શબ્દલોકના યાત્રીઓ – ૧/વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

ગોવર્ધનરામે પોતાનો ગ્રંથ ‘સાક્ષરજીવન’માં સાક્ષરત્વનો આદર્શ રજૂ કર્યો છે. સાંપ્રત કાળમાં એનું મૂર્તિમંત ઉદાહરણ શ્રી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી છે. ગોવર્ધનરામ પણ રાજી થાય એવું એમનું જીવન અને સાહિત્યિક કાર્ય છે. મુખ્યત્વે તે વિવેચક છે. ગુજરાતી ભાષાના ચારપાંચ અગ્રણી વિવેચકોમાં એમની ગણના થાય. વિષ્ણુપ્રસાદ વિવેચક છે એટલા જ ચિંતક પણ છે. આપણા સંસ્કારજીવનનાં વિવિધ પાસાં વિષે એમની માંગલ્યપ્રેરક વિચારણા પ્રસંગોપાત્ત આપણને સાંપડી છે. તેમણે લેખનના આરંભકાળમાં કવિતા પણ લખેલી, પણ વિષ્ણુભાઈ કવિ નથી એવું મને ક્યારેય લાગ્યું નથી. વિવેચક સર્જક ગણાય કે નહિ એની ઘણી ચર્ચા આપણે ત્યાં થયેલી છે. વિષ્ણુપ્રસાદનાં રસદર્શી વિવેચનનો કોઈ પણ નિબંધ આપણને આ વિવાદમાંથી ઊંચે લઈ જાય અને વિવેચન પણ કેવું રસાવહ હોઈ શકે એનો પ્રત્યક્ષ પુરાવો આપે છે. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો જન્મ ૧૮૯૯ના જુલાઈની ચોથી તારીખે (જેઠ વદ ૧૨, સં. ૧૯૫૫) ઉમરેઠમાં થયો હતો. એમના પિતા રણછોડલાલ પ્રાણનાથ ત્રિવેદી અને માતા જેઠીબાઈ હરિપ્રસાદ ભટ્ટ. પિતા રેવન્યુ ખાતામાં નોકરી કરતા. અવારનવાર બદલીઓને કારણે વિષ્ણુપ્રસાદનું પ્રાથમિક શિક્ષણ બોરસદ અને ઠાસરામાં અને માધ્યમિક શિક્ષણ ઠાસરા, કપડવંજ અને નડિયાદમાં થયું. ૧૯૧૬માં નડિયાદની ગવર્ન્મેન્ટ હાઈસ્કૂલમાંથી તે મૅટ્રિક થયેલા અને ભાઉસાહેબ દેસાઈ સ્કૉરશિપ મેળવેલી. માધ્યમિક શિક્ષણ પૂરું કરી શ્રી વિષ્ણુપ્રસાદ ૧૯૧૬માં અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થયા. સંસ્કૃત અને અંગ્રેજી સાથે બી. એ.ની પરીક્ષા ૧૯૨૦માં પ્રથમ વર્ગમાં પસાર કરી. અભ્યાસકાળ દરમ્યાન તેમણે આચાર્ય આનંદશંકરના પ્રમુખપદે ‘સરસ્વતીચંદ્ર’ ઉપર અંગ્રેજીમાં વ્યાખ્યાન આપી પોતાની વિવેચન પ્રવૃત્તિનો આરંભ કર્યો. બી. એ. પછી તે ગુજરાત કૉલેજમાં દક્ષિણ ફેલો નિમાયા. ૧૯૨૧ના જાન્યુઆરીની ચોથીએ સુરતની એમ. ટી. બી. કૉલેજમાં અંગ્રેજી અને સંસ્કૃતના અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૨૩માં સંસ્કૃત અને ગુજરાતી સાથે એમ. એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી. ૧૯૨૩માં સુરતની સાર્વજનિક સોસાયટીના વોલંટિયર – આજીવન અધ્યાપક થયા. ૧૯૨૧થી ૧૯૬૧ સુધી તે એમ. ટી. બી. કૉલેજમાં અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતીના અધ્યાપક તરીકે રહ્યા. દીર્ઘકાલીન અધ્યાપક જીવનમાં તેમણે ઘણા વિદ્યાર્થીઓ તૈયાર કર્યા. તેમના માર્ગદર્શન હેઠળ પીએચ. ડી. કરી ઘણા વિદ્યાર્થીઓએ આ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૬૦થી ૧૯૬૬ સુધી તે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ચૂનીલાલ ગાંધી વિદ્યાભવનના અધ્યક્ષ હતા. એ પછી સંપૂર્ણ નિવૃત્ત છે અને સુરતમાં રહે છે. તેમનું પ્રથમ પુસ્તક ‘ભાવનાસૃષ્ટિ’ ૧૯૨૪માં પ્રગટ થયું. એમાં ફેન્ટસીઝ આપી છે. કાવ્યત્વના ઉન્મેષો હૃદ્ય નીવડ્યા છે. ૧૯૩૯માં તેમનો પ્રથમ વિવેચનસંગ્રહ ‘વિવેચના’ પ્રગટ થયો. ૧૯૪૯માં તેમને પચાસ વર્ષ થયાં એ પ્રસંગે તેમના વિદ્યાર્થીઓએ ‘પરિશીલન’ સંગ્રહ પ્રગટ કર્યો. ૧૯૪૬માં તેમણે અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય વિષે મુંબઈ યુનિ.નાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો આપેલાં તે એ નામે ૧૯૫૦માં ગ્રંથ સ્વરૂપે પ્રગટ થયાં. ૧૯૭૦માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થયેલી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપેલાં, તે ‘ગોવર્ધનરામઃ ચિંતક ને સર્જક’ રૂપે ૧૯૬૨માં પ્રગટ થયાં. ૧૯૬૦માં વિષ્ણુભાઈની ષષ્ટિપૂર્તિ રૂડી રીતે ઊજવાઈ. એ પ્રસંગે તેમના પ્રતિનિધિરૂપ વિવેચનાત્મક લખાણોનો ગ્રંથ ‘ઉપાયન’ પ્રગટ થયો. ૨૭મી નવેમ્બર ૧૯૬૦ના રોજ સુરતમાં યોજાએલા સુંદર સમારંભમાં ઉમાશંકરે કહેલું કે ‘જ્યાં જ્યાં પ્રજાજીવનના સાત્ત્વિક ઉન્મેષો પ્રગટ થતા હોય છે ત્યાં ત્યાં વિષ્ણુપ્રસાદની નજર ઠરે છે. તેઓ સુરુચિના ચોકીદાર છે. આવા પુરુષોથી સમાજ શોભે છે ને એ જ સમાજનું અમી છે.” કાકાસાહેબે તેમને સાહિત્યના ‘પહેરેગીર’ તરીકે ઓળખાવેલા. વિષ્ણુભાઈએ ગુજરાત સાહિત્ય સભા તરફથી ૧૯૩૯ના લલિત સાહિત્યની સમીક્ષા કરેલી અને પ્રો. જે. ટી. પરીખના સહયોગમાં ‘સાહિત્ય-મીમાંસા’નું સંપાદન કરેલું. તાજેતરમાં તેમનો વિવેચનગ્રંથ ‘સાહિત્ય સંસ્પર્શ’ પ્રગટ થયો છે. ષષ્ટિપૂર્તિ પ્રસંગે ઉમાશંકરે વિષ્ણુભાઈના સમગ્ર વિવેચનકાર્યનું મૂલ્યાંકાન કરતો ‘વિવેચનની સાધના’ નામે લેખ લખેલો. શ્રી વિષ્ણુપ્રસાદની સાહિત્યસેવા માટે તેમને ૧૯૪૪નો રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો. ૧૯૪૫-૪૯નો નર્મદ સુવર્ણચંદ્રક મળેલો. ઉપાયન ગ્રંથને ૧૯૬૩નો સાહિત્ય અકાદમી ઍવોર્ડ મળેલો. ૧૯૪૧માં અંધેરીમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં તે ભાષાવિજ્ઞાન વિભાગના પ્રમુખ નિમાયેલા અને ૧૯૪૯માં મળેલા જૂનાગઢ અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ હતા. ૧૯૬૨-૬૩માં કલકત્તામાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના તે પ્રમુખ હતા. ૧૯૭૧ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તેમને ડિ. લિટની માનદ પદવી એનાયત કરી હતી. ૧૯૭૪માં સાહિત્ય અકાદમીએ તેમને ‘ફેલોશિપ’ આપી. એક ગુજરાતી લેખકને મળી શકે એટલું બધું માનપાન વિષ્ણુભાઈને મળ્યું છે—એવી સત્ત્વશીલ એમની સાહિત્યસેવા છે. આપણા વિવેચકોમાં શ્રી. વિષ્ણુપસાદ ત્રિવેદી સાચા ‘એકેડેમિક’ અને ‘ક્રિએટિવ’ વિવેચક છે. વિષ્ણુભાઈમાં આપણા ગૌરવશાળી અધ્યાપકનો આદર્શ મૂર્તિમંત થયો છે. પ્રાધ્યાપક અને વિદ્યાભવનના અધ્યક્ષ હતા ત્યારે જુદી જુદી યુનિ.ઓની સેનેટ, ઍકેડેમિક કાઉન્સિલ, અભ્યાસ સમિતિઓ, વગેરેમાં માનભર્યા સ્થાને તેઓ રહી ચૂક્યા છે. નર્મદ સાહિત્યસભાના પ્રમુખ તરીકે ૧૯૩૮થી તેમણે સેવાઓ આપી છે. દક્ષિણ ગુજરાત સીમા પરિષદના પ્રમુખ તરીકે પણ તેમની વરણી થયેલી. તેમના ઉપર આનંદશંકરની ધ્રુવની પ્રગાઢ અસર પડેલી છે. આનંદશંકર તેમના ગુરુ હતા. આનંદશંકરને તેમણે ‘મધુદર્શી સમન્વયકાર’ કહ્યા છે. વિષ્ણુભાઈને માટે પણ આ શબ્દો સાર્થક્તાપૂર્વક પ્રયોજી શકાય, પણ એ સાથે જ વિષ્ણુભાઈનો કવચિત્ બ્રાહ્મણનો પુણ્યપ્રકોપ પણ દેખાય. કહેવાતા આધુનિક સાહિત્ય વિશે કે કહેવાતી પ્રયોગશીલતાના ઓઠા હેઠળ અત્યારની કેટલીક કવિતા હીનસત્ત્વ બની બેઠી છે; એના સામે તેમણે પોતાનો પ્રામાણિક ઉકળાટ પ્રગટ કર્યો જ છે. વિષ્ણુભાઈમાં બૌદ્ધિક પ્રામાણિકતા છે, સંવેદનશીલતા છે અને સત્યશોધનમાંથી જન્મતો સ્વમત-આગ્રહ છે. પોતાનો વિવેચનસંગ્રહ શ્રી. વિષ્ણુપ્રસાદને અપર્ણ કરતાં શ્રી. ઉમાશંકર જોષીએ લખ્યું છે:

“મૂંગી આશિષ શી જેની
સૌમ્ય વ્યક્તિત્વ માધુરી
મમરે શારદ વૃંદે,
સ્પર્શી મનેય તે ગઈ.”

ઉમાશંકર જાણે અત્યારના સૌ સારસ્વતોના મનોભાવને અભિવ્યક્તિ આપતા હોય એમ લાગે છે!

૮-૬-૮૦