શબ્દલોકના યાત્રીઓ – ૧/ભૃગુરાય અંજારિયા
સ્વ.ભૃગુરાય અંજારિયાને પચીસેક વરસથી ઓળખું. તેઓ શ્રી ઉમાશંકર જોશીના માર્ગદર્શન હેઠળ ‘કાન્ત’ ઉપર પીએચ.ડી. કરવા અમદાવાદ આવ્યા ત્યારે એમનો પરિચય થયો. થોડા જ દિવસોમાં અમે મિત્રો બની ગયા. અમારી વચ્ચે ઉંમરનો ખાસ્સો ફેર હતો પણ ભૃગુરાયનો સ્વભાવ એવો કે તે મને ક્યારેય મુરબ્બી લાગ્યા નથી! અમે અવારનવાર મળતા. સાહિત્ય અને સાહિત્યકારોની વાતો તો થાય પણ જીવન અને સમાજની પણ ઘણી વાતો નીકળે. શરીરશાસ્ત્રનું પણ તેમનું જ્ઞાન ઘણું. વિવિધ રોગો અને સાજા થવાના ઉપચારો વિશે પણ ઘણું જાણે. ભૃગુરાયની વિદ્યાકીય સજ્જતા વિરલ ગણાય એવી હતી. સાહિત્યશાસ્ત્ર, વિવેચન, ભાષા-વ્યાકરણ અને છંદ આદિ વિષેનું તેમનું જ્ઞાન ઊંડું અને તલસ્પર્શી હતું. તેમના અભ્યાસલેખોમાં એ જણાઈ આવે છે. તેમનાં કીમતી વિવેચનાત્મક લખાણોને તેમણે ગ્રંથસ્થ ન કર્યાં, અમે આગ્રહ કરતા રહ્યા પણ ભૃગુરાય ખૂબ ઉદાસીન પ્રકૃતિના. એના બદલે તેઓએ બીજાઓનાં લખાણો શાસ્ત્રીય રીતે સંપાદિત કરી આપ્યાં. ‘બારી બહાર’ અને ‘આરાધના’ને એનો લાભ મળેલો. ‘આરાધના’નું તો તેમણે ટિપ્પણ પણ લખેલું. બીજા અભિનંદન ગ્રંથો તો જુદા. સ્વ. નરસિંહરાવના કવિતાવિષયક લેખો ‘કવિતાવિચાર’ રૂપે સંપાદિત કરી આપ્યા એ એમની મોટી સાહિત્યિક સેવા ગણય. એ જ રીતે ‘કાન્ત’નો ‘શિક્ષણનો ઈતિહાસ’ વર્ષો પછી પુનર્મુદ્રિત થયો એની પાછળ પણ તેમની પ્રેરણા રહેલી છે. જ્યાં જ્યાં વિદ્યા સંશોધન પ્રવૃત્તિ થતી હોય ત્યાં ત્યાં કોઈ ભૃગુરાયની મદદ માગે તો તે ગાંઠનું ગોપીચંદન ખોઈને સમય અને શક્તિ આપે જ. આ વસ્તુ એમના સ્વભાવમાં હતી. ‘કાન્ત’ વિશે તેમણે જે સાલવારી બનાવેલી, કેટલાંક ગૃહીતોને હકીકતોથી પડકારેલાં, ‘કાન્ત’ની કૃતિઓનાં પાઠાંતરોનું સંશોધન કરેલું, એમના છંદપ્રયોગોને તપાસેલા, એટલું પણ સુવ્યવસ્થિત રૂપે તેમણે મૂકી આપ્યું હોત તો ‘કાન્ત’ના કવન અને જીવન ઉપર નવો પ્રકાશ પડત. ભૃગુરાયને માટે પીએચ.ડી.ની ડિગ્રી મહત્ત્વની ન હતી, આ નિમિત્તે કામ થાય તે મહત્ત્વનું હતું. એ વખતે તે મીઠીબાઈ કૉલેજમાં અંગ્રેજી શીખવતા. આચાર્ય અમૃતલાલ યાજ્ઞિક ભૃગુરાયને ઇષ્ટ એવી અનુકૂળતાઓ કરી આપતા. સૌનો એક જ રસ હતો કે ભૃગુરાય પાસેથી કામ કઢાવવું! પણ એ ન બની શક્યું. ૧૯૭૬માં મેં ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’ શરૂ કરી. ‘કાન્ત’ વિશેની પુસ્તિકા તૈયાર કરવા માટે મેં તેમને વિનંતી કરી. અનેક મુશ્કેલીઓ – શરીરની, નોકરીની વગેરે તે રજૂ કરતા રહ્યા. તેમને કરવાની ઈચ્છા ખરી, પણ નિર્ણય ન કરી શક્યા. ગુજરાતી સાહિત્યમાં શું શું કરવા જેવું છે તે એમને સૂઝે. એ માટે ચોક્કસ નકશો પણ તેમની પાસે હોય. એમની રીતે કામ કરવાની તક મળી હોત તો આથી પણ વધુ થઈ શક્યું હોત. ભૃગુરાયને મેં વિરલ વિદ્વાન તરીકે ઓળખાવેલા. આપણે તેમનો યોગ્ય લાભ ન લઈ શક્યા એનો વસવસો છે. ભૃગુરાયનાં અન્ય વિવેચનાત્મક લખાણોમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પંદરમા સંમેલનમાં ‘પૂર્વાલાપઃ છંદની દૃષ્ટિએ’ એ નિબંધ (પાછળથી એ ‘રશ્મિ’માં છપાયેલો), ‘કાન્તનું ભાવના જીવન’ એ લેખ, પ્રહ્લાદ પારેખના ગીતસંગ્રહ ‘સરવાણી’ની દ્યોતક પ્રસ્તાવના ‘સરવાણીનાં વહેણ’ વગેરે ગણનાપાત્ર છે. ‘કલાન્ત કવિ’ના કર્તૃત્વ અને પાઠાંતરોની તેમણે કરેલી ચર્ચા, ‘અખાના છપ્પા’ના અર્થનિર્ણયની ચર્ચા, ‘જોડણીકોશ’ની ઝીણી શબ્દચર્ચા એ એમની વિદ્યાકીય સજ્જતાનાં સુફળ છે. તેમનામાં જોવા મળતી ઝીણી વિદ્વત્તા (Erudition) આજે તો કાંઈક વિરલ જેવી ભાસે છે. ઉમાશંકરના ‘પ્રાચીના’ વિશે પણ તેમણે લખેલું. અમૃતલાલ યાજ્ઞિકના સહયોગમાં તેમણે માધ્યમિક શિક્ષણ કક્ષાએ ગુજરાતી વ્યાકરણો પણ તૈયાર કરી આપેલાં. શ્રી ભૃગુરાય દુર્લભજી અંજારિયાનો જન્મ ૬ઠ્ઠી ઑક્ટોબર ૧૯૧૩ના રોજ રાજકોટમાં થયેલો. પિતા જામનગરની નવાનગર હાઈસ્કૂલમાં શિક્ષક હતા. દસેક વર્ષના થયા ત્યાં સુધીમાં તેમણે માતાપિતા બંને ગુમાવ્યાં. રાજકોટમાં ગુલાબરાય છાયાના કુટુંબમાં રહી ઊછર્યા અને ભણ્યા. હાઈસ્કૂલનું શિક્ષણ રાજકોટમાં લીધેલું. ભૃગુરાય ભણવામાં અત્યંત તેજસ્વી હતા, શાળામાં તેમનો નંબર પહેલા ચાર વિદ્યાર્થીઓમાં આવે. ઉચ્ચ શિક્ષણ તેમણે ભાવનગરની શામળદાસ કૉલેજમાં લીધું (૧૯૩૧થી ૧૯૩૫). બી.એ.માં તેમણે મુખ્ય વિષય અંગ્રેજી અને ગૌણ વિષય ગુજરાતી રાખેલો. ૧૯૩૫માં તેમણે બી.એ.ની પરીક્ષા પસાર કરી. ૧૯૩૫થી ૧૯૩૭ તેમણે મુંબઈ વિલ્સન કૉલેજમાં એમ.એ.નો અભ્યાસ કરેલો. ૧૯૩૭માં એમ.એ.ની પરીક્ષામાં બેઠા. ગૌણ વિષય અંગ્રેજીનાં બે પેપરો આપ્યા પછી સેકન્ડ ક્લાસ કદાચ ન આવે એ દહેશતે તેમણે પરીક્ષામાં ડ્રોપ લીધો પરિણામ જાહેર થયું ત્યારે તે જે બે પેપરોમાં બેઠેલા એમાં તેમને સેકન્ડ ક્લાસ મળ્યો હતો! ભૃગુરાયની ગણતરી ખોટી ઠરી. તેમનાં ધોરણો આરંભથી જ કેવાં ઊંચાં હતાં તે આ દાખલામાં પણ દેખાઈ આવે છે. એ પછી તે સુપ્રસિદ્ધ સાક્ષર રામપ્રસાદ બક્ષી જેના આચાર્ય હતા તે સાન્તાક્રૂઝની વિખ્યાત પોદાર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા, ૧૯૩૭થી ૧૯૪૨ સુધી ત્યાં કામ કર્યું. ૧૯૪૩થી ૧૯૪૫ સુધી ચિલ્ડ્રન્સ એકેડેમીમાં કામ કર્યું. ૧૯૪૭થી ૧૯૫૨ સુધી તે સૌરાષ્ટ્રમાં રહ્યા. ત્યાં ચૂંટણી કાર્ય, રચનાત્મક કાર્યક્રમો વગેરેમાં રસ લીધો. નિરાશ્રિતોના પ્રશ્નો ઉકેલવામાં મદદ કરી. ૧૯૫૦થી ૧૯૫૨ સુધી તેમણે રાજકોટમાં ઢેબરભાઈ સાથે રહી રાજકારણમાં પણ ભાગ લીધો. ૧૯૫૨ના ડિસેમ્બરમાં શ્રી સુધાબહેન સાથે તેમનું લગ્ન થયું. ૧૯૫૭ થી ૧૯૬૦ સુધી ‘કાન્ત’ ઉપર પીએચ.ડી.નો અભ્યાસ કરવા તે અમદાવાદ રહ્યા. ૧૯૬૧થી ૧૯૬૫ સુધી અને ૧૯૭૧થી ૧૯૭૭ સુધી તેમણે વિલેપાર્લેની મીઠીબાઈ કૉલેજમાં અંગ્રેજી ભણાવ્યું. ૧૯૬૬થી ૧૯૭૦ સુધી તેમણે ફાર્બસ ગુજરાતી સભાને પોતાની સેવાઓ આપી હતી. ફાર્બસ ત્રૈમાસિકનું સંપાદન પણ કર્યું હતું. ૭ જુલાઈ ૧૯૮૦ને સોમવારે સડસઠ વર્ષની વયે તેમનું અવસાન થયું, તેમનાં પત્ની સુધાબહેન મુંબઈની કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપિકા છે. તેમને બે પુત્રીઓ છે : ચિ. શિવાની અને ચિ. ક્ષિતિ. ભૃગુરાય જેવા વિરલ વિદ્વાન, સત્યની અને તથ્યની ખોજ કરવાવાળા સંશોધક, સૌહાર્દ અને સ્નેહથી ભર્યા ભર્યા સજ્જનના અવસાનથી ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી છે. એમનાં અપ્રગટ લખાણોમાં એમની ભાવયિત્રી પ્રતિભાનું આનંદદાયક દર્શન થાય છે (તેમની કારયિત્રી પ્રતિભા થોડાં કાવ્યોમાં પણ પ્રગટ થઈ હતી), એમના જેવા મૂલગામી વિવેચનશક્તિવાળા વિવેચકો ગુજરાતી સાહિત્યમાં ઝાઝા જોવા મળતા નથી, ભૃગુરાયનાં બહુમૂલ્ય લખાણો એમનાં વિદુષી પત્ની સુધાબહેન સત્વરે પ્રગટ કરે એમ ઈચ્છીએ. ભૃગુરાયનો અક્ષરદેહ વર્ષો સુધી સાહિત્ય સાધકોને પ્રેરણા આપ્યા કરશે, પ્રભુ આ સારસ્વતના આત્માને ચિરશાંતિ અર્પો!
૨૮-૯-૮૦