શબ્દલોકના યાત્રીઓ – ૧/જયન્ત પાઠક
ગઈ ઓગણીસમીએ જયન્ત પાઠક ઘરે આવેલા. વાતવાતમાં તેઓ દેવગઢબારિયા કૉલેજમાં વ્યાખ્યાન માટે જવાના છે એ વાત કરી. આ નિમંત્રણ સ્વીકારવા પાછળ એક આકર્ષણ રાજગઢનું પણ હતું. અને એની વાત કરતાં એમના ચહેરા પર દીપ્તિ આવી. રાજગઢ એમનું વતન. જયન્તભાઈ પંચમહાલનું સંતાન, પંચમહાલની પ્રકૃતિ, એની આદિવાસી પ્રજા, એનો પહેરવેશ, એના રીતરિવાજો એ બધાંનો ચિતાર તેમણે પોતાની સ્મૃતિકથા ‘વનાંચલ’માં આપ્યો છે. ‘વનાંચલ’ એ એક કવિની કૃતિ છે એનો પદેપદે પરિચય થાય છે. કાકાસાહેબ કાલેલકરની ‘સ્મરણયાત્રા’ પછી કિશોર વયની આ માતબર સ્મૃતિકથા આપણને મળી છે. એનાં ઝીણાં વર્ણનો અને રેખાંકનોમાં લેખકની સર્જકતાનો હૃદ્ય પરિચય થાય છે. અને કેટલીક કંડિકાઓ તો કાવ્ય સુધી પહોંચે છે. તેમના કાવ્યસંગ્રહોમાં પણ આ શૈશવની સ્મૃતિ અને ગ્રામસંસ્કૃતિ પ્રત્યેનો આદિમ આવેગ જુદી જુદી રચનાઓમાં પ્રગટ થયો છે. તાજેતરમાં પ્રગટ થયેલા એમના કાવ્યસંગ્રહ ‘અનુનય’માં પંચમહાલનો વગડો, નદીનાળાં, આદિવાસી ભીલ કન્યાઓ, ખેતરમાં લહેરાતા પાક વગેરે આવે જ છે. એમાં એક કાવ્ય છે ‘પાછો વળું’. આ કાવ્યમાં ગ્રામસંસ્કૃતિ પ્રત્યેનો અનુરાગ હૃદયસ્પર્શી અભિવ્યક્તિ પામ્યો છે. નગરમાં વસવા છતાં, નગરજીવન સાથે સમરસ થયા છતાં કવિ ઝંખી તો રહે છે પોતાના ગ્રામજીવનને. તેઓ પોતાનું શૈશવ એવી સઘન રીતે જીવ્યા છે કે એ ગ્રામજીવનની પ્રકૃતિ સમેત સમગ્ર પરિવેશ તીવ્ર ઝંખના રૂપ બનીને તેમનામાં કાંઈક મધુર વ્યથા જન્માવે છે. શ્રી જયન્ત પાઠક સૌ પહેલાં કવિ છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘મર્મર’ ૧૯૫૪માં શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની પ્રસ્તાવના સાથે પ્રગટ થયો. એ પછી તેમણે ‘સંકેત’, ‘વિસ્મય’, ‘સર્ગ’, ‘અંતરીક્ષ’ અને છેલ્લે ‘અનુનય’ એમ કુલ છ કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે. સુન્દરમ્-ઉમાશંકર પછીના કવિઓમાં તેમણે પોતાનું નિશ્ચિત સ્થાન મેળવી લીધું છે. ૧૯૬૩માં પ્રગટ થયેલા ‘વિસ્મય’માં તેમની કવિતાની સઘળી લાક્ષણિકતાઓ પ્રગટ થઈ છે. હું ‘વિસ્મય’ને તેમનો પ્રતિનિધિ સંગ્રહ ગણું છું. અહીં પ્રકૃતિ, પ્રણય, કુટુંબજીવન, શૈશવ, માનવીય ગૌરવ વગેરે વિશે સંવેદનશીલ કવિના પ્રતિભાવો ચારુ અભિવ્યક્તિ પામ્યા છે. ‘મને આ પ્રીતિનું વળગણ પુરાણું પ્રિયતમે’ એમ ગાનાર કવિએ જીવનભર પ્રીતિનું ગાન ગાયા કર્યું. કવિ એ સિવાય કરે પણ શું? આ પ્રીતિની તૃષા એમની સંવિત્તિનો ઘટક અંશ છે. અવનવે રૂપે એ એને વર્ણવે છે. અનુનયની એમની રીત તો જુઓ, તે પ્રિયતમા માટે વીજળી પંખો, અરીસો, અત્તર, સાડીની પિન, રૂમાલ કે હાથ-ઘડિયાળ બનવાની મનીષા સેવે છે! જો એ મુક્તાવલિ બનીને પ્રિયતમાને હૈયે ઝૂલે તો તો ‘પુરાઈ જાઉં (ક્યાં નસીબ!) તનમાં હૈયું બનીને’. પ્રણયની આવી રીત જો પ્રિયતમાને પસંદ ન હોય તો તો તેની રીતે પણ એ પ્રેમ કરવા તૈયાર છે. પણ એમને જોઈએ છે સર્વાત્મભાવે પ્રેમ, પ્રેમ ને પ્રેમ. આ પ્રેમમાં વય, સ્થિતિ કે અન્ય આવરણો ક્યારેય વિક્ષેપક નીવડતાં નથી. ‘મર્મર’માં “તને અગર ચાહવા બની શકાય જો બાલક!” એમ ગાનાર કવિ જ કહે છે, “ભલે; પ્રીતિથી તો અધિક કશું લીલામય નથી; / અને પ્રેમીને શૈશવ વગર બીજું વય નથી.” પ્રણયકાવ્યો અને પ્રકૃતિકાવ્યોમાં પોતાના પૂર્વસૂરિઓની કવિતારીતિને અનુસરવાનું વલણ હોવા છતાં એ એમનાથી જુદા પણ તરી આવે છે. જયન્ત પાઠક પ્રકૃતિ પાસેથી કશોક બોધ તારવવાને બદલે પ્રકૃતિને એના યથાતથ રૂપમાં આપણી સમક્ષ મૂકે છે. પ્રકૃતિદર્શનથી જાગેલા પ્રતિભાવને પ્રતીતિકારક રૂપે રજૂ કરે છે. શ્રી પાઠકનાં પ્રકૃતિકાવ્યોની એક વિશિષ્ટતા તે એની સાથે જોડાતી શૈશવની સ્મૃતિ અને તદન્તર્ગત ચારુતા છે. વર્ષાના ભીના દિવસે. કવિનું મન વાદળની સાથે સાથે વતનના પંથ ભણી વહે છે. શ્રી જયન્તભાઈ ઘણાં વર્ષોથી સુરતમાં રહે છે. ૧૯૫૯માં આવેલી તાપીની રેલ વિશેનાં તેમનાં કાવ્યો રમણીય છે. જે પાણીનો આપણે રોજેરોજ અનુભવ કરીએ છીએ એ પાણી રેલરૂપે ઘરમાં ઘૂસતાં પૂરરૂપે અંગૂઠાને સ્પર્શે ત્યારે કેવો આંતરકંપ જગાવી રહે એનું વર્ણન સુંદર છે. અગાઉ ઉલ્લેખ કર્યો તે ‘અનુનય’માં–કવિના છેલ્લા પ્રસિદ્ધ કાવ્યસંગ્રહમાં–અવનવી રૂપછટાઓ જોવા મળે છે. વયના વધવા સાથે એમની કવિતા કરમાઈ નથી. કવિ તરીકે તે સતત વિકસતા રહ્યા છે, એનો આહ્લાદક પરિચય આ સંગ્રહમાં મળે છે. ‘અનુનય’ની પ્રસ્તાવના લખવા નિમિત્તે મેં શ્રી જયન્તભાઈની કવિતાને “વેદનાની વેલનાં રૂપાળાં ફૂલો” તરીકે ઓળખાવી છે. મેં લખ્યું હતું : “જયન્ત પાઠકની કવિતામાં વિષાદ–વેદનાનો ભાવ ચાલુ ઘૂંટાયા કરે છે પણ આશ્વાસક વસ્તુ એ છે કે કવિ આપણને ભેટ તો ધરે છે રૂપાળાં કાવ્યપુષ્પોની. કવિમાત્ર આ કરતો આવ્યો છે. અનેક લાગણીઓ, સંવેદનો અને સંવેગોમાં આમતેમ ફંગોળાતો કવિ મનુષ્ય તરીકે તો એનું જે કરતો હોય તે, પણ આપણે માટે તો તે લઈ આવે છે ચંપાનું ફૂલ. ‘અનુનય’માં આવાં કાવ્યકુસુમોનો આહ્લાદક ગજરો મળી આવશે.” ઉશનસ્ અને જયન્ત પાઠક - આપણા આ બંને કવિઓ પંચમહાલના. વર્ષોથી દક્ષિણ ગુજરાતમાં રહ્યા. બંનેની કવિતામાં દક્ષિણ ગુજરાતની પ્રકૃતિનું આલેખન થયું. આ બંનેની કવિતામાં કેટલુંક સામ્ય પણ છે. બંને પ્રણય અને પ્રકૃતિનાં વિવિધ રૂપો આલેખે છે ત્યારે ધીંગી બળકટ ઊર્મિઓને શબ્દબદ્ધ કરે છે. બંને રાગાવેગનાં ચિત્રો આપે છે. બંનેને બાળપણનું આકર્ષણ છે. પણ નિપરૂણરીતિ પરત્વે ઉશનસનો વિશેષ બરછટતામાં છે, જ્યારે જયન્ત પાઠકનો પરિષ્કૃતિમાં પ્રગટ થાય છે. શ્રી જયન્ત પાઠકનો જન્મ પંચમહાલ જિલ્લાના રાજગઢ મુકામે ઈ.સ.૧૯૨૦ના ઑક્ટોબરની ૨૦મી તારીખે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ રાજગઢમાં લીધું અને માધ્યમિક શિક્ષણ કાલોલમાં. બી.એ. સુધીનું શિક્ષણ એમ. ટી. બી. કૉલેજ, સુરતમાં લીધું. વડોદરા કૉલેજમાંથી ૧૯૪૫માં એમ.એ. થયા. પાંચ વર્ષ મુંબઈમાં પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી. ‘જન્મભૂમિ’, ‘હિંદુસ્તાન’ વગેરે દૈનિકોમાં કામ કર્યું. ૧૯૫૩થી એમ. ટી. બી. કૉલેજ, સુરતમાં ગુજરાતીના પ્રાધ્યાપક છે. બારેક વર્ષ ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરતની સંશોધનસંસ્થાના નિયામક તરીકે રહેલા. નર્મદ સાહિત્ય સભાની કારોબારી તથા ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના સભ્ય છે. ગુ. સા. પ.ના મંત્રી તરીકે પણ રહેલા. પી. ઈ. એન. સંસ્થાના સભ્ય છે અને સાહિત્ય અકાદમીની ગુજરાતીની સલાહકાર સમિતિના સભ્ય હતા. ઈ.સ.૧૯૭૨માં સાહિત્ય પરિષદના મદ્રાસ અધિવેશનમાં વિવેચનવિભાગના પ્રમુખ હતા. ડૉ. જયન્ત પાઠકને ૧૯૫૭માં કુમાર ચન્દ્રક મળેલો. ૧૯૭૧માં ‘નવચેતન’નો ચન્દ્રક મળ્યો અને ૧૯૭૬માં નર્મદ સુવર્ણચંદ્રક તથા રણજિતરામ સુવર્ણચન્દ્રક મળ્યા. મુંબઈ તથા ગુજરાત સરકાર તરફથી તેમનાં અનેક પુસ્તકોને પારિતોષિકો મળ્યાં છે. ૧૯૬૪માં ‘ધીરે વહે છે દોન’ માટે ‘સોવિયેત દેશ નેહરુ પારિતોષિક’ પણ તેમને મળેલું. તેમના કાવ્યસંગ્રહો જુદી જુદી યુનિ.ઓમાં પાઠ્યપુસ્તક તરીકે નિયત થાય છે. તેમની કવિતાનો સંચય ‘વગડાનો શ્વાસ’ ડૉ. સુરેશ દલાલે તૈયાર કર્યો છે તે હવે પછી પ્રગટ થશે. તેમણે સાક્ષર શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પીએચ. ડી.નો મહાનિબંધ લખેલો. ૧૯૬૫માં ‘આધુનિક કવિતાપ્રવાહ’ રૂપે તે પ્રગટ થયેલો. અને બીજી આવૃત્તિ પણ થઈ છે. આ ઉપરાંત તેમણે ‘કાવ્યલોક’, ‘આલોક, ‘ભાવયિત્રી’ વગેરે વિવેચનસંગ્રહો પ્રગટ કર્યા છે. કવિ-વિવેચક તરીકે તેમનું કાર્ય પ્રશસ્ય છે. સાંગોપાંગ અભ્યાસ, નિર્ભીક મતપ્રદર્શન, કૃતિ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ અને પૌરસ્ત્ય-પાશ્ચાત્ય સાહિત્યના અભ્યાસથી ઘડાયેલી ગદ્યશૈલી એમના વિવેચનલેખોને ધ્યાનથી જોવા પ્રેરે છે. તેમનો વિવેચનસંગ્રહ ‘સહાનુભૂતિ’ હવે પછી પ્રગટ થશે. તેમણે અન્ય લેખકો સાથે ચેખોવની વાર્તાઓ વગેરે ગુજરાતીમાં ઉતારી છે. ડૉ. જયન્ત પાઠક ગમે તે ક્ષણે માતબર કૃતિ આપી બેસે એવી સજ્જતા અને ક્ષમતાવાળા કવિ છે. તેમની પાસેથી સળંગ સુદીર્ઘ કાવ્યરચનાની આપણે પ્રતીક્ષા કરીએ.
૩-૯-૭૮