બૃહદ્ મુંબઈની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા તેઓ પોતે જ સંસ્થારૂપ બની ગયા છે. અને છતાં એમની આજુબાજુ આત્મીયતા અને સૌહાર્દની જે સૌરભ પ્રસરેલી છે તેનો આનંદદાયક અનુભવ કેટલાં બધાંને છે!

૧૬-૯-૭૯